Monday, 7 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જીવન જળ જેવું બનાવી સૌને ઉપયોગી થઇએ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જીવન જળ જેવું બનાવી સૌને ઉપયોગી થઇએ!
વાચકની કલમે-જસ્મિન દેસાઈ - રાજકોટ

 

 

 

 

આપણે જાણીએ છીએ કે જળ એ જીવન છે કારણ જળ થકી મનુષ્ય સહિતના અનેક જીવાત્માનું અસ્તિત્વ ટકી રહ્યું છે, એ સાથે તેના થકી અનેક બાબતો વ્યવસ્થાઓ ટકી રહી છે.

 

આવા જળનાં અનેક ગુણો-વિશેષતાઓ છે જેને જીવનમાં અપનાવીને ઉત્તમ માનવી અને ઉત્તમ જિંદગીની ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી શકાય અને એક સન્માનીય નાગરિક બનવા સાથે ખુદ આનંદ-સંતોષ પ્રાપ્ત કરવા સાથે સમાજને પણ એ પ્રદાન કરી શકાય. આથી આપણે 'જીવન જળ' થવાનું છે. અર્થાત જીવનને આ સર્વ સિદ્ધ કરવા જળ જેવું બનાવવાનું છે.

 

જીવન પાણીની જેમ વહેતું રાખવું જોઇએ. આપણે કહીએ છીએ કે 'બંધિયાર' પાણી ગંધાઇ જાય. આથી આપણા જીવનને વ્યર્થ અને ન સમજ્યા વિનાના નિયમો-રૂઢિ રીત-રસમોથી અને કોઇ પૂર્વગ્રહથી બાંધીને એક રીતે 'બંધિયાર' બનાવવું જોઇએ નહીં કારણ એવા જીવનની અને એ થકી ખુદ આપણી કોઇ કિંમત રહેશે નહીં. જડતા તો આખરે ખુદ જડ બનાવી દેશે અને જીવંત ન રહેવાથી દુ:ખી થવાશે. વિશ્ર્વમાં તો શું કુદરતમાં પણ પરિવર્તનો આવવાનાં જ તેથી આપણી પાણી જેવી વહેતા રહેવાની સદ્વૃત્તિ રાખી પરિવર્તિત રહેવું. પરિવર્તનો આપણી સંસ્કૃતિ અને સંસ્કાર તેમ જ માનવતાને હાનિ ન પહોંચાડતાં હોય એ જ અપનાવીને 'વહેતા' રહેવાનું છે.

 

પાણી જ્યારે વહેતું હોય ત્યારે પોતાનો રસ્તો અડચણો વચ્ચે પણ હંમેશાં કાઢી લેતું હોય છે અને આગળ વધે છે. આ રીતે આપણે જિંદગીમાં આગળ વધતા રહેવાનું છે. અડચણો, અગવડતાઓ-અવરોધો આવે તો પણ તેમાં કુનેહપૂર્વક, ધૈર્ય રાખીને આગળ વધવાનું છે. આવા અવરોધો આર્થિક, સામાજિક, કૌટુંબિક, વ્યવહારિક કે અન્ય ક્ષેત્રના હોય, પરંતુ તેમાં સ્વમાં વિશ્ર્વાસ અને ઇશ્ર્વરમાં શ્રદ્ધા રાખી તે સર્વેને પાણીની જેમ પાર કરીને આગળ વધવા 'રસ્તો' કરી લેવાનો છે અને આ જ જિંદગીની ખરી 'મજા' છે. વળી, અવરોધો, મુશ્કેલીઓમાંથી ઘણું શીખવા મળે અને આપણી પરિપકવતા વધે. આ આગળ વધવામાં આપણી કુનેહ-અનુભવ, અન્યનો અનુભવ-પૂર્વ આયોજન તેમ જ ધૈર્યને 'કામે લગાડવા' જરૂરી પણ ખરા.

 

પાણી તો જ્યાં હોય ત્યાં તેવો 'રંગ-ઢંગ' સજી લે છે તેને કોઇ પોતાનો પૂર્વગ્રહ હોતો નથી. તેને પ્યાલામાં ભરો કે ઘડામાં કે હાથની અંજલિમાં - જે હોય તેવો આકાર લઇ લે છે. આપણે પણ તે રીતે જિંદગીમાં પરિસ્થિતિ પ્રમાણે ઘડાઇ જવાનું છે. આથી જ્યારે આપણે અસ્તિત્વને ટકાવવાનું છે અને તૂટી જવાનું નથી ત્યારે પાણીનો આ ગુણ અપનાવવા જેવો છે. આપણે સઘળે 'એકરસ' થઇને આનંદ લેવાનો અને અન્યને આપવાનો છે.

 

પાણીમાં કોઇ ચીકાશ નથી. આ ગુણ તો બહુ મોટો છે. આથી આપણે જ્યાં ને ત્યાં બીનજરૂરી 'ચીકાશ' 'વેદિયાપણું' આપણા અનેકોઅનેક વ્યવહારમાં મૂકતાં પહેલાં તપાસ કરવી સારી, પરંતુ બીનજરૂરી સંકુચિતતા અને નબળી આંધળી વૃત્તિનો કોઇ અર્થ નથી. પ્રથમ તકેદારી જરૂરી પછી તેમાં કોઇ ચંચૂપાત ન હોવો જોઇએ. વ્યર્થ શંકાઓ-વહેમો આવી ચીકાશને ઉત્તેજિત કરે છે. એ ન કરતાં પાણીની જેમ ચીકાશરહિત બનવું.

પાણીનો મૂળભૂત રીતે કોઇ રંગ તો નથી તો આપણે કોઇ પૂર્વગ્રહી વિચારો, વૃત્તિ, આચરણો થકી રંગાવાનું નથી. મુક્ત અને સરળ જિંદગી જીવીને જીવનને આનંદમાં રાખીને આપણી 'છાપ'સમાજમાં કોઇ પ્રકારના નકારાત્મક વૃત્તિવાળા "કાળા રંગના બનવાનું નથી. આપણે કોઇપણ 'રંગ'ના ગણાઇને સમાજમાં કોઇ એક પ્રકારના ખાસ-વૃત્તિના માનવ નથી બનવાનું. આ સાથે પાણી નિર્મળ હોય છે. મૂળભૂત રીતે તો આપણે આપણી જિંદગીને સર્વાંગી અનેક રીતે નિર્મળ-સ્વચ્છ બનાવી રાખવાની છે. પાણીને બગાડનાર આપણે હોઇએ છીએ તો આપણી જિંદગીને પણ બગાડનાર આપણે બનવાનું નથી.

 

પાણી જેટલી ઝડપથી ગરમ થતું હોય તેટલી ઝડપે ઠંડું પડી જતું હોય છે તો આપણે પણ ક્યારેક ક્રોધ કરીને ઉગ્રતા પકડી હોય તો પણ તેને જલદી દૂર કરી નાખવાની છે. તેવાં આવાંછિત લક્ષણોને લાંબો સમય ન રાખી શકાય. આથી કોઇ દુર્ગુણોમાં ફસાઇ જઇએ તો તેને તેટલી જ ઝડપથી આપણામાંથી દૂર કરવાના છે.

 

પાણી થકી વૃક્ષોનાં અંકુરો ફૂટે છે, એ રીતે આપણી સામેની વ્યક્તિમાં, તેના હૃદયમાં લાગણીઓ- સદ્ભાવનાઓ -મિત્રાચારી અને સુ-સંબંધોના અંકુરો વિકસાવવાના છે. આ સર્વ સરવાળે આપણને આનંદ અને સુખ તેમ જ વિકાસ આપશે તે સાથે આપણી સાથેની વ્યક્તિઓને પણ એ સર્વે આપશે.

 

પાણીને વાચા જ નથી છતાં મૂંગે- મોઢે કેટલાં બધાં ઉપયોગી કાર્યો કરે છે! આપણે પણ મૂંગે મોઢે સ્વ-પ્રશંસા વિના ઘમંડ અને કર્તાભાવ રાખ્યા વિના સદુપયોગી કાર્યો કરવાનાં છે. મૂંગે મોઢે કામ કરનારા જ વધુ કાર્યો કરી શકે છે અને તેવાઓની સમાજમાં ગણતરી બહુ ઉચ્ચ સ્થાને હોય છે. બાકી વધુ બોલતા-બકવાસી લોકો કંઇ ખાસ કામ કરતા નથી. તેનું મૂલ્ય પણ હોતું નથી. મૂક કાર્ય કરનારનું મૂલ્ય બરાબર હોય છે. એ મૂક કાર્યકર છે.

 

પાણી પર્વતમાંથી નીકળી ઊછળતાં-કૂદતા ઝરણાં જેવું હોય છે. ત્યારબાદ આગળ જતાં ગંભીર નદીના જળ થઇ બન્ને કાંઠે અનેકોઅનેક રીતે સહુને કામમાં આવે છે. લાંબી યાત્રા કરી સમુંદરમાં ભળી જાય છે. ત્યારે સમુંદરમાં પણ ઉપયોગી બને છે. પાણી આ સાથે ક્યાંય થાકતું નથી તો વળી અનેક અન્ય નદીઓનાં પાણી સ્વરૂપમાં સંગમ કરે છે. આમ પાણીનાં સ્વરૂપોની વિવિધ ગૂંથણી મુજબ આપણે આપણા બાળપણના જીવનમાં આનંદથી ઊછળતાં કૂદતાં જિંદગીને માણીને આગળ વધતાં ગંભીર બનીને સમાજને ઉપયોગી થવાનું છે. આપણી જિંદગીના બે મુખ્ય કિનારા તો સંસાર અને આધ્યાત્મિકતા કહી શકાય. આ બંને કિનારે આપણું અનેક પ્રકારનું 'યોગદાન' હોવું જોઇએ. જીવનમાં સંબંધો બાંધતાં અનેક સાથે સંબંધોના સંગમ કરવાના છે અને છેવટે પંચમહાભૂતના 'સાગરમાં' ભળી જતાં સર્વેને ઉપયોગી થવાનું છે.

 

આમ પાણીના ઘણા ઘણા ગુણો છે. તેને જાણીને-સમજીને આપણે તેને અપનાવી જીવનને 'જીવન જળ' જેવું બનાવી સર્વેને ઉપયોગી બનવાનું છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtHksvydyM2M7%2Bgw3F3GwNWMwEnGywuLpg7-PHPA9bmMA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment