Friday 1 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કુંભમેળામાં મહિલા ‘નાગા’ સાધુ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કુંભમેળામાં મહિલા 'નાગા' સાધુ!
પ્રાસંગિક-મુકેશ પંડ્યા

amdavadis4ever@yahoogroups.comશાહી સ્નાન કરતાં નાગા સાધુઓમાં મહિલા સાધુ પણ હોય છે. અલબત્ત તેમના માટેપૂરા શરીરને ઢાંકતું એક વસ્ત્ર પહેરવું ફરજિયાત છે

 

મહિલા સશક્તિકરણ અને સ્ત્રી સમાનતાનું ચલણ માત્ર શિક્ષણ, રાજકીય, સામાજિક કે નોકરી/વ્યવસાય ક્ષેત્રે જ નહીં, આધ્યાત્મિક ક્ષેત્રે પણ વધતું જ જાય છે. તેનો બોલતો પુરાવો તમને

હાલમાં ચાલી રહેલા કુંભમેળામાં સ્નાનાર્થે આવતી મહિલા સાધુઓથી મળી જશે.

આમ પણ આધ્યાત્મિક એટલે કે આત્માની વાત આવે ત્યારે ત્યાં સ્ત્રી-પુરુષના કોઈ ભેદ હોતા જ નથી. ભારતીય સંસ્કૃતિમાં તો દૃઢપણે માનવામાં છે કે પુરુષ હોય કે સ્ત્રી, કદાવર પ્રાણી હોય કે ક્ષુદ્ર જંતુ દરેકમાં એક સરખો આત્માનો અંશ હોય છે. શુદ્ધ આધ્યાત્મિક દૃષ્ટિ ધરાવનારાઓ, શરીરને માત્ર સાધન માનનારા અને બ્રહ્મચર્ય પાળનારા સાધુ સંતોમાં - સાધુ સાધ્વીના ભેદ હોતા નથી. દરેક જણ દરેક જણ મોક્ષના માર્ગે આગળ વધવા માગતા મુમુક્ષુ માત્ર હોય છે.

અન્ય ક્ષેત્રોમાં સ્ત્રી-પુરુષને એક સરખા ગણવાની સતત હિમાયત કરવામાં આવતી હોય છે જ્યારે આધ્યાત્મિક ક્ષેત્રમાં તો સ્ત્રી-પુરુષ જેવો ભેદ જ નથી. દરેક જણ પરમાત્માનો અંશ છે તેમ માનવામાં આવે છે. જેમ પુરુષને સંસાર ત્યાગી વૈરાગી બનવાનો હક છે તેમ સ્ત્રીને પણ દુનિયાનો મોહ છોડીને સંન્યાસીની બનવાની ઈચ્છા હોય છે. એટલે દરેક ક્ષેત્રોની જેમ નાગા સાધુઓમાં મહિલા નાગા સાધુઓ પણ સામેલ હોય છે.

જોકે, સાધુ બનવા માટે તેમણે પણ પુરુષો જેટલી જ કઠીન પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. (એને જ ખરા અર્થમાં સ્ત્રી સમાનતા કહેવાય ને?) જે કાયદા-કાનૂન પુરુષ સાધુઓને લાગુ પડે છે એ જ કાયદા સ્ત્રી સાધુઓને પણ લાગુ પડે છે. કુંભમેળા દરમ્યાન સાધુ સંતોએ પવિત્ર નદી સ્નાન કરવાનું ફરજિયાત છે એમ મહિલા સાધુઓ માટે પણ નદી સ્નાન ફરજિયાત છે. મહિલા સાધુ બનવા એ કંઈ ખાવાના ખેલ નથી અત્યંત મુશ્કેલ કસોટીમાંથી પસાર થવું પડે છે. મહિલા સાધુ થવા માટે તમે અખાડાના જે ગુરુનું શરણ લીધું હોય તેની સમક્ષ તમારી સંસાર છોડવાની દૃઢ ઈચ્છાના પુરાવા આપવા પડતા હોય છે.

સાધ્વી બનતા પહેલા 6 થી 12 વર્ષ સુધી કડક બ્રહ્મચર્ય પાળવું પડે છે. શરીર કે શરીરની કોઈ પણ ક્રિયાઓની ઈચ્છા કે વાસનાનો અંશ પણ નથી એ સાબિત કરવું પડે છે. જો આ કાર્યમાં સફળ થાય તો તેમના ગુરુ તેમને દીક્ષા આપવાનું મંજૂર કરે છે.

આ ઉપરાંત મહિલા સાધુ જે અખાડા કે આશ્રમમાં દાખલ થઈ હોય ત્યાંના સાધુ સંતો દ્વારા મહિલાના ભૂતકાળના જીવન, કુટુંબ, સગાવહાલા અને મિત્રોની સઘન તપાસ કરવામાં આવે છે.

સામાન્ય રીતે સંતાનો દ્વારા માતાપિતાના મોક્ષ માટે પિંડદાન દેવાતું હોય છે, પરંતુ સંન્યાસીઓએ પોતાના આત્માના મોક્ષ માટે પોતે જ પોતાનું પિંડદાન કરવાનું હોય છે. આમાં મહિલાઓ પણ બાકાત નથી. વાળ સ્ત્રીઓની શોભા વધારનારા અને તેમને અતિપ્રિય હોય છે, પરંતુ આ પ્રિયમાં પ્રિય વસ્તુનો મોહ ત્યજીને તેમણે પણ પુરુષોની જેમ મૂંડન કરાવવું પડે છે. પોતાનું પિંડદાન પોતે જ કરવું પડે છે ત્યારબાદ પવિત્ર નદીમાં સ્નાન પણ કરવું પડે છે.

નાગા સાધુ બન્યા પછી જેટલું માન પુરુષ સાધુઓને અપાય છે એટલું જ માન મહિલા સાધુઓને પણ મળે છે. દરેક શાહીસ્નાનમાં પુરુષોની જેમ જ મહિલાઓને પણ ભાગ લેવાનો પૂરો અધિકાર મળે છે. જોકે બેઉ વચ્ચે ફરક માત્ર એટલો જ છે કે નાગા સાધુઓ પૂરી દિગંબર અવસ્થામાં ફરે છે તેવી છૂટ મહિલા સાધુઓને આપવામાં આવી નથી. તેઓ અખાડા/આશ્રમમાં હોય કે પછી સ્નાનાર્થે નદી તટે આવેલી હોય. એક વસ્ત્રથી પૂરું શરીર ઢાંકી દઈને ફરવાનું હોય છે. શાહીસ્નાન કરતી વખતે પણ આ વસ્ત્ર પહેરી રાખવું ફરજિયાત છે.

ભગવદ્ પ્રાપ્તિ માટે ચાલી નીકળેલી આ મહિલા સાધુઓએ સતત એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે તેઓ ભગવાનમાં જ મગ્ન બની રહે, સંસારની કોઈ પણ ક્રિયાઓ અને ભૌતિક સુખોની લાલસા ન રહે. તેમનો દિવસ ભગવાનના જપથી શરૂ થાય છે અને ભગવાનના જપથી જ આથમતો હોય છે.

મહિલાઓ સાધ્વી બન્યા પછી પુરુષ સાધુની જેમ જ કપાળે તિલક પણ લગાવે છે. શરીર પર ભભૂત પણ ચોળે છે. સાધુઓ જ્યાં પણ જાય ત્યાં ધૂણી ધખાવવી ફરજિયાત હોય છે. આ ધૂણીમાંથી બનતી ભસ્મ તેઓ કપાળે અને આખા શરીરે ચોળતા હોય છે.

આ ભસ્મ તેમને સતત એ વાતની યાદ અપાવે છે કે શરીર એક દિવસ માટીમાં ભળી જવાનું છે. ચિતામાં ભસ્મ થઈ જવાનું છે. શરીર નશ્ર્વર છે. આત્મા જ અમર છે. આત્મા જ પરમાત્મામાં ભળીને ઈશ્ર્વરીય તત્ત્વ પ્રદાન કરશે.

જન્મમરણના ફેરામાંથી છૂટવા માટે સંન્યાસ અને સતત પ્રભુ સ્મરણ જ તેમના માટે મહત્ત્વના હોય છે. આ કઠિન પથ કાપવા માટે જેટલી મુશ્કેલીઓ પુરુષ સાધુઓ વેઠતા હોય છે એટલી જ વિટંબણાઓ મહિલાઓએ પણ ભોગવવી પડે છે.

દરેક પ્રકારની મુશ્કેલીઓ અને પરીક્ષામાંથી પસાર થયેલી મહિલાઓ સાધુ બને છે પછી એ નાની ઉંમરની હોય કે મોટી દરેક પુરુષ સાધુઓ તેમને માતાના સ્વરૂપમાં જ નિહાળે છે અને માતા કે માતેય કહીને જ સંબોધે છે. સાધુ-સાધ્વી બન્યા પછી બેઉ જણ માત્ર એકબીજામાં 'આત્મા'ના જ દર્શન કરે છે.

કુંભમેળાની વાત કરીએ તો જે રીતે પુરુષ સાધુઓ વિવિધ પ્રાણી કે રથ પર અસવાર થઈને નીકળતા હોય છે તે રીતે મહિલા સાધુઓ પણ શાહી સવારી કરતી હોય છે. પુરુષ સાધુઓની જેમ મહિલા સાધ્વીઓ પણ શાહીસ્નાનના સમય દરમ્યાન જ સ્નાન કરતી હોય છે. હા, તે ચાહે તો મહિલા માટે અલાયદા રાખેલા ઘાટ પર પણ સ્નાન કરી શકે છે. જોકે, ત્યાં પણ તેમણે એક વસ્ત્ર જે પીળું કે કેસરી રંગનું વસ્ત્ર હોય તે પહેરી જ રાખવું

પડે છે.

આપણે સ્ત્રી સમાનતાની વાતો કરીએ છીએ પણ વાત જ્યારે સંયમ માર્ગની કે બ્રહ્મચર્ય પાળવાની આવે એમાં મહિલાઓ પુરુષ કરતાં પણ ઘણી આગળ છે. સાંસારિક અવસ્થામાં પણ ઘણાં સર્વેક્ષણો દ્વારા માલૂમ પડ્યું છે કે પુરુષ કરતાં સ્ત્રીમાં ત્યાગની અને સમર્પણની ભાવના અનેકગણી વધુ હોય છે.

(કદાચ એટલે જ લગ્ન બાદ મહિલા પોતાનાં માતાપિતા - ઘરબાર - પિયર પક્ષ છોડીને સરળતાથી શ્ર્વસુરગૃહે પોતાની જાતને ઢાળી શકે છે.) પુરુષ જેટલી ચંચળ અને ભ્રમર વૃત્તિ સ્ત્રીઓમાં જોવા નથી મળતી. પુરુષને વિધુર થયા પછી કે છૂટાછેડા પછી જેટલા પ્રમાણમાં ફરી પરણવાના વિચારો આવે છે તેટલા પ્રમાણમાં સ્ત્રીઓને આવા વિચાર કદાપિ આવતા નથી. સ્ત્રીઓ જેટલા પ્રમાણમાં એકલી રહી શકે છે એટલા પ્રમાણમાં પુરુષો કદાપિ એકલા રહી શકતા નથી.

આવી ત્યાગમૂર્તિ સમાન મહિલા સાધ્વીઓના દર્શન કરીને પ્રભુ દર્શન કર્યાનો લહાવો લેવો હોય તો એ માટેનો શ્રેષ્ઠ સમય અને શ્રેષ્ઠ સ્થળ કુંભમેળો છે એમાં કોઈ શક નથી. --------------------------------------------------

નાગા: શબ્દ એેક અર્થ અનેક



નાગા શબ્દ સાંભળતાં જ આપણા મનમાં નિ:વસ્ત્ર એવો અર્થ ઘુમરાય, પણ નાગા શબ્દ જાતિવાચક પણ છે. ઉત્તરપૂર્વ ભારતમાં નાગાલેન્ડ નામનું એક રાજ્ય પણ છે,જ્યાંની સંસ્કૃતિ નાગા સંસ્કૃતિના નામે ઓળખાય છો. આસામમાં આ નામનો એક પહાડ પણ છે. તેની આસપાસ નાગ લોકોની વસતી છે.

નાગા હવે શૈવપંથના સંપ્રદાય તરીકે પણ ઓળખાય છે (નાગા સંપ્રદાય). ઘણા નાગા બાવાઓ જાહેરમાં આવે ત્યારે લંગોટી પહેરવાનું રાખે છે,જેને નાગફણી કહે છે. તેઓ માથે જટાને દોરડાની માફક

વીંટીને પાઘડીની જેમ લપેટે છે અને શરીરે ભસ્મ

લગાવે છે.

નાગા એ ગુજરાતી અને હિન્દીની જેમ એક ભાષા પણ છે. અમુક કોમમાં નાગા અટક પણ હોય છે.

નાગાનો એક અર્થ ઉઘાડું- નગ્ન એવો પણ થાય છે. નાગાનો એક અર્થ અલંકાર કે શોભા વગરનો પણ થાય છે. નાગો એટલે કડવું સત્ય કહેનાર (નગ્ન સત્ય કહેનાર), કોઇની પણ શેહશરમ ન રાખનાર, મોઢા પર બોલી નાખનાર એવો પણ થાય છે.

નાગો એટલે શરીર પર એક પણ વસ્ત્ર ન હોય તેવો અથવા તો દિશાઓ જ જેના વસ્ત્રો છે એવો-દિગંબર પણ થાય છે. સાચા અર્થમાં ત્યાગી વ્યક્તિને શરીર પર વીંટાળવા પૂરતા વસ્ત્રનો પણ મોહ ન હોવો જોઇએ તે ભાવ પણ આ શબ્દ દ્વારા પ્રતીત થાય છે.

મહિલા નાગા સાધુઓ તરીકે ઓળખાતી સાધ્વીઓ શિવ સંપ્રદાયની નાગા શ્રેણીમાં જરૂર આવે, પરંતુ તેમણે કાયમ શરીર ઢંકાઇ રહે તેવું વસ્ત્ર પહેરવું ફરજિયાત છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osfj%2BouyxVYYLZZebfy927zyLKWdZr4txMfLmHYXtcJgQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment