Friday, 22 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ડૉક્ટરે લખી આપેલી ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓના નામે તમે ગભરાઓ છો? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ડૉક્ટરે લખી આપેલી ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓના નામે તમે ગભરાઓ છો?
જિગીષા જૈન

 

 

 

૨૦૧૬માં સાઇકિયાટ્રિસ્ટ દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓમાં ૨૦૧૫ કરતાં ૧૪ ટકાનો વધારો જોવા મળ્યો. ડૉક્ટરોના મતે આ દવાઓ ડિપ્રેશન જ નહીં, અનેક તકલીફોના ઇલાજ માટે ઘણી જ ઉપયોગી દવાઓ છે. હકીકત એ છે કે આ દવાઓની સાઇડ-ઇફેક્ટ કરતાં ડિપ્રેશનની તકલીફો ઘણી મોટી છે અને એની સામે લડવા જો ડૉક્ટરના મતે તમારા માટે આ દવા જરૂરી છે તો એ લેવામાં જ શાણપણ છે. આજે જાણીએ આ દવા વિશે


થોડા મહિના પહેલાં નૅશનલ ઇãન્સ્ટટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યુરોસાયન્સિસ, બૅન્ગલોર દ્વારા એક મેન્ટલ હેલ્થ સરવે બહાર પાડવામાં આવ્યો હતો. આ સરવે કહે છે કે ભારતમાં દર વીસ માણસે એક વ્યક્તિ અમુક પ્રકારના ડિપ્રેશનનો ભોગ બને છે. એટલે કે ડિપ્રેશનની હાજરી પાંચ ટકા લોકોમાં જોવા મળે છે. આ આંકડો આમ જોવા જઈએ તો ઘણો જ મોટો છે. છેલ્લે ભારતનો જે આંકડો મળે છે એ છે ૪૦ લોકોએ એક વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બને છે. હાલમાં આ આંકડો એનાથી ડબલ છે. કરોડો લોકો ભારતમાં ડિપ્રેસ્ડ જીવન જીવી રહ્યા છે. આ બાબતે જાગૃતિ વર્ષો સુધી જોવા મળી નથી, પરંતુ થોડા સમયથી આ બાબતે લોકો જાગૃત થતા જોવા મળી રહ્યા છે. આ સરવેમાં પણ આ આંકડા પાછળનું કારણ એ જ જણાવવામાં આવ્યું છે કે લોકો જાગૃત થઈ રહ્યા છે અને ડૉક્ટર સુધી પહોંચી રહ્યા છે એ જ કારણ છે કે આટલા મોટા વ્યાપમાં આ આંકડો આપણી સામે આવ્યો છે. પોતાના ડિપ્રેશન માટે લોકો હવે મેડિકલ હેલ્પ લેવામાં ખચકાટ અનુભવતા નથી જ એમ તો ન કહી શકાય, પરંતુ એ બાબતે થોડા ખુલ્લા બન્યા છે અને બધા જ નહીં તો ઘણા મોટા પ્રમાણમાં લોકો આ બાબતે ડૉક્ટર સુધી પહોંચી રહ્યા છે. એક બીજો મહત્વનો આંકડો આ સરવેમાં જાણવા મળ્યો એ છે ૨૦૧૫માં ડૉક્ટરો, જેમાં જનરલ પ્રૅક્ટિશનર્સથી લઈને સાઇકિયાટ્રિસ્ટ સુધી બધા જ ડૉક્ટરો દ્વારા કુલ ૩.૩૬ કરોડ દરદીઓને ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓ લખી આપવામાં આવી હતી અને આ આંકડો ૨૦૧૬માં ૩.૪૬ કરોડ સુધી પહોંચ્યો હતો. ૨૦૧૫માં ફક્ત સાઇકિયાટ્રિસ્ટ દ્વારા ૮૨.૨ લાખ દરદીઓને ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓ આપવામાં આવી હતી, જ્યારે ૨૦૧૬માં આ સંખ્યા વધીને ૯૩.૪ લાખ થઈ ગઈ હતી. આમ ફક્ત સાઇકિયાટ્રિસ્ટની લખેલી દવાઓની જ વાત કરીએ તો એની ખપતમાં ૧૪ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. આજે આપણે જાણીએ ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓના ફાયદા અને નુકસાન વિશે.


માનસિક તકલીફમાં ઉપયોગી
ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓ ડિપ્રેશનથી છુટકારો મેળવવા માટેની જ દવાઓ છે. કોઈ પણ પ્રકારની હતાશા જીવનમાં આવી ગઈ હોય તો એને દૂર કરવા માટે આ દવાઓ ખૂબ ઉપયોગી છે. હતાશા સિવાય પણ અમુક ખાસ માનસિક અવસ્થાઓમાં ડૉક્ટર દરદીને આ દવાઓ લખી આપી શકે છે. એના વિશે વાત કરતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે, 'જે વ્યક્તિ ખૂબ જ સ્ટ્રેસમાં રહેતી હોય તો એનું સ્ટ્રેસ ઓછું કરવા માટે આ દવાઓ ઘણી ઉપયોગી સાબિત થાય છે. સામાન્ય સ્ટ્રેસમાં કોઈ ડૉક્ટર દરદીને આ દવાઓ નથી આપતા, પરંતુ અમુક અત્યંત વધારે સ્ટ્રેસફુલ જીવન જીવતા લોકોને આપી શકે છે. કોઈ વ્યક્તિ અત્યંત દુ:ખમાં હોય, જેમ કે કોઈ નજીકની વ્યક્તિનું મરણ થયું હોય અને એ શૉકમાંથી વ્યક્તિ બહાર જ ન આવી શકતી હોય તો તેને આ દવાઓ ડૉક્ટર લખી આપે છે. કોઈ મોટો ટ્રૉમા હોય, જીવનમાં કોઈ એવી ઘટના બની હોય જેને લીધે આઘાત લાગી આવ્યો હોય તો પણ આ દવાઓ ઘણી ઉપયોગી સાબિત થાય છે. કોઈ જાતનો દરદીને ગભરાટ થતો હોય કે કઈ ડર લાગતો હોય તો પણ આ દવાઓ કામ લાગી શકે છે. જે લોકો આપઘાત કરવાની પ્રકૃતિ ધરાવતા હોય તેમના ઇલાજ માટે પણ આ દવાઓ ખૂબ કામની છે.'


આડઅસર
કોઈ પણ દવાઓ હોય એની આડઅસર તો રહેવાની જ. ખાસ કરીને માનસિક રોગોમાં જે પણ દવાઓ હોય છે એની આડઅસર વધુ રહે છે. એ બાબતે વાત કરતાં ડૉ. અશિત શેઠ કહે છે, 'ઘણા દરદીઓને મોઢું સૂકું થઈ જવાનો પ્રૉબ્લેમ થઈ જાય છે. કબજિયાત, યુરિનને રોકી રાખવામાં પ્રૉબ્લેમ થાય, આંખ ખેંચાય, બ્લડ-પ્રેશર વધે કે ઘટે, ચક્કર આવે, પરસેવો ખૂબ વળે, વ્યક્તિ એકદમ જ ખૂબ ચીડચીડી થઈ જાય, ખૂબ મોટી ઉંમરની વ્યક્તિને ભૂલી જવાની તકલીફ થાય, હૃદયના ઘણા પ્રૉબ્લેમ્સ પણ આવી જાય વગેરેમાંથી કોઈ પણ તકલીફો કે એ સિવાયની પણ કોઈ તકલીફો આવી શકવાની શક્યતા રહે છે. જોકે દરેક વ્યક્તિને આડઅસર આવે જ એવું જરૂરી નથી.


દવા માટે ડર
ઘણા જનરલ ફિઝિશ્યન કે બીજા ડૉક્ટરો પણ ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓ દરદીને લખી આપતા હોય છે, કારણ કે હતાશા સિવાય પણ ઘણી જુદી-જુદી તકલીફોમાં આ દવાઓ ઉપયોગી નીવડે છે. પરંતુ જ્યારે એક સાઇકિયાટ્રિસ્ટ એ દવાઓ લખી આપે છે ત્યારે એનો અર્થ જુદો હોય છે. આ બાબતે વાત કરતાં ડૉ. અશિત શેઠ કહે છે, 'નાની-મોટી તકલીફો માટે લોકો સાઇકિયાટ્રિસ્ટ પાસે જતા નથી. જ્યારે તકલીફ વધી જાય છે ત્યારે જ આવે છે. ડૉક્ટર જ્યારે દરદીને આ દવાઓ આપે છે ત્યારે મહkવની બાબત એ છે કે દરદીને ખૂબ જ જરૂર હોય ત્યારે જ આ દવાઓ આપે છે. આજે લોકો થોડા સમજુ થયા છે, પરંતુ હજી પણ અમે જ્યારે ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓ લખીએ એટલે દરદી ડરી જાય છે અને એ દવાઓ લેવાની ના પાડે છે. આડઅસર હોવા છતાં મહkવની વાત એ છે કે આ દવાઓ અત્યંત જરૂરી દવાઓ છે. એનું ચોક્કસ પરિણામ મળે જ છે. જે વ્યક્તિ ડિપ્રેશનનો ઇલાજ કરાવતી નથી તે વધુ તકલીફમાં ધકેલાઈ જતી હોય છે. આ દવાઓથી એટલી તકલીફ નથી થતી જેટલી ડિપ્રેશનને લીધે થવાની છે. એટલે દવાઓથી ડરવાનું છોડવું જોઈએ. દવાઓથી ડરીને દરદી પોતાનું જ નુકસાન કરી બેસે છે.'


દવાઓ અને થેરપી
નિષ્ણાતોના મતે માનસિક રોગોના ઇલાજમાં જે રોગના ઇલાજમાં સૌથી વધુ સફળતા દુનિયાભરમાં સાઇકિયાટ્રિસ્ટોને મળી છે એ રોગ છે ડિપ્રેશન અને આ સફળતા પાછળ ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓનો પણ હાથ છે જ. આ દવાઓ બાળકોને પણ આપવામાં આવે છે. બાળકોમાં પણ ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટી છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધતાં જોવા મળે છે. જોકે સાઇકોલૉજીના ગ્રંથો કહે છે કે ફક્ત દવાઓ પૂરતી નથી. આ બાબતે વાત કરતાં ડૉ. અશિત શેઠ કહે છે, 'ડિપ્રેશનના ઇલાજમાં ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓની સાથે-સાથે કૉગ્નટિવ થેરપી જરૂરી છે. ફક્ત થેરપી કે ફક્ત દવાઓ કરતાં બન્નેનું કૉમ્બિનેશન વધુ સારું ફળ આપે છે. વળી ઘણા લોકોને એમ હોય છે કે એક વખત દવાઓ ખાધી તો જીવનભર ખાવી પડશે, પરંતુ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના રેકમેન્ડેશન મુજબ જે વ્યક્તિને ડિપ્રેશનના ત્રણ અટૅક આવ્યા હોય તેમણે જીવનભર માટે આ દવાઓ ખાવી જ જોઈએ. જે રીતે બ્લડ-પ્રેશર કે ડાયાબિટીઝની દવાઓ જીવનભર માટેની છે એ જ રીતે આ દવાઓ સમજવી.'


ડિપ્રેશન સિવાય બીજા રોગોમાં પણ ઉપયોગી
૧. ઘણી વખત જે વ્યક્તિને ઊંઘ ન આવતી હોય તો તેના ઇલાજ માટે અને દરદીને સારી ઊંઘ આવે એ માટે પણ ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓ વાપરવામાં આવે છે.

૨. કોઈ વ્યક્તિને અલ્સર ઠીક કરવા માટે પણ આ દવાઓ ઉપયોગી થતી જણાય છે.

૩. જેમને માઇગ્રેનની તકલીફ હોય એવી વ્યક્તિઓને પણ ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓ આપવામાં આવે છે.

૪. ઍલર્જિક રીઍક્શન જેમને આવતું હોય તેમના ઇલાજમાં પણ આ દવાઓ ઘણો ફાયદો કરે છે.

૫. આ દવાઓ સારી પેઇનકિલર્સ પણ સાબિત થાય છે. ખાસ કરીને ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિને ન્યુરોપથીને લીધે પગમાં દુખાવો હોય કે પછી કોઈ પણ વ્યક્તિને કોઈ ઘાવ થયો હોય અને એનો દુખાવો જતો જ ન હોય, જેમ કે દાંત કઢાવ્યો હોય અને ખૂબ દુખાવો રહેતો હોય તો આ દવાઓ ઉપયોગી થઈ શકે છે.

૬. જે લોકોને સ્ટ્રોક આવ્યો હોય એવા ૪૦ ટકા લોકોને ડિપ્રેશન આવવાની શક્યતા રહે છે. એવા લોકોને પણ આ દવાઓ મદદરૂપ થઈ શકે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvR976kh-%3DDK1%2Br7hrpoV0OF75_dL4ONM1HrPk0RcLwOQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment