Saturday 23 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ એક્સિડેન્ટલ રાઇટર કે ઈન્ટેન્શનલ પ્રચારક? લખવું, રચવું, વિચારવું અને પછી વેચવું (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક્સિડેન્ટલ રાઇટર કે ઈન્ટેન્શનલ પ્રચારક?: લખવું, રચવું, વિચારવું અને પછી વેચવું!
મિજાજ મસ્તી-સંજય છેલ

 

 

 


ટાઈટલ્સ: ચાપલૂસી એટલે જૂઠું બોલવાની 24 ડ્ઢ 7 ચાલતી દુકાન જેવી વાત,


એમાં રજા ના પડાય (છેલવાણી)


આમ તો બીજાઓની કે મારી ફિલ્મો પર કોલમમાં કદી લખતો નથી પણ આજકાલ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર નામની નબળી, હાસ્યાસ્પદ અને ફ્લોપ ફિલ્મ વિશે બહુ ફરમાસુ ચર્ચા થઇ રહી છે માટે રહેવાતું નથી. 2014ની લોકસભાની ચૂંટણી પહેલા ટાઇમિંગ જોઇને ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહ અને કૉંગ્રેસ સરકારની બેજવાબદારીથી ટીકા કરતી આ બુકના લેખક સંજયા બારૂને (જી હાં સંજયા , સંજય નહીં) સરકારી ભક્તો એ રીતે વખાણે છે જાણે એ કોઇ વ્યાસ મુનિ હોકે શેક્સપિયર હોય. ખરેખર તો બારૂ , બેજવાબદાર અને નગુણા માણસ ગણાય જે પોતાના પર ભરોસો મૂકનાર વિરુદ્ધ અર્ધસત્ય લખીને ચૂંટણી મૌસમમાં રોકડી કરી લે છે. એ બુક પરથી બનેલ અઢી કલાકની એડફિલ્મમાં અક્ષય ખન્નાએ ભજવેલું બારુનું પાત્ર તોછડું અને વાયડું છે જે પીએમ સામે પગ પર પગ ચઢાવીને બેસે છે અને જાણે સરકાર પોતે જ ચલાવતો હોય એવું વાયડું સ્મિત લઇને ફરે રાખે છે. અનુપમ ખેરે તો મનમોહનસિંહની ગંદી મિમિક્રી કે ચાળા પાડીને દેખાડી દીધું કે તેઓ એક્ટર તો મામૂલી છેજ પણ માણસ પણ ક્લાસ વિનો છે. એની વે, પોલિટિકલ પાર્ટીના પીઠબળથી બનેલ આવી સ્પોંસર્ડ રાજકીય કિતાબોને લોકો સાહિત્ય માની લે એવા ખરાબ દિવસો દેશમાં ચાલી રહ્યા છે! સારું લખવું, કક્ષાનું લખવું અને મૌલિક લખવું મજાક નથી. ઉછીના અવતરણો કે ઉછીના પુસ્તકો પરથી મીઠું મરચું ભભરાવીને લખી મારવું એ લેખન પ્રવૃત્તિ તો નથી જ.


સારું લખવામાં જીવ રેડાતો હોય છે.પોતાની શૈલી કે સ્ટાઇલમાં નવી વાત લખવામાં જાત અને જિંદગી ઘસાઇ જતી હોય છે. સાચું સર્જન એ કાંઇ ચાહિતાઓની ચાલુ ચમચાગીરી અને ભાડૂતી કલમો- કોલમો જેવી સરળ વાત નથી. વરસોની સાધના પછી સારી રચના લખાય છે. સરસ્વતીચંદ્રના ચાર ભાગ લખવામાં ગો.મા.ત્રિપાઠીને 20 વરસ લાગેલા. ગઇ કાલે હડફેટે ચઢી આવેલી ફિલ્મ કે પરમ દિવસે સાંભળેલા કોઇ ફિલ્મી ગીત પર 20 મિનિટમાં એક્સપર્ટની જેમ ફતવા ઠોકવામાં કે સરકારી ચાપલૂસી કરવામાં અને કશુંક યાદગાર લખાણમાં ફરક છે. પ્રચારક અને લેખક બે અલગ ભૂમિકાઓ છે. લેખન સાધના છે. હેન્રી મિલર રોજ સવારે બે કલાક લખતાં, ગુણવંતરાય આચાર્ય કે પ્રેમચંદ પ્રાત:કાળે લખતાં.


હોલીવૂડનાં ડેવીડ મામે જેવા લેખકો સતત સાત દિવસ લખ્યાં કરતાં હોય છે. જેફ્રી આર્ચર જ્યારે નવલકથા લખવા બેસે ત્યારે સવારે સાતથી રાત્રે બાર સુધી સતત લખે, પણ દર બે કલાક પછી એક-દોઢ કલાકનો વિશ્રામ લે. વિશ્ર્વનાં મોટા ભાગના સફળ લેખકો દરરોજ 15-20 પાનાં લખવાની જાલિમ શિસ્ત ઘરાવે છે. ચંદ્રકાંત બક્ષી એમની ખોટી ખુમારીથી કહેતા કે તેઓ એકીબેઠકે લખી નાખતાં અને પછી કોઈ રિવિઝન કરતાં જ નહોતાં ! હશે! પણ ગ્રેહામ ગ્રીન કે હેમિંગ્વે જેવા લેખકો વર્ષો સુધી એમની નોવેલને મઠાર્યાં કરતાં. અગાથા ક્રિસ્ટીના પતિ પુરાતત્ત્વશાસ્ત્રી હતાં, ખંડેરોમાં બિઝી રહેતાં. તો અગાથાએ બોરડમ ખતમ કરવા રહસ્યકથાઓ લખવી શરૂ કરી અને જગત પર છવાઈ ગઈ.


અગાથા કહે છે કે લખવા કરતાં, ફરીથી લખવું કે રિ-રાઈટ કરવું બહુ જરૂરી છે. કપડાંને તમે જેટલું ધુઓ એટલાં એ વધુ ચમકે એમ લખાણને પણ વારંવાર ફરી ફરીને લખવું જોઈએ. પણ પ્રચાર સાહિત્યની વાત અલગ છે એમાં કઇં પણ ચાલે!


ઇન્ટરવલ : મત પૂછો ઓરો કે દુ:ખ સે

યે પ્રેમકવિ ક્યું રોતા હૈ? (આનંદ બક્ષી)


લેખન એક નશો છે છતાં મોટા ભાગના લેખકોને લખવામાં કંટાળો આવતો હોય છે.એક જાણીતા લેખકને પત્રકારે પૂછ્યું, તમે લખો ક્યારે? કોઈ ચોક્કસ સમય કે મૂડ? તમારું લખવાનું શિડ્યૂલ શું હોય?'


લેખકે સમજાવ્યું, 'જુઓ હું સવારે આઠ વાગે ઊઠું. એક કલાક વોક લેવા જઉં. પછી ઘરે આવીને એક-બે કલાક છાપા વાંચું. જગતમાં શું ચાલે છે એની લેખક તરીકે ખબર તો હોવી જોઈએને? પછી નહાઈ ધોઈને નાસ્તો કરું. પછી કોઈ લેખકની નવી બુક બહાર પડી હોય તો એને બે-ત્રણ કલાક વાંચું. ત્યાં સુધી લંચનો સમય થઈ જાય એટલે લંચ લઉં. હવે આટઆટલું કામ કર્યા પછી માણસ એકાદ કલાક ઊંઘેને? એટલે ત્રણ-ચાર વાગ્યા સુધી આરામ કરું. એનાથી અજાગ્રત મનમાં ક્રિએટીવ વિચારો આવે જે લખવામાં મદદરૂપ થાય. પછી ચાર વાગે ફોન કરવાનાં, પબ્લિશરને મળવાનું, પત્રો-ઈમેઈલનાં જવાબ આપવાનાં. સાંજે બે-ત્રણ મુલાકાતીઓ આવે.


સાહિત્યની, પોલિટિક્સની ચર્ચાઓ કરું. પછી ક્લબ પર જઈ મારા ખાસ મિત્રો સાથે બેડમિન્ટન કે ચેસ રમું. કારણ કે લેખક તરીકે બેઠાડું જીવનને કારણે શરીર લથડે નહીં એનું ધ્યાન રાખવું પડેને? રાત્રે ઘરે આવીને ફેમિલી સાથે ડીનર લઉં કારણ કે મારી વ્યસ્તતામાં ફેમિલીને કેમ અન્યાય કરાય. પછી મારા સંતાનો સાથે વાતો કરું, એમના ભણતરમાં રસ લઉં. પછી હું ટી.વી. કે ડીવીડી પર નવી ફિલ્મો જોઉં, એક લેખક તરીકે પ્રજાનો મિજાજ સમજવો જરૂર છે ને? એવામાં બાર વાગી જાય. તમે જ કહો, કામ, કામ, કામ... માણસ કેટલું કામ કરે? બસ સાડા બારે સૂઈ જઉં. આ મારી દિનચર્યા'


'પત્રકારે પૂછ્યું તો પછી તમે લખો ક્યારે?'

'બીજા દિવસે! નેકસ્ટ ડે!' લેખક હસીને બોલ્યાં.


આમ તો આ જોક છે, પણ જો ચાન્સ મળે તો બધા લેખક, જોકમાંના લેખકની જેમ બીજા દિવસે જ લખવાનું રાખે.લખવાથી સહેલું કામ કોઈ નથી અને લખવાથી અઘરું કામ પણ કોઈ નથી. સાચા લેખકે જાતે ઊભી કરેલ જેલમાં રોજે રોજ બંધ થવું પડે છે.સંવેદના ઉભરાતાં લેખક, ઘણીવાર એકીશ્ર્વાસે અમર રચના લખી નાખે છે. ક્યારે વરસો સુધી સચવાયેલા ગયા જનમનાં ડૂમાઓ જેવી લાગણી અચાનક રચનારૂપે નીકળી આવે છે.


મરીઝ જેવા શાયર, સિગરેટનાં ઠૂંઠા પર ગઝલ લખતાં, કવિ વેણીભાઈ પુરોહિતને ચાલતાં ચાલતાં કે ટ્રેનમાં કાવ્ય સૂઝે તો એ કહેતાં, હાલો મારે હવે લખવા બેસવું પડશે, હવે હું ગાભણો થયો છું. જોકે વાર્તા, નવલકથા, ખુરશી-ટેબલ પર બેસીને લખી શકાય, પણ કવિતા એવી શિસ્તની બાંદી નથી. રસ્તો ક્રોસ કરતી છોકરીના સ્મિતમાં કે એકાંકી વૃદ્ધની ચાલ જોઈને ક્યાંય પણ સ્ફૂરી શકે. ઓશો રજનીશે, કવયિત્રી મીરાં માટે કહ્યું છે ને, 'મીરાંને કભી અપને પદ અપની રચનાએ ટેબલ કુર્સી પર બૈઠ કે નહીં લીખી. મીરાં, બસ ચલતી ગઈ, ગીત ઉસકે પદચિહ્ન બનતે ગયે. મીરાં, રોતી રહી, ગીત ઉસકે આંસુમેં ઝલકતે રહે. મીરાં, મામુલી કવિ નહીં થી, ભક્ત થી ઔર ભક્તકી કવિતાએ લિખની નહીં પડતી, જીની પડતી હૈ!!'


લખવું અઘરું છે, સારૂં અને સાચું લખવું વધારે અઘરું છે પણ એ બધાથી વધારે અઘરું છે: ચાપલૂસી કરતું, બેજવાબદારી સાથે ભડકામણું, કોઇકની ભક્તિ કરતું લખાણ સતત લખતા રહેવું! ખાલી ટેલેંટ અને ઇમાનદારી સાથે તો કોઇ પણ લખી શકે!ખરુંને બારૂ?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovq68eRZvza__ZOs70%2B%2B8_c8br8LNo-fnBfwzoWt70rYQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment