આ બૅક્ટેરિયલ ઇન્ફેક્શન શરીરમાં વધુ ઍસિડિટી માટે જવાબદાર બને છે અને સમયસર ઇલાજ ન મળતાં અલ્સરમાં પરિણમે છે એટલું જ નહીં, આ બૅક્ટેરિયા ગૅસ્ટ્રિક કૅન્સરનું રિસ્ક પણ વધારે છે. જો તમારી સતત રહેતી ઍસિડિટી સામાન્ય દવાઓથી ઠીક નથી થઈ રહી તો શક્યતા છે કે તમને આ ઇન્ફેક્શન હોય
હાલમાં કાંદિવલીમાં રહેતા અને ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણતા એક બાળકને પેટમાં દુખાવો અને સતત ઍસિડિટીની બળતરા રહેતી હતી. ડૉક્ટરને વારંવાર બતાવવા છતાં અને ઍસિડિટીની દવાઓ લેવા છતાં કઈ ખાસ રાહત થતી નહોતી. ડૉક્ટરે તેની લાઇફ-સ્ટાઇલ ચેન્જ કરવા પણ કહ્યું, પરંતુ સંપૂર્ણ સાદો બાફેલો ખોરાક લેવા છતાં બાળકને ભરપૂર ઍસિડિટી રહેતી હોવાને લીધે ડૉક્ટરે સ્ટૂલ-ટેસ્ટ કરી. ત્યારે ખબર પડી કે બાળકને મળમાં લોહી પડે છે. સ્ટૂલનો રંગ કાળો હોય તો સમજી શકાય કે મળમાં લોહી પડે છે, પરંતુ ૧૨ વર્ષનું બાળક એ કઈ રીતે સમજી શકે? ઘણા વખતથી કાળા રંગનું મળ હતું, પરંતુ તેણે આવી કોઈ વાત પર ધ્યાન ન આપ્યું. આખરે એન્ડોસ્કોપી કરવામાં આવી અને એના દ્વારા ખબર પડી કે બાળકને એચ. પાયલોરી, જેને હેલિકોબૅક્ટર પાયલોરી કહે છે એ બૅક્ટેરિયાનું ઇન્ફેક્શન થયું હતું. એ ઇન્ફેક્શન એટલું ફેલાયું કે બાળકને અલ્સર થઈ ગયું હતું. તેનો ઇલાજ હાલમાં ચાલુ છે.
એચ. પાયલોરી બાળકને ક્યારેય ઍસિડિટી થઈ શકે એ વાત જ માનવી અઘરી છે, પરંતુ હાલમાં આવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે જેમાં બાળકોને ઍસિડિટીની તકલીફ હોય છે. બાળકોમાં ઍસિડિટી માટે જવાબદાર બે મુખ્ય કારણો છે, જેમાંનું એક છે ખોટી લાઇફ-સ્ટાઇલ અને બીજું છે આ એચ. પાયલોરી બૅક્ટેરિયા. આ બૅક્ટેરિયા વિશે માહિતી આપતાં ધ્ચ્પ્ હૉસ્પિટલ અને ફોર્ટિસ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ લેપ્રોસ્કોપિક અને ગૅસ્ટ્રો સજ્ર્યન ડૉ. જિજ્ઞેશ ગાંધી કહે છે, 'સ્પાઇરલ આકારનો આ બૅક્ટેરિયા ખોરાક કે મલિન પાણી થકી વ્યક્તિના પેટમાં જાય છે અને ત્યાં જ એનું ઘર બનાવી લે છે. ઍસિડને કારણે એ વધુ વિકાસ પામે અને એ પોતે વધુ ઍસિડ બનવા પાછળ પણ જવાબદાર બને છે. આમ બન્ને રીતે વ્યક્તિના પેટમાં ખાસ કરીને જઠરમાં એ સ્થાન ગ્રહણ કરે છે અને વિકાસ પામે છે. મોટા ભાગના બૅક્ટેરિયા કે વાઇરસ શરીરના ઍસિડ સામે ટકી શકાતા નથી, પરંતુ આ એ પ્રકારના બૅક્ટેરિયા છે જે આ ઍસિડ સામે ફક્ત ટકતા નથી, પરંતુ એમાં જ વિકાસ પામે છે.'
અસર જે વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રૉન્ગ હોય તેને એ ઓછું હેરાન કરી શકે છે, પરંતુ જેમની નબળી હોય તેમને તકલીફ વધુ થઈ શકે છે. પરંતુ અસર તો દરેક વ્યક્તિ પર દેખાય જ છે. એ વિશે વાત કરતાં ઝેન હૉસ્પિટલના ફાઉન્ડર ડિરેક્ટર તથા ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. રોય પાટણકર કહે છે, 'આ બૅક્ટેરિયાને કારણે શરૂઆતમાં ગૅસ અને ઍસિડિટી વધી જાય છે. આ સામાન્ય લક્ષણ છે, પરંતુ જ્યારે એનો ઇલાજ કરવામાં ન આવે ત્યારે એ સતત રહેતી ઍસિડિટી અલ્સરનું રૂપ લઈ લે છે. બાળકોમાં પહેલાં આ પ્રકારની તકલીફ જોવા મળતી નહી. એચ. પાયલોરીનું ઇન્ફેક્શન તો સામાન્ય છે બાળકોમાં. નાનાં ૨-૩ વર્ષનાં બાળકોને પણ આ ઇન્ફેક્શન થઈ શકે છે, પરંતુ એને કારણે અલ્સર જોવા ઓછું મળે; કારણ કે બાળકને કોઈ પણ તકલીફ હોય તો એના પ્રત્યે વધુ કાળજી માતા-પિતા રાખતાં હોય છે. પરંતુ આજકાલ બાળકોમાં પણ અલ્સર થવાના કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે. આ રોગ મોટા ભાગે વયસ્ક લોકોમાં વધુ જોવા મળે છે, જેમને સતત ઍસિડિટી રહેતી હોવા છતાં એ બાબતે તેઓ દુર્લક્ષ સેવતા હોય છે.'
ચિહ્નો આ રોગનાં ચિહ્નો વિશે વાત કરતાં ડૉ. જિજ્ઞેશ ગાંધી કહે છે, 'આ રોગમાં પેટમાં દુખાવો થાય અને એ દુખાવો રાત્રે એકદમ જ વધી જાય, ખાતાં ઓડકાર આવે, છાતીમાં ઍસિડિટીને કારણે બળતરા થાય, પેટ ફૂલેલું લાગે, ઊલટી થાય, કેટલાક કેસમાં વ્યક્તિને ભૂખ ન લાગે અને એને કારણે વજન ઊતરી જાય વગેરે જેવાં ચિહ્નો જોવા મળે છે. પરંતુ એક સરળ ચિહ્ન એ છે કે વ્યક્તિને સતત રહેતી ઍસિડિટી પર ઍસિડિટીની દવાઓ અસર ન કરે. લાગે કે થોડો ફરક છે, પરંતુ સંપૂર્ણ ઠીક થતું જ નથી તો એની પાછળ એચ. પાયલોરીનું ઇન્ફેક્શન હોઈ શકે છે.'
ટેસ્ટ વ્યક્તિને રહેતી સતત ઍસિડિટી કે પછી બળતરા પાછળ એચ. પાયલોરી ઇન્ફેક્શન છે કે નહીં એ કેમ ખબર પડે? આ પ્રfનનો જવાબ આપતાં ડૉ. રૉય પાટણકર કહે છે, 'મોટા ભાગે ડૉક્ટરો ક્લિનિકલી ચેક કરે છે, હિસ્ટરી તપાસે છે અને પછી જો સંદેહ થાય તો એન્ડોસ્કોપી કરવાનું કહે છે. એન્ડોસ્કોપી વડે એ જાણી શકાય કે વ્યક્તિને આ ઇન્ફેક્શન છે. જો એન્ડોસ્કોપી ન કરવી હોય તો બીજી ત્રણ ટેસ્ટ છે જેમાં બ્લડ-ટેસ્ટ, સ્ટૂલ-ટેસ્ટ અને બ્રેથ-ટેસ્ટનો સમાવેશ થાય છે. આ ત્રણેય ટેસ્ટ દ્વારા પણ ખબર પડી શકે છે કે વ્યક્તિને આ ઇન્ફેક્શન થયું છે કે નહીં.'
ઍન્ટિબાયોટિક એચ. પાયલોરી બૅક્ટેરિયાનું ઇન્ફેક્શન શરૂઆતી સમયમાં હોય અને અલ્સર સુધી આગળ ન વધ્યું હોય તો એ ઍન્ટિબાયોટિક દવાઓના ર્કોસ વડે ઠીક થઈ શકે છે. એ વિશે વાત કરતાં ડૉ. રૉય પાટણકર કહે છે, 'આ દવાઓને પૂરેપૂરી લેવી અત્યંત જરૂરી છે, કારણ કે જો એને અધવચ્ચે છોડી દઈએ તો રેઝિસ્ટન્સ ડેવલપ થઈ શકે અને પછી વ્યક્તિને ક્યૉર કરવી અઘરી થઈ પડે છે. એથી દવાનો બે અઠવાડિયાંનો ર્કોસ આવે છે એ પૂરો કરવો જરૂરી છે. આ સિવાય જો એને કારણે વ્યક્તિને અલ્સર થાય કે બીજી કોઈ તકલીફ થાય તો એનો ઇલાજ કરવો પડે છે. મારે ત્યાં જો દરરોજની ઍવરેજ ૧૦ એન્ડોસ્કોપી થતી હોય તો લગભગ ૬-૭ વ્યક્તિને આ તકલીફ નીકળે છે. એ દર્શાવે છે કે આ તકલીફ ઘણી જ સામાન્ય છે. એનો ઇલાજ પણ સરળ છે, પરંતુ જરૂર છે સમયસર નિદાનની.'
એચ. પાયલોરી અને કૅન્સર એચ. પાયલોરી બૅક્ટેરિયા કરોડો વર્ષોથી પોતાનું અસ્તિત્વ ધરાવે છે. અમેરિકાના ધ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન મુજબ દુનિયાના ૨/૩ લોકો આ બૅક્ટેરિયાને પોતાના પેટમાં પોષે છે. મલિન ખોરાક અને પાણી દ્વારા ફેલાતા આ બૅક્ટેરિયા થકી ફેલાતા ઇન્ફેક્શનનું પ્રમાણ બીજા દેશો કરતાં ભારત જેવા વિકાસશીલ દેશમાં વધારે છે. ૧૯૯૪માં ઇન્ટરનૅશનલ એજન્સી ફૉર રિસર્ચ ઑન કૅન્સર દ્વારા પ્રમાણભૂત કરવામાં આવ્યું કે એચ. પાયલોરી એક કાર્સિનોજન છે એટલે કે કૅન્સર માટે કારણભૂત થઈ શકનાર એજન્ટ છે. ખાસ કરીને ગૅસ્ટિÿક કૅન્સર એને કારણે થઈ શકે છે જે વ્યક્તિના શરીરમાં આ બૅક્ટેરિયા વધુ સમય રહે અને એનો ઇલાજ જલદી ન થાય તો તેના શરીરમાં આ પ્રકારના કૅન્સરનું રિસ્ક ઘણું વધી જાય છે. એટલે આ બાબતે સાવચેત રહેવું જરૂરી છે. સ્વચ્છતા અને હાઇજીન જાળવી રાખવાં જેથી આ પ્રકારના ઇન્ફેક્શનથી બચી શકાય.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovdh-2DgK_zLpakXvDiMfEOXATEe9CSAfz57J5f6HmGMg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment