Monday 25 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઘ્રાણેન્દ્રિય વિના પંગુતા અનુભવતી લાચાર જિંદગીઓની ટ્રેજિક કોમેડી...ઘ્રાણેન્દ્રિય વિના પંગુતા અનુભવતી લાચાર જિંદગીઓની ટ્રેજિક કોમેડી...



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઘ્રાણેન્દ્રિય વિના પંગુતા અનુભવતી લાચાર જિંદગીઓની ટ્રેજિક કોમેડી...
અભિમન્યુ મોદી

 

 

 


જ્યાં સુધી નાક કે કાન જેવી નાજુક ઇન્દ્રિયો બગડે નહિ ત્યાં સુધી આપણે તેની સંભાળ લેવાની દરકાર નથી કરતા. જયારે તે ન હોય ત્યારે જ તેની કદર થતી હોય છે. પંગુતા અનેક સ્વરૂપોમાં આવી શકે છે. માણસો બધા જ પ્રકારની હેન્ડિકેપ્ડ સ્થિતિ માટે તૈયાર હોય છે ખરા?


આપણને બધાને ખબર છે અને થોડી ઘણી કલ્પના પણ કરી છે કે જો આંખ ન રહે તો શું થાય. અમુક શહેરોમાં અંધજન મંડળની જેમ દેખતા માણસને આંખે પાટો બાંધીને થોડી મિનિટો પૂરતો અંધ હોવાનો તત્પૂરતો અનુભવ પણ કરાવવામાં આવે છે. હાથ-પગ ન હોય તેવા માણસોની અનન્ય સિદ્ધિઓને આપણે વિડિયોમાં કે ફિલ્મોમાં પણ જોઈએ છીએ. હેલન કેલર જેવી વ્યક્તિઓ બોલી પણ ન શકતી અને સાંભળી પણ ન શકતી. બ્રેઇલ લિપીની સાથે સાથે સાઈન લેંગ્વેજથી પણ આપણે પરિચિત છીએ. એટલે આંખ કે હાથ વિનાની જિંદગી કેટલી પડકારરૂપ બની જાય તેનાથી આપણે અજાણ નથી. કાનમાં ધાક બેસી ગઈ હોય તો આંશિક બહેરાશનો આપણને અનુભવ પણ હોય છે. પરંતુ આપણામાંથી ભાગ્યે જ કોઈએ વિચાર્યું હોય છે કે સુંઘવાની ક્ષમતા જો કાયમ માટે નાશ પામશે તો? આપણું નાક કાયમ માટે નકામું બની જશે તો? સૂંઘવાની તાકાત વિના જિંદગી ઘણી કપરી થઇ જાય તેનો અંદાજો પણ આપણે લગાવી શકીએ છીએ ખરા?


શરદી-કફ વખતે અમુક કલાકો માટે સૂંઘવાની શક્તિ થોડી ક્ષીણ થઇ જાય એવું અનુભવ્યું હશે. પણ આ તો વાત છે કાયમ માટે ઘ્રાણેન્દ્રિયના મરણની. અમુક કમનસીબ લોકો સાથે એવું બને છે કે વાઈરલ ઇન્ફેકશનને કારણે કે અમુક બીજા કારણોસર તેઓ સૂંઘવાની ક્ષમતા સંપૂર્ણપણે ગુમાવી બેસે છે. પહેલી નજરે એવું લાગે કે એ તો સારું કહેવાય, કોઈ વાસ ન આવે. પણ હકીકત એ છે કે જે વ્યક્તિઓએ ચહેરા ઉપર ફક્ત શ્ર્વાસ લેવાનું કામ કરી રહેલા શોભાના ગાંઠિયા જેવા નકામા નાક લઈને ફરવું પડે છે તેને પૂછો તો સમજાય કે ઘ્રાણેન્દ્રિય વિના રોજિંદી જિંદગી કેટલી તકલીફદાયક બની જાય છે.


સ્ટેફની ફીવર નામની એક અમેરિકન લેખક સાથે એવું થયું જે ભાગ્યે જ બીજા માણસો સાથે થતું હોય છે. ગ્રહણની રાત પછી અચાનક તેના નાકે કોઈ પણ જાતની વાસ, પછી તે સુવાસ હોય કે દુર્ગંધ, લેવાનું બંધ કરી દીધું. તે જોરજોરથી શ્ર્વાસ લઈને કંઇ પણ સૂંઘવાનો પ્રયત્ન કરે, પણ તેને કોઈ જાતની વાસ આવે જ નહિ. તેના ફેમિલી ડૉક્ટરે તેને ઈ.એન.ટી. સ્પેશિયાલિસ્ટને બતાવવાનું કીધું. આશા સાથે સ્પેશિયાલિસ્ટ પાસે ગયેલી સ્ટેફની નિરાશ થઈને પાછી ફરી, કારણ કે નાક-ગળા-કાનના નિષ્ણાત ડૉક્ટરે તેને કહ્યું કે વાઇરસે તારી સૂંઘવાની શક્તિને ઓલમોસ્ટ નાબુદ કરી નાખી છે. મેડીકલ સાયન્સ પાસે આનો કોઈ જ ઈલાજ નથી. આની કોઈ દવા આવતી નથી કે ઓપરેશન કરવાથી તેમાં કોઈ ફાયદો થતો નથી. ટૂંકમાં સ્ટેફની એકલી થઇ ગઈ હતી. કોઈ તેને મદદ કરનાર હતું નહિ કારણ કે આ પ્રકારની પંગુતાનો ઈલાજ જ દુનિયામાં નથી.


નાક કામ કરતું બંધ થઇ જાય એટલે શું તકલીફો ચાલુ થાય તે સ્ટેફનીને હવે સમજાવા લાગ્યું. એક પણ ફૂડ આઈટમનો સ્વાદ ન આવે. જમવાનું ગરમ હોય કે ઠંડું, સ્ટેફની માટે સરખું. સ્વાદ થોડો ઘણો આવે પણ ફ્લેવર વિનાનો સ્વાદ વ્હાઈટ ગોલ્ડ જેવો થઇ જાય. તમને ખબર હોય કે એ સોનું છે તો પણ એની સામું જોતા એ ચાંદી જ લાગે. દહીંથી લઇને બ્રેડ સુધી, ચીઝથી લઇને શાકભાજી સુધી એ લુખ્ખો ડૂચો ચાવતી હોય એવું જ લાગે. વધુમાં, નાકની શક્તિ ગઈ એટલે પહેલા કરતાં એ વધુ વખત પોતાના કપડાં બદલવા લાગી. દિવસમાં બે વખત નાહવા જવા લાગી. કબાટમાં રહેલા પરફ્યુમનો ઉપયોગ વધુ કરવા લાગી. તેણે જાગૃતપણે પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડી, પણ એ દુનિયા માટે. પોતાને તો તેનાથી કઈ ફરક જ પડતો ન હતો.


સ્ટેફની ફીવર માટે હવે બધા ફૂલો સરખા હતાં. બધા પરફ્યુમ પાણી સમાન હતા. તેને ગટરની વચ્ચે આંખ બંધ કરીને ઊભી રાખી દો તો તે બે કલાક પણ ત્યાં રહી શકે. ખાસ તો તેનું વજન ઘટવા લાગ્યું, કારણ કે તેની ભૂખ મરવા લાગી હતી. લુખ્ખા કોળિયા માણસ કેટલા ખાય? બત્રીસ જાતના પકવાન પણ સ્વાદવિહીન થઇ ગયા હતા. દહીં ખાવું હોય તો પણ તેના ટેક્સચરને અનુભવવું પડે. ખાવા-પીવામાં સંતોષ ન થાય એટલે તેને એન્હેડોનિઆની અસર શરૂ થઇ ગઈ. એન્હેડોનિઆ એટલે ખુશ થવાની ક્ષમતાનો અભાવ. એવી બીમારી ધરાવતા માણસને તમે ગમે તે આપો, તે ખુશ જ ન થાય. લેખક સ્ટેફની 'નેરેટીવલી' માટે લખેલા એક નિબંધમાં કહે છે કે મારા માટે સેક્સ અને કોફી બધું નીરસ અને કંટાળાજનક થઇ ગયું છે. ફેરોમોન્સ તો પ્રેમનું અવિભાજ્ય અંગ ગણાય. પ્રેમસંબંધની મજા નાક વિના આવે?


ડૉક્ટરોએ તેને એન્ટીબાયોટિક્સ આપી. સ્ટેરોઈડ પ્રિસ્ક્રાઈબ કરી. શ્ર્વસનતંત્રના સ્નાયુઓને રીલેક્સ કરે એવી દવાઓ આપી. એન્ટી-એન્કઝાયટી કે સીઝર માટેની દવાઓના પ્રયોગો પણ ચાલુ થયા. પરંતુ તેને લીધે સૂંઘવાની શક્તિ બાબતે કોઈ ફરક ન પડ્યો. હા, ફરક પડ્યો પણ એ નકારાત્મક રીતે. સૂંઘવાની શક્તિ નાબૂદ થવાની બીમારીને એન્સોમીયા કહે છે. એન્સોમીયામાંથી આપણે ઉપર વાત કરી એમ આનંદિત થવાનો અભાવ એટલે કે એન્હેડોનિયાની અસર શરૂ થાય. તેમાંથી હિપ્સોમિઆ અને છેલ્લે પેરોસ્મિયા થાય. એટલે કે સાવ ઓછી ગંધ આવે અને પછી સુગંધ હોવા છતાં મગજને ખરાબ ગંધ મહેસૂસ થાય. ટૂંકમાં સ્થિતિ વધુને વધુ વણસતી જાય.


પછી સ્ટેફનીએ ઓફ્લેકટરી ટ્રીટમેન્ટ ચાલુ કરી. જેમાં રોજ લવિંગ, નીલગીરી, ગુલાબ અને લીંબુની સુગંધ લેવાની. જુદા જુદા મસાલાઓ સૂંઘવાના. આ ટ્રીટમેન્ટમાં પરીક્ષા પણ આવે. જેમાં તમને આપવામાં આવેલો પદાર્થ સૂંઘીને પેપરમાં ચાર ઓપ્શનમાંથી એક ઓપ્શન પસંદ કરવાનો હોય. આ ટ્રીટમેન્ટ પછી સ્ટેફનીએ તે એક્ઝામમાં ચાલીસમાંથી વીસ માર્ક હાંસિલ કર્યા, પણ તેનું નાક એકદમ સરખું નથી થયું. લોકો તેને પૂછે છે કે એવું કહેવાય કે એક ઇન્દ્રિય બંધ થાય તો બીજી ઇન્દ્રિયો પાવરફુલ થઇ જાય તો નાકની શક્તિ ગુમાવ્યા પછી બીજી ઇન્દ્રિયો વધુ શાર્પ બની કે નહિ? સ્ટેફનીનો સ્પષ્ટ જવાબ છે: ના. એની જિંદગી વધુને વધુ પડકારરૂપ બનતી ગઈ.


1985માં જર્મન લેખક પેટ્રિક સસ્કિંદની નોવેલ આવેલી જેનું નામ હતું 'પરફ્યુમ'. તેની ઉપરથી 2006માં એ જ નામની ફિલ્મ પણ આવેલી. તે વાર્તાનો મુખ્ય નાયક (કે ખલનાયક) એટલી તીવ્રતાથી ગંધ મેળવે છે ને કે પાંચ કિલોમીટર દૂર રહેલી વસ્તુની વાસ પણ જાણી શકે. છેલ્લે તે ખૂની બની જાય છે. વાત એ છે કે જ્યાં સુધી નાક કે કાન જેવી નાજુક ઇન્દ્રિયો બગડે નહિ ત્યાં સુધી આપણે તેની સંભાળ લેવાની દરકાર નથી કરતાં. જયારે તે ન હોય ત્યારે જ તેની કદર થતી હોય છે. પંગુતા અનેક સ્વરૂપોમાં આવી શકે છે. માણસો બધા જ પ્રકારની હેન્ડિકેપ્ડ સ્થિતિ માટે તૈયાર હોય છે ખરા?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvbNHwD6_B5oYU_cOiu%2BOzERFio_DgmMn%2B6JE6YD-ME%3DA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment