Wednesday, 29 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ લેટેસ્ટ સર્વે : દેશમાં ટેલેન્ટેડ લોકો કેટલું નહાય છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લેટેસ્ટ સર્વે : દેશમાં ટેલેન્ટેડ લોકો કેટલું નહાય છે?
મિજાજ મસ્તી-સંજય છેલ

ટાઇટલ્સ: ઊઠો, જાગો ને નહાવા જાઓ (વિવેકાનંદની માફી સાથે)

હમણાં મુંબઇની આઈ.આઈ.ટી. જેવી પ્રતિષ્ઠિત કૉલેજમાં વિદ્યાર્થીઓની પસંદ-નાપસંદ વિશે એક સર્વે કરવામાં આવ્યો અને એમાં ખબર પડી કે ૧૦માંથી છ સ્ટુડંટો, ૨-૩ દિવસે એકવાર જ નહાય છે. ૧૦ ટકા લોકો અઠવાડિયામાં એક જ વાર નહાય છે અને માત્ર ૩૦ ટકા વિદ્યાર્થીઓ જ રોજ નહાવાની તસદી લે છે. મુંબઇ આઈ. આઈ. ટી.માં ખૂબ બુદ્ધિશાળી બાળકોને જ એમાં એડ્મિશન મળે છે! તો આ સર્વે પરથી એક અર્થ એમ પણ કાઢી શકાય કે બુદ્ધિશાળી અને ટેલેન્ટેડ લોકોને નહાવાનો કંટાળો આવતો હોય છે! આપણે ત્યાં નહાવાનો ખાલીપીલી બહુ મહિમા છે. સવારે ઊઠીને નાહીને જ દિવસ શરૂ કરવો એવી આદતો માણસમાં નાનપણથી જ પાડવામાં આવે છે. ઓકે, સફાઈ માટે નહાવું જરૂરી છે, પણ એમાં આટલું શું મહત્ત્વ આપવાનું? લોકો કહે છે કે નહાવાથી ફ્રેશ થઈ જવાય, પણ અમને તો લાગે છે કે મોડાં ઊઠીને ના નહાઈએ તો જ ફ્રેશનેસ લાગે!

શાસ્ત્રો કહે છે ગંગા જેવી પવિત્ર નદીમાં નહાવાથી મોક્ષ મળે છે, પણ જો એમ હોત તો ગંગાની બધી માછલીઓના આત્માનું અત્યાર સુધી કલ્યાણ થઈ ગયું હોત. કહે છે સૃષ્ટિના આરંભમાં શિવજી એ એમના બળદને કહેલું કે જા, દુનિયામાં લોકોને મેસેજ આપી આવ કે દિવસમાં ત્રણ વાર નહાય અને એક વાર ખાય. બળદજીને રસ્તામાં ઠેસ વાગી અને લોકોને આપવાનો મેસેજ જરા ઊંધોચત્તો થઈ ગયો: ત્રણવાર નહાય ને એકવાર ખાયને બદલે એણે પ્રજાને કહ્યું: 'ત્રણવાર ખાજો અને એકવાર નહાજો.' ત્યારથી મોટા ભાગનાં લોકો એકવાર નહાય છે અને ત્રણવાર ખાય છે. થેંક ગોડ, સોરી થેંકસ બળદ, નહીં તો ત્રણ ત્રણ વાર આપણે નહાતાં હોત. ના નહાવામાં મને એક આળસનું નહીં પણ ક્રાંતિકારી આત્માનું લક્ષણ દેખાય છે. આખી દુનિયા વહેલાં ઊઠીને નહાય એટલે શું આપણે પણ નહાવાનું?

મને લાગે છે સાબુ અને શેમ્પૂના માર્કેટિંગવાળાઓનો આ માસ્ટરપ્લાન છે. લોકો રોજ નહાય એટલે રોજ એમનો માલ વેચાય. માણસનું તો ઠીક છે, ચકલીઓ પણ ધૂળમાં આળોટીને નહાતી હોય એ દૃશ્યમાં કવિઓને કવિતા દેખાય છે. આહાહા, શિયાળામાં હૂંફાળા તડકામાં ધૂપ ઉડાડીને નહાતી ચકલી.. 'મગ્ન છે મસ્તીમાં નગ્ન એકલી' વગેરે વગેરે... હવે પેલી બિચારી ચકલીને તો ખબર પણ નહીં હોય કે કોઈક નવરોધૂપ કવિ એને ધૂપમાં જોઈને આવાં લવારાં કરતો હશે! નળમાંથી ટીપાં ટપકતાં હોય અને કાગડો એની નીચે માથું ભીનું કરે તો ખટ્ક કરીને... લોકો ફોટો પાડીને નીચે સ્માર્ટ કેપ્શન લખે. નહાય નહાય તોય હાય હાય, 'કાગડો તો કાળો ને કાળો રે.'! સદ્યસ્નાતા એટલે કે નહાઈને તરત બાથરૂમમાંથી બહાર આવતી સ્ત્રીને જોઈને તો કવિઓ કોણ જાણે કેમ સાવ ઘેલાંઘેલાં થઈ જાય છે. યાર, જેમ પુરુષો નહાય એમ સ્ત્રી નહાય! એમાં શું નવી નવાઈ? મોટા ભાગની સ્ત્રીઓ નહાઈને નીકળે ત્યારે ગીઝર બંધ થયું કે નહીં, બાથરૂમની લાઈટ ચાલુ તો નથી રહી ગઈ ને? એવી બેમતલબની વાતોમાં જ તલ્લીન હોય છે. વળી ભીંનાં વાળ પાછળ લોકોને શું મોહ છે એ અમને સમજાતું નથી. ભીના વાળમાં મોટા ભાગની સ્ત્રીઓ, જૂના જમાનાંમાં ફિલ્મોમાં કે નાટકોમાં પુરૂષો-સ્ત્રીઓનાં રોલ કરતાં એવી ભાસે છે. જાણે માથાં પર કાળી ભીની વીગ ચોંટાડી હોય! અમુક સ્ત્રીઓ તો માથા પર ટુવાલની પાઘડી પહેરે છે, જેમાં એ લગભગ જુવાન સરદારજી જેવી દેખાય છે. હા, પણ જો છોકરીએ માત્ર ટુવાલ જ વીંટાળેલો હોય તો સ્વાભાવિક છે એનું ફીગર જરા વિશેષ આકર્ષક લાગે, પણ એતો એકજાતનું ચીટિંગ છે. એમાં માત્ર લલચાવવાની વાત છે. ભીનાં ટુવાલવાળી સ્ત્રી વડે પુરુષને માત્ર બે મિનિટ એંગેજ કરવાની ટ્રીક છે. ફિલ્મોમાં કે જાહેરાતોમાં સ્વિમિંગ પુલમાંથી જ્યારે-જ્યારે સેક્સી સ્ત્રી બીકીની પહેરી વાળ ઝાટકીને બહાર આવે છે, ત્યારે એ સ્લો-મોશનમાં ધીમે ધીમે લચકાતાં લચકાતાં બહાર આવે છે, પણ રિયલ લાઈફમાં સ્વિમિંગ પુલમાંથી બહાર આવતી કોઈ સ્ત્રી આમ ધીમેધીમે આવે છે? મોટે ભાગે, સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળીને તરત જ પાસે પડેલા ટુવાલ કે બાથ રોબને ઝપટીને પહેરી લે છે અને બાથરૂમમાં નહાવા દોડી જાય છે.

ઇન્ટરવલ : જલ જો ના હોતા તો યે જગ જાતા જલ (રવીન્દ્ર જૈન)

ઘણાં લોકો કાંઈક બ્રાહ્મ મુહૂર્તમાં એટલે કે પાંચ-છ વાગે ઊઠીને સૂર્યને પાણી ચઢાવે છે. એમની શ્રદ્ધાને સો-સો સલામ, પણ સૂર્ય આખો દિવસ અવેલેબલ છે, તો આટલાં વહેલાં ઊઠીને શા માટે આ કસરત કરવી? અને વળી કયા લોજીકથી એમનું પાણી સૂર્ય સુધી પહોંચશે એવું એમને લાગતું હશે? ઘણાં લોકો નહાઈને તરત જ દિવસ શરૂ કરે છે, પણ નહાયા વિના પણ એ બધાં જ કામ થઈ શકે છે. નહાવામાંય મોટા ભાગે લોકો સૌથી વધુ ટાઈમ છાતીને ચોળવામાં કાઢે છે. જે વિસ્તાર ભાગ્યે જ મેલો થાય છે! આવું આપણે કરીએ છીએ, કારણ કે એ સૌથી ઇઝી છે, સરળ છે. છાતી, હાથની નજીક છે. મોઢું તો એમ પણ આખો દિવસ બેસીનમાં ધોઈ જ શકાય છે તો નહાવામાં મેક્સિમમ ટાઈમ આપણે ખભો છાતીને સાફ ચોળવામાં કેમ આપીએ છીએ? એકચ્યુઅલી, સૌથી વધુ મેલાં પગ થાય ત્યાં આપણે સૌથી ઓછું ધ્યાન આપીએ છીએ, કારણ કે એ ભાગ આપણને દૂર પડે છે. પગની હાલત સમાજમાં રહેલાં દલિતો કે શોષિતો જેવી છે. સૌથી વધુ એને આપણે અવગણીએ છીએ અને સૌથી વધુ બોજ પણ પગ જ ઉઠાવે છે! આપણાં નહાવામાંય સામાજિક વિષમતા દેખાય છે. આપણે શરીર સાફ કરવામાં જ્યારે પગને વધુ મહત્ત્વ આપશું ત્યારે જ સમાજમાં પણ દલિતો, શોષિતોને માન આપી શકીશું. જેમ 'ચેરીટી બિગિન્સ એટ હોમ' છે એમ 'સમાનતા' 'બિગિન્સ એટ હમામ' કહેવાવું જોઈએ. ઘણાં એમ માને છે કે નહાવાથી શરીરમાં લોહીનું ભ્રમણ થાય છે, બીપી ઊતરે છે, પણ અમને તો નહાવા જવાનાં વિચારથી જ તબિયત બગડતી લાગે છે. નહાયાં પહેલાં અમને જે મજા આવે છે એ સન્ની લિયોન સાથે ઊભા રહીને શાવર લેવા મળે તોય ન આવે એની ખાતરી છે. પલંગ કે સોફા પરથી ઊભા થઈને બાથરૂમ સુધી જવામાં અમને હિમાલય ચઢવા જેટલી કે આધુનિક કવિતા સમજવા જેટલી મહેનત પડે છે. આજે પણ નહાવું પડશે એ વિચારે પેલો શેર યાદ આવે છે 'કયામત કા ડર નહીં મૂઝે ડર હૈ કિ ફિર સે જીના પડેગા.' નહાવાંની ચિંતા નથી મને પણ ફરીથી ભીનાં થવું પડશે. લૂછવું પડશે. નવાં કપડાં પહેરવાં પડશે. નવો દિવસ, નવું કામ, નવા સંઘર્ષ, નવી ચેલેંજો, નવી તકલીફો એટલે નહાવું એ જિંદગીની બોક્સિંગ રિંગમાં જવાની તૈયારી છે. એનાં કરતાં રજાના દિવસે મોડે સુધી કે આખો દિવસ નહાવા વિનાં જે મુક્તિ મળે એ મારે મન ચોર્યાશી લાખ જન્મોમાંથી મળતી મુક્તિથીયે વિશેષ છે.

માણસ, પોતાની માના ગર્ભમાં અને બાથરૂમમાં બે જ હાલતમાં આટલો એકલો હોય છે. એ એકલતાં ટાળવાં જ એ બાથરૂમમાં ગીતો ગાતો હોય છે. મોટા ભાગના કપલમાં ઝઘડાની શરૂઆત એ મુદ્દાથી થતી હોય છે કે પહેલાં નહાવા કોણ જશે. બેમાંથી જે આળસું હોય એ એમ કહીને ટાળે 'અરે, તું જાને ડાર્લિંગ..' જાણે મોટું બલિદાન હોય! સામેથી જવાબ આવે પછી કહેતો નહીં મોડું થઈ ગયું મને. 'તું જા પહેલાં' 'આમ તું જા' 'તું-જા'માં જ પહેલો ઝઘડો શરૂ થાય છે. પુરાણો- શાસ્ત્રોમાં પણ સુંદર અપ્સરાને નહાતી જોઈને યુગો સુધી બ્રહ્મચર્ય પાળનાર બીચારાં ઋષિમૂનિઓની કરિયરની વાટ લાગી જતી.

મૂળમાં નહાવું અને રોજ નહાવું અને સતત નહાતાં રહેવું એક ત્રાસ છે. એટલે જ આપણે આજકાલ અલગ અલગ રીતે નહાઈ નાખ્યું છે. આપણે કવિતાઓમાંથી સાચી સંવેદનાને નામે નાહી નાખ્યું છે. નવલકથામાંથી જીવનના ઊંડાણને નામે નાહી નાખ્યું છે. સેક્યુલર લોકોને ગંદી ગાળો આપણે એકતાના નામે આપીને નાહી નાખ્યું છે. કાવાદાવાવાળી સિરિયલો જોઈ જોઈને ને કળાને નામે નાહી નાખ્યું છે. બાવાબાપુઓનાં તમાશાઓ સ્વીકારીને ધર્મને નામે નાહી નાખ્યું છે. પ્રોગ્રેસની પીપૂડી વગાડીને ગરીબોનું શોષણ કરીને નાહી નાખ્યું છે.

અરે, હજી કેટલું નહાવાનું બાકી છે કે રોજરોજ નહાવું છે?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvHWm_3KiUFz07%2BJ5FjvNPgf2h4gQaj8XgxhKXcc7svxw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment