Saturday 23 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ચહેરો જોઈને ત્વરિત અભિપ્રાય બાંધે છે લોકો... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્નૅપ જજમેન્ટ: ચહેરો જોઈને ત્વરિત અભિપ્રાય બાંધે છે લોકો!

પુરુષ વાત- પુરુષ જાત-પરેશ શાહ

amdavadis4ever@yahoogroups.com

વિખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોએ કહ્યું છે કે, "માણસના ચહેરાને યોગ્ય રીતે, સાચી રીતે કોણ જોઈ શકે, ઓળખી શકે, ફોટોગ્રાફર, દર્પણ કે પેઈન્ટર? વિચારો, કોણ ઓળખી શકે ચહેરો જોઈને માણસને? પિકાસોનું કહેવું એવું હતું કે કદાચ કોઈ જ નહીં. તમે માણસના સંપર્કમાં ન આવો અને એને અંદર-બહારથી પહેચાનો નહીં ત્યાં સુધી ચહેરો જોઈને માણસનાં વ્યક્તિત્વની, પ્રકૃતિની ધારણા કેવી રીતે થઈ શકે? તો પણ આપણે સૌ ચહેરો જોઈને ધડાક દઈને મત-અભિપ્રાય બાંધી દઈએ છીએ, જેને અંગ્રેજીમાં સ્નૅપ જજમેન્ટ કહે છે.

આ વાતનો ઉપાડ કરવાનાં કારણની પાછળ એક પુરુષનો, અરવિંદ ખત્રીનો સવાલ છે. આ અરવિંદ ઑફિસની ગલત ડિઝાઈનને કારણે સતત ટેનશનમાં રહેતો અને માંદો પડેલો, એની વાત આ કોલમમાં લખેલી. એનો બાવીસ વર્ષનો દીકરો દેખાવે સીધો-સાદો છે, વ્યક્તિત્વ સરળ દેખાય એવો એનો ચહેરો છે. એના કોઈ પણ છાપ ન પાડતાં ચહેરાને કારણે છોકરો કશે ફત્તેહ મેળવી શકતો નથી. નોકરીમાં કે લગ્નની બજારમાં એનો સિક્કો ખખડી શકતો નથી. લોકો એને ભંકસમાં રાજકપૂર કે અમોલ પાલેકર કહે છે! અરવિંદ ખત્રીની આ સમસ્યા છે, પુત્રનું શું કરવું? ચહેરા પરથી સક્ષમ દેખાય, કૉમ્પિટન્ટ દેખાય એ માટે કશો ઉપાય ખરો? એના આ સવાલનો જવાબ આપવા માટે થોડા સમય અગાઉ થયેલા એક સંશોધન-અભ્યાસની વાત માંડવી પડે, કારણ કે માણસને જેમ જેમ જિંદગીમાં અનુભવો થવા માંડે એમ એનો ચહેરો બોલવા માંડે, એવું જાણકારો કહે છે.

તાજેતરમાં થયેલા એક સંશોધન અભ્યાસમાં એવું સમજી શકાયું કે આપણે સમજીએ છીએ કે લોકો ચહેરો જોઈને વ્યક્તિની ઓળખ બાંધી લે છે, પણ એવું નથી. મત બાંધનારાના મગજમાં ચોક્કસ વ્યક્તિત્વોના ચહેરા ફિટ થયેલા હોય છે એટલે જ્યારે એ તમને જુએ છે ત્યારે એ જાણીતાં વ્યક્તિત્વો કેવી રીતે કામ કરે છે એના આધારે તમારા ચહેરામાં એ વ્યક્તિત્વનું જાણે-અજાણે રોપણ કરી તમારા વિશે મત બાંધે છે. આ સંશોધન એમ કહે છે કે, "લોકો થોડા સો મિલિસેક્ન્ડમાં બીજાઓનાં ચહેરાની બનાવટના આધારે વ્યક્તિત્વની છાપ બનાવી લેતા હોય છે. અમારા તારણો સૂચવે છે કે, ચહેરાની છાપ ચહેરાના ખાસ કે વિશિષ્ટ કે ચોક્કસ દેખાવ પરથી જ માત્ર નથી આકાર લેતી, પણ તે વ્યક્તિત્વ સંબંધી આપણી પોતાની અગાઉથી બાંધી રાખેલી માન્યતાને આધારે ઘડાય છે. દાખલા તરીકે, ચહેરો સક્ષમ કે મક્કમ દેખાડતા અને ચહેરાને મૈત્રીપૂર્ણ દર્શાવતા સંકેતો એવા લોકો માટે એકસમાન હોય છે જેઓ માને છે કે સક્ષમતા અને દોસ્તીભાવ કે દેખાવ લોકોના વ્યક્તિત્વમાં એક સાથે ઉદ્ભવે છે, એવું નિરીક્ષણ આ સંશોધનનો અહેવાલ લખનારા જોનાથન ફ્રિમેને કર્યું છે. આ સાથે ફ્રિમેન એવું પણ ઉમેરે છે કે, આ છાપ કે અનેક છાપ ભલે સચોટપણે ભરોસાલાયક કે વિશ્ર્વસનીય દેખાતી હોય છે, પણ ઘણી અચોક્કસ અને ક્ષતિપૂર્ણ હોય છે.

જટિલ વાત છે આ કેમ? આ વાતને આપણી ભાષામાં સમજવું હોય તો કહી શકાય કે તમે કોઈ વ્યક્તિનો ચહેરો પહેલીવાર જુઓ છો ત્યારે મોટાભાગે તમે ચપટી વગાડતામાં એના વ્યક્તિત્વ વિશે મત બાંધી લો છો. આવો મત કે છાપ ભરોસાપાત્ર લાગે પણ ઘણી વખત એ ગલત કે અચોક્કસ હોય છે. તમે જે વ્યક્તિને પહેલીવાર જુઓ છો ત્યારે તેનામાં તમને અભિનેતા દિલીપ કુમારનો ભાસ થતો હોય તો તમારા મનમાં દિલીપ કુમારની ધીરગંભીર, વિચારશીલ હોવાની છાપ હશે તો તમે જોયેલી નવી વ્યક્તિને તમે એવી જ ધીરગંભીર અને વિચારશીલ ધારી લેશો. ટૂંકમાં તમે એના વિશે મત બાંધી લીધો છે અને પળવારનો સમય પણ નહીં વીત્યો હોય! ક્યારેક કોઈ યુવાનના ચહેરામાં અભિનેતા જિતેન્દ્રની અછડતી છાપ દેખાતી હોય તો શું એ છેલબટાઉ જ હશે કે યુવતીઓ એની પાછળ ઘેલી હોવાની? શક્ય છે એવું માની લેવાનું સહેલું થઈ જાય છે, કારણ કે જિતેન્દ્રનાં વ્યક્ત્વિની એ છાપ તમારા મનમાં અગાઉથી છે.

એક છોકરી અમિતાભ બચ્ચનનાં ચહેરા જેવો લગભગ ચહેરો ધરાવતા યુવાનના પ્રેમમાં પડી. હળવેથી પેલાનો પરિચય વધારવાનો પ્રયાસ કર્યો, પણ પરિચયે અને પહેલા સંવાદમાં છોકરીની છાપનો ભૂકો થઈ ગયો! કારણ કે છોકરાનો અવાજ નાની બેબી જેવો હતો અને એ અમિતાભ જેવો બહાદુર નહોતો..., વાંદો જોઈને ધડાક દઈને ઊભો થઈ જતો. ખેર છોકરી સમજદાર એટલે એણે એ દોસ્તીને ઝડપથી અલવિદા કહી દીધી.

આવો જ એક અન્ય પ્રસંગ છે. લગભગ સાઠના દશકમાં ૧૭ વર્ષની છોકરી વાંચન અને સંસ્કારને કારણે બંગાળના, બંગાળી સાહિત્ય અને સંગીતના ગાઢ પ્રેમમાં પડી. આગળ જતાં ગ્રેજ્યુએટ થઈ. શિક્ષિકા બની ગઈ પણ એનો બંગાળ-પ્રેમ યથાવત્ રહ્યો. એણે બંગાળના કોઈ યુવાનને પરણવાના નિર્ધારમાં વયની ત્રીસી વટાવી. આખરે એક સંબંધીની ઓળખાણમાં કોલકતામાં રહેતા એક વેપારીના છોકરા સાથે પરણી કોલકતા જતી રહી. છોકરો એના કરતાં બે વર્ષ નાનો અને દસમું ધોરણ નપાસ હતો, પણ બાપનો ધમધોકાર ચાલતા ધંધામાં હતો એટલે નાણાકીય રીતે પુષ્કળ છૂટ રહેતી. લગ્ન બાદ એને બાળકો થયા, પણ આ યુવતી એના પિયરમાં સુધ્ધાં સંપર્ક ન રાખતી. લોકો માનતા કે 'એ હવે અભિમાની થઈ ગઈ છે' સાથે એવું પણ માનતા કે 'કાગડો દહીંથરું લઈ ગયો'. જોકે, વાત એવી નહોતી. યુવતીનો પતિ શુષ્ક, વાંચનનો દુશ્મન અને સંગીતનો ઔરંગઝેબ હતો. નાટક વગેરે જોવા જવામાં એના ધંધાના કલાકો વેડફાતા હોવાનું અનુભવતો. છોકરીએ પણ મન મનાવીને સાથ નિભાવ્યો અને સમાજસેવામાં મન પરોવી લીધું. એક પંડિતબુદ્ધિ ધરાવતી અને ભવિષ્યમાં બહુ ઊંચા સોપાન સર કરવાની ક્ષમતા ધરાવતી એ યુવતી સામાન્ય ગૃહિણી બનીને રહી ગઈ. અહીં એણે માણસનો નહીં, એક પ્રાંતનો ચહેરો જોયો અને એ પ્રાંતની તમામ સોજ્જી છાપના પ્રેમમાં પડી ગઈ હતી. કેટલીક છાપ અણગમતી પણ હોઈ શકે. ગામડેથી મુંબઈમાં બે પાંદડે થવા આવેલો એક યુવાન ઉપનગરીય લોકલ ટ્રેનને સાનુકૂળ ન થઈ શક્યો અને એને અકસ્માત નડ્યો. મુંબઈની ગિરદી અને ગીચતા અને ગંદકીની એવી ગાઢ છાપ એના મનમાં હતી કે અક્સ્માતે આપેલી અપંગતાને પગલે સારી નોકરી છોડીને ફરી ગામડે જતો રહ્યો હતો. જીવ્યો ત્યાં સુધી સાઈકલ-પંકચર રિપેર કરવાની દુકાન ચલાવતો રહ્યો હતો. એની સાથે આવેલો યુવાન પણ સ્કૂટરની અડફેટે આવ્યો હતો અને પેરેલાઈઝ્ડ થયો હતો, એ યુવાન મક્કમતાથી મુંબઈમાં સંઘર્ષ કરતો જીવ્યો અને એક ફાર્મસીના સર્વેસર્વા તરીકે નિવૃત્ત થયો હતો.

વાત ટૂંકમાં એવી છે કે, કોઈ ચહેરો જોઈને મનમાં ગડી વાળીને પડેલી વ્યક્તિત્વોની છાપના આધારે વ્યક્તિની છાપ બાંધી લેવામાં આવે તો તે ઘણા પ્રમાણમાં અચોક્કસ હોઈ શકે છે. ફ્રિમેન આગળ કહે છે કે, "આમ હોવા છતાં, એ છાપ કે અનેક છાપ રાજકીય ચૂંટણીઓથી માંડીને નિર્ણયો કરવા, ગુનાહિત કામોની સજા અથવા ડેટિંગ સંબંધી એવા વાસ્તવિક જગતના વિવિધ પરિણામો કે ફળની ભવિષ્યવાણી કરવામાં પરિણામી બને છે, એમ અગાઉના થયેલા સંશોધનોમાં જાણવા મળ્યું હતું. એ તો લાંબા સમયથી જાણીતું છે કે, લોકો અન્યોનાંઽઽ વ્યક્તિત્વની છાપ માત્ર અને ઊભડકપણે અન્યોના ચહેરાના દેખાવ પરથી નક્કી કરે છે. દાખલા તરીકે બાળક જેવો ચહેરો ધરાવતી વ્યક્તિને આપણે અનુકૂળ અને નિરુપદ્રવી માની લઈએ છીએ અને જેમના ચહેરા ક્રોધ દર્શાવતા હોય એવા દેખાય તો આપણે એને અપ્રમાણિક અને અમિત્ર માની લઈએ છીએ. જોકે, આ પ્રક્રિયા કેટલી વ્યાપક છે અને એ કેવી રીતે ઉદ્ભવે છે કે પ્રગટે છે અને કેટલી પારદર્શક છે એ બાબત હજી ઓછી સ્પષ્ટ છે. સંશોધકોએ આવા સવાલોનો જવાબ શ્રેણીબદ્ધ પ્રયોગો દ્વારા શોધવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ તો અન્યનું વ્યક્તિત્વ શું અને કેવી રીતે કાર્ય કરે છે અને લોકો સામે ઊભેલી વ્યક્તિના ચહેરામાં આ પૂર્વ નિર્ધારિત વ્યક્તિત્વોને કેવી રીતે જુએ છે એ આ સંશોધનનો હેતુ હતો. જોકે, સામેના ચહેરામાં એમ પિટ બેસતાં વ્યક્તિત્વો ભલે વિશ્ર્વસનીય લાગતા હોય, પણ અચોક્કસ અને ગલત હોવાની સંભાવના તો ખરી જ ખરી!

દાખલા તરીકે, થોડા સમય પહેલા અવસાન પામેલા મરાઠી રંગમંચ અને ફિલ્મોના અભિનેતા કિશોર પ્રધાન ચહેરાથી અતિશય ભોળા, ભોંદુ કહીએ એટલી હદ સુધી બાઘા લાગતા, પણ વાસ્તવિકતામાં તેઓ તીક્ષ્ણબુદ્ધિના પ્રખર હોશિયાર વ્યક્તિત્વ ધરાવતા હતા. અને એમનાંમાં ગજબનું રમૂજી તત્ત્વ હતું. બીજો એવો જ એક ચહેરો હિન્દી ફિલ્મોના કૉમેડિયન આગાનો છે. દરેક વાત પળવાર પછી સમજમાં આવે એવી પચ્છમબુદ્ધિનું વ્યક્તિત્વ હંમેશાં પરદા પર રજૂ કરનારા આગા જબરદસ્ત હાજરજવાબી હતા એને સામો માણસ બાઘો પૂરવાર થાય એવી વિચક્ષણતા ધરાવતા હતા.

ટૂંકમાં માણસ દેખાય છે તેવો હોતો નથી અને હોય છે તેવો દેખાતો નથી, એવું આપણા શાણા પુરોગામીઓ કહી ગયા છે.

એટલે અરવિંદ ખત્રીએ પુત્રના દેખાવ કે અમોલ પાલેકરનું વ્યક્તિત્વ દર્શાવતા ચહેરાની ફિક્ર ન કરે. વળી, ખત્રીપુત્ર જેમ જેમ જીવનમાં અનુભવ મેળવતો થશે એમ એ વધારે ઘડાતો જશે અને એ ઘડતર એના ચહેરા પર ઝળકવાનું જ છે!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvdCA14Jo0ucNHAeweE3O0s0kXSRux7eFL1WiSa4ZmBVA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

1 comment:

  1. urgently in need of Female Eggs with the sum of $500,000.00,Email: jainhospitalcare@gmail.com
    Watsap: +91 8754313748

    ReplyDelete