'એદિવસો દૂર નથી જ્યારે આપણે પ્રાણીઓ સિવાય કોઇના અવાજ ઓળખી નહીં શકીએ' આ ઉદ્ગાર છે હિમાચલ રાજ્ય એકેડમી સહિત લગભગ એક ડઝન પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત અને 'દારોશ', 'જિનકાઠી', 'રોબો' તેમ જ 'ફ્લાઇ કિલર' જેવી બહુચર્ચિત હિન્દી વાર્તાઓના લેખક, સાહિત્યકાર અને પત્રકાર એસ. આર. હરનોટના. કદાચ આ શબ્દોમાં થોડી અતિશયોક્તિ હશે, પણ જે રીતે આજની યુવાપેઢી પર ઇન્ટરનેટ અને ડિજિટલ માધ્યમનો પ્રભાવ પડ્યો છે એ જોતાં આ લોકો એકબીજા સાથે સંવાદ સાધવાના બદલે મોબાઇલ પર કે કમ્પ્યુટર પર સંદેશાઓ ટાઇપ કરીને જ પોતાનું કામકાજ પાર પાડવા લાગ્યા છે તે જોતાં તો એમ જ લાગે છે કે ટૂંક સમયમાં જાણે તેઓ પોતાના મિત્રો અને સગા-સંબંધીઓના અવાજને ભૂલી જ જશે. પછી, અવાજના નામે માત્ર પ્રાણીઓના અવાજને જ ઓળખી શકશે.
જાન્યુઆરીની ૫થી ૧૩ તારીખ સુધી દેશની રાજધાની દિલ્હીમાં વિશ્ર્વ પુસ્તક મેળાનું આયોજન થયું હતું, ત્યાં હિન્દી સાહિત્ય જગતના લોકપ્રિય વાર્તાકાર હરનોટ સાહેબે સાહિત્ય, સમાજ અને આધુનિક ટેક્નિક વચ્ચે બનતા-બગડતા સંબંધો પર ઘણી સરસ વાતચીત કરી તેના કેટલાક મહત્ત્વપૂર્ણ અંશ અહીં પ્રસ્તુત છે.
રોજબરોજની જિંદગીમાં જે રીતે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો છે એ જોતાં પુસ્તકો પ્રતિ લોકોને હજુ કેટલો સમય આકર્ષણ રહેશે? હાલના સંજોગો જોતાં પુસ્તકોની દુનિયા સુરક્ષિત રહેશે કે નહીં તેના વિશે હરનોટ સાહેબ ઘણો આશાવાદ દર્શાવે છે. તેઓ કહે છે કે હું ત્રણ-ચાર દિવસ આ મેળામાંં ફર્યો અને જે જોયુંં તેના આધારે એક વાત નક્કી છે કે પુસ્તકો બચશે અને તેનું ભવિષ્ય ઉજળું છે.
હરનોટજી આવું કહે છે તેનું પણ એક કારણ છે, તેઓએ આ મેળામાં ભાગ લીધો હોય તેવા નાના મોટા દરેક પ્રકાશકો સાથેની વાતચીત દ્વારા જાણ્યું કે નાનામાં નાના પ્રકાશકો પણ વર્ષના ઓછામાં ઓછા ૧૦ પુસ્તકો પ્રકાશિત કરવાનું ધ્યેય તો રાખે જ છે. તેઓ કહે છે કે અંતિકા પ્રકાશન કરીને એક સંસ્થા એટલે દિલ્હીની એક નાની પ્રકાશન સંસ્થા કહેવાય, પરંતુ એ પણ આ વર્ષે ૨૨ નવાં પુસ્તકો પ્રકાશિત કરવાની છે. જ્યાં સુધી મોટા પ્રકાશકોની વાત છે એ તો દરેક વર્ષે ૧૦૦થી પણ વધુ પુસ્તકો છાપે છે. આ બધું જોતાં અમને તો નથી લાગતું કે ઇન્ટરનેટ કે નવી ટૅક્નોલૉજીની કોઇ નકારાત્મક અસર પુસ્તકો પર પડી હોય.
એવું સામાન્યપણે માનવામાં આવે છે અને વ્યવહારમાં પણ દેખાઇ રહ્યું છે કે પુસ્તકો વાંચવાના જે સંસ્કાર છે તે નવી પેઢીમાંથી લુપ્ત થતાં જાય છે. નવી પેઢી લખવા વાંચવાનું કામ તો કરે છે, પણ પુસ્તક કરતાં આ કામ વધારે પડતું એ ડિજિટલ સ્ક્રીનના માધ્યમથી જ કરે છે. નવી પેઢીમાં પુસ્તકો પ્રત્યે આકર્ષણનો જે અભાવ છે તેના માટે જવાબદાર કોણ?
તેના વિશે તેઓ કહે છે, 'મને લાગે છે કે તેના માટે મા-બાપ જવાબદાર છે. સ્કૂલ-કૉલેજ પણ જવાબદાર છે અને કેટલેક અંશે અમારા જેવા લેખકો પણ જવાબદાર છે.' વધુ વાત કરતા એ કહે છે કે લેખકોએ પણ વાચકોની વચ્ચે અવારનવાર જવું જોઇએ. આ વાતનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં ગત વર્ષે તેમણે ઘણા નવા પ્રયોગો કર્યા હતાં. તેઓ થોડું સાહિત્ય લઇને ગામડે ગામડે આમજનતાની વચ્ચે ગયા હતા. પુસ્તકોને રોજબરોજના વિષયો અને સંદર્ભો સાથે જોડીને વાત કરવામાં આવી તો મોટા ભાગના લોકો ખુશી ખુશી આ પ્રક્રિયામાં રસ લેવા લાગ્યાં. લોકો પુસ્તકો પ્રત્યે આકર્ષિત થવા લાગ્યા. પુસ્તકો વિશે ઘણી જાણકારી મેળવી. તેમનું દૃઢપણે માનવું છે કે જો સંગઠિત પ્રયાસ કરીને પુસ્તકોને આમ પ્રજા સુધી લઇ જવામાં આવે અને તેમને તેના લેખકો વિશે તેમ જ વિષયો વિષે સારી રીતે સમજાવવામાં આવે તો આ રીતના સીધા સંવાદથી ફાયદો જરૂર થાય છે. ખાસ કરીને આવા પ્રયોગોથી બાળકોમાં તો ખૂબ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે, આપણે પોતે પણ ન ઘરના સ્તર પર કે ન શાળા કોલેજના સ્તર પર કે ન લેખકો કે બુદ્ધિજીવીઓના સ્તર પર. કોઇ પણ સ્તર પર નવી પેઢીને પુસ્તક વાંચનના કોઇ સંસ્કાર આપી નથી રહ્યાં. આના કારણે તેઓ પુસ્તકોથી વિમુખ થઇ રહ્યાં છે. અગર તેમને પુસ્તકો સાથે જોડવા હોય તો સહુએ હળીમળીને સહિયારો પ્રયાસ કરવો જરૂરી છે.
હરનોટ સાહેબે તેમના એક વ્યક્તિગત અનુભવની વાત કરતાં કહ્યું કે, ગયા વર્ષે તેઓ એક દિવસ સિમલાના ખૂબ પ્રખ્યાત મિનરવા બુક સ્ટોર પર ગયા હતા. ત્યાં એક દંપતી પોતાના આઠ-નવ વર્ષના બાળકને લઇને આવ્યાં હતાં. આ બાળકે એક હિન્દી પુસ્તક ઉઠાવીને કહ્યું કે તેને આ પુસ્તક લઇ આપો. જોકે, માબાપે એને ચોખ્ખી ના પાડતા જણાવ્યું કે આ પુસ્તક ખરીદવાની કોઇ જરૂર નથી. એના બદલે કોઇ વીડિયો ગેમ લઇ લે. તેમણે પોતાના સંતાનને ૨૦૦ રૂપિયાની વીડિયો ગેમ અપાવી. કહેવાનો મતલબ એ છે કે નવી પેઢી પુસ્તકો તરફ આકર્ષિત ન થાય કે તેમાં રસ ન ધરાવે તેનું કારણ આ અને આવા અનેક પ્રસંગો પણ હોય છે.
આમ,હરનોટ સાહેબની વાત સાચી છે. પોતાનું બાળક પુસ્તકોવાંચીને બુદ્ધિનો વિકાસ કરે તે જૂના વિચારોમાં માતા-પિતા નથી માનતા પણ નવી નવી ડિજિટલ ગેઇમો રમે તે આધુનિક્તા અપનાવવામાં તેમને રસ છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtNVUx8%3DSJuhcoB6zG0QU%2BxnPp3TU9cV97NwxjgxyXTHQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment