Tuesday, 12 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સીબીઆઇ ફીંડલું વળી જશે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સીબીઆઇ ફીંડલું વળી જશે?
રાજીવ પંડિત

 

 

 


પશ્ર્ચિમ બંગાળ સહિતનાં રાજ્યોમાં લાખો લોકોને રાતા પાણીએ રડાવનારા શારદા ચીટ ફંડ કેસમાં સીબીઆઇએ કોલકાત્તાના પોલીસ કમિશ્નર રાજીવ કુમાર પર હાથ નાખ્યો તેમાં મોટી બબાલ થઈ ગઈ. આ બબાલ સુપ્રીમ કોર્ટમાં પહોંચી પછી રાજીવ કુમારની ધરપકડ નહીં કરવા આદેશ અપાયો. તેના કારણે સીબીઆઇની ઈજ્જતનો કચરો થઈ ગયો. સીબીઆઇના ડિરેક્ટરપદ પર કબજો કરવા આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે થયેલી લડાઈના કારણે સીબીઆઇનો ચહેરો લોકો સામે આવી જ ગયેલો. સીબીઆઇના ટોચના અધિકારીઓ કરોડરજ્જુ વિનાના છે એ પહેલાં જ સાબિત થયેલું. અસ્થાના વર્સીસ આલોકની લડાઈએ તેમને ભ્રષ્ટ ને લાંચિયા પણ સાબિત કરી દીધા. એ મામલે કડછો મારીને નરેન્દ્ર મોદી સરકારે પણ સાબિત કરી દીધું કે, સીબીઆઇ સરકારની પાલતુ છે ને સરકારને પોતાને માફક ના આવે એવો અધિકારી ધોળે ધરમેય સીબીઆઇમાં ખપતો નથી.


આ ઓછું હોય તેમ બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં સીબીઆઇને સુપ્રીમ કોર્ટે ઝાટકી નાખી. પોતાના રાજકીય આકાઓને રાજી કરવા સીબીઆઇના કામચલાઉ ડિરેક્ટર નાગેશ્ર્વર રાવે અધિકારીઓની આડેધડ બદલી કરી નાખી તેમાં સુપ્રીમ કોર્ટ બગડી છે. સરકારને ખુશ રાખવા સીબીઆઇ સુપ્રીમ કોર્ટને પણ ઘોળીને પી ગઈ તેથી ભડકેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તો કહી દીધું કે, ગોડ સેવ યુ. મતલબ કે ભગવાન તમને બચાવે.


ચીફ જસ્ટિસે તો એક અધિકારીના સંદર્ભમાં આ કહ્યું પણ સીબીઆઇની જે હાલત છે એ જોતાં આ વાત તેને એકદમ લાગુ પડે છે. એક સમયે દેશની સૌથી ભરોસાપાત્ર તપાસ એજન્સી ગણાતી સીબીઆઇની આબરૂ સાવ ધૂળધાણી થયેલી છે. તેનું એ હદે પતન થયું છે કે, તેનું કામ સત્તામાં બેઠેલા લોકો આપે તેની સોપારી લેવાનું થઈ ગયું છે. સીબીઆઇ સ્વાયત્ત છે ને તેનું કામ કોઈ પણ કેસની તટસ્થ ને ન્યાયી તપાસ કરવાનું છે. તેના બદલે સીબીઆઇના અધિકારીઓ કેન્દ્રમાં જેની સત્તા હોય તે પક્ષના રાજકારણીઓ સામે પૂંછડી પટપટાવ્યા કરે છે, તેમનાં તળિયાં ચાટ્યા કરે છે. સીબીઆઇના અધિકારીઓ કરોડરજ્જુ વિનાના ને નૈતિકતા વિનાના છે. તેમને કોઈ વાતનો છોછ કે શરમ નથી. એ લોકો સત્તામાં બેઠેલા લોકોના ઈશારે ગમે તેને ફસાવી પણ શકે છે ને ગમે તેને જવા પણ દઈ શકે છે.


સીબીઆઇનો રેકોર્ડ આ વાતનો પુરાવો છે. સીબીઆઇ જે કેસોની તપાસ કરે તેમાં સજા થઈ હોય એવા કેસોનું પ્રમાણ ઊંચું છે. સીબીઆઇનો કન્વિક્શન રેટ ૬૫ ટકાની આસપાસ છે. એ રીતે જોઈએ તો સીબીઆઇ બહુ સફળ એજન્સી લાગે પણ આ આંકડા છેતરામણા છે. સીબીઆઇ નાના નાના કેસોમાં બહુ સ્ફૂર્તિ બતાવે છે ને કોઈને ને કોઈને સજા કરાવી જ દે છે. એ લોકો ખરેખર દોષિત હોય છે કે નહીં એ રામ જાણે પણ સીબીઆઇ તેમની સામે પુરાવા મૂકીને દોષિત ઠેરવી દે છે. એ જ સીબીઆઇ હાઈ પ્રોફાઈલ કેસોમાં સાવ પાંગળી સાબિત થાય છે ને લિટરલી સત્તામાં બેઠેલા લોકોનાં તળિયાં ચાટે છે. સત્તા બદલાય એમ તેનું વલણ પણ બદલાય છે.


આ પ્રકારના મોટા ભાગનાં કેસોમાં વરસો લગી તપાસ ચાલ્યા જ કરે છે ને છેવટે દળી દળીને ઢાંકણીમાં જેવો ઘાટ થાય છે. માનો કે રાજકીય દબાણ હેઠળ કોઈ કેસમાં સીબીઆઇ સ્ફૂર્તિ બતાવી દે તો પણ સત્તા બદલાય પછી એ ગુલાંટ લગાવી દે છે. ગુજરાતનો સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસ તેનો વરવો નમૂનો છે.


સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસરબી અને સોહરાબુદ્દીનના ગોઠિયા તુલસીરામ પ્રજાપતિ મળીને કુલ ૩ જણનાં ગુજરાત પોલીસે ૨૦૦૫માં એક એન્કાઉન્ટરમાં ઢીમ ઢાળી દીધેલાં. એ વખતે ગુજરાત પોલીસે જાહેર કર્યું કે, આતંકવાદી સોહરાબુદ્દીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવેલો. પોલીસને જોઈને તેણે ગોળીબાર કર્યો ને સામો પોલીસે ગોળીબાર કર્યો તેમાં સોહરાબુદ્દીન ઢબી ગયો. થોડા મહિના પછી તુલસીરામ પણ એન્કાઉન્ટરમાં ઢળ્યો. થોડા મહિના પછી મીડિયાએ ખણખોદ કરીને શોધી કાઢ્યું કે, સોહરાબુદ્દીન આતંકવાદી નહોતો ને તેને પોલીસે નકલી એન્કાઉન્ટરમાં પતાવી દીધેલો. એ વખતે કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી તેથી તેને ભાજપ સરકારની મેથી મરાય તેમાં રસ હતો તેથી તેમણે પૂરી મદદ કરી ને છેવટે કેસ સીબીઆઇને સોંપવો પડેલો.


સીબીઆઇએ કરેલી તપાસ પ્રમાણે, સોહરાબુદ્દીન હૈદરાબાદથી સાંગલી આવતો હતો ત્યારે ડી. જી. વણઝારાની એટીએસની ટીમે બસ રોકીને શેખ, કૌસરબી તથા તુલસીરામને ઉતારી લીધાં હતાં. કૌસરબીને એક ફાર્મહાઉસમાં રાખીને તેના પર બળાત્કાર કરીને હત્યા કરી દેવાઈ ને તેની લાશને વણઝારાના વતનમાં સળગાવીને સગેવગે કરી દેવાયેલી. આ કેસમાં સીબીઆઇએ ૩૮ આરોપીઓને જેલની હવા ખવડાવેલી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, રાજસ્થાનના ભૂતપૂર્વ ગૃહ મંત્રી ગુલાબચંદ કટારિયા, આઈપીએસ અધિકારીઓ ડી.જી. વણઝારા અને અભય ચુડાસમા સહિતના તુર્રમખાં આ કેસમાં આરોપી હતા. અમિત શાહ મોદી સરકારમાં રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હતા. તેમને ઉઠાવીને અંદર કરી દેવાયેલા. અમિત શાહ પછી જામીન પર છૂટ્યા પણ તડીપાર થઈ ગયેલા.


સીબીઆઇએ જબરદસ્ત ધમધમાટ બતાવેલો ને એવું લાગતું હતું કે આ બધા આરોપીઓને બરાબરનો બૂચ વાગી ગયો. જો કે જેવી સત્તા બદલાઈ એવું બધું બદલાઈ ગયું. બધા આરોપી નિર્દોષ છૂટી ગયા ને હવે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ બંધ પ્રકરણ છે. સીબીઆઇ કઈ રીતે કામ કરે છે તેનો આ વરવો નમૂનો છે.


સીબીઆઇએ પહેલાં કૉંગ્રેસના દબાણ હેઠળ કામ કરેલું કે પછી ભાજપના દબાણ નીચે બધાંને છૂટવા દીધા એ સવાલ છે પણ આવા ઘણા કેસ છે. બોફોર્સ કાંડ, ટુ જી સ્પેક્ટ્રમ, હવાલા કૌભાંડ જેવા અનેક મોટાં માથાંને સંડોવતા કેસોમાં સીબીઆઇ કશું કરી શકી નથી. સામાન્ય લોકોને ફિટ કરી દેવામાં માહિર સીબીઆઇ આવા કેસોમાં સાવ પાલતુ બની જાય છે.


આ રીતે સીબીઆઇનો ઈતિહાસ શંકાસ્પદ છે. તેના કારણે લોકોમાં સીબીઆઇનું માન ઘટતું જાય છે. પહેલાં શરમના માર્યા રાજ્ય સરકારમાં બેઠેલા લોકો આ બધું સહન કરતા પણ છેલ્લા કેટલાક સમયથી રાજકારણીઓ પણ આકરું વલણ લેતા થયા છે. મમતા બેનરજીને સીબીઆઇ સાથે ડખો થયો તેના મૂળમાં આ જ કારણ છે. સીબીઆઇ ભાજપની પાલતુ તરીકે વર્તે છે એવો આક્ષેપ કરીને તેમણે પશ્ર્ચિમ બંગાળમાં સીબીઆઇને નો એન્ટ્રી જ કરી દીધી છે. આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુએ પણ એવું કર્યું છે.


સીબીઆઇએ દેશનાં અન્ય રાજ્યોમાં જવા માટે જે તે રાજ્યની સરકારની ઔપચારિક મંજૂરી લેવી પડે. અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતાં રાજ્યો સીબીઆઇને રોકતા નહોતાં. દરેક રાજ્ય દર વર્ષે એક પરિપત્ર બહાર પાડીને સીબીઆઇને જનરલ ક્ધસેન્ટ એટલે કે સામાન્ય છૂટ આપી દેતા. છ મહિના પહેલાં ઈન્કમટેક્સ વિભાગે વિજયવાડા, ગંતુર, વિશાખાપટ્ટનમ, શ્રીકાકકુલમ સહિતનાં આંધ્રનાં ઘણાં મોટાં શહેરોમાં સધર્ન ડેવલપર્સ અને વી.એસ. લોજિસ્ટિક જેવાં મોટાં ગ્રુપ પર દરોડા પાડેલા. એ પછી ચંદ્રાબાબુની ટીડીપીના મહારથી બી. મસ્તાનરાવને ત્યાં પણ રેડ પડી. ભડકેલા ચંદ્રાબાબુએ બાકાયદા પરિપત્ર બહાર પાડીને સીબીઆઇના આંધ્રમાં ઘૂસવા પર પાબંદી લગાવી દીધી છે. પછી મમતા બેનરજીએ પણ એવો પરિપત્ર બહાર પાડ્યો ને આ ટ્રેન્ડ ચાલુ રહે તો કેન્દ્રમાં જેની સત્તા હોય એ સિવાયનાં રાજ્યો સીબીઆઇને પોતાને ત્યાં ઘૂસવા ના દે એવું બને. ટૂંકમાં ભવિષ્યમાં સીબીઆઇ દિલ્હી પૂરતી સત્તા ભોગવતી એજન્સી બનીને રહી જાય એવું બને.


સીબીઆઇએ આ વિશે વિચારવું જોઈએ ને તેના અધિકારીઓમાં સ્વમાન હોય તો તેમણે સીબીઆઇની શાખ ફરી સ્થાપિત કરવા મથવું જોઈએ. સીબીઆઇની સ્થાપના સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ તરીકે ૧૯૪૧માં અંગ્રેજોએ કરેલી. બીજા વિશ્ર્વયુદ્ધ વખતે ભારતીય લશ્કરને અપાતા સામાન અને શસ્ત્રોના સોદામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો. તેની તપાસ માટે તેની રચના થયેલી. દિલ્હી પોલીસ સ્પેશિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૬ હેઠળ ભારત સરકારના બધા વિભાગોને તેની હેઠળ આવરી લેવાયેલા. દેશ આઝાદ થયો પછી પણ આ વિભાગ કામ કરતો હતો.


સરદાર વલ્લભભાઈ પટેલે તેનો ઉપયોગ રજવાડાંને દબાવવા કરેલો. દેશ આઝાદ થયો ત્યારે તેના વડા તરીકે કરમચંદ જૈન હતા. દેશી રજવાડાંમાં ભારત માટે સમસ્યા ઊભી કરતા હતા એવા દીવાનોના ભ્રષ્ટાચારને આ એજન્સીની મદદથી સરદાર પટેલે ખુલ્લો પડાવીને તેમને પાંસરા કરેલા. ૧૯૬૩માં જવાહરલાલ નહેરૂ સરકારના ગૃહ વિભાગ એક પરિપત્ર બહાર પાડીને તેને સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (સીબીઆઇ) નામ આપ્યું હતું. શરૂઆતમાં વરસોમાં સીબીઆઇએ સારી કામગીરી કરી તેના કારણે તેની પ્રતિષ્ઠા બની. રાજ્યોની પોલીસ ભ્રષ્ટ હતી ને સ્થાનિક રાજકારણીઓના દબાણ હેઠળ કામ કરતી તેથી સુપ્રીમ કોર્ટ અને રાજ્યોની હાઈ કોર્ટોએ સીબીઆઇને તપાસ સોંપવા માંડી. તેના પરિણામ સારાં મળ્યા તેથી તેની આબરૂ બંધાઈ પણ પછી તેમાં પણ દૂષણ ઘૂસી ગયાં.


સીબીઆઇના કારણે અત્યારે જે સ્થિતિ છે એ સ્ફોટક છે. સીબીઆઇ આ રીતે કેન્દ્ર સરકારની તાબેદાર તરીકે વર્ત્યા કરશે તો ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંઘર્ષ વધશે. રાજ્ય સરકારો પોલીસનો ઉપયોગ કરીને સીબીઆઇને ઘૂસવા જ ના દે એવું બનશે. તેના કારણે પોલીસ બેફામ ને નિરંકુશ બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકારો વહેંચાયેલા છે. આ અધિકારોના પાલન માટે તંત્ર ગોઠવાયેલાં છે. સીબીઆઇ સહિતની એજન્સીઓ તેનો જ એક ભાગ છે. સીબીઆઇને પ્રવેશ ના હોય પછી કેન્દ્રની એજન્સીઓને પણ એ નિયમો લાગુ પડાય. તેમણે રાજ્ય સરકારની દયા પર રહેવાનું થાય ને આખી સિસ્ટમ તૂટી પડે.


અલબત્ત તેને માટે રાજ્યોનો વાંક કાઢી શકાય તેમ નથી. સીબીઆઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સહિતની એજન્સીઓ કેન્દ્રની પાલતુ બનીને તેના વિરોધીઓને કનડ્યા કરે તો એ લોકો પણ સામે પ્રતિકાર કરવાના જ. આ સ્થિતિને ટાળવા સીબીઆઇ સહિતની તપાસ એજન્સીઓએ તટસ્થ બનવું પડે.


ને છેલ્લે એક રસપ્રદ વાત.


સીબીઆઇને આપણે મોટી તોપ માનીએ છીએ પણ વાસ્તવમાં એ ગેરબંધારણીય એજન્સી છે. તેને બંધારણીય રીતે કોઈ દરજ્જો મળેલો નથી. કેન્દ્રના ગૃહ વિભાગના એક પરિપત્રના આધારે તે અસ્તિત્વમાં આવેલી છે. તેના કારણે ભૂતકાળમાં ગુવાહાટી હાઈ કોર્ટે તો તેને ગેરબંધારણીય ગણાવીને તેને વિખેરી નાખવા ફરમાન પણ કરેલું. સુપ્રીમ કોર્ટે તેના પર સ્ટે આપી દીધો તેથી એવું ના થયું પણ સુપ્રીમ કોર્ટ બગડે ને એ કેસ ખોલે તો સીબીઆઇનું એમ જ પિંડલું વળી જાય એવું પણ બને.


એવું કંઈ થાય એ પહેલાં સીબીઆઇના અધિકારીઓ સમજી જાય તો સારું.


તેજીને ટકોરો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os7%3D7ho%2B0vv6Z%3DbkJ3La_HvNVew9OdAGDAcRc5ZHwDasQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment