Monday 25 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સંધિવાની તકલીફ માટે શિયાળો જવાબદાર નથી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સંધિવાની તકલીફ માટે શિયાળો જવાબદાર નથી!
જિગીષા જૈન

 

 

 


સંધિવા એટલે કે આર્થ્રાઇટિસની શરૂઆત હોય છે ત્યારે લોકો સામાન્ય લક્ષણોને લીધે એને અવગણતા હોય છે, પરંતુ શિયાળામાં ઠંડીને કારણે આ લક્ષણો અને દુખાવો પ્રબળ બને એટલે તેમને લાગે છે કે ઠંડીને કારણે સાંધાનો પ્રૉબ્લેમ આવ્યો છે. હકીકત એ છે કે પ્રૉબ્લેમ તો હતો જ, એ શિયાળાને કારણે સામે આવ્યો છે


શિયાળામાં સાંધા પકડાઈ જવાની તકલીફથી ઘણા લોકો પીડાતા હોય છે. ખાસ કરીને મુંબઈના લોકોને આ અનુભવ ત્યારે વધુ થાય છે જ્યારે તેઓ ડિસેમ્બરની રજાઓમાં કોઈ હિલ-સ્ટેશન પર ફરવા જતા હોય છે, કારણ કે મુંબઈવાસીઓને કડકડતી ઠંડીની આદત હોતી નથી અને જેવા એ ઠંડીમાં જાય તેમના સાંધાઓ ખાસ કરીને ઘૂંટણ પર એ અસર થોડીક વર્તાવા લાગે છે. પ્રશ્ન એ છે કે આવા પ્રૉબ્લેમ શિયાળામાં શા માટે થાય છે? એવું શિયાળામાં શું થાય છે કે સાંધાની તકલીફો શરૂ થઈ જાય છે? ઘણા લોકોને સંધિવા એટલે કે આર્થ્રાઇટિસની તકલીફ પણ શિયાળામાં જ બહાર આવે છે. કેટલાક લોકો માને છે કે શિયાળાને લીધે જ સંધિવા થયો, પરંતુ શું શિયાળાને કારણે આવું કંઈ થઈ શકે છે? સંધિવા અને શિયાળા વચ્ચે શું સંબંધ છે? વળી શિયાળામાં આવી જે તકલીફો થાય છે એ મોટા ભાગે વૃદ્ધ લોકોને જ થાય છે એવી એક માન્યતા છે, પણ ફક્ત વૃદ્ધ લોકોને જ આવા પ્રૉબ્લેમ થાય છે એવું નથી; અમુક યુવાન વયના લોકોને પણ સાંધાના કે હાડકાના અમુક દુખાવા કે કળતર શિયાળામાં થતા જ હોય છે. એટલે કે આ પ્રૉબ્લેમ ઉંમર સાથે સંબંધ ધરાવતો નથી. તો શિયાળામાં સાંધાની કે હાડકાની જે તકલીફ થાય છે એ કોને થાય? આ બધા પ્રશ્નોનો જવાબ આપણે આજે મેળવીશું. શું થઈ શકે?


સાંધા પકડાઈ જવા, સાંધાનો દુખાવો ચાલુ થઈ જવો, ચાલવામાં તકલીફ પડવા લાગવી, ખાસ કરીને ઘૂંટણ, ઘૂંટી, હાથની કોણી જેવા સાંધાઓમાં અસર વધુ દેખાવી આ બધાં જ ચિહ્નો સામાન્ય રીતે શિયાળામાં દેખાય છે. પરંતુ આ સિવાય કોઈ વ્યક્તિને ફ્રૅક્ચર થયું હોય એ મટી જાય એ પછી પણ જો હાડકા પર અંદરની બાજુએ સોજો રહી ગયો હોય તો શિયાળામાં એવું બને છે કે એ ભાગમાં દુખાવો ફરી થાય. આ એવો સોજો હોય છે જે બહારથી દેખાતો નથી, પરંતુ અંદર રહી જાય છે. ઘણા લોકોને કોઈ પણ જાતનો ઍક્સિડન્ટ થયો હોય કે કંઈ વાગી ગયું હોય તો એ જગ્યાએ મટી ગયા પછી પણ શિયાળામાં ઠંડી પડવા લાગે એટલે ત્યાં દુખાવો શરૂ થઈ જતો હોય છે એની પાછળનું કારણ હાડકાનો રહી ગયેલો સોજો જ છે. જે સામાન્ય સંજોગોમાં કામ કરતાં પણ નથી દુખતું બસ, ઠંડા વાતાવરણમાં એ દુખાવો ચાલુ થઈ જાય છે.


ઠંડીમાં જ કેમ?
માનવ શરીર એવું છે જેને યોગ્ય રીતે કામ કરવા માટે અમુક નિશ્ચિત ટેમ્પરેચરની જરૂર રહે છે. પરંતુ એમાં પણ સમજીએ તો વ્યક્તિ અતિશય ગરમીમાં તો હજી પણ કામ કરી શકે છે, પરંતુ ઠંડું તાપમાન તે સહન નથી કરી શકતી. આ બાબતે સમજાવતાં આશીર્વાદ હૉસ્પિટલ, બોરીવલીના ઑર્થોપેડિક સજ્ર્યન પિનાકિન શાહ કહે છે, 'જો આપણે હાડકાં, સ્નાયુ અને સાંધાઓની વાત કરીએ તો એમને વ્યવસ્થિત કામ કરવા માટે વૉર્મ એટલે કે ઉષ્ણ વાતાવરણ વધુ અનુકૂળ આવે છે. તાપમાનમાં ઘટાડો થાય એટલે સ્નાયુ જકડાઈ જાય છે અને એની અસર સીધી સાંધા પર આવે છે. જ્યારે સાંધામાં તકલીફ પડે ત્યારે આ સીઝનમાં સ્નાયુઓ એનો સાથ આપવાનું જ છોડી દે છે જેને લીધે સાંધાની પરિસ્થિતિ વધુ વણસે છે અને દુખાવો શરૂ થાય છે અને વ્યક્તિના હલનચલન પર અસર થાય છે. આ સિવાય બીજો પ્રૉબ્લેમ એ છે કે ઠંડીની સીધી અસર લોહીના પરિભ્રમણ પર થાય છે. લોહીનું પરિભ્રમણ ઓછું થઈ જવાને લીધે સ્નાયુઓને લોહી ઓછું મળે છે અને એને લીધે પણ એ જકડાઈ જાય છે. આ સિવાય ઠંડીમાં વ્યક્તિના ચેતાતંત્રમાં રહેલી ચેતાઓ એકદમ સેન્સિટિવ બની જાય છે. એને કારણે પણ પેઇન વધુ અનુભવાય છે. તાપમાનમાં ઘટાડો થવાથી શરીર અમુક પ્રકારની પ્રતિક્રિયા આપે છે. આ એ જ પ્રતિક્રિયા છે.'


સંધિવા
દરેક વ્યક્તિને શિયાળામાં સાંધા, હાડકાં અને સ્નાયુઓની તકલીફ નથી થતી; અમુક વ્યક્તિઓને જ થાય છે. વળી શિયાળામાં જ સંધિવાની તકલીફ થાય છે એવું લોકો માને છે શું એ હકીકત છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. પિનાકિન શાહ કહે છે, 'લોકોને શિયાળામાં સંધિવા થતો નથી, પરંતુ બહાર આવે છે. આ વાતનો અર્થ એ છે કે સંધિવા મોટા ભાગે વૃદ્ધોને ઉંમરને કારણે અને યુવાનોને જિનેટિક કારણોસર આવતી બીમારી છે. આ બીમારી એવી છે કે ધીમે-ધીમે એનાં ચિહ્નો દેખાય. જેમ કે દાદરા ચડવા-ઊતરવાની તકલીફ થતી હોય તો વ્યક્તિ એને અવગણતી હોય છે, પરંતુ એમાં શિયાળો આવે એટલે સાંધા પર એની અસર દેખાય અને દુખાવો શરૂ થઈ જાય છે. એટલે વ્યક્તિને લાગે છે કે શિયાળાને કારણે સંધિવા આવ્યો. પરંતુ એવું નથી. શિયાળાને કારણે સંધિવાની તકલીફ વધુ થાય છે, પરંતુ એને કારણે સંધિવા આવતો નથી. એટલે કે જેને આ રોગ છે તેને જ શિયાળાની અસર આવે છે, બધાને એવું થતું નથી. જેમને હાડકાંની તકલીફ થાય છે એ લોકોને પણ ભૂતકાળમાં કોઈ માર લાગ્યો હોય એને કારણે શિયાળામાં એ જગ્યાએ ફરી એની અસર વર્તાય છે. આમ કોઈ તકલીફ હોય એ શિયાળામાં વધે છે, બાકી શિયાળાને કારણે તકલીફ થતી નથી.'


શું કરવું?
૧. જે વ્યક્તિને સાંધાની તકલીફ હોય તેમણે શિયાળામાં ઠંડીથી બચવાની પૂરી કોશિશ કરવી જોઈએ. ખાસ કરીને જે ભાગમાં તકલીફ છે એને ઊની કપડા વડે ઢાંકેલો રાખો જેથી ગરમાવો રહે. પગમાં અને હાથમાં મોજાં પહેરી રાખો. કાન હંમેશાં બંધ રાખો. આ એ જગ્યાઓ છે જ્યાંથી એ શરીરમાં પ્રવેશે છે અને એને તરત અસર કરી શકે છે.


૨. ક્યારેક એવું બનતું હોય છે કે લોકો આવા લોકોની ઠેકડી ઉડાડે છે કે ઠંડી તો છે નહીં, તો શું ખાલી આ બધું પહેરીને ફરો છો? શું જરૂર છે ગરમ કપડાની? તમને તો ખૂબ ઠંડી લાગે....વગેરે. આ કથનો પર ધ્યાન ન આપો. ભલે લોકો કંઈ પણ કહે, તમે તમારા શરીરને ઓળખો છો અને તમને ઠંડી વધુ લાગે છે તો તમને એ કપડાની જરૂર છે એટલે તમે એ પહેરો જ.

૩. એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે. એક્સરસાઇઝ કરવાથી સ્નાયુઓ શક્તિશાળી બને છે અને સ્નાયુઓમાં બળ હોય તો એ સાંધાની તકલીફને વધવા દેતા નથી. તમને કઈ એક્સરસાઇઝની જરૂર છે એ તમારા ફિઝિયોથેરપિસ્ટને પૂછો અને એ અનુસાર નિયમિતરૂપે કરો.

૪. મસાજથી પણ ફરક પડે છે. તેલથી જ્યારે મસાજ કરવામાં આવે છે ત્યારે શરીરની ચામડીને તેલ મળે છે અને માલિશથી શરીરમાં લોહીનું ભ્રમણ વધે છે. ગરમાટો આવે છે, જે ઘણો જ ઉપયોગી છે.

૫. આ સિવાય તમારી તકલીફ ખૂબ વધારે જ હોય તો ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે ડૉક્ટરને મળો અને તેમની સલાહ મુજબ દવા શરૂ કરો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvMZckNRMbpkxfh71GMWrxfQRRkG0QG1HcQ1a%3DyrwBxSw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment