| 
શિયાળાની શરૂઆત થાય એટલે તેની સાથે ગુજરાત-કાઠિયાવાડના ઘરોમાં પીરસાતું ભાણું ખરેખર માણવા જેવું હોય છે. થાળીમાં રોટલી -ભાખરી-પરોઠા, જુવાર-બાજરાના રોટલાની સાથે વિવિધ પ્રકારના કચૂંબર, આથેલાં મરચાં, સંભારા- રાયતું તો પીરસાતું હોય છે. આ સાથે ભાણામાં એક ખાસ આઈટમ પણ પીરસવામાં આવતી હોય છે. એ વાનગી એટલે લંીંબુ-મીઠું ચડાવેલી હળદર. હળદર પણ બે પ્રકારની હોય છે. પીળી હળદર અને આંબા હળદર. પીળી હળદરનો સ્વાદ થોડો તૂરો હોય છે, પણ તેની સુગંધ નારંગી જેવી આવે છે. આંબા હળદરનો સ્વાદ થોડો મીઠો હોય છે, આ હળદરમાંથી આવતી સુગંધ કેરી જેવી હોય છે. સ્વાસ્થ્યવર્ધક અનેક ગુણો હળદરમાં સમાયેલા છે. લીલી હળદરનો ઉપયોગ વધુ ગુણકારી ગણાય છે. કાચી હળદરમાં સૂકવેલી હળદરના પાઉડર કરતાં વધુ ગુણો સમાયેલા છે. લીલી હળદરમાંથી નીકળતો રંગ સૂકી હળદરના રંગ કરતાં વધુ પાક્કો હોય છે. લીલી હળદરનો દેખાવ આમ તો આદું જેવો જ હોય છે. વિવિધ જ્યુસ બનાવવામાં, ઉકાળેલા દૂધમાં, ચટણી બનાવીને, અથાણું બનાવવામાં અથવા સૂપમાં ભેળવીને પણ ઉપયોગ કરી શકાય છે.
હળદરના ઉત્પાદનમાં તથા નિકાસમાં ભારતનો ક્રમાંક પ્રથમ હરોળમાં આવે છે.
ભારતના વિવિધ રાજ્યો જેવા કે આંધ ્રપ્રદેશ, તમિળનાડુ, ઓરિસ્સા, કર્ણાટક, વેસ્ટ બંગાળ, ગુજરાત, મેઘાલય, મહારાષ્ટ્રમાં પાકે છે. આંધ્ર પ્રદેશ એકલું જ ૩૮ ટકા વિસ્તારમાં ૫૮.૫ ટકા ઉત્પાદન કરે છે.
ભારતીય સંસ્કૃતિ તથા યોગનો મહિમા પાશ્ર્ચાત્ય દેશોમાં જેટલો પ્રચલિત બન્યો છે તેવી જ ખ્યાતિ ભારતીય હળદરે વિદેશમાં મેળવી છે. ભારતમાં યુવાનો પાશ્ર્ચાત્ય ઢબના ફાસ્ટફૂડ-પીણાંના દીવાના બન્યા છે. તેથી પણ વધુ વિદેશીઓ ભારતની હળદરના દીવાના બન્યા છે. ભારતીય ભોજનમાં હળદરનો ઉપયોગ અનિવાર્ય ગણાય છે. તો વિદેશીઓ હળદરને જોઈને આશ્ર્ચર્યચક્તિ બની જાય છે. આજકાલ તો
પશ્ર્ચિમના દેશોમાં હળદરવાળું દૂધ પીવાનું ઘેલું લાગ્યું છે. વાસ્તવમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપના દેશોમાં ડબ્બામાં હળદરનો થીજાવેલો રસ તૈયાર મળે છે. આ રસમાં કાજુ-બદામનો અધકચરો પાઉડર પણ ભેળવેલો હોય છે. તો કૅફેમાં 'ફીણવાળી કૉફી જેવું ફીણવાળું ગરમાગરમ સ્વાદિષ્ટ હળદરવાળું દૂધ મળતું થયું છે.
એક સમય એવો હતો જ્યારે ઘરમાં રમતાં રમતાં બાળક પડી જાય અને તેને સોજો આવી જાય ત્યારે દાદી-નાની મસાલાના ડબ્બામાં રાખેલી હળદરનો લેપ લગાવવાનો નુસખો અપનાવવાની સલાહ આપતા. શરદી-ખાંસીમાં હળદરવાળું ગરમાગરમ દૂધ પીને ઝટપટ નાના-મોટાને રાહત મળતી. આજે પણ મહારાષ્ટ્રના પુણે પાસે આવેલા જેજૂરી ખંડોબાના મંદિરમાં પ્રત્યેક સોમવતી અમાસના ભક્તો ખંડોબાને હળદર ચઢાવીને અભિભૂત થાય છે. તેને 'સોન્યાચી જેજૂરી' તરીકે ઓળખવામાં આવે છે.
ચાલો જાણી લઈએ તાજી લીલી હળદરના સ્વાસ્થ્યવર્ધક ગુણો :
યાદશક્તિ વધારવામાં ઉપયોગી : હળદરમાં રહેલું કરક્યુમિન તત્ત્વ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. તો બીજું તત્ત્વ છે સુગંધિત અર-ટર્મેરોન. રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે આ તત્ત્વ મગજમાં આવેલાં સ્ટેમ સેલનું સમારકામ કરે છે. આથી ન્યુરો- ડિજનરેટીવ ડિસીઝ જેવા કે અલ્ઝાઈમર કે સ્ટ્રોકને કારણે યાદશક્તિ ઓછી થઈ ગઈ હોય તો લીલી હળદરના ઉપયોગથી તેમાં વધારો થઈ શકે છે.
ત્વચાને ચમકદાર બનાવે છે : ત્વચા ઉપર કાળા ડાઘ પડ્યા હોય કે વધુ પડતાં સૂર્યપ્રકાશમાં રહેવાને કારણે ત્વચા કાળી પડી ગઈ હોય તો સીઝનમાં મળતી તાજી આંબા હળદરની પેસ્ટ બનાવીને ચણાના લોટમાં મલાઈની સાથે એક નાની ચમચી પેસ્ટ ભેળવીને ચહેરા ઉપર લગાવવી. લીલી હળદરનો ઉપયોગ લગ્ન સમયે ખાસ વર-ક્ધયાને પીઠી ચોળવા માટે કરવામાં આવે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી : કાચી હળદરમાં ઈન્સ્યુલિનનું સ્તર સપ્રમાણ કરવાનો ગુણ રહેલો છે. ઈન્સ્યુલિન સિવાય ગ્લુકોઝને નિયંત્રિત કરે છે. આથી ડાયાબિટીસના દર્દીઓને સારવારની અસર વધી જાય છે. જો આપ ડાયાબિટીસની સારવાર માટે હાઈ ડોઝ લેતા હોવ તો હળદરનો ઉપયોગ કરતાં પહેલાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
કાચી હળદરમાં એન્ટિ બૅક્ટેરિયલ તથા એન્ટિ-સેપ્ટિક ગુણ સમાયેલા છે. તેમાં ઈન્ફેકશનથી બચવાના ગુણ પણ છે. વળી સોરાયસીસ જેવા ત્વચાના રોગમાં પણ ગુણકારી ગણાય છે.
કૅન્સર જેવી બીમારીમાં લાભદાયક : હળદરમાં કેન્સરથી બચી શકાય તેવા ગુણો છે. ખાસ કરક્યુમિન નામક તત્ત્વને કારણે પુરુષોમાં જોવા મળતા પ્રોસ્ટેટ કૅન્સરના સેલને વધતા રોકે છે. વાસ્તવમાં હળદરના ઉપયોગ દ્વારા કેન્સરના સેલ શરીરમાંથી દૂર થવા લાગે છે. હાનિકારક રેડિયેશનની અસરને કારણે થતી કેન્સરની ગાંઠથી પણ બચી શકાય છે.
સોજામાં લાભદાયક : સાંધાના દર્દમાં-હાથ-પગમાં સોજો આવતો હોય તો હળદરનો આહારમાં ઉપયોગ પૂરતા પ્રમાણમાં કરવો. શરીરમાં પ્રાકૃતિક સેલ્સને ઓછા કરવાવાળા ફ્રી-રેડિકલ્સને દૂર કરે છે. સાંધાના દર્દમાં હળદર ગુણકારી ગણાય છે.
૨૦૧૭માં અમેરિકામાં કરવામાં આવેલા એક સંશોધન પ્રમાણે ૨૦૬ રુમેટોઈડ આર્થરાઈટિસના દર્દીમાંથી ૬૩ ટકા દર્દીઓએ નૉન વિટામિન સપ્લીમેન્ટ તરીકે હળદરનો ઉપયોગ કરીને દર્દમાંથી રાહત મેળવી હતી.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે : સંશોધન દ્વારા સાબિત થયું છે કે હળદરમાં લિપોપૉલીસેવ્વાસાઈડ નામનું તત્ત્વ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હળદર શરીરને બૅક્ટેરિયાની સમસ્યાથી બચાવે છે. તાવ આવવો કે ફંગલ ઈન્ફેક્શનમાં પણ ફાયદાકારક ગણાય છે.
હળદરનું પ્રમાણ કેટલું લેવું : શુદ્ધ હળદરનો પાઉડર ૪૦૦થી ૬૦૦ મિલિગ્રામ દિવસમાં ત્રણ વખત લઈ શકાય છે. ૧થી ૩ ગ્રામ લીલી હળદરની છીણ કે નાના ટુકડાંને લીંબુ-મીઠુમાં રગદોળીને લેવી જરૂરી છે. ટૂંકમાં કહીએ તો પા ચમચીથી ૧ નાની ચમચી હળદરનો ઉપયોગ આહારમાં કરવો જોઈએ.
આપને જાણીને નવાઈ લાગશે પણ આજે ભારતમાં હળદરના દૂધનું મહત્ત્વ આહાર-તજજ્ઞોને સમજાવા લાગ્યું છે. આથી જ મુંબઈની એક જાણીતી કંપનીએ હળદરની પેસ્ટમાં નાળિયેરનું દૂધ, મરીનો પાઉડર, પાઈનેપલના ટુકડાં પણ તેમાં ભેળવીને સ્વાદિષ્ટ બનાવ્યું છે. ખાસ શાકાહારી ડાયેટના ચાહકો કે જેઓ ગાય-ભેંસના દૂધની બનાવટનો આહારમાં ઉપયોગ કરતાં નથી. તેમને માટે જ ખાસ નાળિયેરના દૂધનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કૃષિ સ્ટાર્ટઅપ કંપની દ્વારા હળદરનો ઉપયોગ કરીને પાંચ જુદા જુદા સ્વાદમાં ખાસ બનાવેલું દૂધ બજારમાં મૂકવામાં આવ્યું છે. બાળકોથી લઈને વયસ્ક વ્યક્તિને પણ તેનો સ્વાદ પસંદ પડે તેવું બનાવવામાં આવ્યું છે.
તન-મનને સોનેરી બનાવવાની ઈચ્છા હોય તો બંને પ્રકારની લીલી હળદરનો ઉપયોગ આહારમાં અચૂક કરજો. હવે તો વિદેશીઓ પણ ભારતીય હળદરના દીવાના બનવા લાગ્યા છે. |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OufnJRAjvmPhPD_%2BQ3ySWFhcz_Q41ng-Wmg%3DveiMnrAyA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment