"સેક્રેડ ગેમ્સ" આ શિર્ષક હેઠળ નેટફલિક્સ પર રજૂ થયેલી વેબ-સીરિયલ મુંબઈના અંડરવર્લ્ડની વાસ્તવિક્તાના કારણો જ નહીં, પરંતુ બીજા અનેક કારણોસર ચર્ચામાં છે. એ વાત સાચી કે આ સીરિયલ વિશ્વની કેટલીક શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય સીરિયલ્સની યાદ અપાવે છે. આ સીરિયલે નવાં જ વિક્રમો સર્જ્યા છે.
વિક્રમ ચંદ્રા નામના લેખકની આ જ નામની નવલકથા પરથી બનેલી આ સીરિયલના મુખ્ય અભિનેતાઓ સૈફ અલી ખાન અને નવાજુદીન સિદ્દીકી છે. રાધિકા આપ્ટેના પણ કેટલાક અંતરંગ દ્રશ્યો ચર્ચામાં છે. કેટલાક લોકો આ સીરિયલને નેટફલિક્સના "નાર્કો"નામના બીજા એક પોપ્યુલર શો સાથે સરખાવે છે. આ શ્રેણીમાં મુંબઈની ગુનાખોર દુનિયાનું વાસ્તવિક વર્ણન છે. તેમાં ક્રૂર હત્યાઓથી માંડીને મુંબઈની ભ્રષ્ટ પોલીસની પણ કહાણીઓ છે. ગણેશ ગાયતૂંડે નામના ગેંગસ્ટરનો રોલ નવાજુદીન સિદ્દીકી કરે છે જ્યારે સરતાજ સિંહનો રોલ સૈફ અલી ખાન કરે છે. રાધિકા આપ્ટે'રો'ના એજન્ટની ભૂમિકામાં છે. આ શ્રેણીમાં રાજનીતિ અને ધર્મના ડેન્જરસ કોકટેલનો ખતરનાક સ્વાદ છે. એમાં ઉંદર-બિલાડીની રેસ જેવા પ્રસંગો છે. તેમાં ગુડ પોલીસ અને બેડ પોલીસની પણ વાત છે. તેમાં પ્રમાણિક્તા અને અપ્રમાણિક્તા વચ્ચેનો સંઘર્ષ છે. અહીં એ નોંધવું પણ જરૂરી છે કે આ વેબ-સીરિયલમાં ગેંગસ્ટર અને તેની પત્ની વચ્ચેના સેક્સના દ્રશ્યો પિતા-પુત્ર કે માતા અને તેની દીકરી સાથે બેસીને જોઈ શકે તેવાં નથી. જોકે આ એક અલગ વિષય છે. ઈન્ટરનેટ પર પ્રર્દિશત થતી સીરિયલ્સને નિયંત્રિત કરવાની કોઈ જોગવાઈ સેન્સર બોર્ડ પાસે નથી. ચાલો આ તો 'સેક્રેડ ગેમ્સ' નામની શ્રેણીનો પ્રાથમિક પરિચય થયો. પરંતુ ચર્ચા તેમાંથી નીપજેલા કેટલાક વિવાદોની છે. વિવાદ ફ્રીડમ ઓફ સ્પીચનો છે એટલે કે અભિવ્યક્તિની આઝાદીનો છે. આ શ્રેણીમાં એક પાત્ર પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી માટે એક હલકો શબ્દ વાપરે છે. એ શબ્દ કાયર વ્યક્તિ માટે વપરાતો નિમ્નકક્ષાનો શબ્દ છે. એ અપશબ્દ જ કહી શકાય.
આ શબ્દ સામે કેટલાકે સખત વાંધો લીધો છે. યુવક કોંગ્રેસના બે એક્ટિવિટ યુવાનોએ પોલીસ સ્ટેશને આ શબ્દ સામે વાંધો ઉઠાવતા કહ્યું છે કે, આ શબ્દ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું અપમાન કરવામાં આવ્યું છે. આ શબ્દના ઉપયોગ સામે દિલ્હી હાઈકોર્ટમાં પણ રીટ પીટીશનની તજવીજ થઈ છે. આ વિરોધ બાદ એ જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ ગાંધીએ યુવક કોંગ્રેસના યુવાનોની લાગણીથી અલગ વલણ અપનાવ્યું છે. રાહુલ ગાંધીએ ટવીટ કરતાં લખ્યું છે કે, કેટલાક અન્ય રાજકીય લોકો અભિવ્યક્તની આઝાદીને પોલીસ કે અન્ય જોગવાઈ દ્વારા નિયંત્રિત કરવા માંગે છે પરંતુ હું માનું છું કે, સ્વતંત્રતા એ દેશના દરેક નાગરિકનો મૂળભૂત હક છે. મારા પિતા દેશ માટે જીવ્યા અને દેશ માટે મોતને ભેટયા. "સેક્રેડ ગેમ્સ" નામની કાલ્પનિક કથામાં કોઈ કેરેકટર મારા પિતા માટે કોઈ સંકીર્ણ વાત કરે તો તેથી મારા પિતા માટે કોઈ ફરક પડતો નથી. અગાઉ જણાયું તે પ્રમાણે "સેક્રેડ ગેમ્સ" તે મુંબઈના અંડરવર્લ્ડની દુનિયા પરનું થ્રીલર છે. રાહુલ ગાંધીએ એક અલગ જ વલણ અપનાવતાં વાણીની સ્વતંત્રતાની તરફેણ કરી છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે અમેરિકાની એબીસી ટેલિવીઝન ચેનલે તેની "કવોન્ટિકો" નામની સીરિયલમાં રજૂ કરેલી કેટલીક વાતો બદલ એબીસી ટીવી ચેનલે ભારતના હિન્દુઓની માફી માંગી હતી. આ શ્રેણીમાં કામ કરી રહેલી પ્રિયંકા ચોપરાએ પણ જાહેર માંફી માંગી હતી, પરંતુ અહીં કોંગ્રેસના નવા પ્રમુખે તેમના પિતા વિશે સીરિયલના એકપાત્રએ ઉચ્ચારેલા શબ્દો અંગે માફી પણ માંગવાની માંગણી કરી નથી. રાહુલ ગાંધીનું આ વલણ બીજાઓ વિચારે તે કરતાં સાવ અલગ છે.
ફ્રીડમ ઓફ સ્પીચ અર્થાત્ અભિવ્યક્તિની આઝાદી દરેક લોકતાંત્રિક દેશોમાં હંમેશાં ચર્ચામાં રહી છે. ભૂતકાળમાં ભારતમાં જ ઘણાં પુસ્તકો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે સલમાન રશદીના પુસ્તક "સેતાનિક વર્સીસ"ને પ્રતિબંધિત કરી દીધું હતું. બટ્રોન્ડ રસેલના પુસ્તક "અનઆર્મ્ડ વિક્ટરી" ને પણ પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં ૧૯૬૨માં ભારત-ચીન વચ્ચેના યુદ્ધની કેટલીક વાતો હતી. એ જ રીતે ઘણાં વર્ષો પહેલાં ડી.એચ.લોરેન્સની કલાસિક નવલકથા "લેડી ચેટરલીજ લવર"ને પણ પ્રતિબંધિત કરવામાં આવી હતી. "કિસ્સાકુર્સીકા" ફિલ્મની પણ આ જ હાલત થઈ હતી. આ ઉપરાંત ફિલ્મ "આંધી" પણ કટોકટીનો ભોગ બની હતી. જેવિયર મોરાએ "ધી રેડ સારી" નામની એક નવલકથા રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધી ઉપર લખી હતી. ઘણાં વર્ષો સુધી આ પુસ્તક ભારતમાં રિલીઝ થઈ શક્યું ન હતું. એટલે કે કોંગ્રેસના અગાઉના નેતાઓએ અભિવ્યક્તિની આઝાદીના મુદ્ે કેટલાક પુસ્તકો પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અગાઉના નેતાઓ કરતાં જુદંુ જ વલણ અપનાવ્યું છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એટલે કે ૨૦૦૮માં ભાજપામાંથી હાંકી કઢાયેલા જસવંતસિંહના પુસ્તકઃ "જીન્નાહ" ઈન્ડિયા, પાર્ટીશન, ઈન્ડિપેન્ડેન્સને પ્રતિબંધિત કરી દીધું હતું. જોકે પાછળથી અદાલતના આદેશ પર એ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો. આવું ભારતમાં જ બને છે તેવું નથી રશિયાના વડા નિકિતા ખૃશ્વોવ હતા ત્યારે બોરિસ પાસ્તરનાક નામના લેખકે-"ડો. ઝિવાગો" નામની નવલકથા લખી હતી. આ નવલકથા રશિયાની કોમ્યુનિસ્ટ સિસ્ટમની પશ્વાદભૂમિકામાં એક અદ્ભુત લવ સ્ટોરી હતી જે રશિયન સરકારને પસંદ ન પડતાં તે પુસ્તકનાં પ્રકાશન પર જ પ્રતિબંધ મૂકી દીધો હતો. એ પુસ્તકની હસ્તલિખિત પ્રત દાણચોરીથી ઈટાલી લઈ જવાઈ અને બીજા દેશમાં તે નવલકથા પ્રકાશિત થઈ હતી. આ નવલકથા બદલ બોરિસ પાસ્તારનાકને નોબલ પ્રાઈઝ મળ્યું હતું, પરંતુ રશિયન સરકારની ચેતવણીના કારણે લેખક નોબલ પ્રાઈઝ લેવા જઈ શક્યા નહોતાં. આ બધા પરિપ્રેક્ષ્યમાં રાહુલ ગાંધીએ ફ્રીડમ ઓફ સ્પીચને જ મહત્ત્વ આપવાની વાત કરીને એક આૃર્ય આપ્યું છે. તેમણે તેમના પિતા રાજીવ ગાંધીનો એક હત્યારો કે જે હાલ જેલમાં છે તેને છોડી મૂકવામાં આવે તો પણ તેઓ તેમાં વાંધો નહીં લે એમ જણાવી એક આગવું જ વલણ અખત્યાર કર્યું છે. રાજીવ ગાંધીની હત્યા માટે જે બોમ્બ વપરાયાં તેની બેટરી ખરીદવાનું કામ એ.જી.પેરારીવલન નામની વ્યક્તિએ કર્યું હતું અને તે હાલ જેલ ભોગવી રહ્યો છે. આ વ્યક્તિને મુક્ત કરાય તો પણ મને વાંધો નથી તેમ રાહુલ ગાંધીએ કહ્યું છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે એ.જી.પેરારીવલનને પહેલાં મોતની સજા ફરમાવવામાં આવી હતી, પરંતુ તે પછી આજીવન કારાવાસમાં પરિવર્તીત કરી દેવામાં આવી હતી. પોતાના પિતાના હત્યારાને માફ કરી દેવાનું તથા પિતાને 'સેક્રેડ ગેમ્સ'નામની વેબ-સીરિયલ પર કાયર કહેનારને પણ માફ કરી દેવાનું રાહુલ ગાંધીનું વલણ એક આગવા દ્રષ્ટિકોણથી નિહાળવું જોઈએ. આવું વિચારનારી વ્યક્તિની વિચારધારા "આઉટ ઓફ બોકસ" કહેવાય છે. રાહુલ ગાંધીએ પોતાના પિતાને સીરિયલનાં એક પાત્ર દ્વારા શેરીનાં ગુડાઓ દ્વારા વપરાતાં અપશબ્દથી અપમાનિત કરવા બદલ નેટફિલક્સ સામે કોઈપણ કાનૂની પગલાં લેવાનો વિરોધ કરીને "આઉટ ઓફ બોકસ"ની વિચારધારા અભિવ્યકત કરી છે. ખેર!
રાહુલ ગાંધીનો અભિગમએ રાહુલ ગાંધીની સોચ હોઈ શકે છે, પરંતુ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના ઉત્કૃષ્ટ ધોરણો મુજબ તો જે વ્યક્તિ તમારા આક્ષેપનો જવાબ આપવા હયાત નથી તેમના માટે શેરીના ગુન્ડાઓ દ્વારા વપરાતો નિમ્ન કક્ષાનો શબ્દ પ્રયોગ બિલકુલ યોગ્ય નથી અને તે પણ એક સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન માટે. આવતીકાલે કોઈ ગાંધીજી, સરદાર, નહેરુ, બાજપાઈજી, એલ.કે.અડવાણી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવાં લોકપ્રિય નેતાઓ પણ આવી નિમ્ન કક્ષાની ભાષા ન વાપરે તે માટે અત્યારથી જ વિચારવું પડશે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsZHEEoNXLq_y_8NU0qsFuc8KDyeH0TxLzBuFCykHEjfA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment