Monday 25 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વલ્લભ વાંદરીપાનું... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વલ્લભ વાંદરીપાનું!
મુકેશ સોજીત્રા

 

 

 

         
સાડાપાંચ ફૂટની કાયા, ચમકતી આંખો, ગામને પાદર આવેલ ઓટલો એણે ઉધડો રાખેલ એમ કહી શકાય. લગભગ એ ત્યાં જ બેઠેલો હોય. ગામ ગપાટા હાલતાં હોય અને એ અર્ધ પદ્માસન માં બેઠો હોય ખંભે ખરખરે જવાનું પનીયું હોય અને મોઢામાં સુરેશ તમાકુની ગોળી હોય!! નામ એનું વલ્લભ કાનજી પણ બધાં એને "વલ્લભ વાંદરી પાનું" જ કહે!!


જેમ આઠ આની પાનું આઠ આની બોલમાં લાગે ચાર આની પાનું ચાર આની બોલમાં લાગે પણ વાંદરી પાનું મલ્ટી પર્પોઝ કહેવાય . એ બધે જ ફીટ થાય એમ વલ્લભ ને લગભગ બધાંજ કામ ફાવતાં. એટલે ગામ આખું એને જો એ હાજર હોય તો "વલ્લભ વાંદરી પાનું" એમ કહે.અને જો એ ગેર હાજર હોય અને એની વાત થતી હોય તો ખાલી "વાંદરી પાનું"કહે અને સામેવાળો સમજી જાય કે વાત વલ્લભની થાય છે!!


ભણતો હતો ત્યારથી જ એ કારીગર!! માણસો એમ કહેતા કે વલ્લભ ને ડબલ માઈન્ડ છે. ગમે એવી મુશ્કેલ ઘડીમાં પણ એ આબાદ માર્ગ કાઢી દે અને એ પણ ચપટી વગાડતા જ!! વલ્લભને તમાકુનું બંધાણ આમ તો પંચમાં ધોરણ થી જ!! એમાં એવું થયેલું કે પાંચમા ધોરણમાં એક જનકરાય કરીને સાહેબ આવેલા ને એ તમાકુ ખાય અને વલ્લભના પાકા સાહેબ બની ગયેલાં.એ વલ્લભને દરરોજ સુરેશતમાકુની પડીકી લેવા મોકલે અને આમને આમ વલ્લભને તમાકુનું બંધાણ થઇ ગયેલું. પછી તો એ સાહેબ ને તમાકુ ચોળી દેતો. પાંચ વરસ પછી સાહેબ તો જતાં રહેલાં પણ સુરેશ તમાકુનું  બંધાણ વલ્લભને રહી ગયેલું. વલ્લભ વાંદરી પાનું જયારે સાતમાં ધોરણમાં હતો ત્યારે એક મોટા સાહેબ શાળા તપાસણી માટે આવેલ.સાહેબ રાજદૂત મોટર સાયકલ લઈને આવેલા. બપોર થયાં ને સાહેબની મોટર સાયકલનું  વ્હીલ બેસી ગયું. ઇન્સ્પેકશન રહ્યું બાજુમાં અને શિક્ષકો હવા ભરવામાં લાગી ગયાં. થોડી જ વારમાં શિક્ષકોએ બળ કરી કરીને ટાયર ફુલાવીને દડા જેવું કરી દીધું પણ વિસ મીનીટમાં જ બધી હવા નીકળી ગઈ. હવે આ તો પંકચર પડી ગયું હતું. ગામમાં મોટર સાયકલ જ ઓછી એટલે પંકચર વાળો પણ નહિ. એ વખતે પહેલી વાર વલ્લભે પોતાની ખોપરીની કમાલ બતાવી.


"એમાં શું મુંજાવ છો.વ્હીલમાંથી વાલ્વ ગોળો કાઢીને એમાં આ સુરેશ તમાકુ ભરી દો.અને પછી પંપ વડે હવા પૂરી દો.ફૂલ હવા ભરાવી જોઈએ એટલે થાશે એવું કે જ્યાં પંક્ચર હશે ત્યાં તમાકુના પડ ગોઠવાઈ જશે અને હવા નીકળતી બંધ થઇ જશે." આટલું કહીને વલ્લભે ખીસ્સામાંથી સુરેશ તમાકુ કાઢીને આપી આચાર્યને અને આચાર્યે એ પ્રમાણે કર્યું અને ફરીથી ફૂલ હવા ભરી ને બે કલાક પછી ટાયર જોયું તો હવા સહેજ પણ નહોતી ગઈ. શાળાની તપાસણી કરવા આવેલ સાહેબ છેલ્લે વિઝીટ બુકમાં નોંધ મારતા ગયેલાં કે" બાળકો વિજ્ઞાન બરાબર ભણે છે. હવાનું દબાણ તેઓ વ્યવહારમાં વાપરે પણ છે એકંદરે શાળાની ગુણવતા ઘણી જ સારી" અને વલ્લભ વાંદરી પાના પર સ્ટાફ પુરેપુરો ઓવારી ગયેલો કારણકે એ વખતે નિશાળમાં વરસમાં એક જ વાર અધિકારી આવતા અને એ પણ ભાગ્ય હોય તો જ અત્યારની જેમ અઠવાડિયામાં આઠ વાર દોડ્યા નહોતા આવતા.


વલ્લભ જેમ જેમ મોટો થતો ગયો એમ એનું મગજ ખીલતું ગયેલું અને મુશ્કેલીમાંથી માર્ગ કેમ કાઢવો એમાં ફાવટ આવતી ગયેલી.ગામમાં વલ્લભ વાંદરી પાનું હોય તો ગમે તેવો પ્રસંગ રમતાં રમતાં ઉકલી જતો. એક વખત ઉકા કાનાને ત્યાં બે  જાન આવવાની હતી.ગામના એક રસોઈયાએ મોહનથાળ બનાવ્યો પણ  ઢીલો થઇ ગયેલો. ખાંડની ચાસણી કાચી રહી ગયેલી એટલે રકાબી રકાબીએ પીવાય એવો મોહનથાળ થઇ ગયેલો. રસોઈયો બોલ્યો.


"મોહનથાળ તો  બરાબર જ છે અને રાતે ટાઢ પડશે એટલે જામી જશે અને કરકરો થઇ જશે. પંખા શરુ કરી દો. લોકોએ પંખાની સાથે સાથે ટેબલ ફેન પણ લાવ્યાં અને પવનની જમાવટ કરી. પણ જેમ ઢીલા માણસો જીવનભર ઢીલા જ રહે એમ મોહનથાળે પણ જાણે  નક્કી કર્યું હોય એમ  કે આ વખતે તો કડક થવું જ નથી એમ એ કડક થયો જ નહિ. વહેલી સવારે પાંચ વાગ્યે રસોઈયો આઠ દસ જણાને લઈને મોહનથાળની ચોકીઓ લઈને બાજુમાં જ વહેતી નદી માં લઇ ગયાં અને ત્યાં ઠંડા જળમાં ચોકીઓ મૂકી કે કદાચ જામી જાય. સવારના સાત વાગ્યા પણ મોહનથાળ ના ઠર્યો. ઠંડા પાણીમાં ચોકીઓ પકડીને ઉભેલા લોકો ઠરી ગયાં પણ મોહન થાળ તો ઢીલો જ!!


વાત આવી વલ્લભ વાંદરી પાના પાસે અને વલ્લભ રસોઈયા તરફ જોઇને


"ભાઈ રસોઈયા હવે બીજું કાઈ બાકી નથી રહેતુને તારે?? એક વખત હું કામ હાથમાં લઈશ પછી કોઇથી બોલાશે નહિ." અને સહુ સહમત થયાં. અને વલ્લભ દુકાને ગયો અને લાવ્યો ટુટીફૂટી ની કોથળી અને નાંખી મોહનથાળમાં અને કીધું કે દસ શેર દૂધ ગરમ કરો. એલચી આવી,કાજુ આવ્યા અને ગરમ દૂધ નાંખ્યું દૂધ પાકમાં ને રબડી તૈયાર થઇ ગઈ. આનું નામ અમેરિકન રબડી અને જાનમાં રબડી પીરસાઈ. બધાએ ખુબજ વખાણ કર્યા કે આ મીઠાઈ નવી. આવી કોઈ દિવસ ખાધી નથી. અને ક્યાંથી ખાધી હોય કારણકે આ રબડીની શોધ આજ સવારે જ થઇ હતી. જાનવાળા માંથી તો અમુક લોકો એ તો વલ્લભ વાંદરીપાના અને રસોઈયા પાસે રેસીપી પણ માંગી કે આ કેમ બનાવાય.


"એ બધું સિક્રેટ છે.તમ તમારે જોઈતી હોય તો ઓર્ડર આપી જજો. આ રસોઈયા ભાઈ બનાવી દેશે. અને એ લગ્ન ગાળામાં રસોઈયાને આ અમેરિકન રબડીનો ખુબ જ મોટો ઓર્ડર પણ મળેલો.


ગામમાં એક વણિક રહે. હૂતો અને હુતી બે ય જણા!! સંતાન નહિ. એમાં ગામની એક પટલાણીએ કીધું કે આઠેક ગાઉં દૂર એક માતાજીનું મંદિર છે એની માનતા માનોને તો તમારે ત્યાં દીકરો જન્મે. મેં પણ માનતા માની પછી જ દીકરો થયો અને એ પણ રાભડા જેવો ધોળો ધોળો!! અને વાણીયણે માનતા માની કે મારે ઘરે દીકરો જન્મશે તો એ મંદિરે ૫૦૦૦ રૂપિયા ધરાવીશ. એ સોંઘવારીનો જમાનો અને ૫૦૦૦ તો ખુબજ મોટી રકમ!! શ્રદ્ધાને સથવારે દીકરાનો જન્મ થયો અને વાણીયો ખુશ થયો. પણ જેવી માનતાની વાત આવી કે ઢીલો ઢફ!!


"ભારે કરી શેઠાણી તે મને વાતેય ના કરી??" શેઠ બોલ્યાં


"માનતા ગુપ્ત હોય કોઈને કહેવાય નહિ એમ પટલાણી એ કીધેલું. હવે માનતા તો પૂરી કરવાની જ" શેઠાણી એ પોતાનો કક્કો પકડી રાખ્યો. અને આમેય રાવણનું પણ સ્ત્રી આગળ ના ચાલતું હોય તો શેઠની તો શી વિસાત??? દિવસ નક્કી થયો માનતાનો. સાંજે તે વણિક શેઠની દુકાને વલ્લભ વાંદરી પાનું તમાકુ લેવા આવ્યો. એણે વાત જાણી અને શેઠની રગ પકડી લીધી.


"શેઠ તમારી માનતા પણ પૂરી થઇ જાય અને પૈસા પણ ના જાય અને ઉપરથી તમને પૈસા મળે એવું થાય તો કેવું રહે??


"તો વલ્લભ તારી જેવો તો ભગવાન પણ નહિ" શેઠ હરખાઈ ગયાં.


"શેઠ પણ મારું નામું મને વાળી દેવાનું... જો કબૂલ હોય તો.. મારું ખાતું સાવ ચોખ્ખું કરી દેવાનું.. બોલો છે કબૂલ??? વલ્લભે આખરી ચોકઠી મારી.


શેઠે ચોપડો જોયો. આઠસો રૂપિયા શેઠ ને દેવાના હતાં વલ્લભનેઅને શેઠે વલ્લભની નજર સામે જ નામું ચેકી નાંખ્યું અને બોલ્યાં.


"તારો હિસાબ ચૂકતે જા!! બસ હવે અને ઉપરીયામણ આલે સુરેશ તમાકુનો આખો બાંધો!! પણ તું બોલ્યું ના ફરતો હવે મને વધારે ના મળે તો કઈ નહિ પણ મારા ૫૦૦૦ હજાર જવા ના જોઈએ"


"ગોદડું ઓઢીને સુઈ જાવ શેઠ હવે તમતમારે, જે થાય એ હવે જોયા કરો... લોકો અમથો મને વાંદરી પાનું કહે છે, હજુ તમે આ વલ્લભના ફડાકા જોયા નથી." વલ્લભ તમાકુનો બાંધો લઈને ચાલતો થયો.


માનતાને દિવસે સહુ એ વગડામાં આવેલ મંદિરે પહોચ્યા,ગામના પણ સો એક જણા શેઠ ની સાથે હતાં.શેઠાણીએ દીકરો તેડયો હતો અને શેઠની થેલીમાં ૫૦૦૦ રોકડા હતાં.શેઠ વારે ઘડીએ વલ્લભની સામે જુએ અને સનકારા કરે. વલ્લભ શેઠને સાનમાં સમજાવે કે હું બેઠો છુ ને તમે મુંજાવમાં.


વગડાઉ જગ્યાએ મંદિરે આ બધો સંઘ પહોંચ્યો. મંદિરે એક ભૂવો રહે.આટલાં બધાં માણસો જોઈ ને ભૂવો રાજી રાજી થઇ ગયો.એને એમ કે સીઝન ખુલી ગઈ છે. બધાં પાંચ પાંચ રૂપિયા મુકે તોય આખો મહિનો હવે ધુબાકા જ છે .એમાય જ્યારે ભુવાએ જાણી લીધું કે આ તો ૫૦૦૦ હજાર વાળી માનતા છે એટલે એ ઓર રંગમાં આવી ગયો અને કહેવા લાગ્યો.


"આ તો જાગતી જગ્યા છે. માતાજી બધાની મનોકામનાઓ પૂર્ણ કરે એવી જગ્યા છે, અહીની માનતા રાખો એટલે વાંઝીયામેણું તો ટળે પણ ભલભલા રોગ મટી જાય. છેક હાલાર વાગડ અને ચરોતર થી માણસો માનતા પૂરી કરવા આવે છે. આ જગ્યાનો પ્રતાપ છે.આ શક્તિપીઠ ગણાય. તમારો સંસાર ભર્યો ભાદરો રહે છે" ભુવાએ ચલમ સળગાવી અને આસન પર જમાવ્યું. સહુ શ્રદ્ધાળુઓ દર્શન કરવા લાગ્યા અને યથા શક્તિ દાન મંદીરની આગળ પડેલી એક થાળીમાં નાંખવા લાગ્યાં અને ભુવાની લાલચોળ આંખો થાળી ભરાતી ગઈ એમ વધુ લાલચોળ થતી ગઈ. શેઠાણી અને શેઠ આગળ બેઠાં. શેઠાણી એ કલૈયા કુંવર જેવા દીકરાને મંદિરની આગળ રમતો મુક્યો. શ્રીફળ વધેરાયા. બાજુમાં જ વલ્લભ વાંદરી એક ફાળિયું લઈને ઉભો હતો. શેઠાણી એ ઈશારો કર્યો અને શેઠે ૫૦૦૦ નું બંડલ થાળીમાં મુક્યું અને વલ્લભ સામું જોયું. ૫૦૦૦ નું બંડલ જોઇને ભુવાની આંખો ચમકી ઉઠી. એણે એક તાંબાના લોટામાંથી પાણી લઈને શેઠ અને શેઠાણી અને એના નાના દીકરા પર છાંટ્યું. અને અગડમ બગડમ બોલી ને માનતા પહોંચી ગઈ એવું જાહેર કર્યું.અને વલ્લભે માથે ફાળિયું નાંખીને ભયાનક ઘુઘવાટા કરતાં અવાજ કરતો ગોઠણિયાભેર બેસીને માંડ્યો ધુણવા અને હાકોટા પડકારા થયાં. વલ્લભ ધૂણતા ધૂણતા બોલ્યો....


"હાત.......ધુ....ધુ....ધુ.....હાત.... હું ખીજડા વાળી દેવી.... હાત ધુ ધુ ધુ.... હું હાજરાહજૂર માડી..... હાત.....ધુ....ધુ....ધુ....ધુ...દીકરી તારી માનતા પોગી ગઈ દીકરી પોગી ગઈ....."


આ જોઇને ભૂવો પણ બોલી ઉઠ્યો.


"જુઓ માતાજીનો ચમત્કાર....દર્શન દેવા માડી રૂબરૂ પધાર્યા છે.... પગે પગે લાગો માડીને પગે લાગો અને આશીર્વાદ લઇ લો બધાં....એ રંગે રમે ઉમંગે રમે આજ માડી રંગે રમે...... હેય સંગે રમે... તરંગે રમે...આજ ખીજડા વાળી રંગે રમે.... હાલ્ય માડી હાલ્ય બધાને આશીર્વાદ આપ્ય માડી.. આ તારા બાળ કહેવાય માડી... ન્યાલ કરી દે માડી.... જોજે પાછી ના પડતી માડી...લાપશી ખાધી એ યાદ રાખજે માડી...શ્રીફળની શેષ યાદ રાખ્ય જે માડી... આ ૫૦૦૦ ને યાદ રાખજે માડી....રમતી જા માડી ને જમતી જા માડી... મોકળા મને રમ માંડી..ખુલ્લા કેશ મુકીને રમી લે માડી!!!" ભૂવો તો તાનમાં આવી ગયો અને ગાવા પણ લાગ્યો.અને બધાં જ વલ્લભના પંડમાં આવેલા માતાજીને નમન કરતાં જાય અને આશિષ લેતા જાય.છેલ્લે શેઠાણીએ બાળ વલ્લભના ખોળા માં મુકીને નમન કર્યું અને વલ્લભ ગરજી ઉઠ્યો..


"હાત ....ધુ....ધુ....ધુ......હાત.....ધુ...ધુ..... હું ખીજડા વાળી... ચાચરના ચોક વાળી...ગબ્બરના ગોખ વાળી..હું સાક્ષાત ચોચઠ જોગણી હો...તારી માનતા પોગી ગઈ દીકરી... તારી આસ્થાને વંદન મારી દીકરી...દીકરી પાસેથી માં પૈસા લે...? ક્યારેય ના લે..દીકરીને તો મા આપે... આલે આ બધાં પૈસા હું તને કાપડમાં આપું છું મારી દીકરી...ભાણીયા સાથે સુખીથા દીકરી... જોજે આ પ્રસાદીની ના નો પાડતી..જો તું આ પૈસા નહિ લે તો હું કોણ ??? ખીજડા વાળી.... ભુક્કા કાઢી નાંખું... ભુક્કા.. આ પૈસા લેવા જ પડે હો.... હાત.... ધુ...ધુ....ધુ.... હાત....!!" આમ કહીને વલ્લભે પૈસાની આખી થાળી શેઠાણીના ખોળામાં નાંખી દીધી. અને શેઠ કોટા માં આવ્યા..ઉભા થયાં...અને બેય હાથ ઊંચા કરીને બોલવા લાગ્યા....


ખીજડાવાળી માતાજીની ....જય.......!!!


જોર સે બોલો..........જય માતાજી.....


ખીજડા વાળી માતાજીની જય!!!!! અને વલ્લભ નો ઓતાર શમી ગયો. ભૂવો એની સામે બરાબરનો કતરાણો પણ થાય શું??? અને શેઠે બધાં જ પૈસા શેઠાણી પાસેથી લઈને પોતાની થેલીમાં નાંખ્યા.એ ખુશ હતાં.૫૦૦૦ બચી ગયાં હતાં.. ઉપરાંત બીજા પણ પૈસા આવી ગયાં હતાં..અને સંઘ ઉત્સાહભેર ગામમાં પાછો ફર્યો.. મંદિરે ખાલી નાળીયેરના છાલા અને કાછલીયું જ વધી હતી.


અને પછી તો વલ્લભ વાંદરીપાના ની આબરૂ ગામ પરગામ માં ખુબ જ વધી ગઈ હતી. લોકો વલ્લભને ભેગોને ભેગો જ રાખવા લાગ્યા. નાનજી તેજાને આ ના ગમ્યું. કોઈ વલ્લભના વખાણ કરે એટલે નાનજી તેજા રીતસરનો ધગી જ જાય.


"તમે જ ચડાવી માર્યો છે એને...એવી કાઈ બુદ્ધિ નથી એનામાં... તમને પણ એવું આવડે જ.. મારી આગળ વલ્લભના વખાણ ના કરવા!! વલ્લભમાં કોઈ બુદ્ધિ જ નથી"


વલ્લભ વાંદરી પાનું એક વખત જાનમાં ગયો.ત્યાં એક વિચિત્ર દર્શય જોયું. ગામમાં એક બીજો પ્રસંગ હતો. ગામમાંથી એક બહેન આળોટતા આળોટતા ઠેઠ માતાના મઢ સુધી જવાના હતાં.. ગામના મુંજાયા... હાલીને માનતા રાખી હોય એ પૂરી થઇ શકે.. પણ આ તો આળોટતા આળોટતા જવાનું અને એ પણ ૫૦૦ કિલો મીટર સુધી ઠેઠ માતાના મઢ સુધી. વલ્લભે વાત જાણી અને એને રસ પડ્યો. ગામ આખું એ બાઈને સમજાવી સમજાવી ને થાકી ગયાં હતાં.પણ માનતા ઈ માનતા નહીતર હું અન્ન જળનો ત્યાગ કરીશ.એમ બાઈએ કઈ દીધેલું.એટલે હારી થાકીને સહુ એ વાત માની લીધી. તે બાઈના ઘરથી પાદર સુધી ચાદરો પથરાઈ ગઈ.અને બાઈ આળોટવા લાગી. જેમ આળોટતી જાય એમ પાછળથી ચાદરો લઈને આગળ પાથરતા જાવાની. વલ્લભે એ બાઈના ધણીને કીધું.


" આ માનતા હું ગામની અંદર જ પુરી કરાવી  દઉં તો મને શું મળે??


" તને મારી મોટી દીકરી સાથે પરણાવી દઉં.. આ મારી પત્ની માનતી નથી.. હું બીમાર પડ્યો અને સાજો થયો એમાં એણે માનતા રાખી લીધી કે છેક આશાપુરા આળોટતા આળોટતા જઈશ. હવે આને કઈ થઇ જાશે તો હું ક્યાયનો નહિ રહું.આ છેક સુધી પાથરતા જવાનું.. અને આમાં કેટલાં માણસો રોકાઈ એનો પણ એને ખ્યાલ નથી" જેવું આ બાઈના ધણીએ કીધું કે વલ્લભે ફાળિયું માથે નાંખ્યું અને મંડ્યો ધુણવા. ધૂણતા ધૂણતા બાઈની આડો આવી ગયો.


"હાત.... ધુ....ધુ.... હું કોણ આશાપુરા માતાના મઢ વાળી હો... હે દીકરી ઉભી થા... હું તારા તપથી પ્રસન્ન છું.... હું સામે ચાલીને આવી છું..દર્શન કરી લે... માનતા પૂરી કરી લે... નાણું મળશે પણ આવું ટાણું નહિ મળે.. માનતા પૂરી કરી લે મારી દીકરી.... હાલ્ય ઉતાવળ કર્ય...દીકરી અને બીજી એક વાત દીકરી...હવે હું તને આશીર્વાદ સાથે આદેશ કરું છું કે તું જીવતી રહે ત્યાં સુધી કોઈ માનતા નો માનતી..અને જો માનીશ તો હું રિસાઈ જઈશ... તું દીકરી કહેવાય અને હું માં... માની આજ્ઞા તો દીકરી માને જ ને.. હાલ્ય ઉભી થા...અને ઘરે જા..તારી માનતા પૂરી થઇ ગઈ છે.... હાત...ધુ..ધુ....હું કોણ માતાના મઢ વાળી આશાપુરા હો!!" અને પેલી બાઈ પગે લાગીને ઘરે જતી રહી...બધાં ખુશ થયાં.. વલ્લભ પણ ખુશ થયો... અને વરસ દિવસ પછી વલ્લભ પેલી બાઈની છોકરી સાથે પરણી પણ ગયો.


પછી તો વલ્લભ સરપંચ થયો.ગમે એવા અધિકારીને ગાળી દે.તાલુકાના અધિકારીઓ એવા અંજાઈ જાય કે વાત ના પૂછો..ક્યારેક ક્યારેક વલ્લભ તાલુકામાં થી જ રીંગણ લે અને મામલતદારની ઘરે જાય અને કહે.


"આ દેશી ખાતરથી ઉગાડેલા રીંગણ છે..ગૌ મૂત્ર છાંટી ને ઉગાડેલા છે.અહી તમને માર્કેટમાં આવા શાક ના મળે.મારા ગામમાં સજીવ ખેતી થાય છે તે મને થયું સાહેબને આ પેલો ફાલ આવ્યો છે ઈ દઈ આવું..આલ્યો  બહેન સાહેબને આ રીંગણ ખવડાવો... એયને સાહેબને લાલ ટામેટા જેવા બનાવી દો" એમ કહીને સાહબના ઘરનાને રીંગણની આખી થેલી આપે અને સાહેબને  ખુશ કરીને સાહેબની કોફી પીને કામ કઢાવી લે!!


એમાં એક વખત તાલુકામાં નિરિક્ષણ કરવા એક મોટા સાહેબ દિલ્હી થી આવેલા અને ટીડીઓ એ વલ્લભને કહેલું કે મોટા સાહેબ આવે છે તમે હાજર રહેજો.અને વલ્લભ વાંદરીપાનું હાજર થઇ ગયો. એ સાહેબને તાલુકાના એક પ્રખ્યાત મંદિરે લઇ ગયો.મંદિરની આગળથી ટીડીઓ  સાહેબ માટે પ્રસાદ લઇ ગયો. સાહેબે પ્રસાદ ધરીને ચાખ્યો..એક તો ઉનાળાનો સમય અને એમાંય વેજીટેબલ ઘીમાંથી બનાવેલો પ્રસાદ .. વાસ મારી ગયેલો પ્રસાદ સાહેબે ખાધો અને રીતસરનો ઘા કર્યો. અને હિન્દીમાં બોલ્યાં.


 "યહ ઘટિયા ચીજ હૈ!!! સાલી બાસ મારતા હૈ!! આપ કુ શરમ નહિ આયી એસી ચીજ કો આપ પ્રસાદ કહતે હો!! આપકો અક્કલ હૈ કી નહિ...ઐસી બિગડી હુઈ ચીજ આપ મુજે ખિલાતે હો!!" સાહેબ બગડ્યા અને ટીડીઓને લંગરાવવા લાગ્યા.અને લાચાર ટીડીઓ એ વલ્લભ સામે જોયું.અને વાંદરી પાનું કામે વળગી ગયું.


"યહ પ્રસાદ હૈ વિશિષ્ઠ!! દેખિયે સાબ યહ એક ઊંડા કુવા હૈ... ઔર યહ માન્યતા હૈ કી ઇન કુવાકે પાનીસે યહ પ્રસાદ બનતા હૈ... ગત સાલ બારીશ તો હુઈ નહિ ઇસીલિયે પાની ઊંડા ચલા ગયાં હૈ  સો બાસ આ રહી હૈ લેકિન દેવી માં કાં આદેશ હૈ કી ઇસ કુવે કે પાની સે હી પ્રસાદ બનાના... આપકી પહલે એક દુસરા અફસર આયા થા ઉન્હોને પરસાદ કા અનાદર કિયા થા ..જબ વો વાપસ દિલ્હી ગયાં ને તો ઉસકા તબાદલા બીહારમેં હો ગયાં વો ભી સીવાન મેં જહાં બહોત ગુંડા ગર્દી હોતી હૈ.. ઓર એક શર્મા સાહેબ લખનૌ સે આયે ઠે ઉન્હોને પ્રસાદ ખાયા થા ઔર વાપસ જબ લખનૌ ગયે તબ ઉસકા પ્રોમોશન હો ગયાં થા દેલ્હીમે વો ભી પીએમઓ મેં!! અબ આપ હી સોચિયે આપકો ક્યાં કરના હૈ.. હમ આપકી ભલાઈ કે લિયે યહી લાયે થે કી આપ તરક્કી કર સકે" અને પછી તો વલ્લભ વાંદરીપાનાએ એવા એવા ખુલાસા કર્યા કે સાહેબ પ્રસન્ન થઇ ગયાં. એણે ફેંકેલો પ્રસાદ પાછો તો લીધો જ બીજા પણ ત્રણ પેકેટ મંગાવ્યા પોતાના સગા સબંધીને આપવા માટે. અને ટીડીઓ સાહેબ ખુશ થઇ ને વલ્લભને ભેટી પડેલા.


પણ નાનજી તેજા ના માને ઈ ના જ માને!! એ કહે આ બધાં લઇ હાલ્યા જ છે વલ્લભ વાંદરીપાના વખાણ કરવા બાકી એનામાં કોઈ બુદ્ધિ જ નથી.જે જે પ્રસંગો બન્યા એમાં કાગનું બેસવું અને ડાળનું ભાંગવું એવું જ છે.બાકી મારી ઘરે એ કોઈ ચમત્કાર કરે તો જ માનું કે વલ્લભ વાંદરીપાનું છે કારીગરનો દીકરો...!!


અને એ પ્રસંગ પણ આવી ગયો મહિના પછી. નાનજી તેજાનો એક નો એક દીકરો હતો.અને એનો સબંધ સુરતની એક મોટી પાર્ટી સાથે ગોઠવાણો. અને એ લોકો સામો ચાંદલો કરવા આવવાના હતાં. જાન જેટલું માણસ તો સબંધમાં આવવાનું હતું.બસો જણા આવ્યા. નાનજી તેજાને ઘરે રસોડું થઇ રહ્યું હતું.મેમાનો સવારમાં આવી ગયાં હતાં. વલ્લભ વાંદરી પાનાનું ઘર બાજુમાં જ પણ એને આમંત્રણ જ નહિ. મેમાનો ગામમાં ચા પાણી પીતા હતાં.. વારફરતી એક ઘરેથી બીજા ઘરે... બપોરના અગિયાર થયાં.. રસોઈ બધી તૈયાર થઇ ગઈ. મહેમાનો ગામમાંથી  ચા પીને જમવા આવવાના જ હતાં અને ભારે થઇ!!


એક ચુલા પર દાળનું તપેલું ઉકળતું હતું એ બે જણા ઉતારવા ગયાં અને કડું છટક્યું અને બધી દાળ ઢોળાઈ ગઈ અને એ પણ ચૂલમાં ગઈ એટલે ચૂલ પણ ઠરી ગઈ.અને આ જોઇને નાનજી તેજા પણ ઠરી ગયો. હવે સુરતી મેમાન... દાળ ભાત એ મેઈન ખોરાક..હવે તાત્કાલિક દાળ ક્યાંથી લાવવી?? નાનજી તેજા રોવા જેવો થઇ ગયો. અને ખીજાણો કે તાણી કાઢેલનાવ આમ દાળ ઉંધી ના વળાય!! પણ હવે શું કરવું.રસોઈયો બોલ્યો. વાંદરીપાનાને બોલાવો એટલે રસ્તો નીકળેજ!! નાનજી તેજાનું બુલેટ ગયું ગામને પાદર અને ત્યાં વલ્લભ બેઠેલો જ હોય!! વાત કરી અને વલ્લભ સમજી ગયો.એ રસોડે આવ્યો અને બધાયને કીધું.


"હું સંભાળી લઈશ તમારે બધાએ મૂંગા રહેવાનું... મેમાન વખાણ કરતાં જાય એવું કરી દઈશ.પણ ઘરનાં બાયું માણસ ને પણ કહી દેવાનું કે કોઈએ બોલવાનું નથી..મારી વાતમાં હા એ હા કરવાની" બધાં કબૂલ થયાં .મેમાનો જમવા બેઠા. વલ્લભ વાંદરીને વેવાઈની પાસે બેસાડ્યો અને જમણવાર શરુ થયો. સહુ નીચે બેઠા અને પીરસવાવાળા પીરસવા નીકળી પડ્યા.અને વાંદરી પાનું શરુ થયું.

           
"વેવાઈ તમને એક વાત કહેવાની છે. આ નાનજી તેજાના દાદા ના દાદા  ઘુસાઆતા હતાં. ભારે દેવી પુરુષ. છ મહિના ગિરનાર રહે અને છ મહિના હિમાલયમાં ગાળે એવો એનો નિયમ. પણ સ્વભાવના કડક એટલે ભુક્કા કાઢી નાંખે એવા આ જ ગામમાં એક વખત કોઈ દીકરીનો સબન્ધ કરવા આવેલા અને ઘુસા આતા ખીજાઈ ગયાં ને એને શુય સુજ્યું કે એણે ફરમાન કરી દીધું કે હવે પછી ગામમાં જેટલા પણ સગાઈના જમણવાર થાય ત્યારે ભાત સાથે છાસ અથવા દહીં જે ગમે ઈ ખાવાનું પણ દાળ તો કરવાની જ નહિ. જે આ નિયમ નહિ પાળે એને હું ઘૂસો ભુક્કા કાઢી નાખીશ. એ વખતે એક ગુજરાતી પટેલ હતાં.એનું આ મૂળ ગામ નહિ પણ આવેતુ બહારગામથી એણે આ નિયમ નો પાળ્યો અને સગાઈના જમણવારમાં પરાણે આખું ગામ ના પાડે તો ય દાળ બનાવી. ગામના લોકોએ તો ના ખાધી પણ એ ઘરધણી અને મહેમાનો એ કાઢી અને પછી કલાકમાં બધાને ઝાડા થઇ ગયાં તે સંડાસ ના ડબલા ખૂટી ગયાં બોલો... લોકો ડબલા માટે લાઈન લગાવે અને પછી તો લોકોએ ગાગર અને હાંડો લઈને જ ખેતરમાં જતાં રહ્યા.પણ કોઈને ઝાડા મટે જ નહિ. પછી ઘુસા આતા પાસે ગયાં.બધાં પગે લાગતા જાય અને ઝાડા મટાડતા જાય આવું બનેલું પછી તો તે દિવસ અને આજની ઘડી આ ગામમાં કોઈ સગાઈના જમણવાર માં દાળ બનાવતું નથી અને ભાત ની સાથે છાસ ખાય છે" વલ્લભે વાત કરી. સહુ સાંભળી રહ્યા. વેવાઈ બોલ્યાં છાસ સાથે ભાત ખાતા ખાતા.


" છાસ નું ખુબ જ મહત્વ છે.અને ભાત સાથે છાસ ખાવાથી પીતનું શમન થાય છે.બેય નો રંગ પણ ધોળો જ એટલે બરાબર નું જામે અને સ્વાદ પણ અદ્ભુત કહેવાય.તમે જાન લઈને આવશોને ત્યારે હું દાળ સાથે એક ભાત અને છાશ નું કાઉન્ટર પણ રાખીશ, બધાયે સૂરમાં સુર પુરાવ્યો.એક જાણકારે તો એમ પણ કીધું કે મહાભારતમાં પણ છાસ સાથે ભાત ખાવા એવો ઉલ્લેખ છે,ભીષ્મ લાંબુ જીવ્યા એમાં છાસનો મોટો ફાળો છે. સહુ ખુશ હતાં.મહેમાનો સબંધ કરીને તો ગયાં પણ ભાત સાથે છાસ ના પણ વખાણ કરતાં ગયાં.


અને એ રાતે નાનજી તેજાએ સમસ્ત ગામ લોકો ની વચ્ચે સ્વીકાર્યું કે " વલ્લભ વાંદરી પાનું એટલે બુદ્ધિનો ખજાનો !! આટલા પંથકમાં વલ્લભ વાંદરી પાનાં જેવું કોઈ થયું નથી અને કદાચ થશે પણ નહિ


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsYUviVsvLmBYATF%3Dgasep%2B-_K1WEEPz%3DGyOqci5NxtFA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment