Monday 25 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ યુવાન વયે કયાં કારણોસર થઈ શકે છે સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યુવાન વયે કયાં કારણોસર થઈ શકે છે સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ?
જિગીષા જૈન

 

 

 


સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ એટલે ગરદનનાં હાડકાં ઘસાઈ રહ્યાં છે. ઉંમરને કારણે મોટા ભાગે હાડકાં ઘસાતાં હોય અને એટલે જ મોટા ભાગે પચાસ વર્ષની ઉંમર પછી જ આ રોગ આવતો હોય છે. જોકે આજકાલ તો ૩૦-૩૫ વર્ષની નાની વયે પણ લોકોમાં આ રોગનાં ચિહ્નો દેખાય છે. જાણીએ આજે કયાં કારણોસર યુવાન વયે હાડકાં ઘસાવાનાં શરૂ થઈને સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ જેવા રોગો થઈ રહ્યા છે


અંધેરીમાં રહેતી ૩૨ વર્ષની એક હાઉસમેકરને છેલ્લાં ૬-૭ વર્ષ પહેલાં પીઠનો સામાન્ય દુખાવો શરૂ થયો. શરૂઆતમાં દુખાવો રાત્રે જ વધુ થતો અને તે ઊંઘ ખેંચી કાઢે એટલે સવારે બધું ઠીક થઈ જતું. દુખાવો ક્યારેક થતો અને ક્યારેક એની મેળે જતો રહેતો એટલે એને અવગણવાનું સહજ હતું. બે-ત્રર વર્ષ પછી તેને આ દુખાવો સતત રહેવા લાગ્યો. પરંતુ દુખાવો સહન કરવાની આદત પડી ગઈ હોવાથી જો એ અતિશય વધી જાય ત્યારે જ તેનું એ તરફ ધ્યાન જતું, બાકી તો એ ચાલ્યા કરતું. વચ્ચે-વચ્ચે ક્યારેક તે ફિઝિયોથેરપી લઈ આવતી તો ક્યારેક વચ્ચે-વચ્ચે યોગ કરે ત્યારે તેને રાહત લાગતી. હવે આ દુખાવો એટલો વધ્યો કે રાત્રે દુખાવાને કારણે તેની ઊંઘ ઊડી જતી અને પછી તે સૂઈ જ ન શકતી. આવું સતત ૪-૫ દિવસ થયું એટલે તેણે ફિઝિયોથેરપી લીધી અને ડૉક્ટરને પણ બતાવવા ગઈ. ડૉક્ટરે તપાસીને કહ્યું, તમને સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ છે. આ રોગમાં કરોડરજ્જુનાં હાડકાં ઉંમરને કારણે ઘસાય છે એટલે આ તકલીફ ઊભી થાય છે. ૩૨ વર્ષે હાડકાં ઘસાવાં લાગ્યાં? એ કઈ રીતે શક્ય છે? ડૉક્ટરે કહ્યું, શક્ય છે. આજકાલ એ સામાન્ય થતું જાય છે. વૃદ્ધોમાં જોવા મળતો આ રોગ આજકાલ યુવાનોમાં સામાન્ય થઈ રહ્યો છે. આજે સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ નાની ઉંમરે થવાનાં કારણોને સમજીએ.


ઝૂકેલી ગરદન
આપના સૂવાનાં, બેસવાનાં ને ચાલવાનાં પૉશ્ચર નિશ્ચિત હોય છે. કરોડરજ્જુને હંમેશાં સીધી રાખવી જરૂરી છે, કારણ કે એ આ જ પોઝિશનમાં બેસ્ટ રીતે રહી શકે છે. જે જગ્યાએથી એ વળે અને વળેલી જ રહે એ જગ્યાએ એ મણકાઓ અને ગાદી પર બિનજરૂરી સ્ટ્રેસ આવે છે. જ્યારે એ વધુપડતું થાય ત્યારે તકલીફ શરૂ થઈ જતી હોય છે. આજકાલ લગભગ ૧૦માંથી ૮ લોકોને પૉશ્ચર સંબંધિત તકલીફો દેખાય જ છે. એ વિશે વાત કરતાં ડૉ. પિનાકિન શાહ કહે છે, 'આજનો માણસ પોતાના દિવસનો લગભગ ૮-૧૨ કલાકનો સમય કમ્પ્યુટર અને લૅપટૉપ પાછળ કાઢતો હોય છે. આ સમયમાં સતત તેની ગરદન ઝૂકેલી રહે છે. ખાસ કરીને ફોન જે વધુ સમય વાપરતા હોય તેમને આ પ્રૉબ્લેમ વધુ થાય છે. એક વ્યક્તિ સામાન્ય રીતે ઊભી છે તો તે સીધી ગરદન રાખીને ઊભી રહેશે. જો તે મોબાઇલમાં લાગેલી હશે તો ભલે તે ૩ કલાક પણ ઊભી રહે તેની ગરદન તો ઝૂકેલી જ રહેવાની. તમે જો ડેસ્કટૉપ વાપરતા હો તો વધુ સારું, પરંતુ લૅપટૉપ પર ૮-૧૦ કલાક કામ કરો તો પ્રૉબ્લેમ રહેવાનો, કારણ કે લૅપટૉપનું કીર્બોડ એની સાથે જોડાયેલું હોવાને કારણે એને આઇ-લેવલ પર ગોઠવવું મુશ્કેલ છે. આમ આપણે દિવસનો કેટલો મોટો સમય આગળ ઝૂકેલી ગરદન સાથે વિતાવીએ છીએ તો ગરદન પર ભાર તો આવવાનો જ છે. વળી એટલો જ સમય જો આપણે પાછળની તરફ ગરદન ઝુકાવતા હોઈએ તો વાંધો ન આવે, પરંતુ એવું થતું નથી. આ સિવાય આપણે ટટ્ટાર બેસતા નથી. સૂવામાં જો તકિયો વધુ જાડો કે વધુ પાતળો હોય તો પણ આ તકલીફ થઈ શકે છે.'


બેઠાડુ જીવન અને શરીરનો બાંધો
પૉશ્ચર ઘણા લોકોનાં ખરાબ હોય છે, પરંતુ બધા લોકોને યુવાન વયે સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ નથી થઈ જતો; એવું કેમ? કેમ અમુક લોકોને જ આવું થાય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. પિનાકિન શાહ કહે છે, 'અમુક લોકોના શરીરનો બાંધો નબળો હોય છે. તેમનાં સ્નાયુઓ અને હાડકાં બીજા લોકોના પ્રમાણમાં નબળાં જ હોય છે. એનું મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે પ્રમુખ તેમનો બાંધો જ નબળો છે અને નાનપણથી તેમણે સશક્ત બનવા માટે કંઈ કર્યું નથી. સ્પોટ્ર્સ, કસરત અને ખંતીલું જીવન તમારાં હાડકાં, સ્નાયુઓ અને સાંધાઓને મજબૂત બનાવે છે. એટલે જરૂરી છે કે બાળકોને પહેલેથી એની આદત પડે. વળી નાનપણમાં કરી લીધું અને પછી હવે યુવાનીમાં એની જરૂર નથી એવું માનનારા લોકો પણ ભૂલ કરે છે. જે લોકો પોતાના સ્નાયુઓને સશક્ત રાખવા માગતા હોય તેમણે બેઠાડુ જીવનનો ત્યાગ કરવો જ પડે. જો તમારા કામનો પ્રકાર બેઠાડુ હોય તો પણ દરરોજ એક કલાક તમારે તમારા શરીરને આપવો અનિવાર્ય છે. જો ડોક અને પીઠના સ્નાયુઓ નબળા હોય તો નાની ઉંમરમાં આ રોગ આવવાની પૂરી શક્યતા છે.'


સ્ટ્રેસ
આપણે કોઈ પણ જાતનું જે માનસિક કે શારીરિક સ્ટ્રેસ લઈએ છીએ એનો ભાર હંમેશાં આપણા ખભા પર જ આવે છે. ખાસ કરીને માનસિક સ્ટ્રેસનો ભાર. નાનપણથી જ જે બાળકોએ વધુ સ્ટ્રેસફુલ લાઇફ જોઈ હોય એ બાળકોનાં પૉશ્ચર જોઈને સમજી શકાય છે કે તેમને કેટલું માનસિક સ્ટ્રેસ છે. આ વાતને એક ઉદાહરણ સાથે સમજાવતાં ડૉ. પિનાકિન શાહ કહે છે, 'જ્યારે ક્રિકેટ મૅચમાં ટૉસ ઉછાળે ત્યારે બન્ને કૅપ્ટનનાં પૉશ્ચર જોઈને સમજી શકાય છે કે કયો કૅપ્ટન ટૉસ જીતી ગયો અને કોણ હારી ગયો. જે કૅપ્ટન ટૉસ હારી જાય કે તરત જ દેખાઈ શકે છે કે તેના ખભા ઝૂકી ગયા છે. આમ જે વ્યક્તિ સતત સ્ટ્રેસમાં રહેતી હોય તેના સર્વાઇકલ એટલે કે ગળું, પીઠ અને ખભાના સ્નાયુઓ પર લોડ આવવાનો જ છે અને એ લોડ સતત રહે ત્યારે એ પ્રૉબ્લેમ કરવાનો જ છે. આજકાલ સ્ટ્રેસનું પ્રમાણ પહેલાં કરતાં ઘણું વધી ગયું છે એ પણ એક મહત્વનું કારણ છે કે નાની ઉંમરે લોકોને સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ થાય છે.'


ટ્રાવેલિંગ
પહેલાંના લોકો કરતાં આજે લોકો વધુ ટ્રાવેલિંગ કરે છે. જરૂરી નથી કે દરેક વ્યક્તિનું ટ્રાન્સપોર્ટ ખૂબ સારી ક્વૉલિટીનું હોય. વળી રોડની કન્ડિશન હંમેશાં સારી જ મળે એ તો શક્ય જ નથી હોતું. આ બાબતે વાત કરતાં ડૉ. પિનાકિન શાહ કહે છે, 'ટ્રાવેલિંગમાં ખાસ કરીને ટૂ-વ્હીલર કે રિક્ષામાં ટ્રાવેલ કરતા લોકોને રસ્તામાં ઘણા જર્ક લાગે છે અને આ જર્ક સીધા તેમના ગળાને અસર કરે છે. આ પ્રકારનું ટ્રાવેલિંગ જે સતત વધુ કલાકો માટે કરતા હોય તેમને આ રોગ થવાની પૂરી શક્યતા છે. આ સિવાય બસમાં પણ જે લોકો ઊભા-ઊભા ટ્રાવેલ કરતા હોય છે તેમને પણ ખૂબ જર્ક લાગે છે, કારણ કે વારંવાર બ્રેક લાગે ત્યારે બૅલૅન્સ રાખવું અઘરું પડી જાય છે.'


સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ એટલે શું?
આપણી કરોડરજ્જુમાં ૩૧ મણકા હોય છે અને એ મણકાઓ વચ્ચે ૨૩ જેટલી ગાદી છે. હવે જ્યારે ગરદનની અંદર રહેલા મણકા-ગાદી ઉપર કોઈ પણ જાતની અસર થાય ત્યારે એને સર્વાઇકલ પ્રૉબ્લેમ કહે છે. જ્યારે આ મણકા ઘસાવા લાગે ત્યારે એને સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ કહે છે જે મોટા ભાગે ઉંમરને કારણે થાય છે, પરંતુ આજકાલ યુવાનોમાં પણ જોવા મળી રહ્યું છે.


ખબર કેમ પડે? : આ રોગની તીવ્રતા જેવી હોય એ પ્રમાણે ચિહ્નો હોઈ શકે છે. સામાન્ય રીતે ડોક જકડાઈ જાય, પીઠમાં દુખાવો હોય, ઉપરનો ભાગ એટલો સ્ટિફ થઈ જાય કે ચારે દિશામાં એની મૂવમેન્ટ શક્ય ન બને. જ્યારે આ પ્રૉબ્લેમ વધી જાય ત્યારે એ અંદરની કોઈ નસોને દબાવે છે, જેને લીધે હાથ કે પગ પર અસર થઈ શકે છે. જો એ કોઈ એવી નસને દબાવે તો હાથ લકવાગ્રસ્ત પણ થઈ શકે છે. આ પરિસ્થિતિ એક ઇમર્જન્સી છે જેમાં તરત જ હૉસ્પિટલ ભાગવું પડે છે અને ઑપરેશન થઈ શકે છે.


શું કરવું? : જો આ પ્રૉબ્લેમ યુવાન વયે ચાલુ થયો હોય તો વ્યક્તિએ એને ગંભીરતાથી લેવો જરૂરી છે. જો તેનાં હાડકાં ૩૦-૩૫ વર્ષની ઉંમરથી ઘસવા લાગે તો ૬૦-૭૦ વર્ષે તેની હાલત શું થઈ શકે એની કલ્પના મુશ્કેલ છે. મહત્વનું છે કે આવી વ્યક્તિઓ કયા કારણસર તેમને આ તકલીફ થઈ છે એ સમજે અને એને દૂર કરવાનો પ્રયત્ન કરે. સાથે-સાથે ફિઝિયોથેરપી ખૂબ જ મહત્વનો ભાગ છે. આ રોગમાં વ્યક્તિના સ્નાયુઓને સશક્ત કરવાનું કામ એક્સરસાઇઝ કરે છે, જેને કારણે હાડકાં ઘસાવાની ગતિને મંદ પાડી શકાય.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsJgf%2BWT7D73rBc6xThb4%3DfzCknNKVu0XEsLFG-4u%3DxJg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment