– જિંદગી પાસે એટલી જ અપેક્ષા રાખવી જોઈએ જેટલું આપણે જિંદગીને આપી શકીએ. અગત્યની વાત એ છે કે જિંદગી જેવી મહાવ્યાપારી બુદ્ધિ બીજા કોઈ પાસે નથી. આપણે જેટલું આપીએ એને બરાબર માપી-તોળીને જિંદગી આપણને પાછું આપે છે. રવિવારની સવારે જો મેટ્રિમોનિયલ જાહેરાતો વાંચવાની હિંમત થાય તો એમાં લખેલી અપેક્ષાઓ વાંચીને આઘાત લાગે એવું છે. શાદી.કોમ, મેટ્રિમોની.કોમ અને જીવનસાથી.કોમ જેવી કેટલીયે ઓફિશિયલ વેબસાઇટ્સ મેચમેકિંગનું કામ કરે છે. હવે તો એની જાહેરાતો પણ થવા લાગી છે. યોગ્ય જીવનસાથી ન મળતાં હોય તો 'રિમોટ સે ઉંગલી હટાઓ, કીબોર્ડ પે ચલાઓ' જેવી કેટલીયે લોભામણી જાહેરાતો આપણે જોઈએ છીએ. અમેરિકા અને કેનેડાથી આવેલા 'નિર્દોષ ડિવોર્સી' પણ 'કુંવારી' છોકરીની શોધમાં ભારતીય ધરતીને ધમરોળે છે. નવાઈની વાત એ છે કે 'સિટીઝન' અને 'ગ્રીનકાર્ડ'ને પરણનારી આવી 'ઊંચી, પાતળી, ગોરી, સુશીલ, સંસ્કારી' છોકરીઓની ખોટ નથી પડતી. આપણે બધા જે સમયમાં દાખલ થયા છીએ એ સમયમાં લગ્નસંબંધ પોતાની પુરાણી વ્યાખ્યા છોડીને એક નવી વ્યાખ્યામાં દાખલ થઈ રહ્યો છે. દાદા-દાદીનાં લગ્નો થયાં ત્યારે એમણે એકબીજાને જોયાં નહોતાં. એમનાં માતા-પિતાએ એમને પૂછવાની જરૂર જ નહીં સમજી હોય, કારણ કે એ સમયમાં આવું કંઈ પૂછવાનો રિવાજ જ નહોતો. માતા-પિતા જે કરે તે બાળકો માટે બેસ્ટ જ હોય એવી એક માન્યતા પ્રવર્તતી હતી. માતા-પિતાની સામે સવાલ ન કરી શકાય, એમના નિર્ણયને માથે જ ચડાવવાનો હોય એવો ઉછેર એ સમયે કરવામાં આવતો. માતા-પિતાની ઇચ્છા સર્વોપરી. સાચું પૂછો તો માતા-પિતાએ કરેલાં લગ્નો વધુ ટક્યાં, વધુ ગંભીરતાથી નિભાવવામાં આવ્યાં છે એવું આપણે જોયું છે. દાદા-દાદીનાં લગ્નોને 50-57 વર્ષ થયાં હોય, આપણે ઊજવ્યાં હોય એવા કિસ્સા પણ અનુભવ્યા છે. એ પછી માતા-પિતાનાં લગ્નો આવ્યાં. કેટલાંક આંતરજ્ઞાતીય, કેટલાંક પ્રેમલગ્નો ને કેટલાક અરેન્જ મેરેજ અથવા માતા-પિતાએ ગોઠવેલાં લગ્નો. મોટાભાગનાં ટકી ગયાં, પરંતુ શરૂઆતનાં વર્ષો પૂરાં થયા પછી અનેક લગ્નોમાં આપણે મનદુ:ખ અને સમસ્યાઓ જોઈ. એક ઘરમાં રહેતા બે જણા સાથે ન જીવતા હોય એવા અનુભવો એ સમયે ઘણાએ કર્યા. આપણામાંના ઘણાને ખબર છે, ઘણાને યાદ છે કે માતા-પિતાનાં લગ્ન દરેક વખતે પ્રસન્ન દાંપત્ય જ હતું એમ ન કહી શકાય. તેમ છતાં સંસ્કાર, અસલામતી, સમાજ અને વડીલોની આમન્યામાં મોટાભાગનાં લગ્નો ટકી ગયાં. એ પછીનો સમય સંતાનોનો સમય આવ્યો. સિત્તેરના દાયકા પછી જન્મેલા, યુવાન કહી શકાય તેવા લોકોએ મરજીથી લગ્ન કર્યાં એ અરેન્જ મેરેજ, પરંતુ એ લગ્નોમાં ઘણી સમસ્યાઓ ઊભી થવા લાગી. આ લગ્નો ખરાબે ચડ્યાં, અથડાયાં-કુટાયાં, અફળાયાં-ઝીંકાયાં, એમાંનાં મોટાભાગનાં લગ્નો ટકાવવાના નિષ્ઠાપૂર્ણ પ્રયાસ કર્યા છતાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું. સમાજ હચમચવા લાગ્યો, સંસ્કૃતિના પાયા ડગ્યા. હવે સવાલ એ છે કે બદલાતી પેઢીઓ સાથે લગ્નની સમજણ કેમ બદલાવા લાગી? એવું શું થયું કે દાદા-દાદીનાં લગ્નથી પૌત્ર-પૌત્રીનાં લગ્ન સુધીમાં લગ્ન વિશેની એક આખી સમજણ જ ફરી ગઈ? આ સવાલનો એક સાદો જવાબ એ છે કે એક્સપોઝર અથવા જાણકારી, માહિતી વધવા લાગી. નેટ ઉપર કરવામાં આવેલી પસંદગી કે એકાદ મુલાકાતમાં એકબીજાની સામે બેસીને રજૂ કરવામાં આવેલી પોતપોતાની ઉત્તમ બાબતો (ક્યારેક ખોટી પણ) ક્ષણજીવી આકર્ષણ ઊભું કરે છે. નેટ ઉપર દેખાતા ફોટા સાચા છે કે ખોટા, જૂના છે કે લેટેસ્ટ આવી કોઈ ખાતરીઓ મળતી નથી. ફેસબુક ઉપર એકબીજાની સાથે ચેટ કરતા બે જણા એકબીજાથી ઇમ્પ્રેસ તો થઈ જાય છે, પણ જ્યારે આ અભિભૂત થયાની લાગણી, આકર્ષણની અનુભૂતિ ઓસરવા લાગે ત્યારે સમજાતું નથી કે સંબંધને ટકાવનારું કયું તત્ત્વ મળશે જે છિન્નભિન્ન થતાં લગ્નને આધાર આપી શકે છે. શાસ્ત્રોમાં અને પુરાણોમાં કહેવાયા પ્રમાણે અપ્સરાઓની ઉંમર નથી વધતી, એ હંમેશાં અક્ષતયોનિ (વર્જિન) રહે છે. મેનકા, ઉર્વશી, રંભા જેવાં નામો આપણે સાંભળ્યાં છે, પરંતુ સવાલ એ છે કે એ સ્વર્ગમાં રહે છે અને આપણે ધરતી પર. અહીં કોઈ અપ્સરા મળી આવે એવી અપેક્ષામાં જીવનારા સહુ અંતે નિરાશા થાય છે. જિંદગી પાસે એટલી જ અપેક્ષા રાખવી જોઈએ જેટલું આપણે જિંદગીને આપી શકીએ. ઘણા ફિલસૂફોએ જુદી જુદી વાતો કરી છે, પરંતુ અગત્યની વાત એ છે કે જિંદગી જેવી મહાવ્યાપારી બુદ્ધિ બીજા કોઈ પાસે નથી. આપે જેટલું આપીએ એને બરાબર માપી-તોળીને જિંદગી આપણને પાછું આપે છે. એટલું જ નહીં, આપણી પાસે જેટલી તાકાત હોય એટલા જ વિસ્તારમાં એ આપણને પ્રવેશવાની રજા આપે છે. ખરીદશક્તિ પ્રમાણેનો જ માલ બતાવે છે જિંદગી. અર્થ એ થયો કે આપણે 'પરી' હોઈએ તો 'પરા' માગીએ. આપણે 'પરો' હોઈએ તો 'પરી' ગોતીએ. આપણે 'દેવ' હોઈએ તો 'અપ્સરા'ની અપેક્ષા રાખી શકાય અને 'અપ્સરા' હોઈએ તો 'દેવ'ની. હવે એમ નથી એની તો આપણને ખબર જ છે. જ્યારે જીવનસાથી શોધવા નીકળીએ ત્યારે નેટ પર વર્ણવવામાં આવેલા ગુણો કે જાહેરખબરમાં દેખાતી અપેક્ષાઓમાં અટવાયા વગર સ્વયંને નાણીને, સામેની વ્યક્તિને બરાબર જાણીને જ્યારે બે જિંદગીઓ જોડાવાનો નિર્ણય કરે ત્યારે પ્રમાણમાં સમસ્યા ઓછી થાય છે. હવે આ જાણવું એટલે પ્રોજેક્ટ કરવું કે ઇમેજ ઊભી કરવી નહીં જ. જે છીએ તે રજૂ થવું અને સામેની વ્યક્તિને જેવી છે તેવી ઓળખવાનો પ્રયાસ કરવો. આ બંને તરફનો-પરસ્પર થતો પ્રયાસ છે. કોઈ એક વ્યક્તિ ગમી જાય એટલે એનું બધું જ ગમે એવું જરૂરી નથી. ગુણવંત શાહે આપણે બધા જ પોતાના વિશે અહોભાવ ધરાવીએ એ સ્વાભાવિક છે. માણસને પોતાના ફોટાથી વહાલું શું હોઈ શકે? પોતાના પુસ્તક 'મનના મેઘધનુષ્ય'માં લખ્યું છે, 'એક માણસ બે ભૂરી આંખોના પ્રેમમાં પડ્યો અને આખા શરીરને પરણવાની ભૂલ કરી બેઠો.' આજથી બે દાયકા કરતાં વધુ સમય પહેલાં ગુણવંત શાહે યુવાનો અને શરીર સાથે જોડાયેલી ગેરસમજણો વિશે સુંદર પુસ્તક લખ્યું છે. જે માતા-પિતા પોતાના સંતાનનું ઉજ્જ્વળ ભવિષ્ય અને સુખી લગ્નજીવન ઇચ્છતાં હોય એણે જી-આઇ.આઇ.આઇ.ટી.ના, આઇલેટ કે જીમેટની પરીક્ષાઓના કોર્સ કરાવવાને બદલે એમને જિંદગી વિશેની થોડી સમજણ આપવી જરૂરી છે. આપણે બધા જ પોતાના વિશે અહોભાવ ધરાવીએ એ સ્વાભાવિક છે. માણસને પોતાના ફોટાથી વહાલું શું હોઈ શકે? આ સેલ્ફીનો આવિષ્કાર જ સ્વયં વિશેના અહોભાવમાંથી થયો છે, પરંતુ પોતે પોતાના વિશે જે ધારે છે એ સત્ય નથી એવું સમજનારા આ જગતમાં ઘણા ઓછા છે. ફિલ્મ 'જબ વી મેટ'માં કરીના કપૂર કહે છે, 'મૈં અપની ફેવરિટ હૂં.' આનો વાંધો નથી, પણ આ ફેવરિટ હોવું કે અહોભાવ ધરાવવો એ પોતાના પૂરતું હોવું જોઈએ. હું મારી જાતને અરીસામાં પરી કે અપ્સરા લાગતી હોઉં તેથી બીજા પણ મને એ જ દૃષ્ટિએ જુએ એ અપેક્ષા જરા વધુ પડતી છે. સામાન્ય સંબંધોમાં બહુ વાંધો નથી આવતો, કારણ કે માતા-પિતા માટે એમનું સંતાન શ્રેષ્ઠ છે, ભાઈ માટે બહેન અને બહેન માટે ભાઈ અદ્ભુત હોઈ જ શકે. મિત્ર માટે બીજા મિત્રની ખોડખાંપણ તરત ન દેખાય એ પણ સહજ છે. તદ્દન જુદા ઉછેરમાં જીવેલા, જુદું જ માનતા અને જુદી જ ટેવો, સ્વાદ, શોખ ધરાવતા બે જણા જ્યારે ભેગા રહેવા માંડે અને એમને એવું સમજાય કે હવે જીવનભર ભેગા રહેવાનું છે ત્યારે એકબીજાની ઓછપ, અધૂરપ, ખોડખાંપણ અને એકબીજાને કહેલા જૂઠ તરીતરીને સપાટી પર આવવા લાગે છે. મહત્ત્વ સત્યનું છે, કારણ કે એ જ ટકે છે. કદરૂપું, તોછડું, તૂરું છતાં શાશ્વત. જે સંબંધને ટકાવવો હોય એમાં પ્રિયમ્ અસત્ય કરતાં અપ્રિય સત્ય કહી દેવું! આ સત્ય કહેવાની સાથે સાથે સાંભળવાની પણ તૈયારી રાખવી. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot-r4Lkvgz6A7-6OX3dFswwdzkHdXN1Cwt9sESArDwEJA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment