Sunday 24 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સત્કર્મોનો સંદેશો આપે છે ચોવકો... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સત્કર્મોનો સંદેશો આપે છે ચોવકો!
કચ્છી ચોવક-કિશોર વ્યાસ

એક ચોવક છે: "મન મેં મંગલીયા નેં બાવા આંજી બકરી મુઈ અહીં 'મંગલીયા'નો અર્થ થાય છે 'ખુશી' અથવા 'રાજીપો'! 'બાવા' શબ્દ દરબારો માટે માનાર્થે સંબોધાતો શબ્દ છે. 'આંજી' એટલે તમારી અને 'મુઈ' એટલે મૃત્યુ પામી. ચોવકનો શબ્દાર્થ કરીએ તો... 'દેખાવ દુ:ખ લાગવાનો અને મનમાં રાજીપો' એવો થાય. ભાવાર્થ સામાજિક વ્યવહાર સામે આંગળી ચિંધે છે. કોઈના મૃત્યુ પછી બેસણામાં ઘણા લોકો જતા હોય છે. બધાને કંઈ કોઈના મૃત્યુનું દુ:ખ નથી હોતું, તેમ જ જો સ્વભાવ સારો હોય તો, એમાં કંઈ રાજી થવા જેવું પણ નથી હોતું. પણ, બધા સરખા નથી હોતા, કોઈ ગુણને યાદ કરે અને કોઈક અવગુણોને! ભલે, એમાં પણ હરખાવા જેવું નથી હોતું પણ, ઘણાં મૃત્યુનો મલાજો છોડીને બેસવા જતા હોય છે. કોઈ દરબારની બકરી મૃત્યુ પામે ત્યારે મોચીનો હરખ કેવો હોય? તેને બકરીની ચામડીની લાલચ હોય પણ, બકરી મરવાનો એ ખરખરો તો જરૂર કરે! સમાજમાં આવું જ મોટાભાગે જોવા મળતું હોય છે.

શ્રદ્ધા એ જીવનનો મોટો આધાર છે. શ્રદ્ધા શક્તિ પૂરી પાડે છે. શ્રદ્ધા કોના પર રાખવી? એ સવાલ પણ શ્રદ્ધાળુને થતો જ હોય છે. એવા મતલબની એક ચોવક છે કે "પીર વડો કે ઈમાન? 'પીર' એટલે અવતાર પુરુષ અને 'ઈમાન' એટલે શ્રદ્ધા કે વિશ્ર્વાસ. ઈશ્ર્વરના અવતારો કરતાં તેમના અંશ લઈને અવતરેલા પીર કે સંતોની સંખ્યા ખૂબ જ વધારે જોવા મળે છે. ઈશ્ર્વર જોવા મળતો નથી. જ્યારે પીર, ફકીર કે સાધુ-સંતો જીવંત અને જાગૃત જોવા મળે છે. એ રૂબરૂ મળી શકે છે. દિશા-સૂચન પણ આપતા હોય છે. જીવન-બોધ પણ તેમની પાસેથી મળી રહે છે. ત્યારે શ્રદ્ધાળુને એક સવાલ સ્વાભાવિક રીતે થતો જોવા મળે છે. મોટું કોણ? પીર કે શ્રદ્ધા? કોના પર શ્રદ્ધા રાખવી? કારણ કે ઈશ્ર્વર તો માત્ર અવલંબન છે. મહત્ત્વની વાત તો શ્રદ્ધા કે વિશ્ર્વાસ જ બની રહે છે. આનો કોઈ ચોક્કસ જવાબ નથી, પણ એટલું ખરું કે, મૂળમાં તો શ્રદ્ધા હોવી જોઈએ, પછી ભલેને એ પીરમાં હોય કે ઈશ્ર્વરમાં.

કચ્છીમાં એક સુંદર શબ્દ છે "સવતર. જેનો અર્થ થાય છે, વેળાસર કે સમયસર. એક એવી જ મજાની ચોવકમાં તેનો ઉપયોગ થયો છે: "સવતરમેં સો ગુણ ચોવકમાં મહત્ત્વ અપાયું છે, માત્ર નિયમિતતાને, સમયસરતાને! એટલે તેનો શબ્દાર્થ થાય છે, 'વેળાસર કામ કરવામાં સો ગુણ... મતલબ કે, સમયપાલન કરવું એ અતિ ઉત્તમ ગુણ છે.' ચોવકનો ભાવ સમજીએ તો, એ જીવનને ધન્ય બનાવવું હોય, જીવન સફળ બનાવવું હોય સમયસરતાના ગુણને પ્રાધાન્ય આપવું જોઈએ. વેળાસર જાગી જનારને સમય ક્યારેય ઓછો નથી પડતો. બધું, આયોજન મુજબ કે ધારણા મુજબ, યોગ્ય રીતે પાર પડતું જતું હોય છે. એનાથી વિપરીત જોવા મળે છે, અનિયમિત માણસનું જીવન. ઊઠવું મોડું, પ્રવૃત્ત મોડા થવું વગેરેના કારણે એ સમયને સાંધી નથી શકતો. આદર્યાં અધૂરાં રહી જવાથી તેનો આત્મવિશ્ર્વાસ ડગી જતો જોવા મળે છે, પરિણામે હૃદયમાં નિરાશા જન્મે છે! કારણ કે સમય સાથે તેણે કદમ ન મિલાવ્યા હોવાથી બધું જ કામ ઉતાવળે કરવું પડતું હોય છે, જેમાં ઘણી કચાસ રહી જાય છે, જે ફળપ્રાપ્તિથી વંચિત રાખે છે તેથી સુખ પણ હાથ-વ્હેંત છેટું જ રહે છે.

જેનાં કિસ્મત જ ખરાબ હોય, તેને ભાગ્યે જ સુખનો લાભ મળતો હોય છે. કહેવાય એમ કે, "મિની આડ ફિર વઈ મતલબ કે 'નસીબ આડે પાંદડું'. લાખ પ્રયાસ કરવામાં આવે તનતોડ મહેનત કરવામાં આવે, કરોડો રૂપિયાના રોકાણ સાથે વ્યવસાય શરૂ કરવામાં આવે... પણ સફળતા એ પ્રયત્નોથી એક પગલું આગળ જ હોય છે. ચોવક એમ કહેવા માગે છે કે, સફળતા કે સુખ મળવામાં જ હોય કે, કંઈક એવું બને કે જેના કારણે કોળિયા અને મોઢાં વચ્ચેનું અંતર કાપવું દોહ્યલું બની રહે. એ જ બનેલી ઘટનાને ચોવક 'મિની' કહે છે, મિની એટલે બિલાડી હજુ પણ રસ્તે ચાલ્યા જતાં બિલાડી આડી ફરી જાય તો તેને આપણે અપશુકન ગણીએ છીએ...! 'મિની આડ ફિરી વઈ' એટલે બિલા઼઼ડી આડી ફરી ગઈ.

પણ, આવાં સંકટો સત્કર્મ કરવાથી ટળી જતાં હોય છે, તેવું પ્રબળપણે માનવામાં આવે છે. સત્કર્મો કરવાથી પુણ્ય ઉપાર્જન થતું હોય છે. પુણ્ય એવી શક્તિ પૂરી પાડે છે કે તેના કારણે જીવનમાં કોઈ પણ ક્ષેત્રે આવતાં સંકટ ટળી જાય છે. આપણો સમાજ તો એટલે સુધી માને છે કે, 'વડીલોનાં પુણ્યબળે પણ સંકટ ટળી જાય છે.' એ સંદર્ભમાં બોધદાયી એક ચોવક છે કે, "કિઈ-કરણી આડી અચે શબ્દોનો અર્થ સમજીએ... તો 'કરણી'નો અર્થ થાય છે સત્કર્મ અને આ શબ્દપ્રયોગ જોજો મિત્રો. 'આડી અચે' એટલે મદદે આવે કે બચાવે. સામાન્ય રીતે 'આડા આવવું' એટલે કોઈને નડવું. એવો નકારાત્મક અર્થ થાય છે, પરંતુ કચ્છી ચોવકે તેને હકારાત્મક સ્વરૂપ આપીને ગરિમા બક્ષી છે. શબ્દાર્થ સરળ છે કે, 'કરેલાં કર્મો કામ આવે'. બહુ સ્વાભાવિક છે કે, સત્કર્મો કર્યાં હોય તો એ જ જીવનમાં આગળ જતાં કામ આવતાં હોય છે. દુષ્કર્મો કર્યાં હોય તો, તેનાં ખરાબ પરિણામો ભોગવવાં પડતાં હોય છે. એવી સ્થિતિમાં શબ્દ 'આડી અચે'એ તેના મૂળ સ્વરૂપમાં આવી જઈને, એવો અર્થ પેદા કરે જેનો અર્થ થાય 'નડે' 'નડવું' 'સહન કરવું', માટે કર્મોને આધીન આ જીવનમાં, સત્કર્મો, સારા ભવિષ્ય માટે પણ કરતા રહેવું જોઈએ. આપણાં કર્મોનું ફળ આપણી ભાવિ પેઢીને મળતાં હોવાનું આપણે માનીએ જ છીએ!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otz50dfhR4%3DLx8LF_rAu7O9YywqSH_J1zuZixSYKEerHw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment