Wednesday 29 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ટ્રાફિના ગુનાઓ અને ગ્રીટિંગ્ઝ કાર્ડ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટ્રાફિના ગુનાઓ અને ગ્રીટિંગ્ઝ કાર્ડ!
અમથું અમથું હસીએ-રતિલાલ બોરીસાગર

કેટલાંક વરસ પહેલાં એક ટીવી ચૅનલ પર વિશિષ્ટ પ્રકારના સમાચાર પ્રસારિત થયેલા. એમાં જયપુર (રાજસ્થાન)ના ટ્રાફિક નિયંત્રણ અધિકારીઓએ ટ્રાફિક્ધાા નિયમોના પાલન અંગે લોકજાગૃતિ કેળવવા એક નવતર પ્રયોગ કર્યો હતો એની વિગત એ સમાચારમાં હતી. એક વર્ષ દરમિયાન જે નાગરિકોએ ટ્રાફિક્ધાા નિયમોનો યથાશક્તિ ભંગ કર્યો હોય તેમને જયપુરના ટ્રાફિક નિયંત્રણ અધિકારીઓએ નવા વરસના ગ્રીટિંગ્ઝ કાર્ડ મોકલ્યાં હતાં ને પછીના વર્ષમાં તેઓ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ નહિ થાય એવી શુભેચ્છા પ્રગટ કરી હતી. ગ્રીટિંગ્ઝ કાર્ડનાં સરનામાં કરવામાં વ્યસ્ત એવા અધિકારીઓને ક્લોઝ અપમાં દર્શાવવામાં આવ્યા હતા. ટ્રાફિક્ધાો ગુનો કરનાર માટે મૅમો લખવા ટેવાયેલા અધિકારીઓને શુભેચ્છા-કાર્ડ લખતા જોઈ હું એકદમ ભાવવિભોર બની ગયો હતો. મૅમો મેળવવા ટેવાયેલા વાહનચાલકો પણ મૅમોને બદલે શુભેચ્છા-કાર્ડ મેળવી ગદ્ગદિત થઈ ગયા હતા. આવા બેચાર ગદ્ગદિત નાગરિકોને ટીવી પર દર્શાવવામાં પણ આવ્યા હતા.

જયપુરના ટ્રાફિક ખાતાના આ નવતર પ્રયોગથી હું એકદમ પ્રભાવિત થઈ ગયો. અત્યાર સુધી હું એમ માનતો હતો કે નાગિરકો પાસે કાયદાનું પાલન કેવળ કાયદાના કડક અમલથી જ કરાવી શકાય. ઘર અને શાળામાં કાયદાપાલનની કેળવણીનું કામ અવશ્ય ચાલવું જોઈએ, પણ નાગિરકો કાયદાનું બરાબર પાલન કરે એ માટે તો ચુસ્ત વ્યવસ્થાતંત્ર જ અનિવાર્ય છે એવું હું સમજતો હતો.

અમદાવાદ શહેરમાં દરેક ટ્રાફિક પૉઇન્ટ પર એક કરતાં વધારે ટ્રાફિક પોલીસ ઊભા હોય છે. આવા પૉઇન્ટ પર લાલ લાઇટ હોય છે ત્યારે વાહનચાલકો વાહન થંભાવી દે છે. અલબત્ત, કેટલાક વાહનચાલકો એમની આગળના વાહનચાલકો ચાર રસ્તા પર અંતરિયાળ ઊંઘી ન જાય એવી શુભ ભાવનાથી સતત હૉર્ન માર્યા કરે છે. વાહનચાલકો લાલ લાઇટ જોઈને ઊભા રહે છે એવું કેટલાક ભોળા લોકો માને છે. મારા જેવા કેટલાક કાયદાનો ભંગ કરવાની શક્તિ અને હિંમતના અભાવે ખરેખર લાલ લાઇટને કારણે જ ઊભા રહેતા હશે. પણ મોટા ભાગના વાહનચાલકો લાલ લાઇટને કારણે નહિ, પણ ટ્રાફિક પોલીસની લાલ આંખ ન થાય તે ખાતર જ ઊભા રહે છે. એક વાર હું એક ચાર રસ્તા પર લાલ લાઇટ જોઈ મારું સ્કૂટર થંભાવીને ઊભો હતો (આમ તો જોકે સ્કૂટર પર બેઠો હતો એમ કહેવાય) એ વખતે પાછળના કારધારીએ બેચાર હૉર્ન માર્યા. આ પછી કારની બારીમાંથી ડોકું કાઢી બૂમ મારી 'કાકા... એ કાકા....' મારી પોતાની પાસે ભલે કાર ન હોય, પણ મારો ભત્રીજો કારધારી હોય એય મારે માટે આનંદની વાત ગણાય. મેં પાછું ફરીને ભત્રીજા સામે જોયું. એણે કહ્યું, 'કાકા, સ્કૂટર ઉપાડોને !' મેં લાલ લાઇટ તરફ આંગળી ચીંધી. એટલે ભત્રીજો બગડ્યો,

'લાલ લાઇટ તો મનેય દેખાય છે, પણ ટ્રાફિકવાળું કોઈ નથી એટલે તમતમારે હંકારો ને !' અને મેં સ્કૂટર હંકાર્યું. ભત્રીજાએ પાછળ મોટર હંકારી અને એકાએક બે ટ્રાફિક પોલીસ પ્રગટ થયા અને કાકો-ભત્રીજો બંને દંડાયા.

પોલીસચોકીમાં પણ ગુનો કબૂલ કરાવવા માટે આરોપી સમક્ષ ગીતા કે ઉપનિષદના શ્ર્લોકો બોલવામાં નહિ જ આવતા હોય એમ માનું છું. ચોરીના આરોપસર પકડાયેલા આરોપીને 'હે બંધુ ! આપ ચોરી કરવાના આરોપસર પકડાયા છો. પણ હે બંધુ ! ઈશોપનિષદમાં કહ્યું છે કે કોઈના ધનની અભિલાષા ન કર. આમ છતાં હે બંધુ, આપે એવી અભિલાષા કરી હોય તો એનો સ્વીકાર કરવો એ આપનો ધર્મ છે.' આવું કોઈ પોલીસ અધિકારી કહેતા હોય એવું જેમાં કશું બનવું અસંભવિત નથી એવી આપણી હિંદી ફિલ્મોમાં પણ દર્શાવાતું નથી.

એકવાર એક પોલીસ ઇન્સ્પેક્ટરની મોટરસાઇકલ એમના ઘર પાસેથી જ કોઈ ઉપાડી ગયું. પોલીસ અધિકારીએ પોલીસસ્ટેશને ફોન કરીને કહ્યું કે કલાકમાં ચોર પકડાઈ જવો જોઈએ. કલાક પૂરો થાય તે પહેલાં ઇન્સ્પેક્ટરનો નાનો ભાઈ કોઈ કામસર મોટરસાઇકલ લઈ ગયો હશે તે પાછો આવી ગયો. ભાઈએ ભાભીને વાત કરી હતી, પણ ઇન્સ્પેક્ટરે પત્નીને પણ ખબર ન પડે એવી કાળજી લઈ પોલીસસ્ટેશને ફોન કર્યો હતો. મોટરસાઇકલ આવી ગઈ છે એવી ઇન્સ્પેક્ટરે પોલીસસ્ટેશને જાણ કરી. સામેથી હેડ કૉન્સ્ટેબલે કહ્યું, 'પણ સાહેબ, આપની મોટરસાઇકલ ચોરવાના આરોપસર અમે છ જણને પકડ્યા છે.'

'એમને છોડી મૂકો' પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું.

'પણ સાહેબ, આ છમાંથી ત્રણ જણાએ તો ગુનો કબૂલી પણ લીધો છે ! એમનું શું કરવું ?' હેડ કૉન્સ્ટેબલે પોતાની મૂંઝવણ રજૂ કરી.

ઉપરના ટુચકામાં થોડી અતિશયોક્તિ હશે. પણ એકંદરે દુનિયાભરમાં કાયદાનું પાલન કાયદાના અમલીકરણ પર આધારિત હોય છે એવો સામાન્ય અનુભવ છે. આમ છતાં જયપુરના ટ્રાફિક ખાતા તરફથી જે નવતર પ્રયોગ થયો હતો તેનાથી હું જરૂર પ્રભાવિત થયો. ગુજરાતમાં પણ ટ્રાફિક ખાતાને આવો પ્રયોગ કરવાની પ્રેરણા થાય તો શુભેચ્છાના કાર્ડનું લખાણ કેવું હોવું જોઈએ એની સલાહ ટ્રાફિક ખાતાવાળાઓ મારી પાસે માગે તે સંભવિત નથી. આમ છતાં કોઈ સલાહ માગે તો જ સલાહ આપવી એવો દુરાગ્રહ મેં કદી રાખ્યો નથી. એટલે ગુજરાતીમાં આવાં કાર્ડનાં લખાણો કેવાં હોવાં જોઈએ એના કેટલાક નમૂના અત્રે આપું છું. કોઈ પણ પ્રકારનો પુરસ્કાર આપ્યા વગર ગુજરાતના ટ્રાફિક સત્તાવાળાઓ આ લખાણોનો ઉપયોગ કરી શકશે. અલબત્ત, હું ટ્રાફિક્ધાા નિયમોનો ભંગ કરું ને પકડાઉં તો મને કોઈ પણ પ્રકારનો દંડ ન કરવો એવી મારી અપેક્ષા છે ખરી, પણ આ અપેક્ષા સંતોષાવાની શક્યતા નહિવત્ હોવાથી એ પણ જતી કરું છું. કાર્ડના મુસદ્દાઓ નીચે પ્રમાણે છે :

પ્રિય ભાઈશ્રી,

નૂતન વર્ષાભિનંદન ! ગયા વર્ષે તમે લાલ લાઇટ હોવા છતાં સાઇકલ હંકારી જવાના ગુના સબબ પકડાયેલા. આમ તો સાઇકલવાળાઓ પ્રત્યે અમે દયાભાવ રાખીએ છીએ એટલે તમને કદાચ અમે જવા દીધા હોત. પરંતુ તમે પુરપાટ સાઇકલ હંકારી મૂકીને, ચાર રસ્તા પર ટ્રાફિક્ધાું નિયંત્રણ કરી રહેલા અમારા સાથી કર્મચારીને બેહાલ રીતે પછાડી દીધા હતા. એટલે તમારો ગુનો નોંધવાની અમને ફરજ પડી હતી. નવા વર્ષે તમે ટ્રાફિક્ધાા નિયમોનું અવશ્ય પાલન કરશો એવી અમારી હાર્દિક મનોકામના છે.

માનનીય સુશ્રી...

ગયા વર્ષે ટ્રાફિક્ધાા નિયમના ભંગ બદલ અમે તમને રોકવાની કોશિશ કરી હતી. પણ તમે અમારા આગ્રહને માન ન આપ્યું ને તમારું કાઇનેટિક હંકારી મૂક્યું હતું. ફરજ પરના અમારા કર્મચારીએ આગલે દિવસે જ નવાં ચશ્માં કરાવ્યાં હતાં એટલે એ તમારા કાઇનેટિક્ધાો નંબર બરાબર વાંચી શક્યા ને અમે તમારો ગુનો નોંધી તમને નોટિસ બજવી શક્યા. નોટિસમાં દર્શાવેલા સ્થળે નિયત સમયમર્યાદામાં હાજર થઈ તમે ગુનાની માંડવાળ માટે જરૂરી દંડ ભરી આપ્યો હતો. તમારે તે દિવસે એક લગ્નસમારંભમાં પહોંચવામાં મોડું થઈ રહ્યું હતું એટલે તમારાથી ટ્રાફિક્ધાા કાયદાનો ભંગ થયો હતો એવું તમે જણાવ્યું હતું. પણ અમારા એક મિત્ર એમ કહે છે કે જ્યાં લેડી (સ્ત્રી) હોય ત્યાં ડિલે (વિલંબ) હોય જ. તમે એકવીસમી સદીની લેડિઝો આ છાપ ભૂંસવા પ્રયત્નશીલ છો એ જાણી અમને ઘણો જ આનંદ થયો. તમારા પ્રયત્નમાં તમે સફળ થાઓ એવી નવા વર્ષે શુભકામનાઓ અને મોડું થતું હોય તો પણ ટ્રાફિક્ધાા કાયદાઓનું પાલન તો તમે અવશ્ય કરશો જ એવી વિનંતી પણ.

સ્નેહી ભાઈશ્રી,

ગયા વર્ષે ચાલુ મોટરે મોબાઇલ ફોન પર તમે તમારાં પત્નીને દાળમાં મીઠું ઓછું નાખવાની સૂચના આપી રહ્યા હતા ત્યારે એક રિક્ષા સાથે તમારી કાર સહેજ અથડાઈ ગઈ હતી. ચાલુ વાહને મોબાઇલ ફોન પર વાત કરવી એ ગુનો છે એટલે ઘેરથી નીકળતી વખતે જ યાદ કરીને તમારાં પત્નીને બધી સૂચનાઓ આપી રાખવાની ટેવ તમને પડે એવી નવા વર્ષે અમારી હાર્દિક શુભેચ્છાઓ છે. આમ કરવાથી અમારો ને તમારો ઘણો સમય બચશે. વળી, આમ કરવાથી તમારી ને બીજાંઓની જિંદગી બચી જવાની શક્યતા પણ વધશે એ તરફ તમારું ધ્યાન દોરીએ છીએ. પત્નીઓને ગમે તેટલી સૂચના મળે તો પણ તેઓ દાળમાં રોજ નાખતી હોય એટલું જ મીઠું નાખવાનું ચાલુ રાખતી હોય છે એ હકીકત તરફ પણ વિનમ્રપણે તમારું ધ્યાન દોરીએ છીએ.

સ્નેહી ભાઈશ્રી,

ગયા વર્ષે તમારી રિક્ષામાં તેર જણને ભરીને તમે હિંમતપૂર્વક ટ્રાફિક પૉઇન્ટ પરથી પસાર થયા હતા. રિક્ષામાં આટલા બધા માણસોને ગોઠવવાની તમારી કળા જોઈ અમે આભા બની ગયા હતા. તમને ઊભા રાખી પેસેન્જરોને અમે ઊતરવા કહ્યું ત્યારે તેઓ માંડ-માંડ બહાર આવી શક્યા હતા. ટ્રાફિક્ધાા આ ગુનામાં બીજા અનેક ગુનાઓ થવાની શક્યતા રહેલી છે એ તરફ તમારું ધ્યાન દોરી, નવા વર્ષે આટલા બધા પેસેન્જરો સાથે તમે અમારી નજરે નહિ ચડો એવી શુભભાવના વ્યક્ત કરીએ છીએ.

આવાં ગ્રીટિંગ્ઝ કાર્ડની નાની પુસ્તિકા થઈ શકે. પણ અત્યારે તો આટલેથી જ અટકીએ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtOfgUuwo6BBZ2yuzvCq%3DvJN7_wq%3DGi6ahu048ANo25_g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment