Saturday, 25 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ટેન્શન કરાવે ટેન્શન (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટેન્શન કરાવે ટેન્શન
પ્રાસંગિક-અનંત મામતોરા

આજનો માનવી દેશી ભાષામાં કહીએ તો કળિયુગમાં અને ગ્લોબલ લેન્ગવેજમાં કહીએ તો સતત ટેન્શન યુગમાં જીવી રહ્યો છે. વધતી જતી વસતિ, કામનો બોજો, અભ્યાસ કે નોકરી-ધંધા ક્ષેત્રે કાતિલ હરીફાઇ અને મોંઘવારીથી પીડાતા માનવીને માત્ર શારીરિક બીમારી જ સતાવે એ જરૂરી નથી. ભાતભાતની માનસિક પીડા પણ તેના જીવનનો એક હિસ્સો બની ચૂકી છે. આધુનિક સૌંદર્યપ્રસાધનો અને અપટુડેટ ફેશનેબલ વસ્ત્રોથી સજ્જ આજના યુવક-યુવતીઓને જોઇને પ્રથમ નજરે એમ લાગે કે આજથી ૫૦ વર્ષ પહેલાના યુવાનો કરતાં આ લોકો વધુ સ્માર્ટ અને સુખી હશે, પણ અત્યારના સમયમાં બધું દેખાય છે એવું હોતું નથી. અપટુડેટ દેખાતી વ્યક્તિ અંદરથી પડી ભાંગેલી હોય કે અનેક માનસિક વ્યથા ભોગવતી હોય એ શક્ય છે. સ્ટ્રેસ (માનસિક તાણ) તો હવે મોટા ભાગના યુવાનોમાં ઘર બનાવી ચૂક્યો છે એ હાલમાં થયેલા એક સર્વેક્ષણથી માલૂમ પડે છે.

તાજેતરમાં જ એક ઇન્સ્યોરન્સ કંપની દ્વારા માનસિક બીમારી અંગે ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, ચાઇના, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા સહિત અનેક દેશોમાં રસપ્રદ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં જણાવ્યા પ્રમાણે ભારતીયોમાં માનસિક તાણથી પીડાતા લોકોની સંખ્યા અન્ય દેશો કરતાં વધુ છે. તેમના સર્વે અનુસાર ભારતમાં દર ૧૦૦માંથી ૮૯ લોકો સ્ટ્રેસ (માનસિક તાણ)થી પીડાય છે. આખી દુનિયામાં માનસિક તાણથી પીડાતાં લોકોની સરેરાશ દર ૧૦૦એ ૮૬ જણાની છે. મતલબ કે ભારતમાં માનસિક બીમારીથી પીડાતા લોકોની સંખ્યા વૈશ્ર્વિક સરેરાશ કરતાં વધુ છે. આ સર્વેમાં દુનિયાના કુલ ૧૪,૪૬૭ લોકોએ ઓનલાઇન ભાગ લીધો હતો જેમની વય ૧૮થી ૩૪ સુધીની હતી. ફેબ્રુઆરી-માર્ચ ૨૦૧૮ દરમ્યાન યોજાયેલા આ સર્વેમાં ૨૩ દેશોના યુવાનોએ ભાગ લીધો હતો. ભારતના ૨૦ શહેરોમાંથી લગભગ ૧૦૦૦ જણાએ ભાગ લીધો હતો.

આ સર્વેમાં યુવાનો સાથે વ્યક્તિગત તંદુરસ્તી, કૌટુમ્બિક તેમ જ સામાજિક સંબંધો, નાણાકીય મુદ્દાઓ અને કાર્યક્ષેત્રે પ્રવર્તતી અને અનુભવાતી વિષમતાઓ વિશે વિસ્તૃતપણે વાતચીત થઇ હતી.

આ સર્વે કરવાથી એવું જાણવા મળ્યું છે કે કાર્યક્ષેત્ર અને નાણાકીય, આ બે બાબતો અંગે આજનો યુવા વર્ગ જલદીથી તણાવ હેઠળ આવી જતો હોય છે. ૯૫ ટકા યુવાનોએ એમ પણ કહ્યું કે અમે એટલા બધા તણાવગ્રસ્ત હોઇએ છીએ કે ઘણી વાર આ તણાવને પહોંચી નથી વળતા. આવા સંજોગોમાં કોઇ માનસિક નિષ્ણાતોને મળીને પોતાનો બોજો હળવો કરી શકાય, પણ ભારતમાં હજુ આવો ખ્યાલ યુવાનોમાં જોઇએ એવો પ્રસર્યો હોય એવું લાગતું નથી. સર્વે અનુસાર ભારતના યુવાનોમાંથી ૭૫ ટકા એવા હોય છે જે સતત માનસિક તણાવમાં તો હોય પણ આ અંગે કોઇ ચિકિત્સકની સલાહ લેવાનું અવગણે છે. દાક્તરો પાછળ થતો ખર્ચ પણ આ અવગણના પાછળનું મુખ્ય કારણ છે.

આ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ માણસ જ્યાં કામ કરતો હોય છે ત્યાંનું વાતાવરણ પણ વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરતું હોય છે. આવા સંજોગોમાં દરેક કંપનીઓએ પોતાના કર્મચારીઓ માટે તન-મનના આરોગ્યને લગતાં અનેક કાર્યક્રમો કે શિબિરોનું આયોજન કરવું જોઇએ. આ ડાયરેક્ટરે એ પણ કબૂલ્યું કે ભારતીયોએ આ બાબતમાં ઉચ્ચ ક્રમાંક હાંસલ કર્યો છે. ઘણી ભારતીય કોર્પોરેટ કંપનીઓ શરીર અને મનને લગતા સ્વાસ્થ્ય માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે તેમાં ભારતીય યુવાનો ભાગ લે છે. સર્વેક્ષણમાં ભારતીય યુવાનોને આ અંગે પૂછાયેલા પ્રશ્ર્નમાં લગભગ અડધોઅડધ લોકોએ જવાબ આપ્યો હતો કે પોતાની કંપનીમાં યોજાતા સ્વાસ્થ્ય અંગેના કાર્યક્રમોમાં હોશભેર ભાગ લે છે. કદાચ એટલે જ આ વખતે દેશના યુવાનો કાર્યક્ષેત્રે અને નાણાકીય ક્ષેત્રે એટલા દુખી જણાયા ન હતાં. હા, શારીરિક બીમારીમાં તેમનો ગ્રાફ ગત વર્ષની તુલનાએ વધુ નીચે ગયો છે. મોટા ભાગના યુવાનોને વજન, પોષણ અને અનિદ્રા અંગેની સમસ્યા સતાવે છે. સામાજિક સ્વાસ્થ્ય અંગે પણ ભારતીયોએ નીચો ક્રમાંક મેળવ્યો છે. ૫૦ ટકાથી વધુ યુવાનોએ જણાવ્યું હતું કે અમે મિત્રો માટે પૂરતો સમય ફાળવી શકતા નથી. અમને અમારા શોખ પૂરા કરવા માટે પણ પૂરતો સમય મળતો નથી. મોટે ભાગે તો મા બાપ અને સંતાનોના ખર્ચને પહોંચી વળવામાં અને ઘરના સહુ સભ્યોની કાળજી લેવામાં જ સમય વ્યતીત થાય છે.

આ સર્વેક્ષણમાં ભારતીય યુવાનો માટે સારી બાબત એ ઉપસીને આવી હતી કે એ લોકો ભલે વધુ પ્રમાણમાં માનસિક તાણનો ભોગ બનતા હોય, પણ આવી સમસ્યાનો સામનો કરવાની અને પહોંચી વળવાની ક્ષમતા એમનામાં વધારે હોય છે. એવા લોકો જેઓ માનતા હોય કે માનસિક સમસ્યાને તેઓ પહોંચી નહીં વળે તેમાં ભારતીય યુવાનોનું પ્રમાણ, સરેરાશ વૈશ્ર્વિક પ્રમાણ કરતા ઓછું હતું.

એનો મતલબ એમ કે ભારતીયો તણાવનો અનુભવ તો કરે છે, પણ સાથે સાથે તેમાંથી બહાર નીકળી જવાની કળામાં પણ માહેર છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ouf48zJEHYFt9s0-92aQU%2B6seJZqim-DSmb-%3Di9dS9c7g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment