Sunday, 17 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બાળકોમાં વધતું ભણતરનું સ્ટ્રેસ ઍક્યુટ ઍસિડિટીને આમંત્રે છે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બાળકોમાં વધતું ભણતરનું સ્ટ્રેસ ઍક્યુટ ઍસિડિટીને આમંત્રે છે!
જિગીષા જૈન

 

 

 

 

આજથી ૧૦-૨૦ વર્ષ પહેલાં કોઈને કહો કે સ્કૂલ જતાં બાળકોને ઍસિડિટીની તકલીફ થઈ રહી છે તો તે માને જ નહીં, પરંતુ આજે નાની ઉંમરે ઍસિડિટીની તકલીફ વેઠતાં બાળકોની કમી નથી. આમ તો ઍસિડિટી પાછળ અગણિત કારણો હોઈ શકે છે; પરંતુ નાનાં બાળકોમાં મુખ્ય કારણો જે જોવા મળે છે એ તેમની બદલાયેલી લાઇફ-સ્ટાઇલ, ઓછી ઊંઘ, ખોટો ખોરાક અને વધુપડતું સ્ટ્રેસ છે. આગળ જતાં આ ઍક્યુટ ઍસિડિટી અલ્સર કરે કે બીજી તકલીફો ઊભી કરે એ પહેલાં ચેતવું સારું


કેસ-૧: સાતમા ધોરણમાં ભણતા યશને છેલ્લા કેટલાય વખતથી એક પ્રૉબ્લેમ થાય છે, જેમાં તે રાત્રે સૂતો હોય ત્યારે તેને એકદમ જ ઊલટી જેવું લાગે અને ઊલટી થાય પણ. પેટ ખેંચાય અને જબરદસ્ત ઊલટી થાય. પછી તે સૂઈ જાય. પેરન્ટ્સને લાગ્યું કે કંઈ આડુંતેડું ખવાઈ ગયું હશે એટલે ફૂડ-પૉઇઝનિંગ જેવું કદાચ કંઈ થઈ જાય છે. તેમને લાગ્યું તેમના દીકરાને બહારનું ખાવાનું કદાચ માફક આવતું નથી. પહેલાં તો મહિનામાં એકાદ વાર આવું થતું, પરંતુ જ્યારે એનું પ્રમાણ વધ્યું ત્યારે વધારે તપાસ કરાવી તો ડૉક્ટરનું કહેવું એ જ હતું કે તેને ખૂબ ઍસિડિટી થઈ જાય છે, જેને લીધે તેને આ ઊલટીઓ થાય છે.


કેસ-૨: દસમા ધોરણમાં ભણતી સ્વરાને છેલ્લાં ચાર વર્ષથી ઍક્યુટ પ્રૉબ્લેમ છે ઍસિડિટીનો. પહેલાં તો તેને ક્યારેક જ એવું લાગતું કે તકલીફ છે, પરંતુ ધીમે-ધીમે એ વધતી ચાલી. ખાટા ઓડકારથી એની શરૂઆત થઈ હતી અને હવે એ હાલત છે કે ઘરનું તળેલું કે થોડુંક પણ મરચું નાખેલું ખાય તો તેને ભયંકર બળતરા થવા લાગે છે. એન્ડોસ્કોપી કરાવી તો ખબર પડી કે તેનો સતત રહેતો ઍસિડિટીનો પ્રૉબ્લેમ અલ્સરમાં બદલાઈ ચૂક્યો છે. હાલમાં તેને દવાઓ પર રાખી છે, પરંતુ જો એ દવાઓથી ન મટ્યું તો કદાચ સર્જરી આવે.


સ્કૂલમાં ભણતાં આપણાં બાળકો એટલે કે આશરે વિચારીએ તો સાત વર્ષથી લઈને ૧૬ વર્ષ સુધીની ઉંમર ધરાવતાં બાળકોમાં આજકાલ ઍસિડિટીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આજથી ૧૦-૨૦ વર્ષ પહેલાં ઍસિડિટી મોટા ભાગે ઉંમરલાયક વ્યક્તિઓનો પ્રૉબ્લેમ ગણાતી. જેમનું પાચન મંદ થઈ ગયું છે એવા લોકોને જ ઍસિડિટી થાય એવું મનાતું. બાળકોને ઍસિડિટી થઈ શકે એ આજથી વીસ વર્ષ પહેલાં કોઈ સાંભળે તો પણ હસી દે કે આવું તો શક્ય જ નથી. પરંતુ ઘરે-ઘરે જોવા મળતી હાલત અને નિષ્ણાતોના મત અનુસાર બાળકોમાં ઍસિડિટી હવે અત્યંત કૉમન બનતી જાય છે.


ઓળખ
બાળકોમાં ઍસિડિટીનું પ્રમાણ વધે એ કઈ રીતે ખબર પડે છે એ બાબતે વાત કરતાં ડૉ. રોય પાટણકર કહે છે, 'એ હકીકત છે કે સ્કૂલ જતાં બાળકોમાં ઍસિડિટીની તકલીફ વધી છે. મોટા ભાગે પેટમાં કે છાતીમાં બળતરા, ખાટા ઓડકાર કે ખાટી ઊલટીથી આ શરૂઆત થાય છે. બાળક નાનું હોય તો તેને ઊલટીઓ થાય છે. સામાન્ય શરૂઆત થાય ત્યારે જ ચેતી જાઓ અને કઈ જગ્યાએ ગરબડ થઈ રહી છે એ ડૉક્ટર પાસેથી નિદાન મેળવો અને એ મુજબ જરૂરી ફેરફાર કરી દવાઓ લઈ આ તકલીફને ત્યાં જ ઠીક કરો એ જરૂરી છે. ઍસિડિટી એક પ્રૉબ્લેમ જ નથી, ઘણી વાર એ મોટા પ્રૉબ્લેમ્સને સૂચવતું એકમાત્ર ચિહ્ન પણ હોઈ શકે છે. એટલે એને અવગણવું નહીં. ખાસ કરીને અમુક ચિહ્નો એવાં છે જે જોવા મળે તો તાત્કાલિક ડૉક્ટર પાસે ભાગવું. જ્યારે ઍસિડિટી ખૂબ વધી જાય ત્યારે અમુક ચિહ્નો વર્તાય છે; જેમ કે મળમાં કે ઊલટીમાં લોહી પડે, બાળકનું વજન એકદમ ઊતરી જાય, ભૂખ ઓછી લાગે વગેરે. આ ચિહ્નોમાં ચેતી જવું અને તાત્કાલિક ડૉક્ટર પાસે જવું.'


સ્ટ્રેસ
બાળકોમાં ઍસિડિટીનું ઘણું મહત્વનું કારણ છે તેમનું વધતું સ્ટ્રેસ. ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડિસીઝમાં પેપ્ટિક અલ્સર અને અલ્સરેટિવ કોલાઇટિસ આ બન્ને રોગ પાછળ જે મહત્વનું કારણ છે એ છે સ્ટ્રેસ. આ એક સાબિત થયેલું અને મેડિકલ સાયન્સે અપનાવેલું તથ્ય છે. એ વિશે વાત કરતાં ઝેન હૉસ્પિટલના ફાઉન્ડર ડિરેક્ટર તથા ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. રોય પાટણકર કહે છે, 'આજકાલ બાળકોની લાઇફ પહેલાં જેવી નથી રહી. ભાર સાથેનું ભણતર, એક્સ્ટ્રા ઍક્ટિવિટીને લીધે આખો દિવસનું ટાઇટ શેડ્યુલ, કૉમ્પિટિશનમાં પિસાતું બાળક માનસિક તનાવનો ભોગ બને એમાં નવાઈ નહીં અને આ વધુપડતું સ્ટ્રેસ તેમના શરીરમાં ઉદ્ભવતા ઍસિડ પર સીધી અસર કરે છે. જે વ્યક્તિ સ્ટ્રેસમાં વધુ રહે છે તેમના શરીરમાં ઍસિડનું પ્રમાણ વધી જાય છે, જેને લીધે આ તકલીફ સરજાય છે.'


ખોરાક-પાણી
બાળકોમાં ઍસિડિટીના વધતા પ્રમાણ પાછળ એક મહત્વનું કારણ છે તેમનો બદલાયેલો ખોરાક. એ બાબતે વાત કરતાં ક્રિટિકૅર હૉસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, 'મારી પાસે એવાં ઘણાં બાળકો આવે છે જેમને નાની ઉંમરમાં આ તકલીફ શરૂ થઈ ગઈ છે. આમ તો એની પાછળ ઘણાં કારણો છે, જેમાંનું એક છે ખોરાક. આજકાલ બાળકો બ્રેકફાસ્ટ વ્યવસ્થિત કરતાં નથી. સવારે ઊઠે એટલે ફક્ત દૂધ પીને સ્કૂલમાં ભાગે. સ્કૂલ- કૅન્ટીનમાં જે મળે એ ખાઈ લે. આજકાલ બાળકોને બહારનો ખોરાક ભાવે છે પણ વધુ અને એ લોકો એને કારણે ખાય છે પણ વધુ. પહેલાંનાં બાળકો બહારનો ખોરાક વધુ ખાતાં નહીં. આ સિવાય પૅકેટ ફૂડ, ચાઇનીઝ, આર્ટિફિશ્યલ કલર, ફ્લેવર્સવાળા ખોરાક આ બધું જ શરીરના પાચનને ખરાબ કરે છે, ઍસિડની માત્રા વધારે છે અને આગળ જતાં મોટા પ્રૉબ્લેમ્સ માટે કારણભૂત બને છે. ઘણાં બાળકો પાણી ઓછું પીએ છે. યુરિન પાસ કરવા વારંવાર ન જવું પડે એ બીકે અથવા કોઈ પણ બીજા કારણે જો બાળક પાણી ઓછું પીતું હોય તો પણ તેને ઍસિડિટી વધુ થવાની શક્યતા છે.'


ઊંઘ
સ્કૂલ જતાં બાળકોમાં ઊંઘનું પ્રમાણ પણ ઓછું થઈ રહ્યું છે. બાળકો ઓછું સૂવે અથવા રાત્રે મોડાં સૂવે અને સવારે મોડાં ઊઠે. કોઈ દિવસ પાંચ કલાક સૂવે અને કોઈ દિવસ એકસાથે ૧૦ કલાક સૂઈ જાય. આ બધી જ આદતો વધતી ઍસિડિટીને નિમંત્રણ આપે છે. એ વિશે વાત કરતાં સ્લીપ ડિસઑર્ડર ક્લિનિક, બાંદરાનાં સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ અને ન્યુરોલૉજિસ્ટ ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, 'ભારતીય બાળકો પર અપૂરતી ઊંઘનું રિસ્ક ઘણું વધતું જઈ રહ્યું છે. એની પાછળ અમુક કારણો જેમ કે વાતાવરણમાં વધતું નૉઇઝ-પૉલ્યુશન, શહેરી લોકોમાં વધતું જતું લાઇટ-એક્સપોઝર પણ એટલું જ જવાબદાર હોઈ શકે છે. મહત્વની વાત એ છે કે ઊંઘનો પાચન સાથે સીધો સંબંધ છે. જે બાળકોની ઊંઘ વ્યવસ્થિત નથી તેમનું પાચન વ્યવસ્થિત નથી થતું અને તેમને ઍસિડિટી પણ વધારે થતી હોય છે.'


શું કરવું?
૧. ભણતરનો ભાર ઘટાડવો મુશ્કેલ છે, પરંતુ બાળક પર બિનજરૂરી જે તનાવ છે એને દૂર કરવાની કોશિશ કરો. બાળકને જ્યારે બાળક સમજવામાં આવે, રોબો નહીં ત્યારે આ ભાર થોડો ઓછો થઈ શકે છે. દિવસમાં એવો સમય તેની પાસે હોવો જ જોઈએ જ્યારે તે કંઈ જ કરતું ન હોય, ફ્રી હોય. ૨૪ કલાક તેને વ્યસ્ત કરી દેવાની જરૂર નથી.

૨. બાળકને બહારના ખોરાકથી દૂર જ રાખો તો બેસ્ટ છે. જો ન રાખી શકાય તો તેને જેટલું બચાવી શકાય એટલું બચાવો. પોષણયુક્ત ઘરનો ખોરાક જ બાળક માટે બેસ્ટ છે.

૩. બાળકના સૂવાના કલાકો જ નહીં, તેનો સમય પણ નિશ્ચિત હોવો જોઈએ. આદર્શ રીતે સ્કૂલમાં ભણતાં બાળકોએ ૯-૧૦ વાગ્યે સૂઈ જ જવું જોઈએ અને વ્યવસ્થિત ૮-૧૦ કલાકની ઊંઘ લેવી.

૪. આટલું કરવા ઉપરાંત પણ જો બાળકને ઍસિડિટીની તકલીફ રહેતી જ હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો. બની શકે કે એ ઍસિડિટી પાછળ કોઈ બીજી પ્રક્રિયા જવાબદાર હોય. બાળકને મનફાવે એમ ઍસિડિટીની ગોળીઓ આપો નહીં.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsSbgxpLRc%2BpEOpU9k4mNRyhJfqTdfpS6aetve%2Bx%3DHEPA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment