Saturday 23 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પ્રેમના બધા જ રસો જેમાંથી ટપકે છે, તે ગ્રંથ કયો? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રેમના બધા જ રસો જેમાંથી ટપકે છે, તે ગ્રંથ કયો?
ભદ્રાયુ વછરાજાની

 

 

 


'જે સુભાષિત ગાથાઓના મધુર રસને જાણીને દ્રાક્ષ શરમની મારી કાળા મુખવાળી બની ગઇ, સ્વાદિષ્ટ સાકર ખરબચડા ગાંગડા બની ગઇ અને સુધા એટલે અમૃતની ધારા ભયભીત બની ભાગીને સ્વર્ગમાં ભરાઇ ગઇ એવી આ ગાથાઓની રસઝરતી મંજરીઓની મીઠાશ માણવાનું હું સુજ્ઞ રસિકજનોને ભાવભર્યું આમંત્રણ આપું છું...' સંસ્કૃતના હાર્દને પરખી, પારખીને રસભોગ્ય શૈલીમાં વર્ષોથી પ્રસ્તુત કરનાર જ્ઞાનસમૃદ્ધ સાક્ષર મનસુખલાલ સાવલિયાના આ શબ્દો છે.


'ગાથા સપ્તશતી' ગ્રંથ અને 'નંદનવનની આમ્રમંજરી' તેનું દોહન: સૌંદર્યમીમાંસાનો લહાવો!


'ગાથાસપ્તશતી' અદ્્ભુત ગ્રંથમાં સાતસો ગાથાઓ છે, તેમાંથી એંશી ગાથાઓને ચૂંટીને તેનો સરળ અનુવાદ અને તેનું આસ્વાદપૂર્ણ વિવરણ મનસુખભાઇ સાવલિયાએ પ્રસ્તુત કર્યું છે તે 'નંદનવનની આમ્રમંજરી.' આ 'ગાથાસપ્તશતી' ગ્રંથ વિશે પંડિત ડો. જગન્નાથ પાઠકનો અભિપ્રાય વાંચીએ એટલે પૂર્વભૂમિકા સ્પષ્ટ થઇ જશે: 'હું વ્યક્તિગત રીતે ગાથાસપ્તશતીને કામશાસ્ત્રની સાંકેતિક સીમાઓથી સાવ મુક્ત નથી માનતો, તો પણ એને એક મર્યાદાયુક્ત કાવ્યગ્રંથ તરીકે સ્વીકારું છું, જેમાં માનવજીવનમાં સર્વોત્તમ ગણાય એવો પ્રેમભાવનાનો રસ અપૂર્વ રૂપમાં એની ગાથાઓમાં નિરુપિત થયો છે... એ કહેવું સર્વથા યોગ્ય છે કે ગાથાસપ્તશતી ભારતીય સમગ્ર ગીતિકાવ્ય (લિરિકલ પોએમ)ની ખાસ કડી છે. એ 'અમરુશતક', 'આર્યાસપ્તશતી' વગેરે પરવર્તી કાવ્યોના નિર્માણમાં પ્રેરણા આપનાર મૂળ ગ્રંથ છે.


એ નિશ્ચિત છે કે ભારતીય સાહિત્યમાં વ્યાસ અને વાલ્મીકિ વગેરે મહાકવિઓની અતિ મહાન રચનાઓ સિવાય જે ગ્રંથોએ અદ્્ભુત પરંપરાઓનું નિર્માણ કર્યું તેમાં 'ગાથાસપ્તશતી'નું સ્થાન પણ ઉત્તમોત્તમ છે.'


'આ 'ગાથાસપ્તશતી'ના રચયિતાની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં 2400 વર્ષ પહેલાં એક ઉત્તમ રાજવંશ થયો. આ રાજાઓનો વંશ સાતવાહન અને શાલિવાહન તરીકે પ્રતિષ્ઠા પામ્યો હતો. તેની રાજધાની ગોદાવરીકિનારે તે વખતના 'પ્રતિષ્ઠાનપુર'માં હતી. એ નગર આજે પૈઠણ શહેર તરીકે જાણીતું છે. આ રાજાઓ શૂરવીર તો હતા જ પણ સાહિત્ય, સંગીત અને કલાના રસિક ઉપાસકો પણ હતા. તેઓએ એક સંવત પણ ચલાવેલો, જે આજે 'શાલિવાહન શક સંવત' તરીકે કાળગણનામાં સ્થાન પામ્યો છે. શાલિવાહન શકનું 1938મું વર્ષ આજે ચાલે છે.


આ સાતવાહન રાજાઓએ ઇ.સ. પૂર્વે 200થી 225 સુધી, સવા ચારસો વર્ષ પર્યંત શાસન કરેલું. સાતવાહન રાજાની સત્તા ગુર્જર પ્રદેશ સુધી ફેલાયેલી હતી અને આજનું ભરૂચ નગર તેમના તરફથી ભેટમાં મળેલું હતું. આ મહાન વંશમાં ઇ.સ.ની પ્રથમ સદીના અંતભાગે અત્યંત પ્રતાપી સાતવાહન 'હાલ' નામનો રાજા થયો. એ સ્વયમ્ પ્રાકૃત ભાષાનો સર્વોત્તમ કવિ હતો. તે કવિઓ, સાહિત્યકારો ને કલાકારોનો આશ્રયદાતા હોવાથી તેનું એક ઉપનામ 'કવિવત્સલ' હતું. આ રાજવી કવિએ 'ગાથાસપ્તશતી' નામનો ગ્રંથ રચ્યો, જે પ્રાકૃત-સંસ્કૃતના વિદ્વાનો અને કાવ્યરસિકોમાં અત્યંત પ્રિય થઇ પડ્યો.


'એકવાર ઉન્નત બન્યા પછી પેટ ઉપર જ પડવાનું આવે ત્યારે મુશ્કેલીથી રહી શકાય તેમ વિચારનારાં સ્તનોના મુખ કાળાં પડી ગયાં છે!'


સાતવાહનની 'ગાથાસપ્તશતી'માં સાતસો ગાથાઓ છે તેમાં શંૃગારિક ગાથાઓનું પ્રમાણ વધારે છે અને તેમાંથી પ્રેમના બધા જ રસો રીતસર ટપકે છે. 'નંદનવનની આમ્રમંજરી' નામનું પ્રવીણ પ્રકાશન, રાજકોટનું પુસ્તક આપનાર મનસુખલાલ સાવલિયા આ લાખો ગાથાઓને સાતવાહન કવિ સમ્રાટનું નંદનવન માને છે, તો 'ગાથાસપ્તશતી'ને તેનો જાતવાન આંબો ગણે છે અને તેમાં સાતસો રસભરી ગાથામંજરીઓ ઝૂલી રહી છે તેવું અનુભવે છે. એમાંથી સાવલિયાજીને સ્પર્શી ગયેલી એંશી ગાથાઓ તેના દોહનરૂપે એ પુસ્તકમાં સમાવિષ્ટ છે. આપણા ભવ્યતમ ભૂતકાળનો પટારો એમાં નજરે પડે છે.


નંદનવનની એક જ આમ્રમંજરી ચાખી લઇએ: 'ઉન્નતિમાંથી અવનતિ' સમજાવતી એક ગાથાનો અનુવાદ: 'એકવાર ઉન્નત બન્યા પછી પેટ ઉપર જ પડવાનું આવે ત્યારે મુશ્કેલીથી રહી શકાય તેમ વિચારનારાં સ્તનોના મુખ કાળાં પડી ગયાં છે!' સૌંદર્ય અને પ્રેમરસના વધુ ઘૂંટ ભરવા આપણે ગાથાસપ્તશતી તરફ લઇ જતી આમ્રમંજરી પાસે જવું પડે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsCKHEZiVQZRz4wWOmW97pcVPmHNRYLDUMrKBKXfpQprA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment