Monday 25 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મોદી આમ છે અને મોદી તેમ છે પણ તમે કેમ છો? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મોદી આમ છે અને મોદી તેમ છે પણ તમે કેમ છો?
ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશી

amdavadis4ever@yahoogroups.com

"હુંરોજ સવારે ઊઘડતી બૅંકે જઇને પૂછપરછ કરું છું. મારા ખાતાની પાસબુક અપડેટ કરાવું છું. કાઉન્ટર ઉપર બે વાર પૂછું છું- "મેડમ મારા ખાતામાં જુઓ તો ખરાં ૧૫ લાખ રૂપિયા જમા થઇ ગયાને? પેલી મેડમ ડોકું ધુણાવે છે અને પછી કહે છે - "ભાઇ સાહેબ, કોઇ પણ ક્રેડિટ એન્ટ્રી આવશે કે તરત જ તમને એસએમએસ મળી જશે.

સાડાચાર વરસથી હું ખાતામાં ૧૫ લાખ જમા થાય એની રાહ જોઉં છું, તમે પણ રાહ જોતા હશો. મોદીજી જૂઠું તો ન જ બોલે. એમણે આપણને કહ્યું હતું કે દરેક દેશવાસીના બૅંક ખાતામાં વિદેશમાં રહેલાં કાળાં નાણાં પાછાં આવશે કે તરત ૧૫ લાખ જમા થઇ જશે. સાડાચાર વરસથી આ નાણાં પાછાં આવ્યાં નથી અને આપણે રાહ જોઇ રહ્યા છીએ. ઊંટનો લબડતો નીચલો હોઠ છૂટો પડીને નીચે પડે તો મજેદાર નાસ્તો કરાય એવી રાહ જોતા પેલા શિયાળની જેમ.

૧૫ લાખ નથી આવ્યા? કંઇ વાંધો નહીં! મોદીજીએ બીજું વચન પણ આપ્યું હતું-'પાકિસ્તાનમાંથી દાઉદને પકડીને દેશમાં ઘસડી લાવીશું.' દાઉદ નથી પકડાયો. દાઉદને દેશમાં લાવી શકાયો નથી. ઊલટું, દાઉદે મોકલેલા આતંકવાદીઓ દેશમાં આવ્યા છે. એનું છેલ્લામાં છેલ્લું જીવતુંજાગતું ઉદાહરણ પુલવામામાં છે. પુલવામામાં આ આતંકવાદીઓએ કોઇ નાગરિક વસતિ ઉપર હુમલો નથી કર્યો. સેંકડોની સંખ્યામાં પ્રવાસ કરી રહેલા આપણાં સુરક્ષા દળો ઉપર એકલા જણે આત્મઘાતી હુમલો કર્યો છે. દેશમાં ઊકળાટ છે. સાચી વાત છે. મોદીજી પોતાને ૫૬ ઇંચની છાતીવાળા કહેવડાવતા હતા- હજુય કહેવડાવે છે. અમદાવાદી ચોપાનિયાથી માંડીને બંગાળી બાનુ સુધી કેટલાય જણ હવે આ ૫૬ની છાતીના ખિખિયાટા કરે છે.

આ તો એક-બે ઉદાહરણ છે. આવું તો બીજું ઘણું કહી શકાય. મોદીજીએ વચન આપ્યાં હતાં અને છતાં કરી શકાય નથી એવાં કામોની ખાસ્સી યાદી કરી શકાય અને પછી એમ કહી શકાય કે મોદીજી પોતાનાં વેણ પાળી શકાયા નથી માટે હવે બીજીવાર આપણે ૨૦૧૯માં એમની બદલી કરી નાખીએ.

બદલી કરી નાખવાની આપણને છૂટ છે. આપણો એ લોકશાહી અધિકાર છે પણ આ બાપુની વાત તમે સાંભળી છે? જરાક એને યાદ કરી લ્યો.

ગામના ચોરે કેટલાક બાપુઓ અફીણની ગાંગડી ખાઇને વખત ખુટાડી રહ્યા હતા. બહારગામનો એક ઘોડેસવાર ત્યાંથી પસાર થયો અને એણે ડાયરાને 'રામ રામ' કર્યા. ડાયરાએ આ અસવારને આગ્રહપૂર્વક કહ્યું-"જુવાન, સાંજ ઢળી ગઇ છે. હવે આગળ જવાનું માંડી વાળ. ગામમાં જ વાળુ કરીને રાત રહી જા. પેલા જુવાને પહેલાં તો આનાકાની કરી પણ પછી ડાયરાના ગલઢેરાઓએ બહુ તાણ કરી એટલે પેલો અસવાર ઘોડેથી નીચે ઊતર્યો અને બોલ્યો-"ભલે બાપુ, તમે બધા બહુ તાણ કરો છો એટલે અહીં રાત રોકાઇ જાઉં પણ કહો તો ખરા, રાત કોને ઘરે રોકાવાનું?' ચોરે બેઠેલા સહુ કોઇ માટે આ સવાલ અણધાર્યો અને ભારેખમ હતો. બધાએ એકબીજાની સામે જોયું, ડોળા કાઢ્યા અને પછી માથું હેઠું ઢાળીને એક જણ બોલ્યો,"ભાઇ, તારી વાત તો સાચી. આવો સવાલ ઊઠશે ઇ તો અમે જાણ્યું જ નહીં. ભલે તંયે તું તારે હેંડતો જા.

આ ઘોડેસવાર જુવાનની જેમ જો મોદીજી ચોરે અફીણની કાંકરી ખાઇને બેઠેલા આપણને સહુને પૂછે કે ભલે હું તો ઊતરી જાઉં પણ આ ઘોડે ચડશે કોણ? તો આપણી હાલત પણ પેલા ગલઢેરાઓ જેવી જ થાય એમ તમને નથી લાગતું? આપણેય એમ જ કહેવું પડે કે ઇ વાત સાચી! તમને ઉતારી તો દઇએ પણ ઘોડે ચડશે કોણ એનું કંઇ કહેવાય નહીં. એવુંય બને કે ઢીંકાધબ્બા કરીને એકબીજાને કોણીયું મારીને બધાય પોત પોતાની એક એક ટાંગ ઘોડાની પીઠ ઉપર ચડાવી દઇએ અને પછી ઘોડો હાંકી મૂકીએ. ઘોડાનું તો જે થવાનું હોય એ થાય પણ અમારુંય શું થાય ઇ તો મારો વા'લો જાણે!

જવાહરલાલજીથી માંડીને મોદીજી સુધીના પ્રધાનમંત્રીઓ સામે એક નજર તો નાખો! જવાહરલાલજીએ સત્તર વરસ રાજ કર્યું. સત્તર વરસમાં દેશની લોકશાહી પરંપરાને જરૂર જાળવી અને મજબૂત પણ કરી પણ જેટલું કરવા ધાર્યું હતું એટલું કરી શક્યા હતા ખરાં? દેશની સરહદોનું રક્ષણ એ કોઇપણ પ્રધાન મંત્રી માટે સહુથી મોટી વાત. જવાહરલાલજી આ સહુથી મોટી વાત સાંભળી શક્યા હતા ખરાં? દેશે ૧૯૬૨માં ચીનના હાથે જે માર ખાધો એની તમ્મર તો હજુ આજેય વળી નથી. ક્યારે વળશે એય કોઇ જાણતું નથી. એમનાં સુપુત્રી ઇંદિરાજીએ દેશને વચન આપ્યું હતું-ગરીબી હટાઓ! આ વચન ઉપર વિશ્ર્વાસ રાખીને દેશે એમને પ્રધાન મંત્રી બનાવ્યાં. ઇંદિરાજી એ પણ પિતાના પગલે પગલે સોળ વરસ રાજ કર્યું. આ સોળ વરસ પછી પણ ગરીબી હટી ખરી? આંકડા ગમે તે બોલતા હોય પણ નાનામોટા કોઇપણ ધર્મ સ્થાનકના દરવાજે જરાક નજર નાખજો. અર્ધભૂખ્યાં, અર્ધનાગાં બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો ફેંકી દેવાયેલા એંઠા પતરામાંથી રાજી રાજી થઇને કેવી ઉજાણી કરે છે!

પણ જવાહરલાલજી કે ઇંદિરાજી જ શા માટે? મોરારજીભાઇને આપણે કેવડી મોટી મોટી આશાઓથી પ્રધાન મંત્રી બનાવ્યા હતા? મોરારજીભાઇ તો ઠીક પણ જયપ્રકાશ નારાયણે પણ કેવાં વચનો આપ્યાં હતાં? આ વચનો સાવેસાવ ભૂલીને મોરારજીભાઇની ખુરશીએ ચરણ સિંહ અને જગજીવન રામ નામના બે એરુઓ આભડી ગયા. મોરારજીભાઇ કંઇ કરી શક્યા નહીં.

આની પણ એક લાંબી યાદી થઇ શકે. આ બધા પ્રધાન મંત્રીઓ બધું નથી કરી શક્યાં. મોદીજી પણ બધું નથી કરી શક્યા એનો સ્વીકાર કરવામાં કોઇ વાંધો નથી. કોઇ પણ માણસ પોતે કરવા ધારે એ બધું કામ કરી શકતો નથી. કેટલાંક કામ થઇ શકે છે તો કેટલાંક કામ થઇ શકતાં નથી. સાડાચાર વરસ પહેલાં મોદીજી જે બોલે છે એ બધાં જ કામો કરી શકે છે એવા ગળા સુધીના વિશ્ર્વાસ સાથે આપણે એમને પ્રધાન મંત્રી બનાવ્યા હતા. કોઇ પણ કામમાં સફળ થવા માટે કોઇ પણ પ્રધાન મંત્રી એકલે હાથે કંઇ કરી શકે નહીં. જવાહરલાલજીને શેખ અબ્દુલ્લાથી માંડીને કૃષ્ણ મેનન અને મૌલાના આઝાદ સુધી કેટલાય જણે ખોટા માર્ગે દોર્યા. એ જ રીતે, સફળતાનો માર્ગ પણ સહુનો સહિયારો હોય છે. મોદીજી સફળ થાય એ માટે આપણે શું કર્યું? અથવા એ નિષ્ફળ જાય એ માટે પણ આપણે શું શું નથી કર્યુંમ?મોદીજીએ જે વચનો આપ્યાં હતાં એ ખોટાં નહોતાં. આજે પણ એ ખોટાં નથી. જે કામો નથી થયાં એ કામો કરવા જેવાં તો છે જ એવું આપણે સહુ ભારપૂર્વક માનીએ છીએ.

અહીં સવાલ એ થાય છે કે જે કામો અધૂરાં રહ્યાં છે એ કામો પૂરાં કરવા માટે આપણે શું કર્યું? કવિ ઉમાશંકર જોશીએ દેશની આઝાદી આવી ત્યારે લખેલા કાવ્યની એક પંક્તિ અહીં સંભારવા જેવી છે. કવિએ લખ્યું છે - 'દેશ તો આઝાદ થાતાં થઇ ગયો- તે શું કર્યું?' આ પંક્તિને નજર સામે રાખીને આપણે સહુ આપણને જ પૂછી શકીએ- જે કામો થઇ શક્યાં છે એમાં આપણું યોગદાન કેટલું છે? જે કામો નથી થઇ શક્યાં એમાં આડખીલી રૂપે આપણે શું શું કર્યું છે? આપણે ક્યારેય એવું કહ્યું કે કર્યું જેથી પ્રધાન મંત્રીને એવો સંદેશો મળી જાય કે તમે અમારી ચિંતા કરતા નહીં, આ પ્રશ્ર્નોની પતાવટ કરવા અમે તમારી પાછળ ઊભા છીએ. ક્રિકેટના મેદાનમાં સદી કરનાર અને વિકેટ લેનાર જેટલો ઉપયોગી છે એટલો જ ઉપયોગી બાઉન્ડરી લાઇન તરફ જતા દડાને રોકનારો એકે એક ફિલ્ડર પણ છે. તમે સદી ભલે ન કરી હોય, વિકેટ ભલે ન લીધી હોય પણ ગબડતા દડાને કેટલી વાર રોક્યો? ઊંચે ઊછળેલા દડાને કેટલી વાર ઝડપ્યો? જેણે આવું કંઇ નથી કર્યું તેઓને મોદીજી આમ અને મોદીજી તેમ એવું કહેવાનો અધિકાર છે ખરો?

ક્યાંક એવું બને છે કે સારું કરવા જતા, સારું તો ન થાય પણ કશુંક ખરાબ પણ થઇ જાય. અસલ વાત કામ કરવા પાછળના ઉદ્દેશની છે, નિષ્ઠાની છે. મોદીજીએ રફાલ સોદામાં ત્રીસ હજાર કરોડ અનિલ અંબાણીને અપાવી દીધા એમ કહેવું આપણી સમજદારીને પડકારે એવું છે. મોદીજીના ભાઇ, ભત્રીજા, બહેન, બનેવી, કે અન્ય કોઇપણ કુટુંબીજન ક્યાંય સત્તા પર છે? ક્યાંય સરકારી લાભો મેળવે છે? કશીક ઊણપ હોય પણ ખરી પણ ૨૦૧૯ના દરવાજે ઊભા રહીને આપણે આવી અન્યોની ઊણપો સાથે મોદીજીની ઊણપને ચકાસવી જોઇએ. ક્યાંક શરદી, સળેખમ હોય, ક્યાંક મલેરિયા કે ટાઇફોઇડ પણ હોય પણ આપણે પસંદગી કરવાની હોય તો પસંદગી શરદી, સળેખમ અને મલેરિયા, ટાઇફોઇડની કરીશું કે પછી કેન્સર અને એઇડ્સ કે કુષ્ઠરોગની?

બધું આપણા હાથમાં છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov4hvM%2BfXx%2Bp8SZzbifdVP7Q8o38zb72J%3D5%2BTxbS%3DYLJw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment