દિવસના સમયે શુગર ઘટે તો વ્યક્તિ તરત જ કંઈ ખાઈ લે એટલે એ શુગરને નિયંત્રણ કરી શકે છે, પરંતુ રાતના સમયે શુગર ઘટે તો વ્યક્તિ ઊંઘમાં જ કોમામાં જતી રહે અથવા મૃત્યુ પામી શકે છે. આ ગાંઠને ઇન્સ્યુલિનોમા કહે છે જે ૧૦ લાખ વ્યક્તિઓમાં એકથી પાંચ વ્યક્તિમાં જોવા મળી શકતો રોગ છે. હાલમાં મુંબઈમાં જ એક એવો કેસ જોવા મળ્યો, જે વિશે આજે જાણીએ
ટ્યુમર, જેને સાદી ભાષામાં આપણે ગાંઠ કહીએ છીએ, એ શરીરના કોઈ પણ ભાગમાં ઉદ્ભવી શકે છે અને એ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. આ ગાંઠ થવા પાછળ કયાં કારણો જવાબદાર છે એ આજ સુધી વિજ્ઞાન જાણી શક્યું નથી અથવા તો કહીએ કે દાવા સાથે કહી શકાયું નથી કે ગાંઠ આ કારણોસર જ ઉદ્ભવે છે. હાલમાં મીરા રોડમાં રહેતાં ૩૪ વર્ષનાં સુશીલા ચક્રવર્તીને વારંવાર શુગર ઘટી જવાની તકલીફ હતી. ખાસ કરીને આ દરદીને સવારે ૪-૬ના સમય દરમ્યાન ભયંકર નબળાઈ લાગતી અને એને કારણે ફિટ આવવાની શરૂઆત થઈ જતી. પહેલાં એવું લાગ્યું હતું કે તેમને કોઈ મગજની તકલીફ હોઈ શકે છે, પરંતુ તેમની બધી ટેસ્ટ નૉર્મલ હતી. તેમનું બ્લડ-શુગર લેવલ સતત ચેક કરવામાં આવ્યું અને એ દરમ્યાન જોવા મળ્યું કે જ્યારે અટૅક આવે છે ત્યારે શુગર-લેવલ ખૂબ જ નીચું જતું રહે છે. ત્યારે એ ખબર પડી કે આ દરદીને હાઇપોગ્લાઇસેમિયાની તકલીફ છે. જેવો તે ખોરાક લે તેમનું બધું નૉર્મલ થઈ જતું હતું. ટેસ્ટ દ્વારા એ પણ ખબર પડી કે ઇન્સ્યુલિન આ દરમ્યાન ખૂબ જ હાઈ થઈ જાય છે અને એને કારણે જ શુગર ઘટી જાય છે.
શુગર ઘટવી શુગર એકદમ ઘટી જવી, જે તકલીફને હાઇપોગ્લાઇસેમિયા કહે છે, એની પાછળ બીજાં ઘણાં કારણો હોઈ શકે છે. એ વિશે જણાવતાં વૉકહાર્ટ હૉસ્પિટલ, મીરા રોડના એન્ડોક્રાઇન સજ્ર્યન ડૉ. રિતેશ અગ્રવાલ કહે છે, 'સામાન્ય રીતે વ્યક્તિ લાંબા સમયથી ભૂખી હોય કે પછી કુપોષણનો શિકાર હોય તો એવી વ્યક્તિની શુગર ઘણી નીચે જતી રહે છે. આ સિવાય જો વ્યક્તિને હૉર્મોન્સ સંબંધિત તકલીફ હોય, જેમ કે થાઇરૉઇડ હૉર્મોન ઘટી જાય તો અથવા કૉર્ટિઝોલ હૉર્મોન ઘટી જાય તો પણ શુગર-લેવલ ઘટી જતું હોય છે. બાકી શુગરનું નિયંત્રણ કરતું હૉર્મોન ઇન્સ્યુલિન વધી જાય તો આ પરિસ્થિતિ આવે છે. જોકે ઇન્સ્યુલિન ઘટી જવું સામાન્ય છે. એમ થાય ત્યારે વ્યક્તિને ડાયાબિટીઝ થાય છે, પરંતુ વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા વધી જવી એ સામાન્ય નથી. ખૂબ જ ઓછા લોકોમાં આ તકલીફ જોવા મળે છે અને આ તકલીફ થવા પાછળના કારણમાં મુખ્ય કારણ છે પૅન્ક્રિયાસ, જેમાં ઇન્સ્યુલિન બને છે, એમાં કોઈ તકલીફ ઉદ્ભવવી.'
ગાંઠ સુશીલા ચક્રવર્તીને જે તકલીફ હતી એ ટેસ્ટ દ્વારા સામે આવી. એમાં ખબર પડી કે તેમના પૅન્ક્રિયાસ, જેને આપણે ગુજરાતીમાં સ્વાદુપિંડ કહીએ છીએ એમાં તેમને ગાંઠ નીકળી. સ્વાદુપિંડનું કામ છે પાચન માટે એન્ઝાઇમ બનાવવાના, જેને કારણે પાચન સરળ બને અને એની સાથે ઇન્સ્યુલિન બનાવવાનું કામ પણ સ્વાદુપિંડ કરે છે; જે ઇન્સ્યુલિન બ્લડ-શુગરને કન્ટ્રોલમાં રાખે છે. સ્વાદુપિંડ એક અંગ જ છે અને જેમ બીજાં અંગોમાં ગાંઠ થઈ શકે છે એમ સ્વાદુપિંડમાં પણ ગાંઠ ઉદ્ભવી શકે છે. જ્યારે એમાં ગાંઠ ઉદ્ભવે ત્યારે એના કામમાં પ્રૉબ્લેમ ઉદ્ભવે છે. એ વિશે વાત કરતાં ડૉ. રિતેશ અગ્રવાલ કહે છે, 'પૅન્ક્રિયાસમાં જે ગાંઠ ઉદ્ભવે છે એ કોષો ઇન્સ્યુલિનનું નર્મિાણ વધારે છે. એટલે જ આ ગાંઠને ઇન્સ્યુલિનોમા કહે છે. આ પ્રકારની ગાંઠ ખૂબ જ ભાગ્યે જોવા મળતી ગાંઠ છે. લગભગ ૧૦ લાખ લોકોએ એકથી પાંચ લોકોમાં આ ગાંઠ જોવા મળે છે. આ કેસમાં દરદીને એક ગાંઠ હતી. આજથી બે વર્ષ પહેલાં મારી પાસે જે કેસ આવેલો એમાં દરદીને ૧૧ નાની-નાની ગાંઠ હતી. આમ ઘણી વાર મલ્ટિપલ ટ્યુમર પણ હોઈ શકે છે.'
સર્જરી નિદાન થયા પછી ઇલાજ શરૂ થયો, જેમાં મુખ્ય વસ્તુ હતી સર્જરી. એ વિશે વાત કરતાં ડૉ. રિતેશ અગ્રવાલ કહે છે, 'આ સર્જરી ઘણી જ પેચીદી હોય છે. પૅન્ક્રિયાસ એક એવું અંગ છે, જેની સર્જરી જીવનમાં એક જ વાર કરી શકાય છે. વારંવાર એ શક્ય નથી. આ એક ખૂબ નાનું અંગ છે. સર્જરીમાં મોટા ભાગે ટ્યુમર જેટલો ભાગ કાઢી નાખવાનો હોય છે. આટલા નાના અંગમાં કેટલો ભાગ કાઢવો અને કેટલો રાખવો એ નિર્ણય ખૂબ જ મહત્વનો છે. આ દરદીનું ઑપરેશન સફળ રહ્યું અને તે અત્યારે એકદમ નૉર્મલ છે.'
દરદી અને ડાયાબિટીઝ સ્વાદુપિંડને લગતી બાબત છે એટલે લાગે છે કે કદાચ ડાયાબિટીઝના દરદીઓ સાથે સંલગ્ન હોઈ શકે છે. શું આ રોગનો ડાયાબિટીઝ સાથે કોઈ સંબંધ છે ખરો? આ પ્રfનનો જવાબ આપતાં ડૉ. રિતેશ અગ્રવાલ કહે છે, 'ડાયાબિટીઝના દરદીઓને આ રોગ થઈ શકે એવું નથી, પરંતુ જ્યારે આ રોગ ડાયાબિટીઝના દરદીને થાય ત્યારે કૉમ્પ્લીકેશન ખૂબ વધારે હોય છે. ડાયાબિટીઝના દરદીઓમાં કોઈ પણ જાતની સર્જરી અઘરી જ રહે છે. એમાં પણ પૅન્ક્રિયાસની સર્જરી તો ઘણી અઘરી બની જાય છે. બીજું એ કે જોવા મળ્યું છે કે જે લોકોને આ ગાંઠની તકલીફ હોય છે એ દરદીઓમાં સર્જરી પછી ક્યૉર થઈ ગયા બાદ લાંબા ગાળે ડાયાબિટીઝનું રિસ્ક વધી જતું હોય છે. એટલે કે આ દરદીઓને ભવિષ્યમાં ડાયાબિટીઝ આવવાનું રિસ્ક બીજા લોકો કરતાં વધુ હોય છે.'
રિસ્ક જ્યારે કોઈ વ્યક્તિને સ્વાદુપિંડની અંદર ગાંઠ હોય ત્યારે તેને આ તકલીફ છે એનું નિદાન અત્યંત અઘરું છે, કારણ કે જે લક્ષણો છે એ શુગર ઘટી જવાને લીધે આવતાં લક્ષણો છે. શુગર જ્યારે ઘટી જાય ત્યારે વ્યક્તિ ખોરાક લઈ લે તો તે ઠીક થઈ જાય છે. એટલે લાગે છે કે નબળાઈ જ હશે એટલે આવું થયું હતું. દિવસે તો હજી પણ વાંધો આવતો નથી, જ્યારે રાત્રે વ્યક્તિની શુગર ઘટી જાય છે ત્યારે ઊંઘમાં એકદમ તેને ખબર પડતી નથી કે તેને નબળાઈ છે અને તરત જ કંઈ ખાવું જરૂરી છે. આવા સંજોગોમાં જો શુગર એકદમ જ ઘટી ગઈ તો વ્યક્તિ તરત જ કોમામાં સરી પડે છે અથવા તેનું મૃત્યુ પણ થઈ શકે છે. કોઈ પણ ટ્યુમર ઘાતક નીવડી શકે છે, પરંતુ ઇન્સ્યુલિનોમા ટ્યુમર ખૂબ જ વધુ રિસ્કી છે અને રોગના નિદાન પહેલાં જ એમ બને કે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. એટલે જ આ રોગમાં તાત્કાલિક ઇલાજ અત્યંત જરૂરી છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov7NkMGvNNGPqpUBwYYjojw40_yyDR-%2BnqHFB33YC%2B89w%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment