– ઈંટોની ભઠ્ઠીમાં મજૂરી કરતી એક મહિલાનો શારીરિક રીતે અક્ષમ દીકરો વૈશ્ર્વિક સ્તરે સફળ થયો અને કરોડપતિ બન્યો! 28 જૂન, 1995ના દિવસે તામિલનાડુના સાલેમ જિલ્લાના ગામમાં જન્મેલો મરિયપ્પન થંગાવેલુ બહુ નાનો હતો ત્યારે તેના પિતા તેના કુટુંબને તરછોડીને ચાલ્યા ગયા હતા. તેઓ ચાલ્યા ગયા એટલે મરિયપ્પન, તેની મોટી બહેન સુધા તથા બે નાના ભાઈ કુમાર અને ગોપીની જવાબદારી મરિયપ્પનની માતા સરોજ પર આવી પડી. સરોજે સંતાનોનું ભરણપોષણ કરવા માટે ઈંટો બનાવવાની ભઠ્ઠીમાં મજૂરી કરવી પડી.
મરિયપ્પ્નનની માતાએ થોડા ઘણા સમય સુધી ઈંટો બનાવવાની ભઠ્ઠીમાં કાળી મજૂરી કર્યા પછી શાકભાજી વેચવાનું શરૂ કર્યું. તે ઇચ્છતી હતી કે તેના સંતાનો ભણીગણીને આગળ વધે અને ગરીબીમાંથી બહાર નીકળે. તેણે મરિયપ્પ્નને પણ પાંચ વર્ષની ઉંમરે શાળામાં દાખલ કરી દીધો.
મરિયપ્પન એક દિવસ સ્કૂલેથી પગપાળા ઘરે પાછો આવી રહ્યો હતો એ દરમિયાન રસ્તામાં સામેથી આવી રહેલી એક બસના ડ્રાઈવરની બેદરકારીને કારણે તે બસની અડફેટે આવી ગયો. એ બસના તોતિંગ વ્હિલ નીચે તેનો પગ કચડાઈ ગયો. તેના પગનો છુંદો થઈ ગયો. એ વખતે તેની મા તો બિચારી ઈંટોની ભઠ્ઠીમાં મજૂરી કરી રહી હતી. ગામના કેટલાક માણસોએ તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો. પરંતુ તેની હાલત અત્યંત ગંભીર હતી. ડોક્ટરે કહ્યું કે તમે આ છોકરાને કોઈ ખાનગી હોસ્પિટલમાં લઈ જાઓ.
આ દરમિયાન મરિયપ્પનની માતાને કોઈએ ખબર આપી હતી કે તારા દીકરાનો ભયંકર અકસ્માત થયો છે. તે પાગલની જેમ દોડતી-દોડતી હોસ્પિટલમાં આવી પહોંચી. તેણે ડોક્ટરને આજીજી કરી કે કોઈ પણ રીતે મારા દીકરાને બચાવી લો. દીકરાને બચાવવા માટે તે વ્યાજે પૈસા લાવવા માટે ગામમાં સગાં-વહાલાં અને પરિચિતો પાસે ગઈ. તેણે તે જ્યાં મજૂરી કરતી હતી એ ઈંટોની ભઠ્ઠીના માલિક પાસે પણ પૈસા માગ્યા. આ રીતે તેણે બે લાખ જેટલી રકમ એકઠી કરી. એ વખતે તેના કેટલાંક સગાં-વહાલાંએ તેને ટોકી કે આટલી મોટી રકમ તું પાછી કેવી રીતે ચૂકવી શકીશ? ત્યારે તેણે કહ્યું કે મારો દીકરો ફરી તેના પગ પર ચાલતો થાય એ માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર છું.
જો કે ખૂબ સારવાર છતાં મરિયપ્પનનો પગ ક્યારેય સારો થયો નહીં. એક બસ ડ્રાઇવરની બેદરકારીના કારણે તે કાયમ માટે શારીરિક રીતે અક્ષમ બની ગયો. તેની માતાને લાગ્યું કે ઈંટોની ભઠ્ઠીમાં મજૂરી કરીને તેનું પૂરું નહીં થાય એટલે તેણે શાકભાજી વેચવાનું કર્યું. અને લોકોના ઘરોમાં જઈને ઝાડું-પોતાં કરવાનાં તથા વાસણો સાફ કરવાનાં કામ કરવા માંડ્યાં.
આ દરમિયાન મરિયપ્પન પાછો સ્કૂલે જવા લાગ્યો હતો. તેને ભણવામાં બહુ રસ ન હતો, પણ રમતગમતમાં તેને ખૂબ રસ પડતો હતો. તેનો એક પગ નકામો થઈ ગયો હતો છતાં તે રમતગમતમાં ભાગ લેતો હતો. તેને વોલીબોલ રમવાનું પસંદ હતું. પરંતુ તેના શિક્ષકને થયું કે તે ઊંચા કૂદકામાં વધુ સફળ થશે તેના શિક્ષકે તેને ઊંચા કૂદકાની તાલીમ લેવા માટે પ્રેરણા આપી.
તામિલનાડુના મરિયપ્પન થંગાવેલુનો એક પગ અક્ષમ હોવા છતાં તે સામાન્ય વિદ્યાર્થીઓ સાથે જ રમતો હતો. તેણે ઊંચા કૂદકાની તાલીમ લેવા માંડી અને માત્ર 14 વર્ષની ઉંમરે તેણે ઊંચા કૂદકાની રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લીધો અને તે બીજા નંબરે આવ્યો. એ પછી 18 વર્ષની ઉંમરે તો તેણે નેશનલ પેરા એથ્લેટ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો ત્યાં કોચ સત્યનારાયણે તેને જોયો. તેમને થયું કે જો આ છોકરાને સરખી તાલીમ આપવામાં આવે તો તે ખૂબ આગળ નીકળી શકે.
કોચ સત્યનારાયણે તેને કહ્યું કે તું મારી સાથે બેંગલોર ચાલ, હું તને તાલીમ આપીશ. મરિયપ્પનની માતાની પરવાનગીથી સત્યનારાયણ મરિયપ્પનને પોતાની સાથે બેંગલોર લઈ ગયા. તેમણે તેને તાલીમ આપવા માંડી. મરિયપ્પનની શારીરિક મર્યાદાઓ હતી અને તેની આર્થિક સ્થિતિ ખરાબ હતી, પરંતુ કોચ સત્યનારાયણની મદદથી તે આગળ વધતો ગયો. અને 2016માં તેણે ટ્યુનિશિયામાં યોજાયેલી આઈપીસી ગ્રાં પ્રીમાં અક્ષમ પુરુષો માટેની હાઈ જમ્પ ટી-42 ઈવેન્ટમાં ભાગ લીધો અને એ સ્પર્ધામાં 1.78 મીટર (5 ફૂટ, 10 ઈંચ)નો કૂદકો મારીને ગોલ્ડ મેડલ જીતી લીધો. એ સાથે તે રિયોમાં યોજાનારી પેરેલિમ્પિક્સ માટે ક્વોલિફાય થઈ ગયો. રિયો પેરેલિમ્પિક્સમાં તેણે હાઈ જમ્પ ટી-42 ઈવેન્ટમાં 1.89 મીટર (6 ફૂટ, 2 ઈંચ)નો કૂદકો મારીને ગોલ્ડ મેડલ મેળવી લીધો.
2004 પછી તે પ્રથમ ભારતીય પેરા એથ્લેટ બન્યો, જેણે પેરેલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હોય. તેણે એ ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું. તો બીજી બાજુ તેની જિંદગી પણ 180 ડિગ્રી પર બદલાઈ ગઈ. એ ગોલ્ડ મેડલે તેના સંઘર્ષનો અંત આણી દીધો. તેના પર ઇનામોની વર્ષા થઈ. તેને તમિલનાડુ સરકારે બે કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું તો કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા તેને 75 લાખ રૂપિયાનું ઈનામ અપાયું, મધ્ય પ્રદેશ સરકારે તેને 50 લાખ રૂપિયાનું ઈનામ આપ્યું, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ તરફથી તેને 30 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું, ક્રિકેટર સચિન તેંડુલકરે અને અન્ય કંપનીઓએ મળીને તેને 15 લાખ રૂપિયા આપ્યા, તો યશરાજ ફિલ્મ્સે તેને દસ લાખ રૂપિયાનું નામ આપ્યું, દિલ્હી ગોલ્ફ ક્લબે તેને દસ લાખ રૂપિયા આપ્યા અને એક એન.આર.આઈ બિઝનેસમેન મુક્કાટ્ટુ સેબેસ્ટિયને તેને 5 લાખ રૂપિયા આપ્યા. આ ઉપરાંત પણ તેને ઘણી સંસ્થાઓ તરફથી ઈનામો મળ્યા.
આ રીતે ચાર કરોડ રૂપિયાથી વધુ રકમ ઈનામરૂપે મળી એ પછી મરિયપ્પને સૌપ્રથમ તેન કુટુંબ માટે એક વિશાળ ઘર બંધાવ્યું. એ પછી તેણે તેની માતાને એક ખેતર લઈ આપ્યું, જેથી તેની માતાએ મજૂરી ન કરવી પડે અને તે સારી રીતે જીવી શકે. બાકીના પૈસા તેણે બેન્કમાં જમા કરાવ્યા.
2017માં ભારત સરકારે તેને રમતજગતના અર્જુન એવોર્ડ દ્વારા સન્માનિત કર્યો. તેને એ એવોર્ડ સાથે પાંચ લાખ રૂપિયાનું ઈનામ પણ મળ્યું. એ જ વર્ષે તેને દેશના ચોથા ક્રમનું સૌથી મોટાં બહુમાન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યો.
મરિયપ્પન થંગાવેલુના અસામાન્ય અને અકલ્પ્ય જીવન પરથી રજનીકાંતની પુત્રી ઐશ્ર્વર્યા ધનુષ તમિલ ફિલ્મ બનાવી રહી છે.
મરિયપ્પન થંગાવેલુનું જીવન એ વાતનો પુરાવો આપે છે કે ગમે એવી શારીરિક, આર્થિક કે સામાજિક તકલીફો વચ્ચે પણ માણસ ચમત્કાર સમી સફળતા મેળવી શકે છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot6axORF%3Dx1vXpy6nKzx7FpXmLCQUUbKON1buZ6bh4f0A%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment