Saturday 23 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બૅડ્મિન્ટનનો બળિયો, કૅન્સર સામેનો લડવૈયા... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બૅડ્મિન્ટનનો બળિયો, કૅન્સર સામેનો લડવૈયા!
ખેલ અને ખેલાડી-અજય મોતીવાલા

amdavadis4ever@yahoogroups.com

 

 

મલયેશિયાના પ્રખ્યાત બૅડ્મિન્ટન ખેલાડી લી ચૉન્ગ વી માટે ૨૦૦૮થી ૨૦૧૨ની સાલ દરમિયાન એક-એક અઠવાડિયું આનંદથી છલકાતું હતું. એમાં પણ શરૂઆતના અઠવાડિયાઓમાં તેની ખુશીનો કોઈ પાર નહોતો અને સમય જતાં તેનો આનંદ અકબંધ રહ્યો હતો, કારણકે ત્યારે તે લાગલગાટ ૧૯૯ સપ્તાહ સુધી બૅડ્મિન્ટનમાં વર્લ્ડ નંબર વનના સ્થાને જળવાઈ રહ્યો હતો. ત્યારે તેણે એક-એક અઠવાડિયું પરિવાર સાથે અભૂતપૂર્વ ખુશીના માહોલ વચ્ચે વિતાવ્યું હતું. તેના ઉલ્લાસ-ઉત્સાહની કોઈ સીમા નહોતી, પરંતુ એ 'સુવર્ણકાળ' પછી ગયા વર્ષે એવો તો એક વળાંક આવ્યો કે જેના કારણે તેના જીવનનો 'અસહ્યકાળ' શરૂ થઈ ગયો હતો. સપ્ટેમ્બર, ૨૦૧૮માં તે એક અઠવાડિયું ખૂબ રડ્યો હતો. હંમેશાં હસતા-રમતા લી ચૉન્ગ વી માટે રડવાના દિવસો આવ્યા એનું કારણ એ હતું કે એ સપ્તાહની શરૂઆતમાં તેને જાણ કરવામાં આવી હતી કે તેને નાકમાં કૅન્સરની બીમારી થઈ છે.

લી ચૉન્ગ વીએ નાકના દુખાવાને પગલે જે ડૉક્ટર પાસે સારવાર શરૂ કરાવી હતી તેમણે એક દિવસ લી ચૉન્ગ વીની પત્ની વૉન્ગ મ્યૂ ચૂને ફોન કરીને કહ્યું, 'સૉરી ટુ સે, તમારા પતિ મિસ્ટર લી ચૉન્ગ વી નાકના કૅન્સરની બીમારીથી પીડાઈ રહ્યા છે. વહેલાસર તેમની સારવાર શરૂ કરાવી દો કે જેથી તેઓ પહેલાંની જેમ નૉર્મલ થઈ જાય.'

પતિના મહારોગ વિશે જાણીને વૉન્ગ મ્યૂ ચૂને માથે આભ તૂટી પડ્યું હતું. ડૉક્ટર સાથેની ફોન પરની વાતચીત દરમિયાન જ તે રડી પડી હતી. જોકે, ડૉક્ટરે તેને શાંત પાડતાં કહ્યું હતું કે લી ચૉન્ગ વીનું કૅન્સર એટલા બધા ગંભીર તબક્કામાં નથી એટલે તેને સારું થઈ શકે એમ છે.

આ સાંભળીને વૉન્ગ મ્યૂ ચૂ થોડી શાંત પડી હતી, પરંતુ તેણે ડૉક્ટર સાથેની વાતચીત પછી તરત જ તેનાં સાસુજીને ફોન કરીને લી ચૉન્ગ વી વિશેના બૅડ ન્યૂઝ આપ્યા હતા અને તેઓ પણ રડી પડ્યાં હતાં.

લી ચૉન્ગ વીને પોતાની બીમારી વિશેની જાણ તેની પત્ની પાસેથી થઈ હતી. સવારે લી ચૉન્ગ બૅડ્મિન્ટનની પ્રૅક્ટિસ માટે ઘરેથી નીકળવાની તૈયારીમાં જ હતો ત્યાં પત્ની વૉન્ગ તેની પાસે આવી હતી અને લી ચૉન્ગને તેના મહારોગ બાબતમાં જે રીતે કહ્યું હતું એ ખુદ લી ચૉન્ગના જ શબ્દોમાં જાણીએ: 'વૉન્ગ મારી નજીક આવી અને મને ભેટીને રડવા માંડી હતી. મને તરત અણસાર આવી ગયો કે તે મારા વિશેના બૅડ ન્યૂઝ લઈને આવી છે. તેણે મને કહ્યું કે મને નાકમાં કૅન્સર છે. એ સાંભળીને મારા હાથમાંથી પ્રૅક્ટિસ માટેની મારી કિટ છૂટી જતાં નીચે પડી હતી. મારાથી રહેવાયું નહીં અને હું રડવા લાગ્યો હતો. રડતાં-રડતાં હું સોફા પર ફસડાઈ પડ્યો હતો અને બોલ્યો કે શા માટે મારી સાથે આવું થઈ રહ્યું છે?'

જોકે, પોતાના મહારોગ વિશે નિદાન થયા પછી લી ચૉન્ગ વીએ ગજબની લડાયકવૃત્તિ બતાવી છે અને તે થોડા જ સમયમાં ફરી રમવાનું શરૂ કરવા માગે છે. તેણે તાજેતરમાં બે વખત કમબૅકને મોકૂફ રાખ્યું હતું, પરંતુ તે ફરી બૅડ્મિન્ટન કોર્ટ પર આવવા મક્કમ છે. તેણે થોડા દિવસ પહેલાં જ કહ્યું કે 'કૅન્સરની લડત સામે હું પૂરી દૃઢતાથી લડી રહ્યો છું અને આશા રાખું છું કે એપ્રિલમાં ફરી રમવાનું શરૂ કરી શકીશ.'

લી ચૉન્ગ વી તાઇવાનમાં કૅન્સરમાંથી મુક્તિ મેળવવાની સારવાર લઈ રહ્યો છે. તાઇવાનમાં તબીબી ધોરણે અદ્યતન સગવડો હોવાથી તેણે થોડા દિવસ ત્યાં સ્થાયી થવાનું પસંદ કર્યું છે.

માત્ર કમબૅક માટે જ નહીં, ૨૦૨૦માં જાપાનમાં યોજાનારી ઑલિમ્પિક્સમાં પણ તેને રમવું છે.

એક સમયે મહિનાઓ સુધી વિશ્ર્વમાં મોખરાની રૅન્ક ધરાવનાર લી ચૉન્ગ વી અત્યારે ૩૦મા નંબર પર ધકેલાઈ ગયો છે.

લી ચૉન્ગ વીની સિદ્ધિઓ

* ૩૬ વર્ષનો લી ચૉન્ગ વી વર્ષ ૨૦૦૮થી વર્ષ ૨૦૧૨ દરમિયાન લાગલગાટ ૧૯૯ અઠવાડિયાઓ સુધી વિશ્ર્વભરના પુરુષ બૅડ્મિન્ટન પ્લેયરોમાં નંબર વન હતો. તે સૌથી પહેલાં જૂન, ૨૦૦૬માં વર્લ્ડ નંબર વન બન્યો હતો.

* ૨૦ વર્ષની શાનદાર કારકિર્દી દરમિયાન કુલ ૬૯ ટાઇટલ જીત્યો છે તેમ જ ૩૪ મુકાબલાઓમાં રનર-અપ રહ્યો છે.

* કરિયરમાં કુલ ૮૩૯ મૅચો રમ્યો છે જેમાંથી ૭૦૫ જીત્યો છે અને ફક્ત ૧૩૪ હાર્યો છે.

* ઑલિમ્પિક્સમાં ત્રણ વાર સિલ્વર મેડલ જીતી ચૂક્યો છે. ૨૦૦૮માં જ્યારે તે પહેલી વાર ઑલિમ્પિક્સનો ચંદ્રક જીત્યો ત્યારે એ સમયના મલયેશિયાના વડા પ્રધાન નજીબ ટૂન રઝાકે તેને 'નેશનલ હીરો'નું બિરુદ આપ્યું હતું. પછીથી લી ચૉન્ગ વી ૨૦૧૨ની અને ૨૦૧૮ની ઑલિમ્પિક ગેમ્સમાં પણ સિંગલ્સનો રજતચંદ્રક જીત્યો હતો. એ રીતે તે ઑલિમ્પિક્સના ઇતિહાસમાં મલયેશિયાનો સૌથી સફળ બૅડ્મિન્ટન ખેલાડી તરીકે ઓળખાય છે.

* કૉમનવેલ્થ ગેમ્સના કુલ પાંચ ગોલ્ડ મેડલ ધરાવે છે. એ ઉપરાંત, એક સિલ્વર મેડલ પણ જીતી ચૂક્યો છે.

* એશિયન ચૅમ્પિયનશિપમાં તે બે વખત વિજેતા બન્યો હતો. સાઉથ-ઇસ્ટ એશિયન ગેમ્સમાં પણ એક ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે.

* એશિયન ગેમ્સ સહિત બીજી નાની-મોટી સ્પર્ધાઓમાં તે એક સિલ્વર અને અગિયાર બ્રૉન્ઝ મેડલ પણ જીત્યો છે.

* ૨૦૦૯ની સાલમાં ઑર્ડર ઑફ મેરિટ નામનો મલયેશિયાનો મુખ્ય પુરસ્કાર જીત્યો હતો. એ ઉપરાંત, બીજા ચાર મોટા સન્માનો પણ તેને મળી ચૂક્યા છે.

* ૨૦૧૨ની સાલમાં 'ડેર ટુ બી એ ચૅમ્પિયન' નામની લી ચૉન્ગ વીની આત્મકથા બહાર પડી હતી જેનો અંગ્રેજીમાં અનુવાદ પૅટી તાઇ પેક સિંગે કર્યો હતો.

-------------------------

શરૂઆતનું જીવન સંઘર્ષભર્યું હતું

૧૯૮૨ની ૨૧મી ઑક્ટોબરે મલયેશિયાના પેરાક પ્રાન્તમાં જન્મેલા લી ચૉન્ગ વીએ શરૂઆતના વર્ષોમાં ખૂબ ગરીબાઈ જોઈ હતી. મલયેશિયન-ચીની દંપતીના આ પુત્રને નાનપણમાં બૅડ્મિન્ટનમાં નહીં, પણ બાસ્કેટબૉલમાં વધુ રુચિ હતી. જોકે, તે અસહ્ય ગરમી હોવા છતાં વારંવાર બાસ્કેટબૉલની કોર્ટ પર રમવા જતો હોવાથી તેની મમ્મીએ બાસ્કેટબૉલ રમવાની તેને ચોખ્ખી ના પાડી દીધી હતી. જોકે, લી ચૉન્ગ રમતપ્રેમી હતો એટલે તેણે બૅડ્મિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. એ રમત તેના પિતાને ખૂબ પ્રિય હતી એટલે તેમણે તેને એ રમતમાં તાલીમ અપાવવાની શરૂઆત કરી હતી.

બાયોપિક બની ચૂકી છે!

ભારતમાં જેમ સ્પોર્ટ્સપર્સન્સ પર બાયોપિક બની રહી છે એવું મલયેશિયામાં પણ ચાલે છે અને બૅડ્મિન્ટનના સુપરસ્ટાર લી ચૉન્ગ વીનું સ્થાન એમાં ટોચ પર છે. ગયા વર્ષે તેના પર બાયોપિક બની હતી જેનું નામ હતું, 'લી ચૉન્ગ વી: રાઇઝ ઑફ ધ લેજન્ડ'. એમાં જેક એન્ગ નામના નવોદિત અભિનેતાએ લી ચૉન્ગ વીની ભૂમિકા ભજવી હતી. લી ચૉન્ગ વીના રોલ સંબંધમાં ૨,૦૦૦ આશાસ્પદોનું ઑડિશન થયું હતું જેમાંથી જેકને પસંદ કરાયો હતો. લી ચૉન્ગ વીએ નાનપણમાં ગરીબી જોઈ હતી અને એ હાલતમાંથી બહાર આવીને તે બૅડ્મિન્ટનનો લેજન્ડ કેવી રીતે બન્યો એના આ ફિલ્મમાં ખાસ પ્રકાશ પાડવામાં આવ્યો છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsC7V5MMUdcmqtnm4wQpSMkSEZgQT3TY5o1YFXBavSrMg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment