Wednesday, 20 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મધર ટંગના ચિંતાકારો... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મધર ટંગના ચિંતાકારો!
મન્નુ શેખચલ્લી

 

 

 

 

આવતી કાલે 'વર્લ્ડ મધર ટંગ ડે' છે! સાલું, 'માતૃભાષા દિવસ'નું નામ પણ અંગ્રેજો જ પાડે! કેવું કહેવાય નહીં?


આ દિવસે માતૃભાષાની ચિંતા કરવાનો રિવાજ છે. (કાલે બહુ બધા લોકો ચિંતામાં હશે કે અરેરે! ગુજરાતીનું શું થશે?) આ તો સારું થયું કે ગુજરાત સરકારે ગયા વરસથી પહેલા ધોરણમાં ગુજરાતી વિષય ફરજિયાત કરાવ્યો છે, હવે 12 વરસ પછી જ ખબર પડશે કે બિચારી ગુજરાતી કેટલે પહોંચી!


જે દિવસે માણસ જીભ ઉપર વસ્ત્રો પહેરતો થઈ જશે એ દિવસ માતૃભાષાનો મૃત્યુદિન હશે


તો ત્યાં સુધી કરવાનું શું? ગુજરાતીની ચિંતા! લો, અહીં ત્રણ 'ચિંતાકારો'ની ચિંતાના નમૂના રાખ્યા છે. વાંચો...


ચિંતાકાર 1. એક શહેરી વિદ્યાર્થી:


મિન્સ કે મધર ટંગ ડેનો આખો કન્સેપ્ટ બહુ સારો છે. આપડાને આપડી મધર ટંગનું પ્રાઉડ ફીલ થવું જ જોઈએ. જે લોકો આપડી ગુજરાતી મધર ટંગમાં રાઇટિંગ કરે છે એ લોકોને તો હેટ્સ ઓફ છે. બિકોઝ ગજરાતીનું કી-બોર્ડ બઉં વ જ ટફ હોય છે. મિન્સ કે એટલું ટફ કે ઓન્લી એન્ટ્રી લર્ન કરવામાં જ સિક્સ મન્થ્સ નીકલી જાય છે.


આટલી ટફ લેંગ્વેજને આપડે સેવ કરવી જ પડશે. સ્કૂલ્સ એન્ડ કોલેજીસમાં મોસ્ટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ બી ગુજરાતીમાં એઇટી અપ માર્ક્સ સ્કોર કરી શકતા નથી. એ જ બતાડે છે કે ઇવન મેથ્સ-સાયન્સ કરતાં બી ગુજરાતી ઇઝ મોર ટફ.


યુસી, ઇઝી થિંગ્સનું પ્રાઇડ ફીલ કરવાનું ઇઝી છે. ફોર એક્ઝામ્પલ નેટ સર્ફિંગ એન્ડ પબજી ગેમ એટ સેટેરા. બટ ટફ થિંગ્સનું પ્રાઇડ વન્સ ઇન અ યર તો થવું જ જોવે. આઇ લવ ગુજરાતી. સ્પેશિયલી ગુજરાતી ફૂડ! યુનો, ઢોકલાઝ એન ઓલ! એન્ડ ઓલ્સો ગુજરાતી ગરબાઝ.


ચિંતાકાર (2) એક ગામડિયો:
અમારા ગોંમના એક ઝભ્ભાવારા મોંણહ બઉ ભણેલા છ. એ કે'તા'તા કે આપડી ભાશા હોંમે જોખમ છ. આપડે આપડી ભાશા બચાવ્વાની છ.


મેં કીધું, તમતમારે શોંતિથી ઊંઘી જવ, મું બેઠો છું ન! હાહરીનો ભાશાને મારવા કોઈ આયો છ તો પચ્ચા મોંણહનું ટોરું લઈને હોંમોં થઈશું! ધારિયોં, દાતૈડોં, લાકડીઓ લઈન એવા ફરી વરીશું કે હહરીનો આપડી ભાશા હોંમુ જોવાનું જ ભૂલી જોંય.


હમજ છ હું ઇનોં મનમોં? અમારી ભાશાને મારવા આયા છો? પેલા ઝભ્ભાવારા કાકા કે'તા'તા કે ભાશા મરી જશે... મરી જશે... મેંકુ, ઇમ શેની મરવા દઈએ, હાહરીને? હાહુને, ઘરમોં ઘાલીને તારાં મારી, પૂરી જ ના મેલીએ?... ભાશા બાર નેકરે તો કોઈ ઇને વતાવે કે?


ચિંતાકાર (3) એક સાહિત્યકાર:
માતૃભાષા તો માણસની ત્વચા છે. એ જન્મની સાથે જ આવે છે અને મૃત્યુપર્યંત સાથે રહે છે. ત્વચાને તમે વસ્ત્રોથી ઢાંકી શકો, પણ જીભની ત્વચાને કોઈ વસ્ત્રો પહેરાવી શકાતાં નથી, કારણ કે જીભ એ માતૃભાષાનું વતન છે.


જે દિવસે માણસ જીભ ઉપર વસ્ત્રો પહેરતો થઈ જશે એ દિવસ માતૃભાષાનો મૃત્યુદિન હશે. જીભ નગ્ન છે માટે જ જીભ સત્ય છે. જીભ ઉપરથી જે લાળ ટપકે છે તે માતૃભાષાનો મમતાભર્યો રસ છે. જીભ જે થૂંક ઉડાડે છે તે માતૃભાષાના આવિર્ભાવનું પ્રગટ સ્વરૂપ છે. આપણે જો આપણી જીભની ભાષાને જિવાડવી હશે તો રોજ સવારે ઊલ ઉતારવી જ પડશે.


હવે પૂછો કે જીભની અંદર, ગળામાં જે લટકે છે, તે કાકડા શું છે? અરે! કાકડા તો આપણી માતૃભાષાનો મુગટ છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsjRJYMYRfYfB5Fn3agODNfyWhRc182BoDmqgt%2BRScT2A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment