Tuesday, 12 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઉચ્ચ સરકારી અધિકારી આવો પણ હોઈ શકે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઉચ્ચ સરકારી અધિકારી આવો પણ હોઈ શકે!
સુખનો પાસવર્ડ-આશુ પટેલ

amdavadis4ever@yahoogroups.com

થોડા દિવસો અગાઉ મણિપુરના 'મિરેકલ મેન' તરીકે જાણીતા આઈએએસ અધિકારી આર્મસ્ટ્રોંગ પામેનો એક પ્રેરણાદાયી કિસ્સો વાચકો સામે મૂક્યો હતો કે તેમણે કઈ રીતે જન્મજાત ખોડ ધરાવતા એક બાળકના કપાયેલા હોઠની સર્જરી કરાવીને તેની જિંદગીમાં સુખદ વળાંક આણ્યો હતો. આજે આ અનોખા આઈએએસ અધિકારીના જીવન વિશે અને તેમણે લોકો માટે કરેલા કામો વિશે વાત કરવી છે.

મણિપુરના તમેન્ગલોન્ગ જિલ્લાના તૌસેમ તાલુકાના નાનકડા ગામ ઈમ્પામાં હેઈતુંગ પામેની પત્ની નિન્ગવાંગલેએ ૨૩ સપ્ટેમ્બર, ૧૯૮૪ના દિવસે આઠ સંતાનો પૈકી બીજા નંબરના સંતાન એવા આર્મસ્ટ્રોંગ પામેને જન્મ આપ્યો હતો. આર્મસ્ટ્રોંગ પામેનું બાળપણ હાડમારીભર્યું હતું. તેમના ગામમાં મૂળભૂત સુવિધાઓ પણ નહોતી. તેમના ગામમાં ઈલેક્ટ્રિસિટી પણ નહોતી અને તેમના ગામથી નજીકના હાઈવે કે શહેર સુધી પહોંચવા માટે પાકો રસ્તો પણ નહોતો. પામે નાના હતા ત્યારે તેમના ગામમાં કોઈ બીમાર પડે તો તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવા માટે ચાલીને જવું પડતું હતું. પામે યુવાન થયા ત્યાં સુધીમાં તેમણે એવા કેટલાય કિસ્સાઓ જોયા હતા, જેમાં દર્દીને શહેરમાં લઈ જવા માટે બાંબુનું કામચલાઉ સ્ટ્રેચર બનાવાતું. અને ચાર-પાંચ વ્યક્તિઓ દર્દીને એ સ્ટ્રેચર પર સૂવડાવીને જાણે ઠાઠડી લઈ જતાં હોય એ રીતે હોસ્પિટલ લઈ જવાતા. એવા કેટલાય કિસ્સાઓમાં દર્દીઓ હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ તેમનું મૃત્યુ નીપજતું હતું!

પામેએ સાત ધોરણ સુધી ક્રિશ્ર્ચિયન ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. એ પછી તેમણે ભણવા માટે યુનાઈટેડ બિલ્ડર્સ સ્કૂલમાં જવું પડ્યું હતું કારણ કે ક્રિશ્ર્ચિયન ગ્રામર સ્કૂલમાં એ વખતે સાત ધોરણ સુધી જ ભણવાની સુવિધા હતી. ત્યારબાદ તેમણે શિલોંગની સેન્ટ એડમન્ડ્સ કોલેજમાં અગિયારમા અને બારમા ધોરણમાં અભ્યાસ કર્યો હતો. તેમણે એચ.એસ.સી.ની પરીક્ષા આપી ત્યારે તેઓ મેઘાલય હાયર સેક્ધડરી બોર્ડની પરીક્ષામાં ત્રીજા નંબરે આવ્યા હતા. એ પછી તેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું.

પામે કોલેજમાં ભણતા હતા ત્યારે વક્તૃત્વ સ્પર્ધાઓમાં અને અન્ય સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા. એવી સ્પર્ધાઓમાં તેઓ અચૂક પ્રથમ ક્રમાંકે આવતા. તેમણે તેમના કોલેજના દિવસોમાં યુનિવર્સિટી લેવલથી માંડીને નેશનલ લેવલ સુધીની સ્પર્ધાઓમાં ૨૫થી વધુ ઈનામો મેળવ્યા હતા. આવી સ્પર્ધાઓ જીતીને જે પૈસા મળે એનો ઉપયોગ તેઓ પોતાના કોલેજના અભ્યાસ માટે કરતા હતા.

પામે હોશિયાર વિદ્યાર્થી તો હતા જ પરંતુ તેઓ ભણવાની સાથે બીજા લોકોને મદદરૂપ બનવા માટે પણ તત્પર રહેતા હતા. તેમની ઇચ્છા હતી કે હું ભણી ગણીને મોટો અધિકારી બનું અને મારા ગામના તથા મારા ગામ જેવા અંતરિયાળ ગામના લોકો માટે કંઈક કરી બતાવું. તેમણે બાળપણમાં જોયું હતું કે તેમના ગામના અને તેમના ગામની આજુબાજુના વિસ્તારમાં મોટા ભાગના લોકો એવા હતા જેમણે ગુજરાન ચલાવવા કાળી મજૂરી કરવી પડતી હતી.

પામે આઈએએસ અધિકારી બન્યા ત્યારે તેમની સ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલે મણિપુરના એક સ્થાનિક અખબારમાં લેખ લખ્યો હતો જેમાં તેમણે પામે અને તેમના કુટુંબની વાતો યાદ કરી હતી. ક્રિશ્ર્ચિયન ગ્રામર સ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડી. પી. પાનમેઈ કહે છે કે પામે હોશિયાર વિદ્યાર્થી હતા. તેના ભાઈ-બહેનો પણ ભણવામાં તેજસ્વી હતાં. તેમના માતા-પિતાની આર્થિક સ્થિતિ સારી નહોતી, પણ તેઓ પોતાના સંતાનોને ભણાવવા માટે મક્કમ હતા. તેમણે એ લેખમાં એક કિસ્સો કહ્યો હતો કે પામેની માતા એક વખત મારી પાસે આવી હતી. તેણે કહ્યું હતું કે 'ફાધર તમારા ભત્રીજા અને ભત્રીજીઓ (એટલે કે પામે અને તેના ભાઈ-બહેનો) ભણવા માગે છે પરંતુ અમારું કુટુંબ ખૂબ જ ગરીબ છે એટલે અમે આ વખતે ફી ભરી શકીએ એમ નથી. મહેરબાની કરીને અમને મદદ કરો. તેમની ફી ઓછી કરી આપો.' પાનમેઈએ એ વાત પણ યાદ કરી હતી કે 'પામે પછી દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાં અભ્યાસ કરવા માટે ગયા હતા. પામેએ અભ્યાસ પૂરો કરી લીધો એ પછી કોન્વોકેશન સેલિબ્રેશન વખતે મને તેના ગાર્ડિયન અને ભૂતપૂર્વ પ્રિન્સિપાલ તરીકે આમંત્રણ અપાયું હતું. એ વખતે પામેને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર તરીકે સર્ટિફિકેટ અપાયું હતું.'

પામેએ ૨૦૦૫મા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં (આઈઆઈટીમાં) પ્રવેશ મેળવવા માટે એન્ટ્રેન્સ એક્ઝામ પાસ કરી લીધી હતી અને તેમને પ્રવેશ માટે પસંદ પણ કરી લેવાયા હતા. જો કે પછી પામેએ આઈઆઈટીમાં પ્રવેશ લેવાનું માંડી વાળ્યું હતું. તેમણે ૨૦૦૭માં સિવિલ સર્વિસ એક્ઝામિનેશન આપી હતી અને તેઓ કસ્ટમ્સ એન્ડ સેન્ટ્રલ એકસાઇઝ ડિપાર્ટમેન્ટમાં અધિકારી તરીકે પસંદ થયા હતા. જો કે તેમનું લક્ષ્ય આઈએએસ અધિકારી બનવાનું જ હતું. તેમણે ૨૦૦૮માં યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષા આપી હતી. એ પરીક્ષા પાસ કરીને તેઓ આઈએએસ અધિકારી તરીકે પસંદ થયા હતા. પામે ઝેમા ટ્રાઈબમાંથી આવે છે. એ ટ્રાઈબમાંથી તેઓ પ્રથમ જ આઈએએસ ઓફિસર બન્યા છે.

૨૦૦૯મા પામેની આઈએએસ તરીકે નિયુક્તિ થઈ એ પછી તેમણે નક્કી કર્યું કે મારા વિસ્તારના અને બીજા વિસ્તારના લોકોને પણ મદદરૂપ બનવા માટે મારાથી થઈ શકે એ બધી જ કોશિશ હું કરીશ.

પોતાના વતનમાં જ કલેકટર તરીકે નિમણૂક મળી એ પછી પામેએ વિચાર્યું હતું કે મારા વિસ્તારના ઘણા ગામડાઓમાં હજી ઈલેક્ટ્રિસિટી નથી અને રસ્તાઓ નથી. ઘણા અંતરિયાળ ગામડાંઓ શહેરો કે નજીકના હાઈવે સાથે જોડાયેલા નથી. એવા ગામો સુધી પહોંચાડવા માટે રોડ બનાવવાનો તેમણે નિર્ધાર કર્યો હતો.

પામેએ સૌ પ્રથમ તમેન્ગલોન્ગના જિલ્લા મથકને તૌસેમ તાલુકા સાથે જોડતો ૬૦ કિલોમીટરનો રસ્તો બનાવવા માટે મણિપુર સરકારની મદદ માગી હતી, પણ મણિપુર સરકારે એ રોડ માટે ફંડ ફાળવવાની ના પાડી હતી. જોકે સરકારે નનૈયો ભણી દીધો

એટલે પામે હાથ પર હાથ ધરીને બેસી રહ્યા નહીં. તેમણે જાતે જ એ રસ્તો બનાવવાનો નિશ્ર્ચય કર્યો. તેમણે સ્થાનિક લોકોને સમજાવ્યા કે તમે આ રસ્તો બનાવવાના કામમાં મદદરૂપ બનશો તો ભવિષ્યમાં આ રસ્તો તમને જ ઉપયોગી થશે. એટલે કેટલાય સ્થાનિક લોકો એ કામમાં તન-મન-ધનથી જોડાઈ ગયા હતા.

પામેએ ૨૦૧૨મા પબ્લિકની મદદથી તૌસેમને તમેન્ગલોન્ગ સાથે જોડતો રસ્તો બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો એ વખતે સૌ પ્રથમ તેમણે અને તેમના મિત્રોએ ચાર લાખ રૂપિયા જમા કર્યા. જો કે એ રકમ તો ૬૦ કિલોમીટર લાંબો રોડ બનાવવાના ભગીરથ કામ માટે ચણામમરા સમાન હતી. એટલે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની મદદ માગવાનું નક્કી કર્યું. તેમણે ફેસબુક પર અપીલ કરી અને થોડા સમયમાં લોકોએ ૪૦ લાખ રૂપિયા આ પ્રોજેક્ટ માટે એકઠા કરી આપ્યા. (બાય ધ વે, રોડ બનાવવા માટે તેમણે ફેસબુકની મદદ લઈને ફંડ એકઠું કર્યું એટલે તેમને ફેસબુક દ્વારા કેલિફોર્નિયાસ્થિત ફેસબુકના હેડક્વાર્ટરની મુલાકાતે આવવાનું આમંત્રણ અપાયું હતું!)

પામેએ પ્રથમ તબક્કામાં તૌસેમથી જિલ્લાના વડામથક તમેન્ગલોન્ગ સુધી પાકો રસ્તો બનાવ્યા બાદ નાગાલેન્ડ અને આસામના નજીકના હાઇવેને આ રસ્તા સાથે જોડવા માટે બીજો રસ્તો બનાવવાનું કામ હાથ ધર્યું હતું. એ પછી તેમણે આસામના મોહુર રેલવે સ્ટેશન સુધીનો રસ્તો બનાવ્યો હતો. આ રસ્તાઓ બનાવવા માટે તેમણે ઘણા વિસ્તારોમાં પર્વતાળ વિસ્તારોમાં ટેકરીઓ તોડવી પડી હતી. આ ભગીરથ કાર્ય તેમણે સરકારની સહાય વિના માત્ર એક વર્ષમાં જ પૂરું કર્યું હતું. પામેએ બનાવેલો સો કિલોમીટર લાંબો રોડ મણિપુરને નાગાલેન્ડ અને આસામ જેવા પાડોશી રાજ્યો સાથે જોડે છે. આ રોડ પીપલ્સ રોડ તરીકે ઓળખાય છે.

પામે બીજી પણ અનેક પ્રવૃત્તિઓ કરે છે તેઓ અનેક ચેરિટેબલ સંસ્થાઓ સાથે જોડાયા છે જેમાં અનેક અનાથ આશ્રમો તથા શાળાઓનો પણ સમાવેશ થાય છે. તેઓ જ્યાં પણ જાય ત્યાં સરકારી સુવિધાઓનો લોકોને વધુમાં વધુ ઉપયોગ મળે એ માટે સતત કોશિશ કરતા રહે છે.

તેમને ૨૦૧૫મા મોસ્ટ એમિનન્ટ આઈએએસ ઓફિસર તરીકેનો એવૉર્ડ મળ્યો હતો. પામે ૨૦૧૫મા અમિતાભ બચ્ચનના 'આજ કી રાત હૈ જિંદગી' ટીવી શોના નવમા એપિસોડમાં લોકોની સામે આવ્યા હતા. સ્ટાર પ્લસ પર પ્રસારિત થતા એ શોને કારણે દેશના કરોડો લોકો પામેને ઓળખતા થઈ ગયા હતા. પામે ૨૦૧૮મા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા યંગ ગ્લોબલ લીડર તરીકે જાહેર થયા હતા. પામેનું નામ ૨૦૧૨મા સીએનએન-આઈબીએન ચેનલ દ્વારા ઈન્ડિયન ઓફ ધ યર એવૉર્ડ માટે પબ્લિક સર્વિસ કેટેગરીમાં નોમિનેટ થયું હતું.

પામે દર શુક્રવારની રાતે તમેન્ગલોન્ગ જિલ્લાની જુદી-જુદી શાળાઓના પાંચમાથી દસમા ધોરણના વિદ્યાર્થીઓને પોતાના સત્તાવાર નિવાસસ્થાને ડિનર માટે બોલાવે છે. એના સંદર્ભમાં તેઓ કહે છે કે હું બાળક હતો ત્યારે કલેક્ટરના નિવાસસ્થાન પાસેથી પસાર થતો એ વખતે વિચારતો કે એની અંદર શું હશે. મને અંદર જવાની તીવ્ર ઈચ્છા થતી હતી, પરંતુ મારા માટે એ શક્ય નહોતું. હવે હું જ્યારે કલેકટર છું ત્યારે મને એવી ઈચ્છા થઈ કે હું વિદ્યાર્થીઓને બોલાવું, તેમની સાથે બેસીને ડિનર લઉં અને તેમને તેમનાં સપનાં પ્રમાણેનું જીવન જીવવા માટે કોઈક રીતે મદદરૂપ બનું.

આર્મસ્ટ્રોન્ગ પામે જેવા સરકારી અધિકારીઓ લોકોને સુખ આપે છે, તેમના દુ:ખ ઓછા કરે છે. લોકોને પોતાના ગુલામ સમજતા હોય એવા સરકારી અધિકારીઓની બોચી ઝાલીને તેમને આર્મસ્ટ્રોન્ગ પામે જેવા અધિકારીની આવી પ્રવૃત્તિઓ વિશે નિત્ય પ્રાત:કાળે પઠન કરવાની ફરજ પાડવી જોઈએ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtjFxhQ1zRuHA01q6bKiruOUM-xv5a2u1fLnnmQTwmKgg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment