Saturday 23 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ડહાપણ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ડહાપણ!
દુર્ગેશ ઓઝા - પોરબંદર

 

 

 

                  
નૂતન વર્ષ નિમિત્તે અનેક આકર્ષક નવતર સ્કીમ. વળતરમાં વિશેષ છૂટ. એમાંય આજ તો રવિવાર. રોજ કરતાં આજે શોપિંગ મોલમાં વધારે ભીડ એટલે ભવ્યાને ત્યાં જવાની ચીડ. એને નિરાંતવા જીવે બધું કરવાની ટેવ. શાંતિથી બધું મળતું હોય તો ખોટી હાયવોય શાને એવું તે વિચારતી. અણમોલ ભવ્ય ક્ષણોને ભવ્યા નાહક વેડફવા નહોતી માંગતી, પણ લોકો એને પરાણે મોલમાં..! કલ્પવૃક્ષ સોસાયટીના રહેવાસીઓએ સયુંકત રીતે શહેરના ખૂબ જ મોટા અને પ્રખ્યાત મોલ 'ઓલ ઇન વન'માં જવાનો કાર્યક્રમ ગોઠવેલો. આમ જુઓ તો આજે એ લોકો સાથે તો જતા હતા, પણ છૂટક સવારીની રિક્ષામાં ભેગા બેઠેલા મુસાફરોની જેમ! કોઈ ઊતરી જાય એટલે વાત પૂરી. કોણ તું ને કોણ હું? અરે રિક્ષામાં પણ કોઈ સંબંધ નહીં એવી વૃતિ! કેટલાકને વસ્તુઓ લેવી હતી તો કેટલાકને મફત ઠંડક કરવી હતી, તો અમુકને બેય..! ઓલ ઇન વનમાં ' ટુ ઇન વન.'



આ એરકન્ડિશન્ડ મોલમાં જાતજાતની ચીજવસ્તુઓ એવી તો આકર્ષક ઢબે ને વ્યવસ્થિત ગોઠવેલી હતી કે માણસનું મન અવ્યવસ્થિત થઇ જાય! શું લેવું ને શું ન લેવું? એક જુઓ ને બીજું ભૂલો. માણસ એમાં ભૂલો પડી જાય કે ભૂલો કરી બેસે! મદદ કરવા સતત તત્પર, વિવેકી સેલ્સ બોય્સ અને સેલ્સ ગર્લ્સ. હોંઠો પર સતત સ્મિત રમતું હોય ને એ સૌને ગમતું હોય. વર્તનમાં શાનદાર શાલીનતા. આનાથી સંમોહિત અમુક ગ્રાહકો તો એવા કે પોતે વસ્તુ લે કે ન લે, પણ..! લેવાનું બહાનું કરી ફૂટડી સેલ્સ ગર્લ સાથે વાતે વળગે. અમુક લોકો તો ત્યાં મળતા તાજા, કુદરતી ફ્રુટ આઈસ્ક્રીમની વિશિષ્ટતા વિશે કૃત્રિમ રસ દાખવી અમથી પૂછપરછ કરી રહ્યા. પ્રમાણમાં એ મોંઘો, પણ એમાં અસલી ફળોનો રસ ઉમેરાતો હતો ને એ પણ ગ્રાહકની નજર સામે જ! માનસ જીજ્ઞાસાવશ એના વિશે પૂછી રહ્યો. જો કે એણે ઠંડો આઈસ્ક્રીમ ખરીદયો તો નહીં જ, પણ પડોશી પશાકાકાનું જડ મગજ..! એણે માનસ સામે નજર માંડી એટલે એ તેની નજીક જઇ કહી રહ્યો. ' આમાં ખોટું શું છે?' પછી દૂર જઇ ઝાંખા સ્વરે બબડ્યો. ' આમાં તમને શું પેટમાં દુઃખે છે? ' એણે મનોમન વિચાર્યું કે વાતચીત અને વર્તનમાં બેય પક્ષે શિષ્ટતા ને સરળતા ઝલકે એટલે ઘણું. કમળો હોય એને પીળું જ દેખાય. જેનું હૈયું તુલસીપત્ર એને બધું લીલું જ દેખાય.'


માનસની વાતમાં દમ હતો. વળી મોલના માલિકની દ્રષ્ટિએ વિચારો તો ભવિષ્યમાં આવા માણસો આ મોલના કાયમી ગ્રાહક થઇ જાય એમ પણ બને. એમાંય પેલા નયનનો દાખલો તો સાવ નિરાળો જ. એ તો એક મોલમાં કોઈ વસ્તુ લેવા ગયેલો ને એને વસ્તુની સાથોસાથ  જીવનસાથીની પણ ત્યાંથી જ પ્રાપ્તિ થઇ ગઈ! વસ્તુની સાથે નજર પણ મળી ગઈ. બેયના નયન ઢળી ગયા ને દિલ મળી ગયા.


ટૂંકમાં અમુકે 'ઓલ ઇન વન' મોલમાં વાતોથી પેટ ભર્યું, તો અમુકે વાનગીઓથી. કોઈએ ત્યાંથી મનગમતી ચીજ લીધી તો કોઈએ ચીઝ સેન્ડવીચ આરોગી. બધાએ ધરાઈને  ખાધુંપીધું ને લીધું.


કેટલાકે તો એટલું બધું ભેગું કર્યું કે એ બધી વસ્તુઓ જે ટ્રોલીમાં ભરતા હતા તે ટ્રોલી પણ ખરીદવી પડે! સારો એવો સમય મોલમાં પસાર કર્યાં પછી બધાએ ઘેર પરત ફરવાની તૈયારી કરી. ખિસ્સાં હળવા ને પેટ ભરેલું. ક્યાંક રોકડ ચુકવણી તો ક્યાંક સ્વાઈપ મશીન, ક્રેડીટ - ડેબિટ કાર્ડનો ઉપયોગ. કેશલેસ પેમેન્ટ. પૈસા ચોરાઈ જવાનું જોખમ કે એવી નાણાંની કોઈ કડાકૂટ જ નહીં ને! કેશલેસ ક્રાંતિ. અંતે બધા મોલની બહાર નીકળ્યા. ભવ્યાને એમનેમ બહાર આવતી જોઈ એમાંના મોટા ભાગના લોકો હસ્યા ને ભવ્યા પણ..! એ ખાલી હાથે ભરપૂર મલકી. ગીતાબેન બોલ્યાં, ' હજી તક છે મૂરખ. આવી સ્કીમો વારંવાર નથી આવતી. બહુ વિચાર કરવા રહીશ તો ગાડી ચૂકી જઈશ ગાંડી! કંઇક તો ખરીદ! અમે તો તને કંજૂસ જોઈ હસ્યા, પણ તું કેમ..? '

 

' બસ એમ જ. આટલી બધી વસ્તુઓમાંથી મારે એકેયની જરૂર નથી. એના વિના પણ હું ખુશ છું એવું વિચારી હું હસી પડી. આ બધો કચરો ભેગો કરીને કરવું છે શું? આવું કશું ન મેળવીને બધું મેળવવું એ વાત જ કેવી અદભૂત છે¦  ગીતાબેનની વાતનો કચરો કરી નાખતા ભવ્યા આમ પ્રતિભાવ આપી રહી ને..' ભેંસ આગળ ભાગવત. તારી આગળ મેં ખોટી જીભ કચરી. હ! ' પડોશી ગીતાબેન આમ કહી, છણકો કરી આગળ ચાલવા માંડ્યાં. ભવ્યાના હ્રદયમાંથી સ્ફુરેલા અવાજનો રણકો તે સમજી નહોતાં શક્યાં અથવા તો સમજવા નહોતા માંગતાં. અમુકને ખોટું દંગલ કરવામાં જ રસ હોય છે, તો અમુકને મંગલ કરવામાં. ભવ્યા આ બીજી કક્ષામાં આવતી પ્રથમ સ્તરની વ્યક્તિ હતી.

 

...મોલની બહાર રઘુ રોજ પાથરણાં પર ફુગ્ગા, મોટર, ઢીંગલી વગેરે રમકડાં રાખી ગ્રાહકોને પોતાની તરફ ખેંચતો હતો ને રમકડાં વેચતો હતો. જો કે આજે હજી સુધી તેને કશો વકરો નહોતો થયો. આટલા બધા લોકોને એકીસાથે બહાર નીકળતાં જોઈ તે આશાભરી આંખે બૂમ પાડી બધાને આકર્ષવા મથી રહ્યો. નવાં વસ્ત્રો પહેરેલા લોકોને જુનાં રમકડાં વેચવાની એની કોશિશ પ્રબળ થઇ. રઘુનો નાનકડો દીકરો જીવન વારંવાર પાથરણાં પર સજાવેલી એક સરસ મજાની ઢીંગલીને રમાડવા જતો ને રઘુ તેને અટકાવતો. જીવનનો જીવ એમાં જ અટવાયેલો હતો. ભવ્યાએ થોડા ફુગ્ગા તેમ જ બે મોટરની ખરીદી કરી..ને એ ઢીંગલી પણ..! તકવાદી અમથાલાલે પૂછ્યું, ' આ કોના માટે? ને આવી તકલાદી!  આ સાવ સાદાં રમકડાં કોના માટે? '

 

' મારા દીકરા સપન માટે. એને ફુગ્ગા ને મોટરનો ગાંડો શોખ છે. ફુગ્ગાને ઉડતા જોઈને એ પણ આનંદના આકાશમાં ઉડવા લાગે છે. આવું રમકડું મળતા બાળકને તો સ્વર્ગ મળ્યાથીય વધુ આનંદ થતો હોય છે. પછી ભલે ને એ સાવ સસ્તું હોય! સાદું હોય તોય તેને મન એ દાદુ હોય, જાદુ હોય.' ભવ્યા હસતા ચહેરે આમ ટહુકી. ચહેરો ખિલખિલ હોય તો ચહેરા પર ખીલ જ ખીલ હોય તોય ચહેરો બેડોળ ન લાગે. એક સાવ સાધારણ દેખાવની છોકરીને કોઈ નિર્ણાયક મિસ.વર્લ્ડનો ખિતાબ ને પહેલો નંબર આપે ને એ છોકરી પ્રસન્ન થઇ જાય એવી કંઈક વાત. એવા નિર્ણાયકને કદાચ દેખાતું નહી હોય, પણ અનુભવાતું હશે. એની આંખમાં મોતિયો નહીં, મોતી ચમકતું હોય છે. આ તો હ્રદયના સૌંદર્યની સ્પર્ધા!

 

' પણ સપનને ઢીંગલી ક્યાં ગમે છે? તોય તું...! તુંય સાવ પાગલ છો તેમાં! ' કોઈએ સંભળાવ્યું. ને પછી ભવ્યાએ કચવાયા કે કોચવાયા વિના જે કર્યું એ જોઈ.. ' આપણે ખરીદેલી વસ્તુઓને કચરો કહેતી'તી. ને પોતે જ કચરો ભેગો કર્યો. મોલમાં કેવી એકએકથી ચડે એવી વસ્તુઓ. પણ આણે સમ ખાવા પૂરતીય..! એ તો જાણે ઠીક, પણ કોઈ ' આવું ' કરે? ચસકી ગ્યું લાગે છે. અક્કલનો છાંટોય નથી આનામાં. આંટા લુઝ લાગે છે...' બધા આવું બધું બોલવા માંડ્યા. જે નિરાશા અને નકારાત્મકતાની દાસીને જોતરે છે તે લાંબી ઉદાસીને ધરાર નોતરે છે. ભવ્યા આ વર્ગમાં નહોતી આવતી. બહાર રમકડાં પાથરીને બેઠેલા માણસના ચહેરા પર આનંદ પાથરવાની મજા તેને લેવી હતી. તે આ બધાથી કંઈક અનોખું જ વિચારી રહી હતી. ' મોલમાંથી તો ઘણા ખરીદે. છૂટક વેપાર કરતા આવા જરૂરતમંદ માણસનો ને એની પાસે રહેલી વસ્તુઓનો ભાવ કોણ પૂછે છે? એની પાસેથી પણ કશુંક ખરીદો, હ્રદયબારી તેમ જ પૈસાનું પાકીટ ખોલો તો એનું ગુજરાન ચાલે, સંતોષ ને આનંદનો પવન ભીતર આવે, એની ને આપણી, બેયની આંતરડી ઠરે. '

 

અમુક માણસો દુધિયા દાંત જેવા હોય છે. બાળક જન્મે ત્યારે એને કડક વસ્તુઓ આપવાની હોતી નથી. એને લાગી ન જાય કદાચ એટલે એને શરૂઆતમાં મૂળ મજબૂત દાંત નહીં, પણ આ દુધિયા દાંત આવતા હશે! એ દૂધમલિયા બાળકનું કામ આસાન કરી જાય છે. પ્રસિદ્ધિનો મોહ કે જલદી ખરી જવાના વસવસા વગર તે સારું કામ કરી જાય ને પછી ખરી જાય. કિરતારની આ તે કેવી મજાની સૂઝ ને વ્યવસ્થા! ભવ્યા કંઈક આવાં સ્વભાવની. એનો દેખાવ સામાન્ય, પણ આજે એના ચહેરાની ભવ્યતા અસામાન્ય હતી.

 

' જો હવે આ ઢીંગલી મારી છે. મેં એના પૈસા ચૂકવ્યા છે એટલે હવે તારા દીકરા પર ગુસ્સે થયા વિના એને તેની સાથે રમવા દેજે, શું સમજ્યો? ' રમકડાં વેચતા રઘુને આવી તાકીદ કરી, એના દીકરા જીવનના ગાલે હળવી ટપલી મારી ભવ્યાએ તેના હાથમાં એ ઢીંગલી મૂકી ને દેખાડો કર્યાં વિના ચાલતી પકડી! જીવન મધુવન જેવું લાગતું હતું. ઢીંગલી મળતા જ જીવન રાજીનો રેડ.

 

અચાનક..' એક મિનિટ. થોભો. હું હમણાં આવું ' - કહી કોઈ મોલની અંદર ભાગ્યું. ભવ્યાની પ્રેરણા ત્યાં કામ કરી ગઈ હતી. રઘુના દીકરા જીવનના હાથ, ગળા અને હૈયામાં વધુ ઠંડક પ્રસરી રહી. માનસ પણ હવે સહજ શીતળતા અનુભવી રહ્યો. એણે પેલો કુદરતી ફ્રૂટ આઈસ્ક્રીમ....!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuFqHFkXnhxQ66MBNyRjiif%2BxU2_L48eBy8D1DcS8vMjg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment