સવારના દસ વાગ્યાનો સમય. 25 વર્ષની ઉંમરનો હું. પચાસ સ્ત્રી દર્દીઓ અને એમનાં સો સગાંવહાલાંઓના કોલાહલ વચ્ચે મારી ઓપીડી ચલાવી રહ્યો હતો. નવા નવા દર્દીઓ ઉમેરાયા જતા હતા. રૂમની બહાર જામેલી ભીડ જોઈને મને અહેસાસ આવી ગયો કે આજે બે વાગ્યા પહેલાં લંચ લેવાનું નસીબમાં લખાયું નથી. આજથી સાડા ત્રણ દાયકા પહેલાંનો સમય. ત્યારે વિકાસ નામનો શબ્દ હજી ગુજરાતે જોયો ન હતો. ગામડાંઓ ખરેખર ગામડાંઓ હતાં અને ટાઉન્સ પણ મોટા ગામડાથી વિશેષ ન હતાં. હું જે ટાઉનમાં જોબ કરતો હતો ત્યાં દર્દીઓની સંખ્યા મોટી હતી અને એમનું સામાજિક, આર્થિક સ્તર વૈવિધ્યપૂર્ણ હતું. ધનાઢ્ય વણિક-વેપારીઓની વહુ અને દીકરીઓ માટે પણ હું એકમાત્ર ડૉક્ટર હતો અને ગરીબ કાછિયા, કોળી અને મુસ્લિમ બહેનો માટે પણ હું જ રાહતનું કેન્દ્ર હતો, પણ આ બધા તો કુલ દર્દીઓના માત્ર ત્રીસ ટકા જ થતા હતા. બાકીના 70 ટકા જેટલી બહેનો આસપાસનાં બસો જેટલાં ગામડાંઓમાંથી આવતી હતી. એમાંનો મોટો ભાગ ઠાકરડાઓનો હતો. આ રમલીએ તો મને ફસાવી દીધો હતો. સાત મહિનાનો ગર્ભ પાડી શકાય તેમ રહ્યો ન હતો અને ચાલુ રખાય તેવી સ્થિતિ પણ રહી ન હતી
જે દિવસની આ ઘટના છે એ દિવસે પણ આવી જ પરિસ્થિતિ હતી. ત્રીસ ટકા અને સિત્તેર ટકાના અનુપાત સાથે હું એક પછી એક પેશન્ટને તપાસતો જતો હતો, પણ મને એક નવી વાત ધ્યાનમાં આવી. આયાબહેન એક પેશન્ટનું નામ મોટેથી બોલતા હતા. 'રમા, હેંડ તારો વારો આયો.' અને જવાબમાં એક દબાયેલો સાદ સંભળાયો હતો, 'હમણાં નહીં, માસી! હું પછી આવું છું.'
થોડી વાર પછી ફરીથી એનું નામ બોલાયું. ફરીથી એ જ દબાયેલો ઇન્કાર. આવું ચાર-પાંચ વાર થયું. મને થોડી ચીડ ચડી અને ઝાઝું આશ્ચર્ય થયું. રમા આવું શા માટે કરતી હશે? બીજી બધી બહેનોને તો પોતાનો વારો જલદી આવે એવી ઉતાવળ હોય છે. તો પછી રમા શા માટે સમય પસાર કરતી હતી? મારા મનમાં બે શક્યતાઓ ઊગી. એક, એને કોઈ ખાનગી રજૂઆત કરવી હશે, એટલે જ એ મેદાન ખાલી થઈ જાય એની રાહ જોતી હશે અને બીજી શક્યતા એ કોઈના આવવાની વાટ જોતી હશે.
મારી બંને ધારણાઓ સાચી પડી. લગભગ પોણા બે વાગ્યે પટ ખાલી થઈ ગયો. લોબીમાં રમા સિવાય એક પણ દર્દી બચી ન હતી અને ત્યારે એક ફિયાટ ગાડી આવી અને હોસ્પિટલના પ્રાંગણમાં આવીને ઊભી રહી ગઈ. અંદરથી વેપારી જેવા દેખાતા એક જાજરમાન આધેડ વયના સદગૃહસ્થ નીચે ઊતર્યા. સીધા રમા પાસે આવ્યા. બોલ્યા, 'અલી રમલી, ક્યારની બહાર જ ઊભી છે. તપાસ તો કરાવી લેવી હતી.' રમાનો દબાયેલો અવાજ સંભળાયો, 'તમારા આવવાની રાહ જોતી હતી શેઠ. મને ડાૅક્ટરની શરમ આવતી હતી.'
'લે, હેંડ હવે. આગળ થા. ડૉક્ટર તો બાપ કહેવાય. વૈદ્ય, વકીલ ને વેશ્યા આ ત્રણથી શરમાવવાનું ન હોય. જાંઘ ઉઘાડી કરવી જ પડે.' મેં જોયું કે શેઠનો અવાજ સત્તાવાહી હતો. એમની ચાલ રુઆબદાર હતી અને આંખોમાં શ્રીમંતાઈ છલકાતી હતી. બગલાની પાંખ જેવા સફેદ ઝભ્ભા, ધોતી અને બંડીમાં એ વિલાતી જતી શ્રેષ્ઠીઓની પ્રજાતિના અંતિમ પ્રતિનિધિ જેવા લાગતા હતા. એમના માથા પર સફેદ અણીદાર ટોપી શોભતી હતી અને કપાળમાં તિલક. જમણા હાથમાં ચાંદીની મૂઠવાળી લાકડી હતી, એ આધાર માટે હતી કે શોભા માટે એ નક્કી કરવું મુશ્કેલ હતું. શેઠ વગર કહ્યે સામે પડેલી ખુરશીમાં બેસી ગયા. રમા ઊભી હતી. નમેલી આંખો, નીચું મસ્તક, ઉપસેલું પેટ અને બીમાર ચહેરો. મેં શેઠ સામે જોયું. શેઠે બોલવાનું શરૂ કર્યું, 'હું કપૂરચંદ. નાના વાવડિયા ગામમાં મારી દુકાન છે. રહેવાનું અહીંયાં જ છે. રોજ સવારે ગાડી લઈને નીકળી જાઉં છું. રાત્રે નવ વાગ્યે દુકાન વસ્તી કરીને પાછો આવું છું.', 'નાના વાવડિયા તો સાવ નાનું ગામડું છે. ત્યાં શું જોઈને તમે દુકાન ખોલી?' મેં પૂછ્યું. શેઠ ગરવાઈભર્યું હસ્યા, 'આપણી મોટી દુકાન અહીં આ શહેરમાં છે જ ને! નાના વાવડિયામાં તો સેવા કરવા માટે દુકાન શરૂ કરી છે. ગામ નાનું હોય કે મોટું ચીજવસ્તુઓની જરૂર તો પડે જ ને! આ બાપડા ગરીબલોક ખરીદી કરવા ક્યાં જાય? બસ ભાડાનાય પૈસા તો હોવા જોઈએ ને!'
મને શેઠના સંસ્કાર પ્રત્યે માન થયું. જો બધા જ વેપારીઓ આવું વિચારતા થઈ જાય તો ગામડાંઓની સિકલ બદલાઈ જાય. કમાવા માટે શહેર ક્યાં નથી? નહીં નફો, નહીં નુકસાનના ધોરણે ગામડાંની ગરીબ પ્રજાને માલ આપવો એ પણ મોટી દેશસેવા જ કહેવાય.'
પ્રારંભિક વાતચીત પત્યા પછી મેં રમા સામે જોયંુ, 'બોલ બહેન, શા માટે આવવું પડ્યું?'
'એ નહીં બોલે. શું જોઈને બોલે? કૂંડાળામાં પગ લપસી ગયો છે.'
'લગ્ન થઈ ગયાં છે?' મેં પૂછ્યું.
'હા, પણ એનો વર લગ્નના ત્રીજા મહિને બીજી કોઈને લઈને ભાગી ગયો. રમલી ત્યારથી પિયરમાં જ બેઠી છે.'
હું વિચારી રહ્યો. રમા દેખાય છે તો સુંદર. સાગના સોટા જેવી નછોરવી કાયા અને કામણગારા વળાંકો. આવી સ્ત્રીને છોડીને એનો ધણી જેની જોડે ભાગી ગયો એ સ્ત્રી કેટલી સુંદર હશે! મેં એક ઝટકા સાથે વિચારો ખંખેરી નાખ્યા. પૂછ્યું, 'રમાએ બીજું લગ્ન ન કર્યું?'
કપૂરચંદે માથું હલાવ્યું, 'કરી લીધું હોત તો સારું હતું. માગાં ય આવતાં હતાં, પણ આ કુંવરીબાઈએ ના પાડી. કહી દીધું કે હું જાત સાચવીને આખી જિંદગી કાઢી નાખીશ, પણ ક્યાંક પગ લપસી ગયો. મન પર કાબૂ રાખવો એ કંઈ ખાવાના ખેલ નથી.' હવે બધું સ્પષ્ટ થઈ ગયું. છેલ્લો એક પ્રશ્ન બાકી હતો, 'કેટલા મહિના પૂરા થયા?'
'સાત.' કપૂરચંદે જવાબ આપ્યો.
'હેં! સાત? ત્યારે તો ગર્ભપાત પણ નહીં થઈ શકે. સરકારી કાયદો પાંચ મહિના પછી ગર્ભપાતની છૂટ નથી આપતો.' કપૂરચંદના ચહેરા પર દયાનો ભાવ ઊપસી આવ્યો, 'સાહેબ, કંઈક કરો. રમલીને ઝેર ખાવાનો વારો આવશે. આ તો મને ખબર પડી એટલે હું તમારી પાસે લઈ આવ્યો. એ તો કોઈ ઊંટવૈદ્ય પાસે ગઈ હતી. પેલાએ કોઈ વનસ્પતિનાં મૂળિયાં ગર્ભાશયમાં ખોસી દીધાં. ગર્ભ તો બહાર નીકળ્યો નહીં, પણ રમલીને તાવ ચડી ગયો. થોડું થોડું લોહી અને વાસ મારતું પ્રવાહી નીકળવા મંડ્યું. મને કોઈકે વાત કરી. એટલે હું રમલીને ગાડીમાં નાખીને અહીં લઈ આવ્યો. કીધું કે તું દવાખાને જઈને કેસ કઢાવ ત્યાં સુધીમાં હું ઘરે જઈને આવું છું.'
મને ફાળ પડી. આ રમલીએ તો મને ફસાવી દીધો હતો. સાત મહિનાનો ગર્ભ પાડી શકાય તેમ રહ્યો ન હતો અને ચાલુ રખાય તેવી સ્થિતિ પણ રહી ન હતી. મેં ટેબલ પર લઈને એની શારીરિક તપાસ કરી. શરીર-તાવથી ધીખતું હતું. લોહીમાં ફિક્કાશ હતી. પલ્સ તેજ ગતિથી ભાગી રહી હતી અને પેટમાં રહેલા ગર્ભના ધબકારા ગાયબ હતા. એનો અર્થ એ થયો ગર્ભાશયમાં રહેલું બાળક મૃત્યુ પામ્યું હતું. હવે ગર્ભાશયમાં રહેલું બાળક જો વધારે સમય અંદર રહે તો રમલીનું મૃત્યુ નિશ્ચિત હતું.
મેં રમલીને દાખલ કરી દીધી. ગ્લુકોઝના બાટલા ચડાવ્યા. ભારે એન્ટિબાયોટિક ઇન્જેક્શનો આપ્યાં. એનો તાવ ચોવીસ કલાકમાં કાબૂમાં આવી ગયો. એ પછી બીજા છ કલાકમાં મૃત બાળક બહાર ફેંકાઈ ગયું. લગભગ દોઢ દિવસથી હું રમાને બચાવવા માટે ખડેપગે ફિલ્ડિંગ ભરતો રહ્યો. વચ્ચે એકાદ વખત કપૂરચંદ આવી અને પૂછપરછ કરી ગયા. મેં કુતૂહલવશ એમને પૂછી લીધું, 'આ બાળકનો બાપ કોણ?' રમલી મોઢું ખોલતી નથી, પણ મને ખાતરી છે કે આ પાપ મંગાજીનું જ હોવું જોઈએ. મંગાજી એટલે નાના વાવડિયાનો નામીચો ગુંડો. એના ખેતરમાં કામ કરવા આવતી તમામ સ્ત્રીઓને એણે ભ્રષ્ટ કરી છે. આ રમલીને પણ એણે જ...' કપૂરચંદ મોં બગાડીને ચાલ્યા ગયા હતા.
રમાની તકલીફોનો સિલસિલો હજી પૂરો થયો ન હતો. મરી ગયેલો જીવ તો બહાર આવી ગયો હતો, પણ ઓળ ગર્ભાશયની અંદર જ રહી ગઈ હતી. જરૂરી ઇન્જેક્શનો આપવા છતાં એ બહાર આવતી ન હતી. લગભગ પોણો કલાક સુધી પ્રયત્નો કરવા છતાં સફળતા ન મળી ત્યારે મારે નિર્ણય લેવો પડ્યો, 'સિસ્ટર, પેશન્ટને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરો. બેભાન કરવાના ડૉક્ટરને બોલાવી લો. પેશન્ટને એનેસ્થેશિયા આપીને, ગર્ભાશયમાં હાથ નાખીને ઓળ બહાર કાઢવી પડશે.'
સિસ્ટર કામે લાગી ગયાં. એનેસ્થેટિસ્ટ આવી પહોંચ્યા. મેં રમાને ઇન્જેક્શન આપ્યું. મેં ફરજ પૂરી કરી. ઓળ બહાર આવી ગઈ. હવે ધીમે ધીમે રમા ભાનમાં આવી રહી હતી. આ એ તબક્કો હોય છે જ્યારે કોઈ પણ સ્ત્રી કે પુરુષ સત્યને ઓકી નાખે છે. નાર્કો ટેસ્ટની જેમ જ. મને અચાનક એક વિચાર સૂઝ્યો. મેં રમાના કાન પાસે જઈ મોટા અવાજે પૂછ્યું, 'રમા, આ કોનું કામ હતું? મંગાજીનું?'
અર્ધબેભાન અવસ્થામાં ઝૂલતી રમાના હોઠ ફફડ્યા, ગળામાંથી સાવ ધીમો અવાજ ફૂટ્યો. હું એકકાન થઈને એના શબ્દો ઝીલવા માટે નીચે વળ્યો. મારા કાનમાં નામ પડ્યું, 'ક...ક...પૂર...ચંદ. બસ્સો રૂપિયામાં ઈ રાક્ષસે... મને...'
(શીર્ષકપંક્તિ: કૌસ્તુભ આઠવલે'પલાશ') |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvbxBAYgy%2BiyS_G60RuOsY%3D72PyPCbwviL8UEjz1R05Gg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment