| |
મેંનાની ઉંમરે જ નિર્ણય લઇ લીધો હતો કે મોટો થઇને હું ગ્રેટ બિઝનેસમેન બનીશ. અલબત્ત, પપ્પા હતા ત્યારે પણ હું બિઝનેસમેન હતો જ, પરંતુ ત્યારે પપ્પાની કંપનીઓ માટે કામ કરતો હતો. મારી પોતાની એવી કોઇ ઓળખ નહોતી. એ સમયે પણ હું ઘણી જવાબદારીઓ સ્વતંત્ર રીતે સંભાળતો હતો, છતાં લોકો એમ જ માનતા હતા કે આ તો ધીરુભાઇની છત્રછાયા હેઠળ જ બધું ચાલે છે. હું બધા કરતાં વધુ સ્માર્ટ છું એની ત્યારે કોઇને ખબર નહોતી.
પપ્પાના અવસાન પછી મને મારી પોતાની ઓળખ ઊભી કરવાની એક તક મળી, પરંતુ મોટાભાઇ મને મારી પોતાની ઓળખ ઊભી કરવાની ફેવરમાં નહોતા. એમની ઇચ્છા હતી કે હું એમની છત્રછાયા હેઠળ જ જિંદગીભર કામ કરતો રહું. મને એ મંજૂર નહોતું એટલે મેં કજિયો કર્યો. મમ્મીને મારા પર બહુ લાગણી એટલે એમણે મોટાભાઇને સમજાવ્યા અને છેવટે મને મારા ભાગની કંપનીઓ મળી ગઇ. મારા ગૃપની કંપનીઓ રિલાયન્સ એડીએ ગૃપ તરીકે ઓળખાવા લાગી. હવે મારા માટે એ વાત પુરવાર કરવાનો સમય આવી ગયો કે હું બધા કરતાં વધુ સ્માર્ટ છું.
મારી બિઝનેસ સૂઝ સાવ અનોખી છે. મેં મુંબઇની કે.સી. કોલેજમાં બીએસસી કર્યું અને પછી પેન્સિલવેલિયા યુનિવસિટીમાંની વ્હોટર્ટન સ્કૂલમાંથી એમબીએ કર્યું. આ બધુ ફોર્મલ એજ્યુકેશન તો મેં ફક્ત જાણકારી માટે લીધું. મૂળ તો મારે મારી અસલી સૂઝ પ્રમાણે જ જીવનમાં આગળ વધવાનું હતું. હું બધા કરતાં વધુ સ્માર્ટ છું એ દુનિયાને દેખાડી દેવાનું હતું. પપ્પા હતા ત્યારે મને બેસ્ટ બિઝનેસમેન તરીકેને અનેક એવૉર્ડ્સ મળ્યા હતા. જેમ કે બિઝનેસ ઇન્ડિયાએ ૧૯૯૭નો બિઝનેસમેન ઓફ ધ યરનો એવૉર્ડ મને આપ્યો હતો. આ સિવાયનાં પણ અનેક સન્માનો મને ત્યારે પ્રાપ્ત થયા હતા, પરંતુ મારી ઇચ્છા સ્વતંત્ર રીતે સન્માન પામવાની હતી. જીવનમાં આગળ વધવા માટે મારે ખૂબ મહેનત કરવાની હતી અને બીજા અનેક બિઝનસ જૂથો સાથે કમ્પિટિશન કરવાની હતી. મારા મોટાભાઇ સાથે પણ કદાચ કમ્પિટિશન કરવી પડે એવી શક્યતા હતી. એ વિચારથી મને સહેજ દુ:ખ થયું હતું, પરંતુ પછી વિચાર્યું કે યુદ્ધ અને બિઝનેસમાં તો બધુ ચાલે.
બિઝનેસ કરવાની મારી સ્ટ્રેટજી અનોખી છે. પપ્પાએ ઘણું શીખવ્યું હતું એ તો મને યાદ હતું જ. એ ઉપરાંત મારી પોતાની આવડત અને સૂઝને પણ હું ખૂબ મહત્ત્વ આપતો. હકીકતમાં મારા મનમાં જે વિચાર સૂઝે એને હું હંમેશાં વધુ મહત્ત્વ આપતો, કારણ કે હું મારી જાતને બધા કરતાં વધુ સ્માર્ટ સમજતો હતો. ૨૦૦૮માં મારી કંપની રિલાયન્સ પાવરનો આઇપીઓ જે ઝડપથી સબસ્ક્રાઇબ થઇ ગયો એ એક વિક્રમ છે. આ સફળતાને લીધે મારો આત્મવિશ્ર્વાસ ખૂબ વધી ગયો અને હું વધુ સાહસિક બન્યો. એક તરફ મોટાભાઇ પરંપરાગત રીતે પોતાની કંપનીઓને આગળ લાવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે મેં ડાયનેમિક અભિગમ અપનાવ્યો અને બિઝનેસને ખૂબ ઝડપી દિશા આપી.
મેં બિઝનેસ માટેના નવાં નવાં ક્ષેત્રો અજમાવ્યા. ફિલ્મ પ્રોસેસિંગ, પ્રોડક્શન, એક્ઝિબિશન અને ડિજિટલ સિનેમામાં કાર્યરત એડલેબ કંપનીના મેજોરિટી સ્ટેક્સ અક્વાયર કરીને ૨૦૦૮માં મેં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું. ૨૦૦૯માં કંપનીનું નામ બદલીને રિલાયન્સ મીડિયા વર્કસ કર્યું. એ જ સમય દરમિયાન સ્ટીવન સ્પીલબર્ગની કંપની ડ્રીમવર્કસ સાથે
જોઇન્ટ વેન્ચર કરીને વૈશ્ર્વિક તખ્તે આગેકૂચ કરી. આ કંપની હેઠળ હોલીવૂડની અનેક ફિલ્મો પ્રોડ્યુસ કરી.
હજારો કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સાથેના મોટા મોટા બિઝનેસ સાહસોને લીધે મારી કંપનીનું નામ બહુ મોટું થઇ ગયું, પરંતુ હકીકતમાં મારી કંપનીઓ કેવો પ્રોગ્રેસ કરી રહી છે અથવા કેટલી કમાણી કરી રહી છે એનો પાકો અંદાજ મેળવવાનું ત્યારે મુશ્કેલ હતું. બીજું, હું કોઇ એક ક્ષેત્ર સાથે સંકળાયેલો નહોતો, અનેક ક્ષેત્રોમાં મેં ઝુકાવ્યું હતું અને નવા નવા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા.
૨૦૧૪માં જાણે અચાનક મારું મીઠું સપનું તૂટી અને દુ:સ્વપ્ન શરૂ થયું. રિયલાન્યસ મીડિયા વર્ક્સની હાલત ખરાબ થઇ ગઇ. કંપની પરનું દેવું ઓછું કરવા માટે અનેક મલ્ટિપ્લેક્સ સ્ક્રીન્સ કેરળની કાર્નિવાલ ફિલ્મ્સ્ કંપનીને ૭૦૦ કરોડ રૂપિયામાં વેચી દેવા પડ્યા. ૨૦૧૭ સુધીમાં રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રા બંને કંપનીઓ નુકસાનીમાં આવી ગઇ. રિલાયન્સ કેપિટલ સિવાયની મારી મોટા ભાગની કંપનીઓ પર દેવું ચડવા લાગ્યું.
આ બધી નિષ્ફળતાઓથી બચવા મેં સાવ અલગ ક્ષેત્રમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું અને ડિફેન્સ ક્ષેત્રમાં ઝુકાવ્યું. આ ક્ષેત્રમાં મને પૂરતો સપોર્ટ મળી રહેશે એની પણ ખાતરી હતી, પરંતુ રફાલે બાબતે જે વિવાદ થઇ રહ્યો છે એના લીધે હવે આ ક્ષેત્રમાં પણ આગળ મુશ્કેલી દેખાય છે.
મને છેલ્લામાં છેલ્લો ઝટકો લાગ્યો છે એરિક્શન કંપની સાથેની તકરાર અને એ સંદર્ભે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાથી. સુપ્રીમ કોર્ટે મને એક મહિનાની અંદર એરિક્શન કંપનીને ૪૦૦ કરોડ રૂપિયા ચુકવી દેવાનું કહ્યું છે અને એમ નહીં બને તો જેલમાં મોકલવાની ચેતવણી આપી છે. આ ચુકાદાથી હું ખરેખર હચમચી ગયો છું. બિઝનેસની નિષ્ફળતા અને માથાં પરનું દેવું તો સમજ્યા, એ બિઝનેસનો એક હિસ્સો છે, પરંતુ જે રીતે મારી આબરૂના કાંકરા થયા છે એ અસહ્ય છે.
આજે મને લાગે છે કે પપ્પાનું નામ મારા કારણે ખરાબ થયું છે. અમારા પરિવારની ઇજ્જતને પર મેં જ નુકસાન પહોંચાડ્યું છે. એકાન્તમાં બેસીને વિચારું છું કે આવું બધુ કેવી રીતે બની ગયું? શા માટે હું આવી તકલીફમાં આવી ગયો? મારી જાત સાથે પૂરી નિખાલસતા રાખીને વિચારું તો સમજાય છે કે મારા મનની અંદર ઊંડે ઊંડે મોટાભાઇ સાથે સ્પર્ધા કરવાની ઝંખના હતી. એમના કરતાં હું વધુ હોશિયાર, વધુ સ્માર્ટ છું એવું પુરવાર કરવાની તાલાવેલી હતી. કદાચ આવી હાઇવોઇમાં જ મેં કેટલાક ખોટા નિર્ણયો લીધા. મોટા વ્યાજે પૈસા ઉધાર લેવા અને ખૂબ મોંઘા દામ ચુકવીને કંપનીઓ એક્વાયર કરવાના નિર્ણયો મને બહુ મોંઘા પડ્યા. હું બહુ ઝડપથી મોટાભાઇ કરતાં આગળ નીકળી જવા માંગતો હતો અને મોટાભાઇ ધીમી, છતાં મક્કમ ગતિએ પોતાનું સ્થાન મજબૂત બનાવી રહ્યા હતા. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં હું માસ્ટર હોવાનું એક સમયે માનતો હતો, પરંતુ હવે એમાં મેં મહત્ત્વનું સ્થાન ગુમાવી દીધું છે. બીજી તરફ મોટાભાઇ પાસે ઇટીવી, નેટવર્ક૧૮ અને બાલાજી ટેલિફિલ્મ્સ જેવી કંપનીઓ છે. ટેલિકોમ ક્ષેત્રમાં મારું આરકોમ ખતમ થઇ ગયું છે અને મોટાભાઇનું જીઓ નંબર વન છે.
છેલ્લા કેટલાક દિવસોથી હું ખૂબ જ ઉદાસ છું અને નકારાત્મક વિચારો આવે છે. ગઇકાલે રાત્રે પપ્પા સપનામાં આવ્યા એટલે મેં ખૂબ રાહત અનુભવી. હું પપ્પા સામે રડ્યો તો પપ્પાએ મને સલાહ આપી કે મોટાભાઇ પાસે જઇને સાચા દિલથી માફી માંગ. એ તને માફ કરશે અને કદાચ તને આ મુસીબતમાંથી ઉગારી લેશે. તમે બંને ભાઇઓ સંપીને રહેશો તો જ ટકી શકશો. હવે હું સંકોચ અનુભવી રહ્યો છું. મોટાભાઇના શરણે જાઉં કે ન જાઉં?
|
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os2Xhbi-89RsLt6rgWU4gR3RZEa6%3D0tuQiBmjK1_3rxZg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment