Saturday, 2 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આપણે નકામાં નથી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આપણે નકામાં નથી!
એક વાતની સો વાત :- દીપક સોલિયા

 

 

 


હું શું કરી શકું?  કરવાં જેવાં અનેક કામ, અનેક સુધારા, અનેક ઝૂંબેશ ચારે તરફ જાણે મારી રાહ જોઈ રહ્યાં છે, પણ હું શું કરું? શરૂઆત ક્યાંથી કરું? હું કેટલું કરું? અને હું ગમે તેટલું કામ કરું તો પણ સરવાળે ઝાઝો ફ્રક તો ઝાઝો પડવાનો નથી. તો કરવું શું?


આ સવાલનો જવાબ વિચારતાં પહેલાં આ એક બહેનનો કિસ્સો બરાબર સમજી લઈએ.


એમનું નામ છે મેરિયેન ગી. એ કેનેડામાં ઓટ્ટાવા ખાતે રહે છે. એમને મધપૂડા ઉછેરવાનો શોખ છે. એમણે જોયું કે કેનેડામાં ઝડપભેર મધપૂડાની સંખ્યા ઘટી રહી છે. એનું કારણ એ છે કે મધમાખીઓને મધ માટે ફૂલ જોઈએ, પણ હવે ઠેર ઠેર ઊગી નીકળેલાં મોટાં-મોટાં શહેરો અને એકસરખો પાક ધરાવતાં (ફૂલોના વૈવિધ્ય-વિપૂલતા વિનાનાં) ખેતરોને લીધે મધમાખીઓને પૂરતાં ફૂલ, પૂરતો ખોરાક નથી મળતાં. આટલું ઓછું હોય તેમ ઠેર ઠેર છંટાયેલી જંતુનાશક દવાઓ કોઈ રીતે મધમાખીઓના પેટમાં પણ જતી હોવાથી એમની વસતિ ઘટી રહી છે. આ સિવાયનાં પણ કેટલાંક મહત્ત્વનાં કારણો છે, મધમાખીઓની ઘટતી વસતિ માટેનાં. તો, મધમાખીની વસતિ વધારવા શું થઈ શકે એ વિશે વિચારતાં મેરિયેનબહેનને સમજાયું કે વધુ ફૂલો ઊગે, જંતુનાશકોનો વપરાશ ઘટે અને આપણી આસપાસની, ઘર-ઓફ્સિ-રસ્તાઓમાંની જમીનનો ઉપયોગ અનાજ-શાકભાજી ઉગાડવા માટે થાય (જેથી અનાજ ઉગાડવા માટે વપરાતી જમીન થોડી ફજલ પડે તો ત્યાં ફૂલવાળાં છોડ ઊગે અને તે ફૂલ મધમાખીને ખોરાક પૂરો પાડે) તો મધમાખીની વસતિ વધે.


ટૂંકમાં ઘણું બધું થાય તો થોડો ફ્રક પડે, પણ આવું તો થવાનું જ નથી. આખો સમાજ એકી સાથે આટલો બધો સમજદાર અને જવાબદાર બને એ શક્ય નથી. આ હકીકત જ્યારે મેરિયેનમેડમને સમજાઈ ત્યારે એમણે ભારે હતાશા અનુભવી.પછી એક દિવસ અચાનક એમને બ્રહ્મજ્ઞાન લાધ્યું. મધની ખેતીમાં ઊંડાં ખૂંપેલાં મેરિયેને જોયું કે કેનેડિયન મધમાખી ઉનાળામાં છ અઠવાડિયા અને શિયાળામાં વીસ અઠવાડિયાની જિંદગી જીવે છે. આ દરમિયાન એ મુખ્યત્વે એક જ કામ કરે છેઃ શક્ય તેટલી પરાગરજ ભેગી કરીને મધ બનાવવાનું કામ. મેરિયેન કહે છે, 'મધમાખીઓ કામ તો ખૂબ કરે છે, પરંતુ એ પોતાના માટે કામ નથી કરતી.' કેનેડાના લાંબા-બફ્ર્ીલા શિયાળામાં જ્યારે ફૂલ-પરાગરજની તંગી સર્જાય ત્યારે ભાવિ પેઢીની મધમાખીઓને અગાઉ એકઠું કરાયેલું મધ કામમાં આવે છે. ટૂંકમાં, વર્તમાન પેઢી ભાવિ પેઢી માટે કામ કરે છે. અને હા, મધમાખી ઝાઝું મધ એકઠું નથી કરી શકતી. મેરિયેન કહે છે, 'એક મધમાખી એની આખી જિંદગી દરમિયાન બહુ બહુ તો એક ચમચીના બારમા ભાગ જેટલું જ મધ એકઠું કરી શકે છે, પરંતુ એક-એક મધપૂડામાં અડધો લાખ મધમાખીઓ હોય છે અને આ બધી મધમાખીઓની જહેમતના સરવાળે અનેક લીટર મધ મધપૂડામાં એકઠું થાય છે.'


તો, મેરિયેનને જે બ્રહ્મજ્ઞાન લાધ્યું તે આ હતું, હું ભલે ઝાઝું કામ ન કરી શકું, પણ ચમચીના બારમા ભાગનું મધ એકઠું કરવા જેટલું કામ તો હું કરી જ શકું.


ચમચીનો બારમો ભાગ… આટલું કામ આપણાથી થઈ શકે. ભલે એ પ્રદાન નગણ્ય લાગે, પણ કામ કરનારાં આપણે એકલાં નથી હોતાં. બાકીનું કામ બીજાં લોકો કરશે. ટૂંકમાં, આપણે જગત સુધારવું હોય, પર્યાવરણ બચાવવું હોય, ઇન્ડિયાને નં. ૧ બનાવવું હોય તો ચમચીના બારમા ભાગ જેટલું પ્રદાન આપવું પૂરતું છે. ફ્ક્ત આટલું જ કરીને આપણે ગુજરી જઈએ તો પણ આપણે ગયા-ગુજર્યા ન ગણાઈએ.


અહીં તરત એવી દલીલ સૂઝે કે હું તો મારું કામ કરું, પણ બાકીનાંઓએ પણ એમનું કામ કરવું જોઈએ ને! મારે સ્વચ્છ ભારતનું નિર્માણ કરવું હોય કે મારે દેશમાં કોમી એકતા જોઈતી હોય ત્યારે હું તો મારા તરફ્થી ચમચીના બારમા ભાગ જેટલો ફળો નોંધાવતો જાઉં, પણ બાકીનાં લોકો પણ મારી જેમ (મારી દિશામાં, મારી સાથે) કામ ન કરે તો મધપૂડો ક્યાંથી ભરાય? દેશ કઈ રીતે બદલાય?


આ સવાલના જવાબમાં શું કહેશો?


મને એટલું સૂઝે છે કે અહીં પણ મધમાખીને ગુરુ બનાવવા જેવી છે. એક મધમાખી જ્યારે ફ્લ પર બેસીને રસ ચૂસતી હોય છે ત્યારે બીજી મધમાખીઓ શું કરે છે એ જોવા માટે મધમાખી ડાબે-જમણે ડાફેળિયાં નથી મારતી. એ બસ, પોતાનું કામ કરતી રહે છે, ફૂલમાંથી રસ ચૂસતી રહે છે અને પછી મધપૂડામાં મધ જમા કરાવતી રહે છે.


આ પોલિસી અપનાવવા જેવી છે. થાય એટલું કામ કરવું, દિલથી કરવું, દુનિયા હલાવી નાખવાના ધખારા  ન રાખવા, મારું કરેલું કેટલું સાર્થક નિવડયું એનો હિસાબ ન માંડવો. બસ, લગે રહો મુન્નાભાઈ… ચમચીનો બારમો ભાગ પૂરતો છે.


મધમાખીઓ પાસેથી આટલું શીખીએ તોય ઘણું.

ગુરુ મધમાખી દેવી કી જય હો!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuFFgeGZHnGeZ-gUyqxUg7OyhRujrmbcS-KoMxoSeqeSQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment