|
નરીમાન પોઇન્ટથી શરૂ થયેલ ડાન્સબારે મુંબઈભરમાં રોનક જમાવી ક 1250 ડાન્સબારમાં 75,000થી વધુ યુવતીઓ કામ કરતી હતી ક 90ના દાયકામાં ગવળી અને નાઇક ગેન્ગ દ્વારા એક ડઝનથી વધુ બારમાલિકોની હત્યા કરાઈ મુંબઈની એક વખત ઓળખ સમા બની ગયેલ ડાન્સબાર ફરી ચર્ચાની એરણે ચડ્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ડાન્સબારમાં ફરી ઘૂંઘરું રણકતા થશે અને વ્યવસાય ધમધમતો થશે તેમ માનવામાં આવી રહ્યું છે. પરંતુ રાજ્ય સરકારના કડક વલણને કારણે છ દાયકા જૂનો આ વ્યવસાય શરૂ થાય તેમ લાગતું નથી. 2005માં ડાન્સબાર પર પ્રતિબંધ મુકાયો તે પહેલાં મુંબઈ અને તેની આસપાસ અંદાજે 1250 જેટલા ડાન્સબાર ચાલતા હતા. જેમાં 75,000થી વધુ યુવતીઓ તેમ જ 50,000થી વધુ પુરુષો કામ કરતા હતા. રાજ્ય સરકારના એક નિર્ણયથી રાતોરાત આ વ્યવસાય બંધ થઈ ગયો અને અંધકારમાં ધકેલાઈ ગઈ બારગર્લ તેમ જ અહીં કામ કરતાં કર્મચારીઓ.
મુંબઈમાં સૌથી પહેલાં 1960ના દાયકામાં નરીમાન પોઇન્ટના જોલી મેકર-2 નામની ઈમારતમાં પહેલા માળ પર ડાન્સબાર શરૂ થયો હતો. તે વખતે મુંબઈના અમીરજાદાઓ પોતાનો થાક ઉતારવા સાંજના સમયે અહીં આવતા હતા. એક સિંધી દ્વારા શરૂ કરાયેલ આ ડાન્સબારમાં આવતા માલેતુજારોએ પણ તેમાં અઢળક નફો જોયો અને મુંબઈ તેમ જ ઉપનગરના વિસ્તારોમાં ડાન્સબાર શરૂ કરવામાં આવ્યા. જોકે, જોલી મેકરના આ ડાન્સબારની ડાન્સર પર તે વખતની નામચીન પઠાણ ગેન્ગના એક પઠાણનું દિલ આવી ગયું હતું. જોકે, ડાન્સર તેને દાદ આપતી નહોતી. આથી ઉશ્કેરાટમાં તેણે આ ડાન્સરની હત્યા કરી નાખી હતી. આમ, મુંબઈના પ્રથમ ડાન્સબાર પર પડદો પડી ગયો હતો. જોકે આ દરમિયાન પારસી, કર્ણાટકના બંટર જાતિના લોકો, શેટ્ટી, ગૌડા અને પૂજારી જેવા ઉપનામ ધરાવનાર લોકોએ મુંબઈમાં ડાન્સબાર શરૂ કરી દીધા હતા. ફક્ત ઉડીપી રેસ્ટોરન્ટ ચલાવનારા આ લોકો હવે ડાન્સબારના માલિક બની ગયા હતા. તો સાથે સાથે પંજાબીઓ પણ પાછળ રહ્યા નહોતા. મનજીતસિંહ શેટ્ટી અને મનજીત અબ્રોલ જેવા લોકોએ પણ ડાન્સબારના ધંધામાં ઝુકાવ્યું હતું. તો અહીં આવતી ડાન્સરો ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને બંગાળની યુવતીઓ હતી. તેઓ ભણી તો નહોતી પરંતુ ગરીબીને કારણે ડાન્સર અને બારગર્લ બની ગયા બાદ કહી શકાય કે અમીર જરૂર બની ગઈ હતી. એબીપી ન્યુઝના સિનિયર જર્નાલિસ્ટ જિતેન્દ્ર દીક્ષિતે આ અંગે અનેક સ્ટિંગ ઓપરેશન કરી અને તેની કલમમાં આ ચિતાર પણ આપ્યો છે.
મુંબઈ ઉપરાંત આજુબાજુના રાજ્યો અને શહેરમાંથી પણ ખાસ કરીને ગુજરાતના રહીશજાદાઓ ડાન્સબારમાં આવવા મંડ્યા અને હજ્જારો રૂપિયા લૂંટાવા મંડ્યા. જેમાં અનેક ઘર બરબાદ થઈ ગયા. ડાન્સબારોની લોકપ્રિયતા જોઈ બોલીવૂડ પણ પાછળ ન રહ્યું અને તેની પર ફિલ્મો બનવા માંડી. ચાંદની બાર તેનું પ્રખ્યાત ઉદાહરણ છે. આ પિક્ચરમાં તબુએ ભજવેલી ભૂમિકા હજી પણ લોકોના ઝહનમાં છે. તો દર ત્રીજી ફિલ્મમાં ડાન્સબાર અને ડાન્સનું દૃશ્ય અચૂક હોય જ.
ગ્રાન્ટરોડનું ટોપાઝ તો ખૂબ જ પ્રખ્યાત બની ગયું હતું. અહીં ફિલ્મ અભિનેત્રીને ટક્કર મારે તેવી યુવતીઓ ડાન્સર બની હતી. કહેવાય છે કે, બોગસ સ્ટેમ્પ પેપરના આરોપી અબ્દુલ કરીમ તેલગીએ એક વખત 93 લાખ રૂપિયા એક જ રાતમાં અહીંની ડાન્સર પર ઉડાડ્યા હતા. તો 90ના દાયકામાં વેંકટેશન નામના એક ડીસીપીએ જ્યારે રેડ પાડી ત્યારે તેણે જોયું કે બે નગરસેવકો અહીં ડાન્સ જોઈ રહ્યા છે ત્યારે તેમણે ડાન્સરની જગ્યાએ આ નગરસેવકોને ડાન્સ કરાવ્યા હતા. ટોપાઝ ઉપરાંત સનસાઇન, દાદરનું બેવોચ હોય કે કરિશ્મા, અહીં રોજેરોજ નવી-નવી યુવતીઓ ડાન્સફ્લોર પર આવતી હતી. કોલાબાની બ્લુ નાઇલમાં તો સ્ટ્રીપ સ્ટ્રીઝ ડાન્સ થતો હતો. જેને જોવા લોકો તગડી ફી પણ ચૂકવતા હતા. અંધેરીના દીપા બારની ડાન્સર તરન્નુમ પણ વિખ્યાત બની ગઈ હતી. અહીં આવતા માલેતુજાર ગ્રાહકોમાં દેશ-વિદેશના ક્રિકેટરોનો પણ સમાવેશ થતો હતો. તરન્નુમના બંગલા પર પોલીસે જ્યારે રેડ પાડી ત્યારે કરોડો રૂપિયાની રોકડ ઉપરાંત સટ્ટાબાજીના સગડ પણ મળ્યા અને કેટલાક ક્રિકેટર અને બુકીઓ પર મુંબઈ પોલીસની તવાઈ આવી. કેટલાક ડાન્સબારોની કમાણી રોજની લાખો રૂપિયામાં થતી હતી. આ બારમાંથી સરકારને પણ અનેક પ્રકારના લાયસન્સ થકી કરોડોની આવક થતી હતી.
ડાન્સબારની કમાણી જોતાં અહીં અન્ડરવર્લ્ડની પણ એન્ટ્રી થઈ અને અહીં આવતા ગ્રાહકો ઉપરાંત માલિકો પાસેથી તગડી રકમની ખંડણી વસૂલ કરવામાં આવવાનો શિરસ્તો ચાલુ થયો. 90ના દાયકામાં અરુણ ગવળી અને અશ્ર્વિન નાઇકની ટોળકી દ્વારા અંદાજે એક ડઝન જેટલા ડાન્સબારના માલિકોની હત્યા કરવામાં આવી. ગેન્ગસ્ટર પણ હવે ડાન્સબારમાં પાર્ટનરશીપ લેવા માગ્યા. તો એક ચર્ચા મુજબ મુંબઈ પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણીઓએ પણ આ ધંધામાં તેમના નાણાંનું રોકાણ કરવાનું શરૂ કર્યું. સૂત્રોના જણાવ્યા મુજબ યુપીના દબંગ નેતાઓનું મોટું રોકાણ ડાન્સબારમાં થયું. જોકે, સાથે સાથે પોલીસના ખબરીઓ પણ અહીં આવવા મંડ્યા અને ગેન્ગસ્ટરની માહિતી પોલીસને મળવા માંડી. અંડરવર્લ્ડ ડોન અમર નાઇકનો ખોફ જ્યારે 90ના દાયકામાં ટોચ પર હતો ત્યારે મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ સ્વર્ગીય વિજય સાળસકરે ડાન્સબારના ખબરીઓ દ્વારા માહિતી મેળવી અમર નાઇકનું ઢીમ ઢાળી દીધું હતું અને નાઇક ગેન્ગની કમર તૂટી ગઈ હતી.
બીજી બાજુ આવા ગેરકાયદે કામોને કારણે ડાન્સબાર કુખ્યાત થઈ ગયા અને અંડરવર્લ્ડનો પ્રવેશ થયા બાદ ખૂનામરકી વધી જતાં 2005માં ડાન્સબાર પર મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધ મૂકી દીધો. જોકે, તેમ છતાં હજી પણ મુંબઈ પોલીસના નાક નીચે અનેક જગ્યાએ ગેરકાયદે ડાન્સબાર ચાલી જ રહ્યા છે. એબીપી ન્યુઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન હાથ ધરી અને પોલીસની મિલીભગતથી ચાલતા આવા કૌભાંડનો પર્દાફાશ પણ કર્યો હતો. હવે જોવાનું એ છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શું મહારાષ્ટ્ર સરકાર કડક શરતો સાથે ડાન્સબાર ચલાવવાની પરવાનગી આપશે કે છેલ્લાં અનેક વર્ષોમાં થતું આવ્યું છે તેમ ફરી સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી આ મામલાને ટલ્લે ચડાવશે? |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsnaDaSVN8fRUY8ck8ozU2vj5zY%3DRY%2BiJm5nSQFA8Ad7w%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment