Friday 31 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ લાંબા સમયની દોસ્તી બને કંટાળાજનક, તો? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લાંબા સમયની દોસ્તી બને કંટાળાજનક, તો?
પુરુષ વાત- પુરુષ જાત-પરેશ શાહ

સમસ્યા આમ તો એકદમ સામાન્ય, પણ એનો ઉકેલ સહેલો નથી. અરે હા, જાણ કરવાનું રહી ગયું કે, આજના પ્રકરણમાં ફરી, ઈન્ડાયરેક્ટલી, ચંદુ ચિંદીનું પ્રાગટ્ય છે! ચંદુની પેઢીમાં પાથરેલા બાવાઆદમના કાળના, ચાદર પાથરવાની જરૂર નહીં ભાસતાં ગાદલા પર રોજ સાંજે આવીને કલાક બેસતા કંચનલાલ પંચિયાવાળાની આ વાત છે, આમ ચંદુ અપ્રત્યક્ષ રૂપે અહીં છે. પગલૂછણિયા, પંચિયા, ટુવાલ-નેપકિન વગેરેનો ધંધો કરતો કંચનલાલ બત્રીસ વર્ષનો છે. ઈન્ટર આર્ટ્સ સુધી ભણેલો છે. અપરિણીત છે, પણ એને એક સરસ મજાની મિત્ર છે, જે ૨૮ વર્ષની છે, ભણેલી છે, મ્યુનિસિપાલિટીની શાળામાં પ્રાથમિક સ્કૂલમાં પંદર વર્ષથી હંગામી શિક્ષિકા છે. બેઉ જણ લગભગ સાત વર્ષથી રિલેશનમાં છે એટલે કે પરણવાના આશયે પણ પરિસ્થિતિનાં માર્યાં દોસ્ત બનીને પ્રેમને ટકાવી રહ્યાં છે.

 

આ આપણા વ્યવસાયે અતિ વ્યસ્ત અને આર્થિક રીતે અતિ ત્રસ્ત સમાજની સ્થિતિ છે. પ્રેમમાં છે, બેઉ. કમાય છે, બેઉ..., પણ ઘર લેવાની ત્રેવડ વિકસાવી શક્યાં નથી એટલે 'છડાના છડા' રહ્યાં છે. હવે આ કંચનલાલ અને એની મિત્ર એકબીજાનાં સાન્નિધ્યમાં કંટાળવા માંડ્યાં છે. કંચનલાલના શબ્દોમાં "હવે તો એવું થયું છે કે અમે મળીએ ને શું વાત કરીએ એવો સવાલ થાય છે. ઈટ ઈઝ લાઈક ઓલ બીન સેઈડ ઍન્ડ ટૉક્ડ બિફોર. હાળું, જાણે બધુંય બોલવાનું ખતમ થઈ ગયું છે. હવે તો થાય કે પરણીને ફૂટપાથ પર રહી લઈશું... પણ આપણે ભણેલા-ગણેલા ખાનદાન માણસ એમ થોડું થાય? વળી, થાય છે કે છૂટાં પડી જઈએ તો એ એને રસ્તે સુખી થાય અને હું મારા રસ્તે. કંચનલાલનાં ઉત્સાહને પ્રોત્સાહન આપવાની ચંદુએ (ફોન પર) ખખડાવીને તાકીદ કરી છે. (ફોન પર ચંદુનો અવાજ પોલીસવાળા અમિતાભ બચ્ચન જેવો આવે છે.)

 

ખેર, જૂની મૈત્રીનો આદર રાખીને કંચનલાલને વાણીથી કહેવા જેવું કહ્યું એ જ અહીં શબ્દોમાં કહું. પહેલી વાત તો એ કે લાંબાં સમયની ઘેરી દોસ્તી જેને અંગ્રેજીમાં લોન્ગ-ટર્મ રિલેશનશિપ કહે છે એવી દોસ્તી-યારીમાં પાંચ-સાત વર્ષ ટકી રહેવું મુશ્કેલ છે, પણ આવી વર્ષોની યારીમાં બૉર થઈ જવું, કંટાળી જવું એકદમ સમાન્ય બાબત છે અને એમાં કશું સુપરહ્યુમન જેવું નથી. એકદમ ભૌતિક છે! લાંબાં સમયના એકધારા સંગાથમાં એકવિધતાની ઘરેડમાં સપડાઈ ગયાં જેવી લાગણી થવી તદ્દન સ્વાભાવિક છે. ક્યારેક આપણે કોઈને શાળાના સમયથી ઓળખતાં હોઈએ અને પ્રેમની લાગણી જેવી આત્મીયતા હોય ત્યારે પણ, પરિવર્તન ખાતર ક્યારેક કોઈ બીજાં સાથે હોવાનો ભાવ થવો એમાં 'બાપ રે' જેવું કશું નથી. માનવ-સહજ લાગણી છે એ અને સામાન્ય બાબત છે. ક્યારેક એવું બને કે સાલું આપણે ખરેખર યુવાનીનાં તોફાનો કરવામાંથી રહી ગયાના ખટકાનો અહેસાસ થાય. કંચનલાલને આ બધું થતું હતું છતાં એ મિત્રનો સંગાથ પડતો મૂકવા કે પોતાની જિંદગીમાં બીજી કેડી પર ચાલવાનું જોખમ લેવા માગતો નહોતો. હવે આવા કંટાળાને ભગાડીને સ્ટેગનન્ટ, બંધિયાર સંબંધમાં પ્રાણ ફૂંકવાની વાત.

 

એટલું તો સમજી લો કે સંબંધમાં આ પણ એક તબક્કો છે

એકની એક જ વ્યક્તિ સાથે તમે રોજનો ચોક્કસ સમય ગાળો છો ત્યારે તમે એની સાથે કમ્ફર્ટેબલ હો છો છતાં તેમાં કંટાળો-અણગમો હળવે રહીને પ્રવેશે છે. નોકરી-વ્યવસાયમાં સાથી કર્મચારીઓ સાથેનું સંભાષણ, ક્યારેક પાર્ટીઓ, સંગીતના જલસામાં અન્ય મિત્રો સાથે જવું, ક્યારેક એકત્ર થઈને પિકનિક પર નીકળી જવું વગેરે પ્રવૃત્તિ વધારે એક્સાઈટિંગ લાગે છે, મનભાવન લાગે છે. તમે અનેક લોકોને મળો છો અને એ વિશ્ર્વ તમને સદંતર નવું લાગે છે. આવા તબક્કે ભાવનિક રીતે, લાગણીના 'એ' તાંતણાં જોડે વફાદાર રહેવું બહુ મુશ્કેલ બને છે. તમે તમારા 'એ' મિત્રને દિલોજાનથી ચાહતા હો છતાં એ વાતે જાતને સમજાવવાનું પણ ક્યારેક મુશ્કેલ બની જાય છે. આવે વખતે તમારી જાતને સતત કહ્યા કરો, 'આ પણ જીવનનો એક કાળ છે, એક તબક્કો છે. એ પણ વીતી જશે. આ કપરો કાળ પણ વીતી જશે.' તમે તમારી જાતને થોડો મોકળો સમય આપો, તમારા પાર્ટનરથી દૂર રહીને થોડો સમય વીતાવો, જુઓ તો આ તરકીબ કામ કરે છે કે નહીં!

 

પ્રેમ આથમી ગયો હોય તો સરી એને જવા દો

તમે પ્રેમમાંથી નીકળી ચુક્યા હો તો 'શટર પાડી દેવું' જ બહેતર છે, પણ તમે સંબંધમાં જો માત્ર કંટાળાને કારણે પોતાને માટે 'દયાપાત્ર' બની ગયા હો તો અને તમારો સંબંધ પહેલા જેવો પ્રોત્સાહક કે એક્સાઈટિંગ નથી રહ્યો એવું લાગતું હોય તો સંગાથ પડતો મૂકવાના તમારા નિર્ણયનો ફેરવિચાર કરો. તમારી જાતને પૂછો કે તમે એમને કેમ ચાહો છો? એમની હાજરી તમારા જીવન માટે અનિવાર્ય કેમ છે? આ સવાલના જવાબમાં તમારા પ્રેમનું પલડું ભારે થઈને તમારા બૉરડમને ઊંચે ચડાવી દે તો માનજો તમારા પ્રેમ-જીવનમાં હજી કાફી બધું વજન છે. તો પછી એ સંબંધને, એ દોસ્તીને, સંગાથીને બે હાથે પકડી રાખો!

 

એ સોનેરી કાળમાં ફેરફટકો મારો

તમે બેઉ કેવી રીતે, ક્યાં મળ્યાં, કેવી રીતે પ્રેમનો પ્રાદુર્ભાવ થયો એ વિશે વિચારો, વાત કરો, એ પળોને ફરી અનુભવવા માટે ફરી બધું એ પ્રમાણે આચરો જે તમે પહેલી વખત મળ્યા ત્યારે આચરવામાં આવ્યું હતું. આને 'રિવિઝિટિંગ ઓલ્ડ ટાઈમ્સ' કહે છે. જે સાહસો ત્યારે કર્યા એ ફરી કરો. જે રખડપટ્ટી ત્યારે કરી એ ફરી કરો.

 

એ રોમાન્સની ફરી ખોજ કરો

તમારા એ કંટાળાને ભગાડી દેવા માટે ગંભીરતાથી પ્રવૃત્ત થાઓ, અંતરમાં ઊંડે ઊંડે તમને ખબર છે કે તમે 'એ' વ્યક્તિને કેટલું ચાહો છો. તમારા પ્રેમ-જીવનમાં આવી ગયેલી ડલનેસથી, અંધકારથી, બંધિયારપણાથી ઘૂંટણિયા ન તાણશો. સમયે સમયે તમારા એ રોમાન્સની સતત ખોજ કરતા રહો. એ સાથે મનમાં એવી કોઈ ભ્રમણા લઈને ન ચાલશો કે ખરા પ્રેમને, ટ્રુ લવને કશા ખોરાકની-પોષણની જરૂર નથી. રોમિયો-જુલિયેટ કે હિર-રાંઝા કે સોની-મહિવાલ પણ આવી લાંબી રિલેનશિપમાં રહ્યાં હોત તો એમના જીવનમાં પણ કંચનલાલ જેવો પ્રેમ થીજી ગયાનો, કંટાળાનો, બૉરડમનો તબક્કો આવ્યો જ હોત. રોમાન્સને જીવતો રાખવાની આવશ્યક્તા તો એમને પણ પડી હોત એ વાત ચોકક્સ!

 

સકારાત્મક પાસાં પર લક્ષ્ય કેન્દ્રિત કરો

સંબંધ, પ્રેમ-સંબંધ, દોસ્તી-યારી સતત તમને સુખની, ગુલાબીપણાંની લાગણી કરાવે એવાં મખમલી મખમલી કાયમ માટે ન જ હોઈ શકે. પ્રેમ તો કદાપિ એટલો સરળ વહેતો નથી. બેઉ જણે કોઈ પણ આસમાની-સુલતાની આવે પણ સાથે મળીને વૃદ્ધ થવું છે એ ભાવના પ્રેમ છે. એ માટે સતત પ્રયત્નશીલ રહેવું એ પ્રેમ છે. એકબીજાને ઈમ્પ્રેસ કરવાની, આંજી દેવાની સદંતર આવશ્યક્તા ન લાગે છતાં એકબીજાનાં સંગાથમાં સ્વસ્થતાનો અનુભવ કરવો એ પ્રેમ છે. આ પ્રેમને સતત જીવતો રાખવા માટે જીવનના સકારાત્મક પાસા પર ધ્યાન આપવાથી પ્રેમની અંદર લાગણીનો ભેજ ટકી રહે છે.

 

અવરોધો-અંતરાયો સાથે મળીને પાર કરો

જોકે, પ્રેમ અને પ્રેમ અને ફક્ત પ્રેમ સંબંધોમાં સરળતાની ગેરન્ટી નથી આપતો. તમારે એ માટે પ્રયાસ કરતા રહેવું પડે છે. પ્રેમ ભીનાશ ધરાવતો હોય ત્યારે પણ તમને કંટાળો આવી શકે છે. કોઈ એક વ્યક્તિ પાસે ઘર તરફ પાછા વળવાની ટેવને અનુસરતી વખતે પણ તમને અલગ પ્રકારનું જીવન જીવવાની ખેવના થશે. દરેક દિવસો તો સરખા હોતાં નથી. એક દિવસ તમને એમની ખોટ લાગશે તો બીજી કોઈ વાર એમની હાજરી તમારા અંગતપણાંમાં માથે લદાયેલાં હોવાનું પણ લાગશે. આવી તો સેંકડો બાબતો હશે, છે રાધર, જે તમારા સંબંધની પરીક્ષા લેશે, પણ સાથે હશો તો કોઈ પણ પરીક્ષા પસાર કરી દેવાશે, કોઈ પણ અંતરાયો વળોટી શકાશે. મહત્ત્વ એકબીજાની નિકટ નહીં ભલે, પણ સાથે હોવાનું, એક હોવાનું છે. સાથે રહીને જીવનમાં, સંબંધોમાં આવતાં અવરોધો દૂર કરી શકાશે.

 

આ વાત આપણે કંચનલાલ પંચિયાવાળાને ઉદ્દેશીને કરી છે, પણ કોઈ પણ ભાગીદારીમાં, દોસ્તીમાં પરીણીતોમાં, સંબંધોમાં લાગુ કરી શકાય છે, એ તો સમજાયું હશે. વેલ, કંચનલાલને એમનો સંબંધ લીલોછમ રહે એવી શુભેચ્છા આપીને વીરમીએ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou6R-Nd9feET1wCJ79kVchBSOgZZuqFX4kYbg9yzrDj4w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment