Monday 25 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આપણી ચણીબોર જેવડી પૃથ્વી પર ઊગેલું વિચિત્રતાઓનું મ્યુઝિયમ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આપણી ચણીબોર જેવડી પૃથ્વી પર ઊગેલું વિચિત્રતાઓનું મ્યુઝિયમ!
ગુણવંત શાહ

 

 

 


આપણો સંસાર બડો વિચિત્ર છે. એ સંસારમાં જે વિચિત્રતાઓ જોવા મળે, તે એક મજેનું કામ કરે છે. સંસારમાં જન્મ, મૃત્યુ, સીમંત, બેસણું, રોગ, વાટકી વ્યવહાર, નફોતોટો, લેવડદેવડ, ઈર્ષ્યા, દ્વેષ નીંદાકૂથલી, છેતરપિંડી, લોભ, લાલચ, વૈતરું, વાસના, વૈભવ, સંપત્તિ, વિપત્તિ, સંયોગ, વિયોગ, આફત, જાફત, સંગ, કુસંગ, વ્યસન, વેઠ, સુવાવડ, કસુવાવડ, મિશન, કમિશન, મૂરત, કમૂરત, દેવાળું, દિવાળી, હોળી, દીવાનેઆમ, દીવાનેખાસ, ઘડભાંજ, ભાંજઘડ, કાવાદાવા, કાવતરાં, કડાકૂટ, માથાકૂટ અને મારઝૂડથી કંટાળેલો માનવી જીવનમાં changeની ઝંખના સેવે ત્યારે ક્યાંક કોઈ વિચિત્રતા નજરે પડે તો થોડોક વિસામો પામે છે. જગત આખું વિચિત્રતાઓનું આશ્ચર્યકારક મ્યુઝિયમ છે. આજે થોડીક વિચિત્રતાઓનો પરિચય પામીએ.


મારા ગામ રાંદેરમાં એક માણસ રસ્તા પર ચાલે, ત્યારે મોં વડે હોર્નનો અવાજ કાઢતો જાય અને પોતાનો રસ્તો કરતો જાય! એ ડાબી તરફ કે જમણી તરફ વળે ત્યારે હાથ વડે રીતસર સાઇડ (સિગ્નલ) બતાવે અને પોતે વાહન હોય એ રીતે ચાળા કરતો. એને જોનારા કેટલાક ઉંમરલાયક માણસો હજી રાંદેરમાં જીવતા હશે. તુલસી ઇસ સંસાર મેં ભાતભાત કે લોગ!


1. ટી. એસ. એલિયટે એક વિચિત્ર વિધાન કર્યું હતું: જેમને જેમને નોબેલ પ્રાઇઝ મળ્યાં છે, તેમણે ઇનામ મળ્યા પછી એવું કશુંય લખ્યું નથી, જે વાંચવા જેવું હોય!

2. લિંડન જોન્સન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા. તેઓ ખાસ મિત્રોને પોતાની જનનેંદ્રીય બતાવીને પૂછતા: 'બોલો! તમે આવડી મોટી જનનેંદ્રીય બીજી જોઈ છે?'

3. બાસ્કેટબોલના એક વિખ્યાત ખેલાડીને ખબર પડી કે પોતે જે આત્મકથા લખી છે, તેમાં એણે એવી વાતો લખી છે, જે એના જીવનમાં ક્યારેય બની નહોતી. કોઈકે આ બાબતે એનું ધ્યાન ખેંચ્યું ત્યારે ઠંડે કલેજે એ ખેલાડીએ કહ્યું: 'મારે મારી આત્મકથા વાંચવી જોઈતી હતી!'

4. જાણીતા સંગીતકાર યુબી બ્લેક પૂરાં 100 વર્ષ સુધી જીવ્યા હતા. એ સંગીતકાર પુષ્કળ શરાબ પીતા અને સિગારેટ પણ ઘણી ફૂ઼ંકતા. 100 વર્ષ પૂરાં થયાં ત્યારે એમણે શુભેચ્છા આપનારા મિત્રોને કહ્યું: 'જો મને ખબર હોત કે હું આટલાં વર્ષ જીવવાનો છું, તો મેં મારા સ્વાસ્થ્યની સારી કાળજી રાખી હોત!'

5. ચાર્લી ચેપ્લિને 'કાસ્ટિંગકાઉચ'ની શરૂઆત કરી હતી. તેઓ પોતાની ફિલ્મ માટે ઓડિશન ટેસ્ટ લેતા ત્યારે અભિનેત્રીઓને નગ્ન હાલતમાં ચાલવાનું કહેતા. એ વખતે ચાર્લી એ સ્ત્રીઓ પર કસ્ટર્ડ પાઉડર ચોપડતા.

6. જાણીતા ગ્રીક ફિલોસોફર અને ગણિતશાસ્ત્રી પાયથાગોરસે એવા ધર્મની સ્થાપના કરી હતી, જેમાં બધા અનુયાયીઓને વાલ ખાવાની મનાઈ હતી.

7. મહાન વિજ્ઞાની આઇઝેક ન્યૂટન એવા પથ્થરની શોધમાં હતો, જેને કોઈ પણ ધાતુ અડકે તો એ સોનામાં ફેરવાઈ જાય. એ વિજ્ઞાનીને પાકી 'શ્રદ્ધા' હતી કે એવા પથ્થરનું અસ્તિથ્વ પૃથ્વી પર છે. વિજ્ઞાની પણ છેક શ્રદ્ધાવિહીન નથી હોતો.

8. બેન્જામિન ફ્રેન્ક્લિનને યુવાન સ્ત્રીઓ કરતાં ઘરડી સ્ત્રીઓ પ્રત્યે વધારે જાતીય આકર્ષણ રહેતું. આ બાબતે એમણે ઘણું બધું લખ્યું પણ છે.

9. માઇકલ એન્જેલો કાયમ બૂટ પહેરીને જ પથારીમાં સૂઈ જતો. દિવસો સુધી બૂટ પહેરી રાખવાને કારણે ક્યારેક તો એની ચામડી પણ ઊખડી જતી.
10. માર્ટિન લ્યૂથર કે જેમણે લ્યૂથેરિયન ચર્ચની સ્થાપના કરી હતી. તેમને એક અતિ વિચિત્ર ટેવ હતી. તેઓ રોજ એક ચમચી જેટલો પોતાનો જ મળ ખાતા.

11. એક જાહેરસભામાં રશિયાના પ્રમુખ ક્રુશ્ચોવ પ્રવચન કરી રહ્યા હતા. કોઈ પત્રકારે એમને પ્રશ્ન પૂછ્યો: 'જ્યારે સ્ટાલિને લાખો માણસોની કતલ કરી, ત્યારે તમે ચૂપ કેમ રહ્યા?' ક્રોધમાં ક્રુશ્ચોવે જોરથી ટેબલ પર હાથ પછાડીને મોટા અવાજે પૂછ્યું: 'પ્રશ્ન પૂછનાર કોણ છે? ' ઓડિયોરિયમમાં શાંતિ પથરાઈ ગઈ. એક ક્ષણ વીતી, પછી ક્રુશ્ચોવે કહ્યું: 'તમે અત્યારે જે કર્યું, તે જ મેં ત્યારે કર્યું હતું!'

12. જ્યારે ઓસ્કાર વાઇલ્ડને એણે લખેલા નાટકની સ્ક્રિપ્ટમાં થોડોક ફેરફાર કરવાનું સૂચન કરવામાં આવ્યું ત્યારે જવાબ મળ્યો: 'આવી માસ્ટરપીસ સ્ક્રિપ્ટમાં ફેરફાર કરનાર હું તે વળી કઈ વાડીનો મૂળો!'

13. વિદ્વાન અને સંશોધક આદરણીય ડોલરરાય માંકડના સુપુત્ર ડો. શિરીષ માંકડે ગાંધીજન એવા કિ. ઘ. મશરૂવાળા પર M.Ed. માટે મહાનિબંધ લખ્યો હતો. એના પરથી તૈયાર થનારા ગ્રંથની પ્રસ્તાવના લખવાની વિનંતી સાથે શિરીષભાઈ કવિ ઉમાશંકર જોશીને ગ્રંથનાં પાનાં આપી આવ્યા. મહિનાઓ વીતી ગયા પછી જ્યારે શિરીષભાઈ કવિને મળવા ગયા ત્યારે વિનયપૂર્વક બોલ્યા: 'આપને સમયની ખેંચ હોય તે હું સમજી શકું છું.' ઉમાશંકરભાઈએ જવાબમાં કહ્યું: 'સમયની ખેંચ રહે, તે એમ સૂચવે છે કે હજી સમયનો સદુપયોગ કરવાની કળા પ્રાપ્ત થઈ નથી.' પ્રસ્તાવના પ્રાપ્ત થઈ ન હતી.

14. પૂજ્ય રવિશંકર મહારાજની હાજરીમાં કોઈ પદયાત્રી એક પૈસાનો ખર્ચ કરે, તો તેનું આવી બનતું. બંગલામાં રહેતી એક ગૃહિણીએ કહ્યું: 'મહારાજ! મેં મારી આ વેણી ઘરના બાગમાં ઊગેલાં ફૂલોમાંથી બનાવીને પહેરી છે.' મહારાજે જવાબમાં કહ્યું: 'બહેન! માથામાં ખોસવા માટે ફૂલ ઉગાડવાને બદલે પેટમાં ખોસવાનું ઉગાડ્યું હોત તો વધારે સારું થાત! બહેન શું બોલે?'

15. પંડિત જવાહરલાલ નેહરુ જીવનભર રેશનલિસ્ટ રહ્યા. એમણે પ્રવચનો અને લખાણોમાં કાયમ 'સાયન્ટિફિક ટેમ્પર' કેળવવાની હિમાયત કરી હતી. મૃત્યુ પામ્યા ત્યારે તેમના મૃતદેહ પર જનોઈ હતી!

16. વિખ્યાત કામદાર નેતા જ્યોર્જ ફર્નાન્ડિઝનું થોડાક દિવસ પર અવસાન થયું. માનશો? તેઓ નિયમિતપણે રોજ શિવામ્બૂનું સેવન કરતા. હા, એ માટેની પ્રેરણા એમને મોરારજી દેસાઈ તરફથી મળી ન હતી.

 

 

 

પાઘડીનો વળ છેડે

જગતના લોકો બે વર્ગોમાં વહેંચાઈ જાય છે:
(1) જેઓ કશુંક કરી બતાવે છે અને
(2) જેઓ કેવળ જશ ખાટે છે.
જો શક્ય હોય,
તો તમે પ્રથમ વર્ગના બનવાનો પ્રયત્ન કરો.
એ વર્ગમાં ઝાઝી-હરીફાઈ નથી હોતી.

-ડ્વાઇટ મિરો (એડવોકેટ અને ડિપ્લોમેટ)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsJs0zgdJGU77kitFvV%3D1vHLavnygNK4HqS%2BdF_FWpkLQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment