| 
લોહી એ માનવ જીવન માટે અનિવાર્ય તત્ત્વ છે. અકસ્માતના કારણે કે પછી કોઇ પણ ઓપરેશન પ્રક્રિયા વખતે શરીર ઘણું લોહી ગુમાવતું હોય છે. આ લોહીની આપૂર્તિ કરવા તેવા જ પ્રકારના લોહીના દાતાની જરૂર પડતી હોય છે. જોકે, રક્તદાનની અનેક અપીલો થવા છતાં ઘણા લોકો રક્તદાન કરવા રાજી નથી થતા હોતા. લોહી આપવાને કારણે અશક્તિ આવવાથી માંડીને શરીર ભાતભાતની બીમારીઓનો ભોગ બની જશે એવી માન્યતાઓ અમુક લોકોના મનમાં ઘર કરી ગઇ હોય છે. આને કારણે ઘણા લોકો રક્તદાન કરવાનું ટાળતા હોય છે. જોકે, રક્તદાન કરવાથી શરીરના આરોગ્ય પર કોઇ ખરાબ અસર થતી નથી, એટલું જ નહીં દેનારના સ્વાસ્થ્યને પણ લાભ થાય છે તેમ આજનું સંશોધન કહે છે.
આમ કેવી રીતે થાય છે તે હવે આપણે જોઇએ.
વાત એમ છે કે શરીરને લોહી મારફતે આયર્ન એટલે કે લોહ તત્ત્વ જોઇએ છે તે પૂરતા પ્રમાણમાં મળે ત્યાં સુધી ઠીક છે, પરંતુ જો એ લોહતત્ત્વનું પ્રમાણ વધી જાય તો શરીર માટે નુકસાનકારક પણ સાબિત થાય છે. ઘણી વાર લોહતત્ત્વ વધારતા ખાદ્ય પદાર્થો વધુ પડતા ખવાઇ જાય તો શરીરમાં આયર્નનું પ્રમાણ વધવા લાગે છે. આમાંનો જરૂરી હોય એટલો ભાગ શરીરમાં શોષાઇ જાય છે જ્યારે બાકીના લોહતત્ત્વનો શરીરના વિવિધ અંગો જેમ કે હૃદય, લીવર અને પેન્ક્રિયાઝમાં સંગ્રહ થવા લાગે છે. આ લોહતત્ત્વનું પ્રમાણ વધી જાય તો અંગોને નુકસાન પહોંચે છે. સિરોઇસીસ, લીવર બગડવું કે પેન્ક્રિયાઝને નુકસાન પહોેંચવું વગેરે કંઇ પણ થઇ શકે છે. હૃદયના ધબકારા પણ અનિયમિત થઇ શકે છે.
રક્તદાન કરવાથી શરીરમાં તાત્કાલિક આયર્નનું પ્રમાણ ઘટે છે. આવા સંજોગોમાં લીવર, હાર્ટ કે પેન્ક્રિયાઝમાં સંઘરાયેલું આયર્ન શરીર પોતાના ઉપયોગ માટે શોષી લે છે અને આ અંગોને આયર્નના જથ્થાથી થનારા નુકસાનથી બચાવી લે છે.
હાલમાં થયેલા એક સંશોધન અનુસાર શરીરમાં વધતા જતા આયર્નને અમુક કૅન્સર સાથે પણ સીધો સંબંધ છે. શરીરમાં આયર્નનું પ્રમાણ વધે તો કૅન્સરની શક્યતા વધે અને આયર્નનું પ્રમાણ ઘટે તો કૅન્સરનું જોખમ પણ ઘટે છે. નિયમિત રક્તદાન કરનાર વ્યક્તિના શરીરમાં આયર્નનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે જેથી કૅન્સરનું જોખમ ઘટે છે. રક્તદાનના કારણે શરીરનું વજન પણ ઘટે છે, એટલે સ્થૂળકાય વ્યક્તિઓએ તો ખાસ રક્તદાનનો લાભ લેવો જ જોઇએ. રકતદાન કરવાથી શરીરમાં લોહી ઓછું થાય છે. આ ઊણપને પૂરી કરવા શરીર લાલ રક્તકોષિકાઓનું પ્રમાણ વધારવા માંડે છે. જેનાથી શરીરનું સ્વાસ્થ્ય સુધરે છે અને શરીરને સક્ષમતાથી કામ કરવામાં મદદ પણ મળે છે. શરીરની ફિટનેસ સુધરે છે. બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.
વળી નિયમિત બ્લડ ડોનેશન કરતા રહેવાથી તમારા લોહીની પણ તપાસ થતી રહે છે. તમારા લોહીમાં રહેલા હિમોગ્લોબીન કે સાકરની તેમ જ બીજી કોઇ ચેપી બીમારી વિશે પણ આગોતરી જાણ થઇ જાય છે.
બીજી એક વાત. રક્તદાન કરવાથી આપણને એક સારું કામ કર્યાનો સંતોષ અને આનંદ પ્રાપ્ત થાય છે. જેનાથી આપણા શરીર અને મન પર પણ સકારાત્મક અસર થાય છે.
એક જ વારના રક્તદાનથી ત્રણ ત્રણ જિંદગી બચાવી શકાય છે.
આપણાંમાથી ઘણા ખરા લોકોને એવો જ ખ્યાલ હોય છે કે આપણે આપેલું લોહી કોઇ જરૂરતમંદ વ્યક્તિને મળે અને તેની જિંદગી બચી જાય. જોકે, તમે આગોતરું રક્તદાન કર્યું હોય તો તે લોહીમાંથી ત્રણ તત્ત્વોને છૂટા પાડીને તેનો સંગ્રહ કરી શકાય છે, જેમ કે પ્લાઝમા, પ્લેટલેટ્સ અને લાલ રક્તકોષિકાઓ. આ ત્રણે તત્ત્વોની જે જે દર્દીઓમાં ખામી હોય તેમને તે તત્ત્વો પૂરા પાડવાથી તેમની જિંદગી બચાવી શકાય છે. આમ તમે એક વાર કરેલા રક્તદાનથી ત્રણ લોકોના જીવન બચાવવામાં નિમિત્ત બની શકો છો.
રક્તદાન કરવાના નિયમો અચૂક પાળવા જોઇએ
રક્તદાન કરવાના ફાયદા વિશે જાણીને તમને વારંવાર રક્તદાન કરવાનું મન થઇ જાય તો એમ કરી શકો નહીં, તેના પણ અમુક નિયમો હોય છે.
- રક્તદાન કરનારની ઉંમર ૧૮થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઇએ
- રક્તદાન કરનારનું વજન ૪૫ કિલો અથવા એનાથી વધુ હોવું જોઇએ
- એક સમયે ૩૫૦ એમ.એલ.થી વધુ રક્તનું દાન કરી શકાય નહીં.
- એક વાર રક્ત દાન કર્યા પછી બીજું રક્તદાન ૫૬ દિવસ (૨ મહિના) પછી જ થઇ શકે
- રક્તદાન પછી શરીરમાં ઊભી થયેલી પ્રવાહીની ઉણપ પૂરી કરવા ચા-કોફી કે શક્તિદાયક પીણું પી લેવું જોઇએ
- શરીરમાં કોઇ ગંભીર બીમારી કે સમસ્યા હોય તો ડૉક્ટર સાથે વાતચીત કરી લેવી જોઇએ.
માત્ર લોહી જ નહીં, તેના ઘટકોનું પણ અલગ રીતે દાન કરી શકાય.
ઘણી એવી બીમારી હોય છે જેમાં દર્દીને પૂરું લોહી નહીં પણ તેના કોઇ ઘટકની જ જરૂર પડતી હોય છે. જેમ કે લોહીમાં રહેલા પ્લેટલેટ્સ, પ્લાઝમા કે પછી ઓટામેેટેડ રેડ સેલ્સનું અલગ રીતે પણ દાન થઇ શકે છે. આ પ્રક્રિયામાં લોહી સમૂળગું લેવામાં નથી આવતું, પણ જોઇતા ઘટકો લઇને બાકીનું લોહી દાતાના શરીરમાં પાછું દાખલ કરવામાં આવે છે.
દા.ત. તમારા શરીરમાંથી ફક્ત પ્લેટલેટ્સ જ લેવા હોય તો એક હાથમાંથી લોહી લેવામાં આવે છે, પછી સેન્ટ્રીફ્યુજન દ્વારા લોહીમાંથી જોઇતા પ્રમાણમાં પ્લેટલેટ્સ અલગ કરીને કાઢી લેવાય છે. આ પ્રક્રિયા એફેરેસિસના નામે ઓળખાય છે. પ્લેટલેટ્સ અલગ કર્યા પછી બાકીનું લોહી તમારા બીજા હાથ દ્વારા શરીરમાં પાછુ મોકલાવાય છે.
જેમ લોહીનું દાન દર બે મહિને કરી શકાય છે. એમ પ્લેટલેટ્સનું દાન તો દર બે અઠવાડિયે પણ કરી શકાય, મતલબ કે મહિનામાં બે વાર અને અને વર્ષમાં ૨૪ વાર પણ કરી શકાય. આ જ રીતે લોહીમાં રહેલા પ્લાઝમાનું દર ચાર અઠવાડિયે (મહિનામાં એક વાર) અને ઑટોમેટેડ બ્લડ સેલ્સનું દર ૧૬ અઠવાડિયે એટલે કે ચાર મહિને એક વાર દાન કરી શકાય છે.
રક્તદાન : શ્રેષ્ઠ દાન
અમેરિકાની રેડક્રોસ સંસ્થાના જણાવ્યા પ્રમાણે શિયાળાની ઠંડીમાં જરૂરિયાત મુજબનું લોહી એકઠું કરવું ઘણું મુશ્કેલ બની જાય છે. એક તો વેકેશનનો સમય અને ઉપરથી આ મહિનાનું ખરાબ હવામાન તેમ જ લોકોની વધી જતી નાની મોટી બીમારીઓ તેમને રક્તદાન માટે નિરુત્સાહી બનાવી દે છે. આખો જાન્યુઆરી મહિનો બ્લડ ડોનર મન્થ તરીકે ઉજવવા પાછળ એ જ આશય હોય છે કે વધુમાં વધુ લોહી ભેગું કરી શકાય
જોકે, ભારતની વસતિને જોતાં અહીં તો બારેમાસ રક્તદાનની ઝુંબેશ ચાલુ રાખવી પડે એવી સ્થિતિ છે અને લોકોએ ઉદારતાથી રક્તદાન કરવું પણ જોઇએ કારણ કે રક્તદાન શ્રેષ્ઠ દાન છે. અન્નદાન, વસ્ત્ર દાન કે અન્ય કોઇ દાન માટે પૈસાની જરૂર પડે છે, રક્તદાન માટે નહીં. ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ રક્ત દાન અવશ્ય કરી શકે છે. વળી, જીવતે જીવત જો તમે શરીરના કોઇ ઘટકનું દાન કરવા માગતા હોવ તો એ છે રક્તદાન. મોટે ભાગે નેત્ર દાન કે અન્ય અવયવોનું દાન કે પછી દેહ દાન શરીરનું મૃત્યુ થાય પછી કરવામાં આવે છે. આપણે ત્યાં ઘણા લોકો મર્યા પહેલા જ પોતાના બારમાની ક્રિયા પોતે જ કરાવી લેવામાં માનતા હોય છે. મર્યા બાદ કોઇ વિધિ કે પિંડ દાન કરે કે ન કરે એની કોઇ ચિંતા જ નહીં. આ ક્રિયાને જીવતે જગતિયું કર્યું એમ કહેવાય છે. જો તમારે પણ જીવતા જગતિયું કર્યાનો લાભ લેવો હોય તો એક પણ પૈસાનો વ્યય કર્યા વગર થતું રક્તદાન જરૂર કરવું જોઇએ. લોહી એ એવી ચીજ છે, જેને કારખાનામાં ઉત્પન્ન કરી શકાતું નથી. લોહીની જરૂરિયાત માત્ર રક્તદાન દ્વારા જ પૂરી કરી શકાય છે. આટ-આટલા રક્તદાન થતાં હોવા છતાં હંમેશા દુનિયાના કોઇને કોઇ ખૂણે લોહીની અછત રહેતી જ હોય છે.
આવા સંજોગોમાં જે લોકો રક્તદાન કરતાં હોય તે લોકો તેની સંખ્યા વધારી શકે છે અને ન કરતાં હોય તેઓ શરૂઆત કરી શકે છે. લોહીનું દાન કરવામાં હજુ પણ ઘણા લોકો ખચકાટ અનુભવતા હોય છે. રક્તદાન ન કરવા માટે તેમની પાસે ઘણા બહાના હાજરાહજૂર હોય છે. ચાલો આ બહાનાબાજીનું નિરાકરણ કરીએ.
રક્તદાન ન કરવા માટેનાં ૮ બહાના અને તેનું નિરાકરણ
૧. સોયનો ડર લાગે છે
માત્ર ભારતમાં જ નહીં , પૂરા વિશ્ર્વમાં એવા લોકો છે જેમને સોય ભોંકાવાનો ડર લાગે છે. ઘણા લોકો બીમારી વખતે કડવી દવા કે ગોળી ગળવા તૈયાર થઇ જાય છે, પણ ઇન્જેક્શન લેવાની હરગિઝ ના પાડે છે. હકીકતમાં શરીરમાં એક કાંટો ભોંકાય એના કરતા પણ ઓછા પ્રમાણમાં અને ઓછા સમય માટે સોયની વેદના આપણને થતી હોય છે. રક્તદાન કરતાં પહેલાં તમારી આંગળીમાંથી એક ક્ષણ માટે સોયવાળા મશીનથી ચકાસણી માટે થોડું લોહી લેવાતું હોય છે.આ ક્રિયા વખતે જ તમારો સોય ભોંકાવાનો ડર મનમાંથી નીકળી જતો હોય છે. આના કરતાં વધુ વેદના તો આપણને બીમારી વખતે કે પડવા આાખડવાથી પણ ભોગવવી પડતી હોય છે.
૨. બીજા ઘણા લોકો રક્તદાન કરે છે, હું નહીં કરું તો ચાલશે
આ માન્યતાને કારણે જ રક્તદાનનું પ્રમાણ હજુ તેની જરૂરતના હિસાબે વધી શક્યું નથી. મોટા ભાગના લોકો જો આવું વિચારે તો પછી લોહીની હંમેશાં અછત રહેવાની જ. આના માટે અમેરિકામાં થયેલો એક સર્વે આાંખ ઉઘાડનારો બની રહેશે. આ સર્વે પ્રમાણે અમેરિકાની જે કુલ વસતી છે તેના ૪૦ ટકા લોકો લોહી આપવા સક્ષમ હોય છે. જોકે એમાંના માત્ર ૫ ટકા લોકો જ રક્તદાન કરવા માટે આગળ આવતાં હોય છે, એટલે ક્યાંકને ક્યાંક, કોઇને કોઇ સમયે લોહીની અછત સર્જાતી રહે છે. લોહી કે તેના ઘટકો નાશવંત છે. એટલે સમય થઇ જતાં ઘણું સંઘરેલું લોહી ઉપયોગમાં આવતું નથી જેમ કે સંપૂર્ણ લોહી ૬ ડિગ્રી ઉષ્ણતામાન ધરાવતા ફ્રિજરમાં મૂકવામાં આવે તો પણ ૪૨ દિવસ સુધી જ સલામત રહી શકે છે. જ્યારે પ્લેટલેટ્સ જે કેન્સરના દર્દી કે સખત રીતે દાઝ્યા હોય તેવા લોકો માટે જરૂરી હોય છે તેને તો માત્ર ૫ દિવસ સુધી જ સાચવી શકાય છે. આવા સંજોગોમાં રક્તદાનનો પ્રવાહ અવિરત ચાલુ રાખવા માટે પ્રત્યેક નાગરિકે જાગૃત રહેવું જોઇએ.
૩. મારા બ્લડ ગ્રુપની એટલી ડિમાન્ડ નથી
બ્લડ બેન્કોમાં હંમેશાં 'ઓ', 'એ' અને 'બી' ગ્રુપના લોહીની અછત રહેતી હોય છે, પણ એનો અર્થ એ નથી કે બીજા ગ્રુપમાં હંમેશા ભરપૂર સ્ટોક રહે છે. અમેરિકામાં થયેલા એક સર્વે અનુસાર તો ઉનાળાના અને શિયાળાના વેકેશન દરમ્યાન બધા જ પ્રકારના લોહીની અછત સર્જાતી હોય છે. એટલે આપણે કયા ગ્રુપમાં છીએ એની ચિંતા કર્યા વગર ભગવાને આપણને રક્તદાન કરવા માટે સમર્થ બનાવ્યા હોય તો અવશ્ય કરતા રહેવું જોઇએ.
૪. ભૂતકાળમાં અમુક બીમારીઓ હોવાને કારણે મારું રક્ત નહીં લેવાય
કયું લોહી લેવાય અને કયું ન લેવાય એના માપદંડો બદલાતા રહેતાં હોય છે. એટલે ભૂતકાળમાં તમારું લોહી ન લેવાયું હોય તો એ વખતની તમારી પરિસ્થિતિ અને એ વખતના તેમના માપદંડ વચ્ચે મેળ ન ખાધો હોય તે શક્ય છે. એનો મતલબ એ નથી કે તમે ફરીવાર લોહી આપવા જઇ જ ન શકો.
૫. રક્તદાન કરવાથી મને બીમારી લાગુ પડશે
લોહી લેતાં પહેલા તમારા સ્વાસ્થ્યને લઇને તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવે છે. તેમને યોગ્ય લાગે તો જ તમારું રક્ત લેવામાં આવે છે. તમારા રક્તદાનથી ભવિષ્યમાં તમને કોઇ પ્રકારની શારીરિક તકલીફ નહીં પડે તેની ખાતરી પછી જ તમને રક્તદાન માટે યોગ્ય ગણવામાં આવે છે. ઉલટાનું રક્તદાન કરતી વખતે તમારા બ્લડપ્રેશર અને લોહીની નિ:શુલ્ક તપાસ પણ થઇ જાય છે. એમાં કંઇ પણ વાંધાજનક નીકળે તો તેની તમને જાણ થાય છે જેથી તમે યોગ્ય પગલાં લઇ સારવાર કરાવી શકો છો. રક્તદાન વખતે વપરાતાં તમામ સાધનો સ્ટરાઇલ (જંતુવિહીન) કરેલા હોય છે. તેમ જ એક વાર વાપરીને બીજી વાર વાપરી ન શકાય તેવા ડિસ્પોઝેબલ હોય છે એટલે કોઇ પણ પ્રકારનો ચેપી રોગ લાગવાનો સંભવ પણ નથી.
૬. મારી પાસે દાન કરી શકાય એટલું લોહી નથી.
એટલું ધ્યાનમાં રાખો કે આ તમે જેટલું રક્તદાન કરો છો એટલું લોહી માત્ર ૫૬ દિવસમાં પાછું શરીરમાં ભરાઇ જાય છે. અને વળી તમે રક્તદાન કરવાને સમર્થ બની જાવ છો. જેમ દરિયામાંથી એક પ્યાલું પાણી લઇએ તો ઝડપથી ત્યાં નવું પાણી દાખલ થઇ જાય છે. એમ શરીરમાં રક્ત ઓછું થતાં જ નવા લોહીથી તેને ભરી મૂકતી શરીરની ક્રિયાઓ ચાલુ થઇ જાય છે.
૭. લોહી આપ્યા પછી મને નબળાઇ આવી જશે
આ પ્રશ્ર્ન ઘણા લોકોને સતાવતો હોય છે. વાસ્તવમાં રક્તદાન કર્યા પછી શરીરમાં થોડી ક્ષણો માટે જ સાકર અને પ્રવાહીનું પ્રમાણ ઘટતું હોય છે. જોકે, આ જ સમયે તમને બિસ્કિટ, ચ્હા, કોફી કે પોષક પીણાઓ આપીને તમારા ગુમાવેલા તત્ત્વોની પૂર્તિ કરવામાં આવે છે. તમે એકદમ સામાન્ય સ્થિતિમાં છો એની ખાતરી થયા પછી જ તેઓ તમને સ્થળ છોડવાની મંજૂરી આપે છે.
૮. તમે બહુ વ્યસ્ત છો એટલે રક્તદાન માટે સમય મળતો નથી
સાધારણ રીતે હોસ્પિટલમાં દાન કરવું હોય તો તમે તમારા સમયે જઇ શકો છો, જ્યારે કોઇ સેવાભાવી સંસ્થા રક્તદાન શિબિર યોજે ત્યારે રવિવાર કે જાહેર રજાના દિવસે જ ગોઠવતી હોય છે. રક્તદાન એકદમ સરળ, સલામત અને એક કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઇ જતી પ્રક્રિયા છે. શું તમને કે તમારા કોઇ સગાવ્હાલાં, મિત્ર કે પડોશીને લોહીની જરૂર હોય ત્યારે તમે સમયની પરવા કરો ખરા? યાદ રાખો કે રક્તદાનનું કાર્ય કરીને તમે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિઓના જીવન બચાવવામાં નિમિત્ત બનો છો. આટલા ઓછા સમયમાં આવું સરસ કાર્ય તમે બીજી કઇ પ્રવૃત્તિથી કરી શકશો?
|
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot9NUMdTaLccEbf_CwBPA2%3DVnBE6Hrif-gfyWsJUvCmWA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment