| 
આશાસ્પદ કવયિત્રી સંસ્કૃતિરાણી દેસાઈ, જેમણે આજન્મ પ્રતિજ્ઞા લીધી છે. ભારતીય સંસ્કૃતિને સાચા અર્થમાં સમજી સમજી માણવાની, ગુજરાતી કક્કા - બારાખડીની કવિ - સર્જક તરીકે ભાવપૂર્વક સેવા કરવાની, પોતે પસંદ કરેલી દિશાએ નમ્રતાપૂર્વક આગળ વધવાની.
'મારી ભાષા' રચનામાં પોતાની માતૃભાષાને અપાયેલી અંજલિ છે જ, પણ ગાજવીજ વગરની સાચી ભાવનાથી અપાયેલી અંજલિ છે. 'શબ્દના આકાશમાં કૂદકો મારવા છતાં હાથપગ ન ભાંગે તેવો વિવેકપૂર્ણ આ કૂદકો છે. શબ્દની અર્થ-ક્ષિતિજને કવયિત્રી સ્પર્શે છે. કાગળ અને કલમ સાથે કવયિત્રી જાણે કવિતાને પણ હાથ પકડી આગળ ચાલવા જેવી સ્વજન બનાવી લે છે, એની પ્રતીતિ આ રચનાના શબ્દે શબ્દે થતી જણાય છે.
'મારી ભાષા' આ શીર્ષક મારાપણાનું મમત્વ દર્શાવનારું છે. આવું મમત્વ એક ભાષા માટે કેળવવું એ કંઈ એક રાતનો ચમત્કાર નથી. પણ ટીપે ટીપે સંચિત્ થયેલું પોતાની ભાષા માટેનું વહાલ છે. ભાષા સાથેનો નાતો લખવા - વાંચવા પૂરતો મર્યાદિત નથી. એ તો કક્કાની બહારનું અનુબંધ છે. એ તો બારી બહારની બારાખડી છે, એને માટે એક દિવસનો સંદર્ભ પણ પૂરતો નથી. કવયિત્રી સરસ શબ્દ પ્રયોજે છે, "અચાનક આ સંબંધને સમયમાં બાંધી શકાય! એ તો બાળકના પ્રથમ રુદનથી બંધાયો છે.
કવિતાના પ્રારંભમાં જ એક મૂંઝવણ છે. એક વ્યક્તિ બોલે અને બીજી સાંભળે એ બે વચ્ચે સમજણનો સેતુ બંધાતો હોય છે. પણ અચાનક એ સમજણનો સેતુ શિથિલ થઈ જાય છે. આ સમજણ જ બે વ્યક્તિને બાંધનારી પાયાની શરત છે.
ભાષાની સીમા ત્રણ દિશાથી બંધાયેલી છે. બોલવું, સાંભળવું અને લખવું. છતાં આ ભાષાની સમસ્યા જુદી જ છે, ત્રણે દિશાઓને વટાવી ગઈ છે, છતાં લખવા સાથે લિપિ પણ જોડાયેલી છે. એ લિપિનો સંબંધ આપણી દૃષ્ટિના આનંદ સાથે છે. હરપ્પા અને મોહેં-જો-દરો જેવી ચિત્રલિપિનો સંદર્ભ કવયિત્રી લાવ્યાં છે. ચિત્રલિપિ સાથે વપરાયેલાં થડાં લીટા અને ટપકાનું આયોજન કવયિત્રી આ બધાનો ઉલ્લેખ કરીને ભાષા સાથે જોડાયેલી એક ચોથી દિશા માટે ભૂમિકા બાંધી રહ્યાં છે.
ભાષાને સમજવા માટેની આ ભૂમિકા અર્થાત્ હાવભાવ અને સંકેતો. આવી સાંકેતિક ભાષા વ્યક્તિએ વ્યક્તિએ, પરિવાર સાથે ઘડાતી રહે છે. હકાર-નકારના સંકેતો ઉપરાંત આવી ભાષાનું એક વિશ્ર્વ પથરાયેલું છે.
અક્ષરમાળા ઉપરાંત વર્ણમાળાનું મહત્ત્વ પણ નાનુંસૂનું નથી. પ્રાગૈતિહાસિક અક્ષરમાળાથી રચાતી અર્થાત્ જે ઈતિહાસકાળથીયે પહેલાની છે એવી અતિપ્રાચીન વર્ણમાળા જેને સમજવી એ આપણા જ્ઞાનની બહાર છે. આપણી સમજણ બહાર છે. ભાષાની વાત કરતાં કરતાં કવયિત્રી વર્તમાનકાળથી પ્રાચીનકાળ, અતીતકાળ સુધી લટાર મારી આવે છે.
પછી જાણે આ ક્રમ પરંપરા બની જતો હોય એમ એક વ્યક્તિ, બીજી વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ અને આખો માનવસમાજ. આ સમસ્યા સ્પર્શગમ્ય બની જતી જણાય છે, એક દિવસથી બીજા દિવસ સુધી... આ જિંદગીની ગતિ-પરંપરા છે.
કાવ્યના પ્રારંભે કવયિત્રી ભાષા પ્રત્યેનું મમત્વ જુદી જુદી રીતે દર્શાવે છે પણ કાવ્યને અંતે એ વાતો અને એની આવશ્યકતા ભણી વળે છે.
વાતો કરતી વખતે બોલનાર વ્યક્તિના ગમા-અણગમા પણ વાતોમાં પ્રતિબિંબિત થતા હોય છે, કવયિત્રી ભાષા અને પોતા વચ્ચે કોઈ અન્ય વ્યક્તિને મધ્યસ્થી તરીકે રહેવા નથી દેતાં, પણ કાવ્યના અંત ભણી જ્યાં વળીએ છીએ ત્યાં આખો સમાજ પ્રવેશી જાય છે, જાણે કે કવયિત્રીની મૂંઝવણ એ સ્વમાંથી સર્વની બની જાય છે, વાતો બે વ્યક્તિ વચ્ચે પણ થાય અને અનેક વચ્ચે પણ થાય.
માણસની વાણી એ તો અનાવશ્યક છે, અવરોધરૂપ છે. જિંદગીને ફરી પાછી સ્વ તરફ વાળે છે, ઉદ્યાનમાં ખીલતું ફૂલ સૌરભ વેરતું વેરતું ફરી પાછું અશક્ય લાગે તોય મૂળ રૂપ તરફ પાછું ફરતું જણાય છે.
ભાષા, લિપિ અને વાણીના ત્રણ બિંદુઓ જાણે અનેક આકૃતિઓ સર્જે છે. એ આકૃતિ માનવની જિંદગી સાથે જોડાયેલી છે, સમયની લીલાના વિવિધ રંગો દર્શાવનારી છે.
ભાષાનો સંબંધ માણસના માનસ સાથે છે. જયારે વાણી માણસની હૃદયની સંવેદનમાંથી જાગતી હોય છે. જ્યારે લિપિનો સંબંધ ઈતિહાસ સાથે અને માણસની જરૂરિયાતો સાથે સંકળાયો છે પણ સાથે સાથે બુદ્ધિનું અનુદાન પણ ઓછું નથી.
લિપિ માણસ જાણે કે ન જાણે પણ એનું સ્થાન, હાવભાવ અને સંકેતો પણ તત્પૂરતું લઈ શકે. હરપ્પા અને મોહેં-જો-દરોનો નામોલ્લેખ ભલે અજ્ઞાત લિપિ માટે વપરાયો હોય પણ સંસ્કૃતિરાણીએ આ ઉલ્લેખો દ્વારા કરેલો આછો વિનોદપણ ભૂલવા જેવો નથી.
જેમ ભાષા સાથે મમત્વ જોડાયેલું છે એવું જ ભાષા જેનાથી બનેલી છે એ શબ્દો સાથે પણ છે, મજા તો ત્યારે આવે કે કોઈ સાથેની વાતોને કવયિત્રી અનિવાર્ય નથી ગણતાં, પરંતુ જિંદગી જીવતાં આવતાં અવરોધોરૂપ ગણે છે. જિંદગી પછી વિરામચિહ્નરૂપે મૂકેલાં ત્રણ ટપકાં જાણે જિંદગીની અધુરપ, સહસા દેખાતી કર્મલીલા અને માનવ સહજ આકાંક્ષાના પ્રતીકો બને છે, આવતી કાલનો ભાષાદિન વિશ્ર્વની ગુજરાતી પ્રજા માટે ગૌરવદિન બની રહે એ જ પુરુષાર્થી પ્રાર્થના.
શબ્દની ઉપાસના કવયિત્રી જગત કરતાં જુદી રીતે કરે છે. મને ગમતી 'ગુરુદક્ષિણા' કાવ્યની પંક્તિઓ માણું છું, જે કાવ્ય સહૃદયની પણ મનિષા છે;
"શબ્દના સાગરની ભીતરી સૃષ્ટિ
ખુલ્લી કરી દીધી છે મારી પાસે
ગુરુદક્ષિણા આપવા મથું છું
કાવ્ય દ્વારા
મારા ગુરુ
શબ્દને.
(ગુરુદક્ષિણા)
---------------------------
મારી ભાષા
એક દિવસ અચાનક
હું બોલતી હતી ને અડધુંપડધું સમજાતું હતું તેને
ને એ જે બોલતો હતો તે પણ
થોડુંક સમજણમાં પડતું હતું મને...
ને પછી તો ધીમે ધીમે કોઈને સમજ પડતી
ન હતી
મારી ભાષા !
મેં લખીને સમજાવવા પ્રયત્ન કર્યો
તો મારી લિપિ જ સમજી નહોતા શકતા તેઓ.
હરપ્પા ને મોહેંજોદારોના જેવી ચિત્રો ભરેલી લિપિ
થોડા લીટા ને થોડાં ટપકાં... વાપર્યા
મારું ગાડું હવે હાવભાવ અને હાથના સંકેતોથી
ચાલવા માંડ્યું
પછી બીજે દિવસે
એક બીજી વ્યક્તિની ભાષા સમજ નહોતી પડતી બધાને
ને પછી ત્રીજે દિવસે ત્રીજાની...
બધાની લિપિ પણ બદલાઈ ગઈ.
સર્વેની અલગ અલગ.
જાણે કે પ્રાગૈતિહાસિક અક્ષરમાળા જેવી
કોઈ કોઈને જ સમજી શકતું ન હતું.
જિંદગી આગળ ચલાવવી કેવી રીતે?
શરૂઆતમાં છવાઈ ગઈ અંધાધૂંધી
પછી તો ધીમે ધીમે વાતો કર્યા વગર જ
ચાલવા માંડી જિંદગી બધાની...
આમ જોઈએ તો વાતોની કોઈ જરૂરત નથી
ઊલટાની અડચણ ભરી બનાવી દે છે
આ જિંદગીને...
- સંસ્કૃતિરાણી દેસાઈ |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osycv2%3DtyV%2B0g1gZ5bzHA5dcR6J7BU2gsRpB7ZonETtbA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment