Friday, 22 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે'!
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર

amdavadis4ever@yahoogroups.com

આ જગતમાં કેટલાય એવા માણસો છે જે એમ માને છે કે આ જગત તેના દ્વારા ચાલી રહ્યું છે તે નહીં હોય તો આ દુનિયા નહીં ચાલે. કુટુંબમાં, સમાજમાં અને રાજકારણમાં આવા માણસો ઠેરઠેર જોવા મળશે. તેઓ કદી નિવૃત્ત થશે નહીં. તેઓ માને છે કે તેના વિના નહીં ચાલે. તેઓ જે કરી રહ્યા છે તે બીજા નહીં કરી શકે. તેમને બીજાનામાં વિશ્ર્વાસ નથી. જેને કારણે તેઓ જિંદગીભર બોજો ઢસડે છે અને તેમને ઊંચકીને ફેંકી દેવામાં ન આવે ત્યાં સુધી તેઓ મેદાન છોડતા નથી.

વાર્યા નહીં પણ હાર્યા જાય તેવા આ માણસો છે. તમે એને ગમે તેટલું સમજાવો પણ તેઓ માનશે નહીં. તબિયતથી લથડશે, લાચાર બની જશે, ગાત્રો ગળી જશે, ફટકાઓ પડશે, પૈસે ટકે ખુવાર થઈ જશે ત્યારે તેઓ મનેકમને ગાદી છોડશે. સમયસર નિવૃત્ત થઈ જવું અને કોઈ છોડાવે એ પહેલાં છોડી દેવું એમાં ડહાપણ છે. માણસો એટલું બધું પ્રસારીને બેસી જાય છે કે સમેટવું મુશ્કેલ થઈ પડે છે. સત્તા અને ધન બંને છોડવા મુશ્કેલ છે. ધન કદાચ છોડી શકાય, પરંતુ સત્તા અને હકૂમત છોડવાનું એટલું આસાન નથી. બીજા પર અંકુશ રાખવાનું, બીજાને તાબે રાખવાનું અને પોતે કહે તેમ બધા કરે એવું માણસને ખૂબ ગમતું હોય છે. આ પક્કડ જિંદગીભર છૂટતી નથી.

જિંદગીભર જેમણે આટાપાટા ખેલ્યા છે, જંજાળ ઊભી કરી છે. કાવાદાવા કર્યા છે. હકૂમત જમાવી છે તેઓ નિવૃત્ત થઈ શકશે નહીં. આ બધું છોડી શકશે નહીં અને છોડશે તો ખાલિપો અનુભવશે. તેમને એમ થશે કે હવે જિંદગીમાં કશું બચ્યું નથી. બધું ખતમ થઈ ગયું. માણસ સમજે કે વહેલું કે મોડું આ બધું ખતમ થવાનું છે. આપણા વિના આ દુનિયા ચાલતી હતી અને આપણા વિના પણ ચાલશે.

આ દુનિયાને કદી કોઈની ખોટ વર્તાઈ નથી. સમય અને કાળ પ્રમાણે બધું ચાલ્યા કરે છે. કશું આપણા હાથમાં નથી, પછી નાહકની ચિંતા શા માટે? જગત માટે જે કાંઈ મહત્ત્વપૂર્ણ છે તે થઈ રહ્યું છે. જે બનવાનું છે તેને આપણે અટકાવી શકવાના નથી અને આપણી ઈચ્છા પ્રમાણે કશું કરી શકવાના નથી. આમ છતાં આપણે જગતના કર્તા હોઈએ તે રીતે વર્તીએ છીએ. મેં આ કર્યું, મેં તે કર્યું, હું ન હોત તો આમ થાત અને હું ન હોત તો તેમ થાત આવી બધી વાતો આપણે વારંવાર સાંભળીએ છીએ. આમાં માણસનો અહંકાર ડોકિયા કરતો હોય છે . અહીં નરસિંહ મહેતાની પંક્તિ આપણને થોડામાં ઘણું કહી જાય છે.

હું કરું હું કરું એ જ અજ્ઞાનતા

શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે

કૂતરું ગાડા નીચે ચાલ્યું જતું હોય અને તે માને કે આખા ગાડાનો ભાર મારા પર છે. એવી આપણી સ્થિતિ છે. કેટલાક માણસો પોતાની આવડત અને શક્તિના બણગા ફૂંકતા હોય છે. ક્યાંય સફળતા મળે તો બધો જશ પોતાને મળે તેવી તેમની પેરવી હોય છે. કામ બીજા કરતા હોય છે અને પોતે જ આ બધું કર્યું તેવો તેમનો દેખાવ હોય છે.

શોભાના ગાંઠિયા જેવા આ માણસો ઢોલનગારા પીટીને પોતાની જાતને પ્રોજેક્ટ કરતા હોય છે. હું અને મારું એ બે શબ્દો પર માણસનો અહંકાર લટકી રહ્યો છે. આ બે શબ્દો અદૃશ્ય થઈ જાય તો માણસ સ્વાભાવિકપણે વર્તી શકે. આ જગતમાં હું કશું જ નથી, મેં કશું કર્યું નથી, જો હું કાંઈ કરી શક્યો હોઉં તો એ પરમાત્માની કૃપા છે. મને આ સાધનો અને શક્તિ ન મળી હોત તો આમાંનું હું શું કરી શક્યો હોત? એવું જેને જ્ઞાન પ્રગટે છે તે માણસ સરળ અને સહજ બની જાય છે. માથા પરથી બોજો હટી જાય છે અને તે હળવોફુલ જેવો બની જાય છે. ઓશોએ અંકેલી એક કથા આ અંગે પ્રેરક છે...

"એક માણસ ટ્રેનના ડબ્બામાં આવીને પોતાના પેટી બિસ્તરા માથા પર લઈને બેસી ગયો. આસપાસના મુસાફરોએ તેને પૂછ્યું કે આ પેટી બિસ્તરા માથા પર શા માટે રાખ્યા છે? એને નીચે રાખી દો. એ માણસે કહ્યું ટ્રેન પર ઘણું વજન પડશે તો માથા પર ઉપાડીને થોડું વજન હું પણ વહેંચી લઉં.

મુસાફરો બહુ નવાઈ પામ્યા. તેમણે કહ્યું 'તમે કાંઈ ગાંડા તો નથી થઈ ગયા ને? કારણ કે તમે માથા પર વજન રાખશો તો પણ ટ્રેન પર વજન તો પડતું જ રહેશે. તો નાહકનો બોજો માથા પર રાખવાનો શો અર્થ છે?'

મુસાફરોની આ વાત સાંભળીને તે માણસ હસવા લાગ્યો, તેણે કહ્યું 'હું તો માનતો હતો કે તમે બધા સંસારીઓ છો, પરંતુ તમે સંન્યાસી લાગો છો. મેં તો તમને જોઈને વજન માથા પર રાખ્યું હતું.'

આ માણસ સંન્યાસી હતો. તેણે કહ્યું મેં તો તમને જોઈને માથા પર બોજો રાખ્યો છે અને તમે પણ હસો છો? આખી જિંદગી તમે વજન ક્યાં રાખ્યું છે? તમારા માથા પર રાખ્યું છે કે પરમાત્મા પર છોડી દીધું છે? કારણ કે તમે તમારા માથા પર રાખો તો પણ છેવટે પરમાત્મા પર જ વજન પડવાનું છે કારણ કે બધો ભાર તો પરમાત્મા જ ઊંચકી રહ્યો છે અને તમે એમ સમજો છો કે તમારું વજન તમે ઊંચકી રહ્યા છો. હું તો એમ સમજ્યો કે અહીં બધા સંસારીઓ બેઠા છે. એટલે મારે તેમની રીતે બેસવું જોઈએ. મને શી ખબર કે અહીં સંન્યાસી બેઠા છે.

આ પછી તેણે કેવળ વજન નીચે ન મૂક્યું બલકે વજનની ઉપર બેસી ગયો. તેણે કહ્યું કે હવે હું મારી બરાબર સ્થિતિમાં બેસી ગયો છું. મારી બેસવાની આ રીત છે, પરંતુ તમને બધાને અજબ ન લાગે તેટલા માટે તમારી રીતે માથા પર બોજો રાખીને હું બેસી ગયો હતો.

આપણે બધા એવી રીતે ફરી રહ્યા છીએ કે આખા જગતનો ભાર આપણા પર છે. આપણે કશું કરવા શક્તિમાન નથી. આમ છતાં આપણે માનીએ છીએ કે આપણે બધું કરી રહ્યા છીએ. જન્મ, મૃત્યુ, યુવાની, વૃદ્ધાવસ્થા, સુખદુ:ખ શું આ બધા આપણને પૂછીને આવે છે, આપણી ઈચ્છા મુજબ આવે છે? માણસે ગર્વ લેવા જેવું કશું નથી. વિજ્ઞાનની આટલી બધી શોધ પછી પણ કુદરત પાસે માણસ લાચાર છે.

આ જગતમાં બધું યથાસ્થાને ચાલી રહ્યું છે. નાહકની બિનજરૂરી ચિંતા કરવાની જરૂર નથી. આખા ગામની ફિકર કરવાથી કોઈ ફાયદો નથી. કોઈ શું કરે છે, શું નથી કરતો તેની ચિંતા કરવાથી શું વળવાનું છે. આપણે માત્ર એટલો જ ખ્યાલ કરીએ કે આપણે શું કરવું છે અને શું કરવું જોઈએ? આ જગતમાં કોઈને સુધારી શકાય એમ નથી. જગતને સુધારવા માટેનો એક જ માર્ગ છે. આપણે પોતે સુધરી જવું. ગમે તેટલી પળોજણ કરીએ પણ કશું સાથે આવવાનું નથી બધું અહીંને અહીં રહેવાનું છે. કોનું છે અને કોનું થશે તેની પણ કોઈને ખબર નથી. છેવટે તો બધું ખાકમાં મળી જવાનું છે. આ અંગે કુતુબ આઝાદની એક રચનાનો સ્વાદ માણીએ...

'સહુને એક દિ' માટીમાં મળી જવાનું છે

ઢળે છે સંધ્યા એમ ઢળી જવાનું છે

યુવાની એટલે ટટ્ટાર ચાલવાનું છે

બુઢાપો એટલે વાંકા વળી જવાનું છે

આ રાજ તાજની પાછળ હરાજ થાઓ મા

બરફની જેમ બધું ઓગળી જવાનું છે

હતા જ્યાં મહેલ ત્યાં ખંડેર આજ ઊભા છે

બરાબર એ જ રીતે ખળભળી જવાનું છે'


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvmqUKnryoqyAHro5ZGW2B9JWDauVtJ1D4pQn_PZL7DgA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment