Tuesday 29 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વ્યક્તિ જ્યાં હોય છે ત્યાં સુખી નથી અને જ્યાં નથી હોતી ત્યાં સુખ અને સૌંદર્ય દેખાય છે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વ્યક્તિ જ્યાં હોય છે ત્યાં સુખી નથી અને જ્યાં નથી હોતી ત્યાં સુખ અને સૌંદર્ય દેખાય છે!
વત્સલ વસાણી

 

 


આ મનનો જ ખેલ છે. જ્યાં આપણે હોઈએ ત્યાં એ આપણને સ્થિર થવા દેતું નથી. જ્યાં ન હોઈએ ત્યાં જ એ આપણને ખેંચી જાય છે.


એક અમેરિકન લેખકે પોતાના સંસ્મરણમાં લખ્યું છે - કેલિફોર્નિયાની સુંદર સુરમ્ય ઘાટીઓમાં મારો જન્મ થયો. એક માછીમારને ત્યાં હું જન્મ્યો. સુંદર તળાવોમાં, નયનરમ્ય નદીઓમાં, અપાર સૌંદર્યથી ભરેલા વાતાવરણમાં માછલી પકડતા પકડતા મારું બચપણ વીત્યું.


એણે એમ પણ લખ્યું છે કે જ્યારે હું માછલી પકડવા માટે કોઈ સુરમ્ય સરોવરની પાળે બેઠો હોઉં અને વાંસળી વગાડતો હોઉં ત્યાં ઉપર આકાશમાંથી હવાઈ જહાજ પસાર થતાં અને ત્યારે મારા મનમાં એક જ ઈચ્છા પ્રગટ થતી કે ક્યારે એવો સમય આવશે જ્યારે હું પાયલોટ બનીને આકાશમાં ઊડું ! કેટલો આનંદ આવતો હશે ત્યાં ઊચે આકાશમાં ! અને હું અહીં નીચે બેસીને માછલીઓ મારવામાં સમય ગુમાવી રહ્યો છું !


સંયોગની વાત છે કે સમય જતાં એ માણસ ખૂબ ભણ્યો, પાયલોટ પણ બન્યો. શહેરી સંસ્કૃતિની ઝાકઝમાળ અને સુવિધાઓ વચ્ચે જ એનું જીવન વીતવા લાગ્યું.


મોટા મોટા મકાનો, વાહનોની દોડાદોડ, ઈલેક્ટ્રિક લાઈટો અને ઊંઘ માટે તડપતી રાતો વચ્ચે ક્યારેક એને પોતાનું પૂર્વ જીવન યાદ આવી જતું કેમકે અહીં ક્યાંય તારાથી ઝગમગતું આકાશ, પાણીથી ભરેલું સરોવર, ખળખળ વહેતી નદી કે લીલાછમ વૃક્ષોથી ભરેલું વાતાવરણ જોવા મળતું ન હતું.


રોજ એ વતનની ઘાટીઓ પરથી હવાઈ જહાજ લઈને પસાર થતો અને મનોમન વિચારતો - 'હે ભગવાન ! હવે હું રિટાયર ક્યારે થઈશ ? ક્યારે એવો સમય આવશે જ્યારે હું પેલી સુરમ્ય ઘાટીઓમાં, નદી કિનારે બેસી માછલી મારીશ... ને ક્યારે ફરી એ આરામભર્યું જીવન જીવીશ ?'


વારંવાર આ વિચાર આવ્યા કરતો પણ એક દિવસ અચાનક આશ્ચર્ય સાથે એને ખ્યાલ આવ્યો કે આ હું શું કરી રહ્યો છું ? કેવા પ્રકારની ઈચ્છાઓ અને વાસનાઓની ઝાળ વચ્ચે ફસાયો છું ?!


એ ઘાટીઓમાં તો હું પહેલા પણ રહી ચૂક્યો છું. એના એ જ સરોવરની પાળે બેસીને મેં માછલીઓ મારી છે. તો ત્યારે મને કેમ સૌંદર્ય ન દેખાયું ? આરામથી ભરેલી એ નવરાશની પળો મને કેમ ન ગમી ? વૃક્ષોની એ હરિયાળી મને ત્યારે કેમ ન સ્પર્શી ?...


ત્યારે તો મને આકાશમાં ઊડવાની ઈચ્છા થતી હતી. શહેરનું સુખ સુવિધાઓથી ભરેલું જીવન આકર્ષતું હતું. અને જેવો હું આકાશમાં પહોંચ્યો, પાઈલોટ બન્યો ત્યારે આકાશી ઉડાનનું આકર્ષણ આપોઆપ ઘટી ગયું. શહેરનું ધમાલિયું જીવન કંટાળાજનક અને અકારું લાગવા લાગ્યું. અને હવે ફરી એ જગ્યા સુંદર લાગવા લાગી જ્યાં પહેલા મેં કદી સૌંદર્ય જોયું નથી. હવે નીચે વહેતી નદી અને ઝરણાનું કલગાન ફરી આકર્ષવા લાગ્યું છે !


શું માનવ મનની આ ખાસિયત હશે ? માણસ બચપણમાં હોય ત્યારે જલદીથી મોટા થઈ જવાની ઈચ્છા જાગે છે. ને મોટા થયા પછી ફરીથી બચપણની યાદ આવે છે. ઘાટીઓના કુદરતી સૌંદર્ય વચ્ચે રહેતા માણસને શહેરનું કૃત્રિમ સૌંદર્ય ખેંચવા લાગે છે અને શહેરના વાતાવરણમાં રહીને થાકેલા લોકો કશુંક કુદરતી ઝંખે છે.


તો આવું કેમ ? વ્યક્તિ જ્યાં હોય છે ત્યાં સુખી નથી અને જ્યાં નથી હોતી ત્યાં સુખ અને સૌંદર્ય દેખાય છે. તો આ કોઈ મનનો ખેલ તો નથીને ?


ઓશો કહે છે: આ મનનો જ ખેલ છે. જ્યાં આપણે હોઈએ ત્યાં એ આપણને સ્થિર થવા દેતું નથી. જ્યાં ન હોઈએ ત્યાં જ એ આપણને ખેંચી જાય છે. કાં તો એ આપણને ભૂતકાળની વીતેલી પળો તરફ ખેંચી જાય છે અથવા તો ભવિષ્યની નહીં આવેલી જિંદગીના સ્વપ્નો બતાવવા લાગી જાય છે. વર્તમાનની ક્ષણમાં મન આપણને સ્થિર થવા દેતું નથી.


કેમકે વર્તમાનમાં જીવવું એટલે ધ્યાનમાં જીવવું. અને ધ્યાન એ તો મનનું મૃત્યુ છે. માટે એ આપણને વર્તમાન ક્ષણથી દૂર અતીત અથવા તો ભવિષ્ય તરફ ખેંચતું રહે છે. પણ જે વ્યક્તિ મનના આ ખેલને સમજી જાય છે તેના માટે વર્તમાન ક્ષણ મહત્વની બની જાય છે. મનની આ ચાલબાજીમાંથી આવી વ્યક્તિ બહાર આવી જાય છે. અને એના માટે જ્યાં અને જે સ્થિતિમાં હોય ત્યાં સુખના દ્વાર ખૂલી જાય છે. એના માટે સુખ ક્યાંય દૂર કે ભવિષ્યની ક્ષણોમાં નથી. અહીં અને અત્યારે જ સુખી થવાની કળા એ વ્યક્તિને આવડી જાય છે.

 

 

ક્રાન્તિ બીજ:-
દુખસે મત ગભરાના પંછી
યે જગ દુખકા મેલા હૈ,
ચાહે ભીડ બહુત હૈ જંગલમેં
ઉડના તુઝે અકેલા હૈ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot2tu9-TNHwbh6cDhKX%3DAXtWMghrF32qPx7cidSsRuChw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment