Saturday 23 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અમે તો ચિઠ્ઠીના ચાકર ......વાડ્રા સાહેબની વાતતો સાચી હતી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અમે તો ચિઠ્ઠીના ચાકર!
સિક્રેટ ડાયરી-નિખિલ મહેતા
વાડ્રા સાહેબની વાત તો સાચી હતી. એકની એક વાત કેટલી વાર પૂછી શકાય? એકના એક પ્રશ્ર્નો પૂછીને કેટલોક ટાઇમપાસ કરી શકાય? આખરે અમે નક્કી કર્યું કે વાડ્રાને સાચી હકીકત જણાવી દઇએ

 

 

 


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)માં ઘણાં વર્ષોથી ફરજ બજાવું છું અને અનેક પ્રકારની કઠિન કામગીરીઓ પાર પાડી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મારી કામગીરી જરા વિચિત્ર બની ગઇ છે. એવું નથી કે એ કામ મને નથી આવડતું, પરંતુ એ કામ મારી પસંદગીનું નથી. મારી નોકરીનું સ્વરૂપ હવે બદલાઇ ગયું છે. ઇડી ઓફિસર તરીકે પહેલા જે કામગીરી કરવાની રહેતી એવી કામગીરી હવે રહી નથી. હવે તો ઉપરથી જે આદેશ આવે એ પ્રમાણે કરવાનું. કોની સામે તપાસ થઇ શકે એમ છે એ વિશે વિચારવાનું તો ઘણા સમયથી બંધ થઇ ગયું છે. કોની તપાસ કે ઊલટતપાસ કરવાની છે એના નામ અમને ઉપરથી જણાવવામાં આવે છે અને અમારો ડિપાર્ટમેન્ટ એ વિશે તપાસ આદરે છે. કોની તપાસ કરવાની એ તો ઠીક, તપાસ કેટલી કરવી, કેવી રીતે કરવી, કેવા પ્રશ્ર્નો પૂછવા વગેરેની તૈયાર માર્ગદર્શિકા પણ અમને તૈયાર આપવામાં આવે છે.


શરૂઆતમાં મેં આ પદ્ધતિ સામે અણગમો અનુભવ્યો હતો. નોકરી પ્રત્યેની નિષ્ઠાનો પણ પ્રશ્ર્ન હતો. આમ છતાં છેવટે વિચાર્યું કે આમાં કંઇ થઇ શકે એમ નથી. જો હું એ લોકોની મરજી પ્રમાણે કામ કરવાની ના પાડીશ તો મારી ટ્રાન્સફર થઇ જશે કોઇ વેરાન પ્રદેશમાં. બીજું, મારા એકલાના વિરોધથી શું થવાનું હતું. આખો ડિપાર્ટમેન્ટ કહ્યાગરો બનીને વર્તી રહ્યો હતો. મેં વિચાર્યું કે મારેય બધાની જેમ ચલાવ્યે રાખવું જોઇએ.


આ રીતે છેલ્લાં બેત્રણ વર્ષથી હું યંત્રની જેમ નોકરી કરતો રહ્યો છું. થોડા દિવસ પહેલા એક વિચિત્ર કિસ્સો સંભાળવાની જવાબદારી અમારા પર આવી. અમને ઉપરથી એટલે એકદમ ઉપરથી કહેવામાં આવ્યું કે રોબર્ટ વાડ્રાને ભીંસમાં લેવાના છે. હવે રોબર્ટ વાડ્રા એટલે કે ગાંધી પરિવારના જમાઇ આમ તો સીધાસાદા બિઝનેસમેન છે, પરંતુ રાજકીય પરિવાર સાથે સંકળાયેલા હોવાને લીધે એમને અવારનવાર તકલીફ થતી હોય છે. રોબર્ટ વાડ્રાનો કેસ અમારી પાસે આ અગાઉ પણ એકબે વાર આવ્યો હતો, પરંતુ અમને એમાં કંઇ વાંધાજનક લાગ્યું નહોતું. મારા કલીગ્સ સાથે મેં આ વિશે ચર્ચા પણ કરી હતી. બધાનું એવું માનવું હતું કે રોબર્ટ વાડ્રા પર ગાંધી પરિવારના વિરોધીઓ ચાંપતી નજર રાખીને બેઠા છે એટલે એમને કંઇ ખોટું કરવાનું પરવડે જ નહીં. બીજું, એમને એવું કરવાની જરૂર પણ નથી. અમારા આટલા વર્ષોના અનુભવના આધારે અમે આ તારણ પર આવ્યા હતા, પરંતુ આ વખતે મામલો જરા અલગ હતો.


અમને કડક સૂચના આપવામાં આવી હતી કે રોબર્ટ વાડ્રાને કઇ રીતે ફસાવવા એ તમારે જ નક્કી કરવાનું છે અને છેવટે કંઇ ન બને તો એમની જોરદાર પૂછતાછ કરવાની છે, વિવાદનો માહોલ બનાવવાનો છે અને એમની સામે ગંભીર પ્રકારના આરોપ ઘડવાના છે. અમે મુશ્કેલીમાં આવી ગયા, છતાં નોકરી તો નોકરી છે. આદેશનો અમલ કર્યા વિના છૂટકો નહોતો.


સૌથી પહેલા તો અમે રોબર્ટ વાડ્રાને તપાસ માટે બોલાવવાનું નક્કી કર્યું અને શક્ય એટલી વિનમ્રતાથી એમને અમારા ઇરાદાની જાણ કરી. માણસ જેન્ટલમેન છે. એમણે પૂરો સહકાર આપવાની તૈયારી બતાવી અને અમે જણાવેલા સમયે ઓફિસમાં હાજર થઇ ગયા. હવે અમને આદેશ એવો આપવામાં આવ્યો હતો કે તમારે રોબર્ટ વાડ્રાની કલાકો સુધી પૂછપરછ


કરવાની છે. હવે આ એક મોટી સમસ્યા હતી. વાડ્રા સામે એવા કોઇ આરોપ તો હતા નહીં અને હોય તોય વધુમાં વધુ કેટલીક પૂછપરછ કરી શકાય? કેટલા પ્રશ્ર્નો પૂછી શકાય? કેટલો સમય એમાં વિતાવી શકાય?


રોબર્ટ વાડ્રાને અમે પૂછ્યું કે લંડનમાં શું તમે કોઇ પ્રોપર્ટી ખરીદી છે? વાડ્રાએ ના પાડી. અમે કહ્યું કે તમારા એક ભૂતપૂર્વ કર્મચારીએ લંડનમાં પ્રોપર્ટી ખરીદી છે અને એ મૂળ તમારી હોય એવી અમને શંકા છે. વાડ્રાએ કહ્યું કે મારે એ પ્રોપર્ટી સાથે કોઇ લેવાદેવા નથી. એ કર્મચારી સાથે પણ હવે કોઇ લેવાદેવા નથી. અમે ફરી વાત દોહરાવીને પૂછ્યું કે તમારા ભૂતપૂર્વ કર્મચારીએ ખરીદેલી લંડનની એ પ્રોપર્ટી શું બેનામી કહી શકાય? એના અસલી માલિક શું તમે પોતે છો? રોબર્ટ વાડ્રાએ જરા ઇરિટેટ થઇ જતાં કહ્યું કે એકની એક વાત તમે કેટલી વાર પૂછશો?


વાડ્રા સાહેબની વાત તો સાચી હતી. એકની એક વાત કેટલી વાર પૂછી શકાય? એકના એક પ્રશ્ર્નો પૂછીને કેટલોક ટાઇમપાસ કરી શકાય? આખરે અમે નક્કી કર્યું કે વાડ્રાને સાચી હકીકત જણાવી દઇએ. મેં અને મારા કલીગે વાડ્રા સાહેબને અમારી મજબૂરી વિશેની વાત કરી. મેં એમને કહ્યું કે અમે તો ગાંધી પરિવારના ચાહક છીએ. ભૂતકાળમાં અમે હંમેશાં કોન્ગ્રેસના સમર્થનમાં જ રહેતા હતા, પરંતુ હવે આ સરકાર આવી છે તો અમારે એનો આદેશ માનવો પડે. અમે વાડ્રા સાહેબને કહ્યું કે તમે સહકાર નહીં આપો તો અમારી નોકરી જશે. માણસ એકદમ જેન્ટલમેન. એમણે અમને પૂરો સહકાર આપવાની તૈયારી બતાવી, પરંતુ એમણે કહ્યું કે આટલા કલાકો સુધી હું તમારી ઓફિસમાં બેસીને કરું શું? એ વાતમાં દમ હતો. આટલા કલાકો સુધી ટાઇમપાસ કરવાની સમસ્યા તો અમારી પણ હતી.


આખરે અમે ટાઇમપાસ કરવાના વિકલ્પો વિશે વિચાર્યું. અમારા ડિપાર્ટમેન્ટમાં શર્મા કરીને એક ઓફિસર છે. એને ટાઇમપાસના નવા નવા આઇડિયા સૂઝતા હોય છે. તરત જ એણે પત્તાની જોડ મંગાવી. વાડ્રા અને અમે અધિકારીઓ સાથે મળીને મીંડી કોટ, ઠોસો વગેરે જેવી ગેમ્સ રમ્યા. પછી અમે બીજી કેટલીક ઇનડોર ગેમ્સ રમ્યા. ચાર પાંચ કલાકો વીતી ગયા. પછી અમે બહારથી નાસ્તો અને જમવાનું મંગાવ્યું એમાં સારો એવો ટાઇમપાસ કર્યો. ટીવી પર ન્યૂઝ ચેનલો જોઇને થોડું મનોરંજન માણ્યું. આ રીતે પહેલા દિવસે આઠ કલાકનો ટાઇમપાસ થઇ ગયો. ઓફિસની બહાર નીકળતી વખતે વાડ્રાને અમે ચહેરો ગંભીર રાખવાની વિનંતિ કરી, જેથી મીડિયાને લાગે કે અમે ખરેખર એમની જોરદાર પૂછતાછ કરી છે. વાડ્રાએ એમાં અમને પૂરો સહકાર આપ્યો.


આ રીતે બીજા ત્રણચાર દિવસ સુધી અમે વાડ્રાને પૂછપરછ માટે બોલાવ્યા અને દરરોજ ઓફિસની અંદર અલગ અલગ રીતે ટાઇમપાસ કર્યો. એક દિવસ તો વાડ્રા સાહેબનો હોલીવૂડની મૂવીઝ જોવાનો મૂડ હતો. અમારા કલીગ શર્માએ એની વ્યવસ્થા કરી આપી. દરરોજ અમારો ક્રમ આ જ રહેતો. વાડ્રા સાહેબ ગંભીર ચહેરા સાથે ઓફિસમાં આવતા અને એવા જ ભાવ સાથે ઓફિસની બહાર નીકળતા. વચ્ચેના સમય દરમિયાન અમે ઓફિસમાં ટાઇમપાસ અને મોજમસ્તી કરતાં.


છેલ્લા દિવસે અમે વાડ્રા સાહેબનો ખૂબ આભાર માન્યો. વાડ્રા સાહેબે કહ્યું કે હવે તમે શું કરવાના છો? અમે સાચી વાત જણાવતા કહ્યું કે હવે અમે તમારી સામે આરોપનામું ઘડીશું, પરંતુ તમે ચિંતા ન કરો. અમે એવું ઢીલું અને પોકળ આરોપનામું ઘડીશું કે તમને ઊની આંચ નહીં આવે. ઊલટું, તમને એનાથી ફાયદો થશે. વાડ્રા સાહેબને સંતોષ થયો અને એમણે અમને ગૂડબાય કહ્યું.


આખરે અમે છૂટા પડ્યા.


0-0-0

 

(નિખિલ મહેતાએ કરેલી કલ્પના)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otvst50AgE2cL5YvLqmiPFerCN2a_6KQP-QnePVV3QOaQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment