આજે હું અહીં સાદી રીતે શ્રદ્ધા, અશ્રદ્ધા, અને અંધશ્રદ્ધા વિષે ટૂંકમાં વાત કરીશ.
શ્રદ્ધા એટલે ધર્મમાં, ઈશ્વરના હોવામાં શ્રદ્ધા. અશ્રદ્ધાળુ લોકો ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી અને અંધશ્રદ્ધાળુઓ અખો કહે છે એમ પથ્થર એટલા દેવ પૂજે છે. તેઓ સાધુઓ અને બાબાઓમાં સારા નરસાનું ભાન ભૂલીને બુદ્ધિને સહેજ પણ તસ્દી આપ્યા વિના ફસાય છે.
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે અશ્રદ્ધાળુ હોય છે. કાર્લ માર્કસે ધર્મની સરખામણી અફીણ સાથે કરી છે. જો કે, એના શબ્દોમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં ક્યાંય તિરસ્કાર નથી. એના શબ્દોમાં ક્યાંય ધર્મની હાંસી, અવહેલના કે ધિક્કાર નથી. શ્રદ્ધાળુઓ તરફ તિરસ્કાર નથી.
જો કે, કોઈપણ ધર્મ બહુ ઝડપથી સંપ્રદાયમાં ફેરવાય જાય છે એમ માર્કસની સામ્યવાદી વિચારધારા પણ એક સંપ્રદાય જ બની ગઈ છે.
ટોલ્સ્ટોયે એકવાર રશિયન સાથી લેખક મેક્સિમ ગોર્કીને પૂછયું હતું, 'તમે કેમ ઈશ્વરમાં માનતા નથી.'
'મને શ્રદ્ધા નથી.' મેક્સિમ ગોર્કીએ જવાબ આપ્યો હતો.
'એ વાત સાચી નથી.' ટોલ્સ્ટોયે કહ્યું હતું, 'માણસ સ્વભાવથી જ શ્રદ્ધાળુ હોય છે. ઈશ્વર વિના એને ચાલતું નથી. તમને એ વાતનો અનુભવ થશે જ. તમે સ્વભાવે અક્કડ છો એટલે ઈશ્વરમાં માનતા નથી. અને આ દુનિયા જેવી હોવી જોઈએ એવી નથી એ વાતથી તમને આઘાત લાગે છે. કેટલાક માણસો એટલા શરમાળ હોય છે કે પોતાને ઈશ્વરમાં શ્રદ્ધા છે એમ કહેતાં એમને શરમ આવે છે. કેટલાક માણસોને આપણે જોઈએ છીએ કે તેઓ કોઈક સ્ત્રી સાથે પ્રેમમાં હોય છે પણ એનો એકરાર કરવાની હિંમત એમનામાં નથી હોતી. શ્રદ્ધા એટલે ઉત્કટ પ્રેમ, તમે વધુને વધુ પ્રેમ કરો એટલે એ પ્રેમ એની મેળે જ શ્રદ્ધા બની જશે.'
ટોલ્સ્ટોયની વાતમાં શ્રદ્ધા વિષેની સમજ છે. ધર્મમાં પ્રેમનું અને પ્રેમમાં ધર્મનું રહસ્ય રહેલું છે.
જીવનનું રહસ્ય શોધવાના માનવીના પ્રયત્નોમાંથી ધર્મ તરફની શ્રદ્ધાનો ઉદ્ભવ થયો છે. સંશોધન અને સંશોધન દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનનો સ્વીકાર એટલે વિજ્ઞાન. જગતના મહાન વૈજ્ઞાનિકોના નામ લઈએ તો આર્કિમિડિઝથી આઈન્સ્ટાઈન સુધીના વૈજ્ઞાનિકો આસ્તિક એટલે કે શ્રદ્ધાળુઓ હતા. વિશ્વના રહસ્યોનો પાર પામવા પ્રયત્નો કરનાર એ મહાન વિજ્ઞાનીઓએ પોતાનાં મસ્તક જગન્નિયંતા સામે ઝૂકાવી દીધાં હતાં. વિજ્ઞાનનો આશરો લઈને મિડિયોકર ફિલસૂફો કે તર્કશાસ્ત્રીઓ ઈશ્વર તરફની શ્રદ્ધા રાખવાનો ઈન્કાર કરે છે. પણ ન્યૂટન, એડિસન કે આઈન્સ્ટાઈને એવો ઈન્કાર કર્યો નથી.
જો કે, ઈશ્વરના સ્વરૂપનો ખ્યાલ સામાન્ય માનવીના ખ્યાલથી તદ્ન અલગ હોઈ શકે છે. કુદરતને સમજવાના પૂરા પ્રયત્નોમાંથી ઈશ્વર કે કુદરત તરફની એમની શ્રદ્ધા જન્મેલી હોય છે અને એટલે જ એને આપણે શ્રદ્ધા કહી શકીએ છીએ.
ન્યૂ યોર્ક એકડેમી ઓફ સાયન્સીઝના એક વખતના પ્રમુખ એ. ક્રેસી મોરિસને 'મેન ડઝ નોટ સ્ટેન્ડ અલોન'માં વૈજ્ઞાનિક તરીકે પોતે ઈશ્વરમાં શા માટે શ્રદ્ધા ધરાવે છે એના કેટલાક કારણો આપ્યાં છે. પુસ્તકમાં ઢગલાબંધ વૈજ્ઞાનિક ઉદાહરણો આપ્યા છે એટલે પુસ્તક વાંચવા જેવું છે.
એમણે લખ્યું છે કે પૃથ્વી ઉપર જે જીવન પાંગર્યું છે એ માત્ર ચાન્સ, અકસ્માત કે શક્યતાઓને કારણે જ પાંગરી શકે નહિ. પૃથ્વી એની ધરીની આસપાસ હજાર માઈલની ગતિથી પરિભ્રમણ કરે છે. જો એ કલાકના સો માઈલની ઝડપે ભ્રમણ કરતી હોય તો દિવસ અને રાત અત્યારે છે એ કરતાં દસગણાં લાંબા થઈ જાય. અને એમ બને તો, સૂર્યના પ્રખર તાપમાં બધી જ વનસ્પતિ બળીને ભસ્મ થઈ જાય અને રાતની ઠંડીમાં ઝાડપાન ઠીંગરાઈ જાય.
પૃથ્વી સૂર્યથી એટલા ચોક્કસ અંતરે રહે છે કે સૂર્યની ગરમી પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિને જોઈતી હૂંફ આપે છે અને જીવનને શક્ય બનાવે છે. જો સૂર્ય એની અડધી ગરમી ગુમાવી દે તો જીવસૃષ્ટિ ઠૂંઠવાઈને નાશ પામે અને જો ગરમી દોઢી થઈ જાય તો બાળીને બધું ખાક થઈ જાય.
પૃથ્વી સાડા ત્રેવીસ ડિગ્રી નમેલી છે એટલે જુદી જુદી ઋતુઓનું નિર્માણ થાય છે. જો પૃથ્વી નમેલી ન હોત તો મહાસાગરોની વરાળ ઉત્તર અને દક્ષિણમાં ઘસી જાત. જો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેના અંતરમાં પચાસ હજાર માઈલનો તફાવત હોત તો પૃથ્વીના બધા ખંડો ભરતીમાં દિવસમાં બે વાર પાણીમાં ડૂબી જાત. પૃથ્વીનો પોપડો જો દસ જ ફૂટ વધારે જાડો હોત તો પૃથ્વી ઉપર ઓક્સિજન વાયુ જ ન હોત.
જો આપણું વાતાવરણ વધુ પાતળું હોત તો આકાશમાંથી ખરતી ઉલ્કાઓના ટૂકડાઓ વાતાવરણમાં જ સળગી જઈને નાશ પામવાના બદલે પૃથ્વી ઉપર આવી પડત અને પૃથ્વી ઉપર ચારે તરફ આગ આગ ફેલાઈ જાત.
આવા અનેક દાખલાઓ આપીને એમણે ઈશ્વર-કુદરત તરફની માનવીય શ્રદ્ધાને બળ પૂરું પાડયું છે.
ખગોળશાસ્ત્રી જોહન્નિસ કેપ્લર હોય કે એડિસન હોય, ભૌતિકશાસ્ત્રી આર્થર ક્રોમ્પટન હોય કે પરમાણુ વિજ્ઞાની મેઈટનર હોય દરેકે ઈશ્વર પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી છે.
જીવશાસ્ત્રી એડવિન કોકલીન કહે છે કે, 'જીવન આકસ્મિક રીતે ઉત્પન્ન થયું હોય અને વિકસ્યું હોય એમ માનવું એ કોઈક છાપખાનામાં આકસ્મિક ધડાકા દ્વારા બધા બીબાં ક્રમસર ગોઠવાઈ જાય અને સંપૂર્ણ સાર્થ શબ્દકોશ તૈયાર થઈ શકે એમ માનવા જેવી વાત છે.'
ટૂંકમાં ડો.રાધાકૃષ્ણ સહિતના ફિલસૂફો, ભૌતિકશાસ્ત્રઓ, ગણિતશાસ્ત્રીઓ, જીવશાસ્ત્રીઓ શ્રદ્ધાળુઓ હતા- પણ, અંધશ્રદ્ધાળુ નહોતા.
આજે આપણે ત્યાં આસ્થાળુઓને છેતરીને લૂંટવાનું બાબાઓ, ફકીરો, બાપુઓનું જબરજસ્ત નેટવર્ક ચાલે છે. અસ્થાળુ વ્યક્તિ સાચા ખોટાનો ભેદ પારખી શક્તી નથી. ક્યારેક વિચાર થાય છે કે પ્રજા ભોળી છે કે ભોટ છે?
સાચા સાધુના લક્ષણો તો શાસ્ત્રોમાં બહુ સ્પષ્ટ રીતે વર્ણવેલ છે. સૌથી પહેલાં તો સાચો સાધુ નિર્મોહી, અકિંચન હોય છે. એને સંસારના કોઈ દુઃખ સ્પર્શી શકતાં નથી. એટલું જ નહિ કહેવાતું સુખ પણ સ્પર્શી શક્તું નથી. પરંતુ આજના ભક્તને તો તાત્કાલિક બધું મેળવી લેવું છે એટલે એના સ્વાર્થ અને લાલચમાં એ સાચા અને ખોટા સાધુઓનો ભેદ પારખી શક્તો નથી. સાચા સાધુ માટે તો કહેવાય છે કે, 'સાધુ તો ચલતા ભલા.' સાધુ એક જગ્યાએ સ્થાયી ન થાય તો ઘણા દુષણોથી બચી શકે છે. સાધુ જ્યારે એક જગ્યાએ સ્થાયી થઈ જાય છે અને એમાંયે મોટાં મોટાં ટ્રસ્ટોનો, નાનકડાં સામ્રાજ્યનો માલિક થઈ જાય છે ત્યારે ભોગ-વિલાસમાં, વ્યભિચારમાં સરી પડે છે અબજોની મિલકતના માલિક હોય એ સાધુ-સંત કઈ રીતે હોઈ શકે?
બાબા રામ-રહીમ હોય કે ઈચ્છાધારી બાબા હોય, વિકાસાનંદ હોય કે સ્વામી સદાચારી હોય, નિત્યાનંદ હોય કે કલકી ભગવાન તરીકે ઓળખાતા તામિલનાડુના બાબા હોય, મહિલા ભક્તના જાતિય શોષણ અને રેપ કેસમાં પણ તેઓ સંડોવાયા હોવાની ઘટનાઓ બહાર આવતી રહે છે પણ લાલચુ ભક્ત એમાં વધુને વધુ ફસાતાં જ રહે છે.
સ્વાર્થ, લાલચ છોડીને કોઈપણ માણસ થોડો પણ વિચાર કરે તો આવાં તકવાદી, ભોગી બાબાઓથી બચી શકે છે. સાચાં અને ખોટાં, દંભી લોકોને પારખવાનું બહુ અઘરું નથી હોતું. આંખો ખુલ્લી રાખનારને બધી જ લીલાઓનું દર્શન થઈ જતું હોય છે. છેવટે તો ભોગી એ રોગી જ હોય છે એ સમજવાનું અઘરું નથી.
શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા ઉપર પુસ્તકો લખાય એમ છે, લખાયાં પણ છે. પરંતુ અહીં તો સ્થળની મર્યાદામાં રહીને કેટલુંક લખ્યું છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovn%2BjHL8cdhPquyphz5zQ10ECW2tt%3DcGg%3DLcuLgsFiXbw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment