ભલ્લુ દોડ્યો.
ખભામાં દફતરના પટ્ટા ખૂંચી જતા હતા. એક હાથમાં વોટરબેગ હતી. વળી દફતર પીઠ કરતા પહોળું. સરખી રીતે ચલાતું ન હતું તોય તે દોડ્યો.
સ્કૂલના ગેઇટ પર નજર પડતાં જ તેની હિંમત ઓસરી ગઇ. એને લાગ્યું રડી પડાશે. પગ ઢીલા પડી ગયા. મોડા પડેલા ચાર-પાંચ છોકરા ગેઇટ પાસે ઊભા હતા. લગભગ એકાંતરે મોડો પડતો સંદીપ કંઇક બોલ્યા કરતો હતો. ભલ્લુને સતત ત્રીજા દિવસેય મોડું થયું હતું. આગલા દિવસે મોટા બહેને ઠપકો આપી વહેલા આવવાની તાકીદ તો કરી જ હતી.
ભલ્લુનું મોં લેવાઇ ગયું. તે ધીમે પગલે ગેઇટ પાસે આવી ચૂપચાપ ઊભો રહ્યો. ત્યાં ઊભેલા બધાએ ભલ્લુ સામે જોયું પણ ભલ્લુ કોઇનીય સામે ન જોઇ શક્યો. દોડવાથી અને ગભરાટથી તેને પરસેવો વળી આવ્યો હતો. વોટરબેગમાંથી ટપકેલા પાણીથી ઢીંચણ પાસે પેન્ટ ભીંજાઇ ગયું હતું.
કાં ભલિયા આજેય મોડું થઇ ગ્યું ને ?
ભલ્લુએ સંદીપ સામે જોયું. સંદીપના ચહેરા પર મોડા પડવાની લગીરે ચિંતા દેખાતી ન હતી.
મને તો ક્યારેય મોડું થતું નથી. આજે હું દૂધ લેવા ગ્યો એમાં મોડું થઇ ગ્યું. હું તો બેનને સાચું કઇ દઇશ. પ્રણવે કહ્યું.
મારું ઘર છેક રામનગરમાં છે. મારા પપ્પા સાઇકલ લઇ દેતા નથી. નંઈતર મોડું ન થાય. નંદન બોલ્યો.
મારી મમ્મી સવારના વહેલી ઊઠે જ નંઇ. એને કેટલીયવાર કીધું છે કે મને મોડું થઇ જાય તો નિશાળમાં વઢ પડે છે. તોય ઇ મોડી જ ઊઠે. આશિષ ઢીલો થઇ ગયો.
એના કરતા આ નિશાળો જ ન હોય તો કેવું સારું ? અહિંયાં આવવું જ ન પડે ! મારા પપ્પા કે'તા તા, આજના ભણતરની કાંઇ કિંમત નથી. ને ઇ તો ભણ્યા નથી તોય નગરપાલિકાની ચૂંટણીમાં જીતી ગ્યા. મારે તો સાતમી પછી ભણવું જ નથી. આટલું કહી સંદીપ ભલ્લુને હિંમત આપતો હોય તેમ બોલ્યો. એય ભલિયા, મોડું થઇ ગયું એમાં આવડો ઢીલો શું થાશ ? બેનને કઇ દેજે મારી મમ્મીને ઠીક નથી. બસ !
બધા હસી પડ્યા. ભલ્લુ સિવાય. બિચ્ચારી મમ્મી ! એને તાવ તો હોય છતાં કામ કરતી રહે છે. ને દાદીમા પણ બધા કામ મમ્મીને જ સોંપે. કાકીને કાંઇ ન કે. પપ્પા મોડે સુધી ઊંધ્યા કરે. મમ્મી આમથી તેમ દોડ્યા કરે. આ સંદીપને શું ખબર કે મારી મમ્મી બિચારી...
નિશાળના ચોગાનમાં બોલાતી સમૂહ પ્રાર્થના પૂરી થઇ. ધ્યાન : સ્થિતિનો હૂકમ દેવાયો. એકદમ શાંતિ છવાઇ ગઇ. ભલ્લુના ધબકારા વધી ગયા. ચહેરા પર પરસેવો વળી આવ્યો. તેને થયું, બસ હવે થોડી વારમાં જ મોટાબેન બધાને અંદર બોલાવી સૌની વચ્ચે પૂછશે. વળી આજે ત્રીજા દિવસે પણ મોડું થયું છે. શું કહીશ ?
ચારે બાજુ છવાયેલી શાંતિ ભલ્લુને અકળાવવા લાગી. બધાને ચૂપ ઊભેલા જોઇ સંદીપથી રહેવાયું નહિં.
આ વખતે વધુ વરસાદ પડશે તો અમારાવાળો રૂમ કદાચ પડી જશે. પાણી તો ટપકે જ છે. પડી જાય તો સારું. થોડા દિવસ જાન છૂટે.
કોઇએ કશો પ્રતિભાવ ન આપ્યો. તે ફરી શરૂ થયો.
અમારા બેન ક્યારે રજામાં પણ નથી જતા. ને વળી રોજ એમનું જ લેશન વધારે હોય. નાની નાની ભૂલો માટે પણ વઢે. ક્યારે સાતમી પૂરી થાય ! હું તો કંટાળી ગ્યો છું.
સંદીપ હસ્યો. ભલ્લુ સિવાયના બાકીના પણ આછું મલક્યા. એટલામાં ચમકતી મોટર સાઇકલ પર કલ્પેશને બેસાડી તેના પપ્પા મૂકવા આવ્યા. કલ્પેશે મોટરસાઇકલ પરથી ઊતરીને દફતર સરખું કર્યું, અને તેના પપ્પા સામે હાથ હલાવ્યો. થોડે દૂર જઇ તેના પપ્પા પાછા વળ્યા. તેમણે કલ્પેશના ખીસ્સામાં પાંચ રૂપિયાની નોટ નાખી દીધી. કલ્પેશ સહેજ હસ્યો. મોટરસાઇકલ ચાલ્યું ગયું.
ભલ્લુએ મસ મોટો નિસાસો નાખ્યો. તેને પોતાના પપ્પા યાદ આવી ગયા. મનમાં સહેજ કડવાશ આવી ગઇ. તેને થયું, કાં તો અત્યારે સૂતા હશે ને ઊઠ્યા હશે તો વાત વાતમાં મમ્મીને વઢ વઢ કરતા હશે.
મોટાબેનને ગેઈટ પાસે આવતા જોઇ બધા ચૂપ થઇ ગયા. મોટાબેને બધાને અંદર બોલાવ્યા. પહેલો વારો જ ભલ્લુનો આવ્યો. ભલ્લુ મોટાબેન સામે જોઇ ન શક્યો. તેણે આંખો ઝુકાવી દીધી. ગાલ પરથી આંસુ રેલાઇ ગયા.
ભાવિન મેં તને કાંઇ કહ્યું ભાઇ ? પૂછ્યાં પહેલાં જ રડી પડવાનું ? તું ત્રણ દિવસથી મોડો આવે છે. તારા મમ્મીને બોલાવવા પડશે.
મમ્મીની વાત નીકળતાં ભલ્લુની આંખમાંથી વધુ પાણી રેલાયા. ભલ્લુના વર્ગશિક્ષિકા રેખાબેન બોલ્યા.
ભાવિન અહિં આવ તો ભાઇ. ભલ્લુના પગ ખોડાઇ ગયા. તેની આંખમાંથી પાણી સુકાતું ન હતું. રેખાબેને આડા અવડા કેટલાય સવાલો કર્યા પણ ભલ્લુ ડુસકાં ભરતો રહ્યો. રેખાબેન થાક્યા. તેમણે કહી દીધું.
જા ભાઇ. કાલથી વહેલો આવજે હોં. ભલ્લુએ રેખાબેન સામે જોયું. તેને થયું. પાછો વળી બેનને વળગી પડું. બેનને બધું કઇ દઉં. બેન સમજે એવાં છે. એમની આંખો મમ્મી જેવી જ છે. વહાલી વહાલી. જરાય ગુસ્સા વગરની.
તે માથું ઝુકાવી ચાલ્યો ગયો. સમથીંગ ઈસ રોંગ ઈન હીઝ ફેમીલી.
ભલ્લુએ અચાનક પાછળ જોયું. રેખાબેન એને જ જોઇ રહ્યા હતા. અંગ્રેજીમાં બોલાયેલું વાક્ય તે પૂરેપોરું સમજ્યો નહિં પણ ફેમિલી શબ્દનો સ્વતંત્ર અર્થ તે સમજતો હતો. એટલે તેને એવું તો થયું જ કે, બેને જે કહ્યું તે મારા માટે જ કહ્યું છે. અને તેનો અર્થ કંઇક ગંભીર થાય છે. ભલ્લુ ચૂપચાપ વર્ગમાં બેસી ગયો. રડવાથી તેની આંખોની આસપાસ ખારાશના લિસોટા પડી ગયા હતા. રેખાબેન વર્ગમાં આવ્યા. કલબલાટ શાંત થઇ ગયો. હાજરી પુરાઇ. એકપછી એક નામ બોલાવા લાગ્યા. ભાવિન મહેતા
હાજર બેન
માંડ માંડ બોલી શકેલો ભલ્લુ પોતાનું આખું નામ મનમાં ફરીથી બોલ્યો. ભાવિન શાંતિલાલ મહેતા. તેને થયું, મમ્મી તો એનું નામ જયશ્રી પારેખ એમ લખે છે. મારું નામ પણ ભાવિન પારેખ હોત તો કેવું સારું. આજે જ મમ્મીને વાત કરીશ. અહીં ભલ્લુ અટક્યો.
મમ્મીને કહેવાથી શું વળશે ? મમ્મી બિચારી ઘરમાં નોકરની જેમ સતત... ને વળી પપ્પા જે હાથમાં આવે તે સીધું મમ્મી પર...
ભલ્લુને યાદ કરવું ગમ્યું નહિં. તેનું મન વધુ ઉદાસ થવા લાગ્યું. ચિત્તમાં ઊથલ પાથલ થવા લાગી. તેણે પોતાની સાથે ભણતા છોકરા-છોકરીઓને જોયા કર્યું. બધા કેવા આનંદથી બેઠા છે ! કોઇને કાંઇ જ તકલીફ નથી. જ્યારે મારે તો રોજનું ઇનું ઇ જ. જાવું ક્યાં ? મમ્મી આખો દિવસ ડરતી ડરતી કામ કર્યા કરે. કાંઇ ફરિયાદ કરું તો બાથમાં લઇ વહાલ કરે. તે પછી રડી પડે. તે દી' નાનીમા આવ્યા હતા. એમણે કહેલું, ભલ્લુ તું હવે મારી સાથે ચાલજે. ત્યાં ભણજે. આ સાંભળીને શું નું શું થઇ ગ્યું તું.
બસ હવે તો મજા જ મજા. મામા-મામીના ઘેર પીન્ટુભાઇ ભેગો નિશાળે જઈશ. મામા ઈસ્કૂટર પર બેસાડશે. રમકડાં લઇ દેશે. જ્લસા થઇ પડશે.
બપોરે પપ્પાને ખબર પડતાં વેંત જ ત્રાટક્યા. મમ્મી સાથે ઝગડો કર્યો. નાની ઈ જ બપોરે જતા રહ્યા. મમ્મી સાંજ સુધી રડતી રહી. તે દી'તો થયેલું કે એકાદ પથરો ઉપાડીને દીધો હોયને માથામાં. ખબર તો પડે કે બીજાને મારવું કેમ છે. મમ્મીને તો એ વારંવાર...
ભલ્લુથી અનાયાસે એક ડૂસકું નીકળી ગયું. રેખાબેને એકદમ એની સામે જોયું. તે નીચું જોઇ ગયો પણ પછી એ વારેવારે બેન સામે જોવા લાગ્યો. બેન ભણાવતા હતા ત્યારે એવું લાગતું હતું કે તેની સામે જોઇ રહ્યા છે. ભલ્લુને આજે બેન કંઇક જુદા અને નવા લાગતા હતા. એને એવું લાગતું હતું બેનમાં મમ્મી જેવું ઘણું બધું છે. અવાજ પણ મમ્મી જેવો જ મીઠો, વળી સાડી પણ મમ્મીની જેમ સંભાળીને, ગોઠવીને પહેરે છે. બેન ગુસ્સે નથી થતા તેમ મમ્મી પણ ક્યારેય ગુસ્સે થતી નથી. પણ આ પપ્પાને કોણ જાણે શું થઇ જાય છે. તે મમ્મી પર...
રેખાબેને ભણાવવાનું શરૂ કર્યું. ગાંધીજીની ઘણી વાતો કરી. ભલ્લુને લાગ્યું જાણે રેખાબેન આજે તેને એકલાને જ ભણાવવા બેઠા છે. બે ચાર વાર મલક્યા પણ ખરા. ભલ્લુની આંખોમાં ચમક આવી. તેને થયું ગાંધીજીની જેમ હું પણ બધું સાચું કહી દઈશ. બેન પૂછશે તો બધુ કહી દઈશ. ભલેને પપ્પાનું ખરાબ લાગે. તેણે વાંચ્યું, લખ્યું, સાંભળ્યું. ખબર ન પડી તેમ રીશેષનો સમય થઇ ગયો.
રીશેષનો ઘંટ વાગતાં જ છોકરા પોત-પોતાના દફતરમાંથી નાસ્તાના ડબ્બા કાઢતાંક બહાર દોડ્યા. ભલ્લુ મૂંગો થઇ ગયો. રેખાબેને દફતરનું કડૂં રમાડી રહેલા ભલ્લુ સામે જોયું. ભલ્લુ રેખાબેનને જોઇ રહ્યો.
ભાવિન નાસ્તો નથી લાવ્યો બેટા ? ભલ્લુ રડમસ ચહેરે બેન સામે જોઇ રહ્યો. અહિં આવ તો.
ભલ્લુ ઢીલા પગલે બેનની ખુરશી પાસે જઇને ઊભો રહ્યો. તેની આંખોમાં આંસુ તગતગી રહ્યા.
રડીએ નહિં બેટા ! શું વાત છે ? મને નહિ કહે ? ભલ્લુએ ભીંતો સામે જોયું. અને બેનની આંખોમાં જોઇ રહ્યો. તેને એવું લાગ્યું જાણે ખુરશી પર મમ્મી બેઠી છે. તેણે ખુરશીનો હાથો પકડ્યો. બેનની સાડી તેને અડવા લાગી. બેનનો હાથ ભલ્લુની પીઠ પર ફર્યો. ભલ્લુએ સ્હેજ નીચે જોયું અને ફરી બેનની આંખોમાં તાકી રહ્યો. ગળું સાફ થવા લાગ્યું. આંખોમાં પાણી અટકી ગયું. તેની જીભ ખુલી ગઇ. બેન શાંતિથી તેને સાંભળવા લાગ્યા. ભલ્લુએ બધુ જ કહી દીધું. ભલ્લુની પીઠ પર ફરતો બેનનો હાથ સ્હેજ અટક્યો. તે બારી બહાર જોવા લાગ્યા.
લોબીમાંથી કોઇ પુરુષ પસાર થઇ ગયો. બેનની આંખો દૂર દૂર પહોંચી ગઇ. બેન ચૂપ થઇ ગયા હતા. છતાં બોલતા હતા તે ભલ્લુને સંભળાતું ન હતું.
સારું થયું એ ગાળામાં મક્ક્મતા કેળવી. બાળકો થવા દીધા હોત તો એ મને ડીવોર્સ આપત ખરો ? અને ડીવોર્સ ન લીધા હોત તો આજે ભાવિનની મમ્મીની જેમ હું પણ ત્યાં... અને મારો ભાવિન પણ આમ જ...
રેખાબેન હજી બારી બહાર તાકી રહ્યા હતા.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oshpyw6Nk02eYeVqSXNWGR58n-8TtGH7rOSMFKUC8D7Dg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment