Thursday 31 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પત્રલેખન અને કલાપીનો પત્રવૈભવ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પત્રલેખન અને કલાપીનો પત્રવૈભવ!
પ્રાસંગિક-કિશોર વ્યાસ

amdavadis4ever@yahoogroups.com

સામાન્ય રીતે પુરુષ પોતાની પત્નીને દાસી જ બનાવતો હોય છે, પણ કવિ કલાપી એવા પુરુષ હતા કે, જેમણે દાસીને પણ પત્નીનો દરજ્જો આપ્યો. રાજવી કલાપીનું નામ હતું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. તેમના જીવનમાં બાહ્ય વિપરીતતાઓના કારણે કલેશ અને અંતર્વેદના, ત્યાગ, વાસ્તવ અને અધ્યાત્મ, પ્રેય અને શ્રેય જેવાં પરિબળો તેમને સામસામી દિશામાં ખેંચતાં હતાં અને તેના કારણે જ એ ભવ્ય દુ:ખાંતિકાના ઉદાત્ત નાયક પુરુષ બની રહ્યા! એ એવા ઉમદા પુરુષ હતા કે , દગા-ફટકાનો ભોગ બનવા છતાં છેલ્લી ક્ષણ સુધી તેનો ભય વ્યકત ન કર્યો. એ એવા પુરુષશ્રેષ્ઠ સાબિત થયા કે જે સહજતાથી તેઓ રાજપાટ છોડવાનું વિચારતા હતા તેટલી જ સહજતાથી તેમણે જીવન છોડ્યું. ગૌરવશાળી પુરુષની છેલ્લી ક્ષણો પણ ગૌરવવંતી રહી.

એ ગુણોત્તમ પુરુષ જ એમ કહી શકે કે, "તૃપ્તિ એ જ લગ્ન છે કેમ કે આશકની સર્વ ઈચ્છાઓ કયાંએ બહાર ગયા વિના માશૂકથી જ તૃપ્ત થતી રહે છે. આશક એટલે ભકત એ કોઈ દિવસ અન્ય દેવને શોધવા જતો નથી. એનું કારણ એટલું જ છે કે, હૃદય એક સ્થાને પૂર્ણ સ્થિરતા પામ્યા વિના વિસ્તાર પામી શકતું નથી. માશૂક એ આશકની આંખ જોઈ શકે તેવું પરમાત્માનું સ્વરૂપ છે. 'પુરુષ'એ જ્ઞાન અને 'સ્ત્રી' એ સ્નેહ છે. પ્રભુના સ્નેહનો ધોધ સ્ત્રીની મારફત પુરુષને મળે છે એટલે પુરુષ સ્નેહનું જ્ઞાન છે.

કલાપી એ પુરુષોમાં ઉત્તમ પુરુષ હતા જે તેમના અપરમાતાના પુત્ર વિજયસિંહજીને સગા ભાઈથી વિશેષ ગણતા હતા. તેમને ખૂબ પ્રેમ કરતા અને કાળજી રાખતા. અંતિમ ક્ષણોએ પોતાના સંતાનોના હાથ તેમણે વિજયસિંહને જ સોંપ્યા હતા. રાજાશાહીના ઈતિહાસમાં કલાપી નામના પુરુષે જે જીવનદર્શન બતાવ્યું છે, તે અન્ય બાહુબલી પુરુષે નથી બતાવ્યું. વળી, પ્રેમિકાને પરણ્યા પછી એ પુરુષે ભાગ્ય સાથે સંતોષનો ઓડકાર લીધો અને મન ઈશ્ર્વર તરફ વાળ્યું! જે પુરુષના શરીરે યુવાની આંટા લઈ રહી હોય, શિરાઓમાં વહેતા લોહીમાં કામેચ્છાઓનાં પૂર હોય એ પચીસ વર્ષની ઉંમરે હૃદયને ઈશ્ર્વર તરફ વાળવાનો પ્રયાસ કરતો હોય તેને આપણે કેવો પુરુષ કહીશું? એ પુરુષની લોલક દશા તો પ્રેમ અને ફરજ વચ્ચેની હતી.

કલાપી નામના એ પુરુષ વિશે તો વિદ્વાનોય લખે અને વિદ્યાર્થી પણ લખે! ગોવર્ધનરામ કે કવિ ન્હાનાલાલને આપણા ગુજરાતે ભાગ્યે જ આટલા પ્રમાણમાં વાગોળ્યા હશે. એ નખશિખ સાહિત્ય પુરુષ હતા. એ એવા પુરુષ હતા કે કોઈ 'સત્ય'ને તેમનામાં પ્રવેશવું હોય તો એ 'સત્ય' લઈ જનારને પોતાના માથાનું શ્રીફળ વધેરવું પડે! એ વેરાયેલા પ્રાકૃત પુરુષ હતા. એ કવિતાથી જેટલા વેરાયેલા હતા તેટલા જ, કદાચ તેથી પણ વધારે પત્ર-સાહિત્યમાં વેરાયેલા હતા.

પત્રલેખન એક કળા છે. ગાંધીજીના, સરદાર પટેલના, જવાહરલાલ નહેરુના, કવિ કાન્તના અને રાજવી કવિ કલાપીના પત્રો જીવનના કેટલાંય પરિબળો અને પાસાઓ પર સંક્રમણ કરે છે, કારણ કે, પત્રલેખકોએ તેમાં પોતાનાં હૃદય ઠાલવ્યાં હોય છે. એ પત્રો લેખકના સમાધિકાળમાં પ્રસવ્યા હોય છે. ઉત્તમ પત્ર ત્યારે જ લખાય છે અને તેથી જ તેના વિષયો દસ્તાવેજી કક્ષા પ્રાપ્ત કરે છે.

સરસ્વતીચંદ્રમાં કુમુદ અને સરસ્વતીચંદ્રના પ્રેમપત્રોએ યુવક-યુવતીઓ પર જેટલી ઊંડી અસર ઉપજાવી હતી, તેવી જ કે તેથી વધારે અસર કલાપીના દરેક વિષય પરના પત્રોએ વર્તાવી છે. કલાપીના શૃંગારરસથી ભરેલા પત્રો જેટલી જ અસર તેમના કાશ્મીરના પ્રવાસ દરમ્યાન તેમના શિક્ષક જોશી સાહેબને લખેલા પત્રોમાં જોવા મળે છે. એ પત્રલેખનમાં રસિકતા છલકાય છે. ગુજરાતી પત્ર સાહિત્યમાં કે કવિ કલાપીના પત્રોનું સ્થાન ચિરંજીવ છે. તેમના પત્રોમાં તેમની હૃદયવ્યથા, પ્રેમનો આવેગ, અંત:ક્ષોભની તીવ્રતા પારદર્શીરૂપે જોવા મળે છે.

શાકુંતલમાં, શકુંતલાએ પુરસ્કૃત કરેલો સાહિત્ય પ્રકાર, કમલપત્રની પાંખડીઓની જેમ કવિ કલાપીએ વિકસાવ્યો છે. કલાપી - પ્રેમી કલાપી, રાજવી કલાપીએ પોતાનાં રુદન સાથે અને નિ:શ્ર્વાસો સાથે ગુજરાતના કિશોરો અને તરુણોને રડાવ્યા છે, એવા લાઠીના રાજવી સુરસિંહ તખ્તસિંહજી ગોહિલની ૧૪૬મી જન્મજયંતીએ શબ્દાંજલિ આપવા પ્રયાસ કરીએ.

પત્ર સાહિત્યના અભ્યાસની દૃષ્ટિએ જોઈએ તો કલાપીના બે પત્ર સંપુટ તરી આવે છે. કલાપીની પત્રધારા અને કલાપીના ૧૪૪ પત્રો! 'કાશ્મીરનો પ્રવાસ' અલગથી પુસ્તકરૂપે પ્રગટ થયો છે જે પણ પત્રરૂપે જ છે. અત્યાર સુધી કલાપીના જીવનનાં, પ્રેમનાં, લગ્નનાં, રાજકીય જીવનના અને વિવિધ સાહિત્ય સ્વરૂપોનો અભ્યાસ અંદાજે સિતેરથી વધારે સાક્ષરોએ સંશોધન કરીને ડોકટરેટની પદવી મેળવી છે. જેમાં એક ડઝન જેટલા સાક્ષરોએ તો તેમના પત્રો પર પીએચ.ડી. કર્યું છે. તેમના પત્રો, તેમના અવસાન પછી પ્રગટ થયા. પ્રથમવાર ૧૯૦૩માં તેમના કાવ્યસંગ્રહ કેકારવની પ્રથમ આવૃત્તિમાં કવિ કાન્તને લખેલા પાંચ પત્રો પ્રકાશિત થયા હતા, પરંતુ ૧૯૩૧માં કલાપીનાં પત્ની, કોટડા - સાંઘાણીનાં કુંવરી આનંદીબાની કૂખે જન્મેલા કુંવર, જે આબેહૂબ 'કલાપી' જેવા જ લાગતા હતા તે જોરાવરસિંહજીએ પોતાના પિતાનું ઋણ ચૂકવવા ૫૩૫ પત્રોનો સંપુટ પ્રકાશિત કર્યો હતો જેમાં સૌથી વધારે, તે જેમને ગુરુ માનતા હતા તે, મણિલાલ નભુભાઈ દ્વિવેદીને લખેલા ૧૦૮, પરમમિત્ર વાજસુર વાળાને લખેલા ૧૦૭, કંથારીઆના રાણા સરદારસિંહજી કે જે તેમના મામાના દીકરા થાય તેમને લખેલા ૯૯, આનંદીબાને લખેલા ૮૪, અને પ્રાણપ્રિયા પત્ની કચ્છના સુમરી રોહાના કુંવરી રમાબાને લખેલા ૧૧ પત્રોનાં મુખ્યત્વે સમાવેશ થાય છે એ સંપુટમાં મોંઘી અને પાછળથી શોભનાબા થયાં તેમને લખેલા ૮ પત્રોને પણ સમાવી લેવામાં આવ્યા હતા. કુલ ૧૫ વિભાગોમાં એ પત્રો વિભકત થયા હતા જેમાં કલાપીનાં વ્યક્તિત્વનાં જીવનના અંતરંગ વિવિધ પાસાઓનાં દર્શન થતાં હતાં.

અત્યંત વિષાદ પેદા કરે તેવું તથ્ય એ છે કે, કલાપીના દેહાંત પછી, તેમણે લખેલા પત્રોની ઝૂંટાઝૂટ શરૂ થઈ ગઈ હતી. એક પ્રકારની લૂંટ જ કહી શકાય. પત્રો છિન્ન-ભિન્ન રીતે પ્રકાશિત થતા રહ્યા. તેમાં પણ, કવિ કાન્ત અને બળવંતરાય વચ્ચે તો હુંસાતુંસી હતી. ૧૪૪ પત્રો કવિ કાન્તે એકઠા કર્યા હતા. બળવંતરાય ઠાકોરે તો 'કેકારવ'નું સંપાદન માંડી વાળ્યું હતું કારણ કે કાન્તે તેમને જરૂરી સામગ્રી જ પૂરી નહોતી પાડી.

કલાપીના પત્ર સંપુટમાં, રમાબા અને શોભનાબા જેવી અનુક્રમે પત્ની અને પ્રિયતમા પરના પત્રો ન હોય, સંચિત અને તાત્યાસાહેબ જેવા કલાપીનિષ્ઠોને સંબોધાયેલા પત્રો ન સમાવાય તેમ કાન્ત ઉપરના પત્રો વગરનું કોઈ પ્રકાશન પણ કલ્પી ન શકાય, પરંતુ યોગ્ય સહકાર વિના અને વિદ્વાનોની હુંસાતુંસીના કારણે એવું ઘણું જ બન્યું અને પત્ર સાહિત્યને ખોટ સહન કરવી પડી. તાત્યાસાહેબ રાજ્યના કારભારી અને મેનેજર પણ હતા તેમણે તેમના સમય દરમ્યાનના અગત્યના તમામ પત્રોની નકલો કવિ સાગરને આપી દીધી હતી. જેમાં શોભના પ્રકરણથી માંડી કલાપીના અંતિમ દિવસોની તમામ ઘટનાઓની નોંધ પણ હતી, વર્ગીકૃત પત્રવ્યવહાર, સરકારી પત્રો વગેરેનો સમાવેશ થતો હતો. તેમનો ઈરાદો એવો હતો કે, કલાપીના જ્યારે પત્રોનું સંપાદન થાય છે, ત્યારે બધા જ પત્રો છપાય!

પરંતુ, દરેક પ્રકાશકે રમેશભાઈ શુકલ લખે છે, "તેમ તંત્રી થવાની છૂટ લીધી તેથી કલાપીના શબ્દેશબ્દ પ્રસિદ્ધ નથી થયા. ખુદ કલાપી હયાત હોત તો બધું જ પ્રસિદ્ધ કરાવત પણ સંપાદકોને લાગ્યું હતું કે કલાપી તેમ ન કરત એટલે એવું ઘણું છોડી દેવામાં આવ્યું હતું. કેકારવની ૧૯૦૩ની આવૃત્તિમાં કાન્તને લખેલા એક પત્રનું ઝીણું પોત ઉદાહરણ તરીકે લઈએ: "રાત્રિએ રમા કોઈ બાઈઓ મહેમાન પાસે બેઠી હતી... આ સાચા વાક્યને પ્રકાશિત પત્રમાં આ રીતે લેવામાં આવ્યું: "રાત્રીએ રમા કોઈ (?) મેમાન પાસે બેઠી હતી મહેમાન સ્ત્રીઓનો છેદ ઉડાડી, પ્રશ્ર્નાર્થ-ચિહ્ન મૂકીને સંપાદક શું સૂચવવા માગે છે?

સંચિતે કલાપી પ્રત્યેનો કર્મધર્મ બજાવીને એવું વિચાર્યું હશે કે, કલાપીના ચારિત્ર્ય અંગે કોઈ ખોટી છાપ ઊભી ન થાય, એ ભૂલી ગયા કે કલાપીએ જે લખ્યું છે એ પારદર્શી બનીને પત્રમાં લખ્યું છે. ચારિત્ર્ય અંગે શંકા થશે, એ કલાપીએ વિચારવાનું હતું. અમુક ઉલ્લેખો રદ કરવાની સૂચના તેમણે સાગરને આપી હતી. તેમાં કલાપીએ હૃદયસ્થ મિત્ર વાજસુર વાળાને લખેલો પત્ર આ રીતે ભોગ બની ગયો: "આ નયનો બધું બોલી ગયાં અને આ સ્તનો વાર્યાં ન રહ્યાં, તેઓએ ફૂલીને ચોળીની કસ તોડી નાખી અને વસ્ત્ર સરી પડ્યું. સંચિતે હાંસિયામાં નોંધ કરી કે, આ ન છપાય તો સારું. સાક્ષર રમેશ શુક્લ લખે છે, એમ આ કલાપીએ લખેલું વાક્ય મૂળ તો સંસ્કૃત શ્ર્લોકનો જ અનુવાદ છે. સંચિતની સૂચનાથી સાગરે 'સ્તનો'ના સ્થાને બે ફૂદડી મૂકી જેનાથી વાક્યની મૂળ વ્યંજના ઝાંખી થઈ ગઈ. કલાપીએ વાજસુર વાળાને શોભનાનું તૈલચિત્ર બનાવવા લખેલું, તેમાં પણ સંચિતને અતિશયોક્તિ લાગી. કલાપીએ લખ્યું હતું: ચિત્રમાં એવું ઝીણું વસ્ત્ર મૂકાય કે જેથી અંગોની ઝાંય કાંઈ આછી આછી દેખાય... સંચિતે સુધારો કર્યો: "એને એક જ વસ્ત્ર પહેરાવવું - એટલે કે ચોળી નહીં એ તો આ પત્ર પ્રસિદ્ધ કરવાના મતમાં જ નહોતા.

કલાપીએ મણિલાલ નભુભાઈને એક વખત લખ્યું હતું કે, 'આ પત્ર મારા આંસુ છે.' તેઓ મણિભાઈને શોભના અંગેના ભાવ વિશે પણ બેધડક લખે છે: "પણ, ઈશ્ર્વરકૃપાથી એટલું સારું થયું છે કે, આ શરીર કોઈ જ પ્રકારે શોભના સાથે ભ્રષ્ટ થયું નથી. શોભનાને બેન-પુત્રી તરીકે ચાહું ત્યાં સુધી રમાનો અપરાધી થાઉં છું, એમ મને નથી લાગતું, પણ જ્યારે હૃદય કામદૃષ્ટિ કરે છે ત્યારે ત્યારે રમાને હું લાયક નથી એમ શા માટે લાગે છે? આમ શોભના અંગેનું મનોમંથન તેઓ પત્રમાં નિખાલસપણે ઠાલવે છે.

શોભના, જ્યારે મોંઘી હતી ત્યારથી માંડી શોભના-બા બની ત્યાં સુધી તેમને લખેલા આઠ જ પત્રો મળે છે. એ શરૂઆતમાં 'મીઠી છોડી' એવું સંબોધન કરતા અને પ્રેમભાવ જાગ્યા પછી રાજા સૂરસિંહ તેમને 'વ્હાલી'નું સંબોધન કરતા થાય છે અને લખે છે કે, "મને તો હજારો રાજ્ય કરવા કરતાં સ્નેહમાં વધારે દૃઢતાની જરૂર લાગે છે. ગમે તેટલા કામમાં વ્યસ્ત હોવા છતાં પણ હૃદય તો શોભના પાસે જ છે, એમ કહી શોભના તરફ પ્રેમ વ્યક્ત કરે છે, જ્યારે આનંદીબાને લખેલા ૮૪ પત્રોમાં કોઈ પ્રેમભાવ નથી, કોઈ વિશેષતા નથી. પત્રો અત્યંત સામાન્ય પ્રકારના છે અને ત્યાં કલાપી ગૃહજીવનની જવાબદારીઓ સંભાળતા, કાળજી લેતા પતિ તરીકે વ્યક્ત થાય છે. તેમણે આનંદીબાને ક્યારેય 'તું' નથી કહ્યું, પત્રો પણ 'તમે' કહીને માનપૂર્વક લખાયા છે. તેઓ રમાબાને 'તું' કહેતા. રમાબામાં તેમને બધું જ દેખાતું. કલાપીએ ગૃહિણીની વ્યાખ્યા આપતાં કહ્યું જ છે કે, 'પત્નીના પ્રેમમાં માતાનું વાત્સલ્ય ન હોય ત્યાં સુધી હું એ પ્રેમને પૂરો પ્રેમ કહેતો નથી. મા, મિત્ર અને બહેન અને કાંઈક ચોથું - એ મળીને એ 'ગૃહિણી' થાય એ જ ખરી ગૃહિણી છે.

કલાપીમાં કવિતા ન પ્રગટત અને માત્ર તેમણે પત્રો જ લખ્યા હોત તો પણ એ અમર બની જાત. શોભનાના પ્રણય વિના કલાપીમાં કવિતાનાં ઝરણાં ફૂટત નહીં એમ માનનારો વર્ગ આજે પણ આપણે ત્યાં છે. એનું કારણ તેમણે કાન્તને લખેલો એક પત્ર છે, જે કેકારવમાં પ્રગટ થયો હતો. કલાપી લખે છે કે, "લગ્નની બીજી સવારે મારા મહેલની નીચેથી છ વર્ષની એક બાલિકાને જતી જોઈ. "સુમરી રોહાના કુંવરી રમાબાની બહેનાલમાં રહેનાર એ મોંઘી હતી. તેને જોઈને એક પિતાના અંતરમાં જાગે તેવા એના તરફ ભાવ જાગ્યા. એ પછી એ કહાની બીજા પત્રોમાં આગળ વધે છે, પણ ૧૨ જુલાઈ, ૧૮૯૮ના રોજ કાન્તને લખેલા એક પત્રમાં કલાપી લખે છે કે, "ગઈ કાલે શોભનાને મેં મારી કહી છે એ કાર્ય પર પ્રભુ ક્ષમાની દૃષ્ટિથી જુઓ કેકારવ પહેલાં કલાપીનો એક પણ પત્ર પ્રસિદ્ધ થયો નહોતો, એટલે ગુજરાતના વાચકોએ કલાપીને અને તેમનાં કાવ્યોને આ પત્રોના પ્રકાશમાં ઓળખ્યા. વાચકોએ માની લીધું કે, કલાપીની કવિતાઓ શોભનાના પ્રણયમાંથી જન્મી છે!

૧૮૯૯માં તો એ મિત્ર વાજસુર વાળાને એક પત્રમાં લખે છે કે, "આશકની પ્રેમોપાસના પૂરી થઈ પછી તો 'સનમની શોધ' જ બાકી રહી હતી. રાજ્યદારોના ખૂની ભભકા તરફ તો પ્રથમથી જ અણગમો હતો, એટલે ફરીથી એ જંગલો અને એ જોગીઓની જમાતો આંખ આગળ તરવા લાગી અને રાજ્ય છોડી જવા માટેની આખરી તૈયારીમાં મન પરોવાયું. આ વિચારો ગાદીએ બેસતાં પહેલાં પણ આવેલા, પણ વ્યક્ત કરવાની હિંમત નહોતી. એટલે જ શોભનાબા તેમને જોગી ઠાકુર જ કહેતાં!

કલાપીના પત્રો ગુજરાતના સાક્ષરો માટે મનોમુકુર ન બને તો જ આશ્ર્ચર્ય થાય, કારણ કે તેમના પત્રોમાં રુચિ-અરુચિ, વિશ્ર્વાસ-આશંકા, શ્રદ્ધા-અશ્રદ્ધા પારદર્શક રીતે પ્રગટ થયાં છે. એમના પ્રણયરાગી અને ત્યાગશીલ, એવાં એકબીજા સાથે એકરૂપ ન થઈ શકે તેવાં સ્વભાવ લક્ષણો ક્યારેક સંઘર્ષશીલ તો ક્યારેક સમન્વયશીલતા દાખવીને આશ્ર્ચર્યજનક રીતે પ્રગટ થતાં જોવા મળે છે. તેમની કાવ્યભૂમિ તેમના પત્રો વિના સ્પષ્ટ ન થઈ શકી હોત. એ પત્રોમાં, ઉપદેશક, ચિંતક, સ્પષ્ટ શબ્દી, પ્રાકૃતિક, પ્રેમી, રાજદ્વારી વહીવટ અને એવાં ઘણાં સત્ત્વો જોવા મળે છે, જે તેમને પત્રવીર કહેવડાવવા પૂરતાં છે. તેમના પત્રોમાં તેમનું ધબકતું હૃદય સ્પષ્ટ રીતે કળાય છે.

પ્રેમ અને પ્રણયની રસિકતા તો રમાબાને લખેલા પત્રોમાં ભારોભાર છલકાય છે. તલસાટ દેખાય છે. રમાબાના વિરહમાં રાજકોટની રાજકુમાર કૉલેજનો અભ્યાસ છોડી દેવા તૈયાર થઈ જાય છે. "પ્રાણ, "દિલજાન, "વલ્લભ, "પ્રિયા જેવાં સંબોધનોથી કલાપીનો પત્રશૃંગાર શરૂ થાય છે. કાશ્મીરના પ્રવાસ દરમ્યાન પણ તેમનાથી વિરહ સહન થતો નથી, મૃત્યુની રાહ જોવા સુધી એ અકળાઈ જાય છે. રમાબાનો પત્ર ન મળે તો એ અત્યંત દુ:ખી થઈ જાય છે. પત્રોમાં કાવ્યો પણ લખાય છે પણ બધા જ પત્રોમાં રમાબા માટેનો તીવ્ર તલસાટ જ પ્રગટ થાય છે. અલબત્ત પત્રો વાતચીત માટેનું પૂરતું સાધન નથી પણ કલાપીના પત્રો તો - વાતચીતની ગુરૂત્તમ કક્ષાએ પહોંચ્યા છે. એ પણ એક હકીકત છે કે, કલાપીની સર્જક તરીકેની અંતરયાત્રા કવિ કાન્ત પરના પત્રો ગણાય છે.

આમ પ્રસિદ્ધ થયેલા ૧૪૪ પત્રોમાં કલાપીના હૃદયની નિખાલસતા, સ્વભાવનું માર્દવ, વિરલ સ્નેહાળતા, ભાગ્યે જ કોઈ દેશી રાજામાં નજરે પડતો વિવેક, વિનય, એ ઉપરાંત સ્નેહાળ આત્માની વ્યક્તિત્વ ભરેલી તેમની સરળ અને મધુર લેખનશૈલી, પત્રોમાંનો ધ્વનિ, વિચારોનું સ્ફૂટ અને સ્પષ્ટ આવિષ્કરણ, નિવેદન કરવાની શૈલીની વિવિધતા, વારંવાર જોવા મળતાં કરુણા અને પોતાના જ અનુભવમાં બંધબેસે તેવા નિર્ણયોનો જ સ્વીકાર કરવાનું તેમનું વિચાર સ્વાતંત્ર્ય જેવાં બધાં જ લક્ષણો સ્પષ્ટ રીતે અનુભવાય છે. હૃદયને પત્રમાં મૂકવાની તેમની ટેવ રહી છે.

કાશ્મીરના પ્રવાસનું અદ્વિતીય રીતે વર્ણન કરનાર કલાપીની ઉંમર તે વખતે માત્ર અઢાર વર્ષની હતી. આ ઉંમરે આટલું સમૃદ્ધ શબ્દ ભંડોળ? સૌને આશ્ર્ચર્યચકિત કરી ચૂક્યું છે. ગોવર્ધનરામ અને બાલભટ્ટ જેવા પ્રખર સંસ્કૃત વિદ્વાનોની સમર્થ શૈલીનું આ ઉછરતા યુવાન રાજકુમારે અનુકરણ કર્યું હોવા છતાં તેમના જેવા ભારેખમ શબ્દોના બદલે સાદા, સરળ, સચોટ, સાહજિક અને ટૂંકાં વાક્યોમાં એ પત્રોમાં વર્ણન કર્યું છે, જેમાં ઉચિત અને અસરકારક અલંકારો તેમ જ સમાસોનો પ્રયોગ તેમની ભાષાને સમૃદ્ધિ બક્ષે છે. કલાપીની પત્રસમૃદ્ધિ વિપુલ અને કક્ષાવંત રહી છે.

કલાપીના પત્રોનો સંપૂર્ણ સંગ્રહ ગુજરાત અને ગુજરાતી સાક્ષરોને તેમ જ સાહિત્યને સુલભ ન બની શક્યો. આટલા પત્રોમાં કલાપીને ઓળખવા કે પામવા મુશ્કેલ કાર્ય છે. જોકે તેમના આટલા પત્રો પણ સાહિત્યક્ષેત્રે નૂતન દિશા ઉઘાડવા માટે પૂરતા હોય તેવું જણાઈ રહ્યું છે. સુન્દરમે તેમની પત્રધારા અંગે કહ્યું છે કે, "એક વ્યક્તિત્વનાં જીવંત સ્પર્શોથી છલકાતી કલામય રચના છે. એમ જોવા જઈએ તો પત્ર વિનાના કલાપી અધૂરા છે. તેમનો એક એક પત્ર તેમના જીવનનું એક એક પ્રકરણ બન્યો છે. તેમને પત્રસાહિત્યના પિતાનું સ્થાન આપતા તો અનેક પત્રો છે. સદી વીતી ગયા પછી પણ કલાપી તેમના પત્રોમાં મુખરિતપણે પ્રગટતા રહ્યા છે. શબ્દોના તો તેઓ જાદુગર સિદ્ધ થયા છે.

કનૈયાલાલ મુનશીએ કલાપી અંગે લખ્યું છે કે, "સમ્રાટો જે નથી કરી શકયા તેવું ઘણુંય ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના સંવાહક કલાપીએ કર્યું છે. આવા ભાવ પ્રગટ કરવા માટે તેમની પાસે કારણો હતાં. પત્રોમાં કલાપીએ ઘણા વિષયો પર લખ્યું છે. કવિતા, કાવ્યભાવના, મિત્રો વિશે, સ્વજનો વિશે, વાંચન વિશે, વાંચેલાં પુસ્તકો વિશે, લેખકો વિશે લખ્યું છે, વળી પત્રોમાં તેમની ઊર્મિલતા, સંવેદનશીલતા, કર્તવ્યનિષ્ઠા, નિખાલસતા, નિર્ભીકતા, બેપરવાઈ, ચોકસાઈ બધું જ ઝળહળે છે, પરંતુ સૌથી વધુ પ્રગટે છે તેમનું જન્મજાત અભિજાત્ય અને વ્યાપક સમભાવ! તેથી જ પત્રલેખક કલાપી આજે પણ વાચકોને અને સાક્ષરોને આકર્ષી રહ્યા છે. કાવ્યમાં તેઓ કલાપી છે અને પત્રોમાં તેઓ સુરસિંહ છે. આજ સુધી પત્રસાહિત્યને આવું પ્રગટ માતબર કોઈએ નથી બનાવ્યું.

પત્રલેખનનો આખરે સુરસિંહજીને થાક લાગ્યો હોય તેવું જણાય છે, તેમણે પોતાના 'વ્હાલા આનંદ' એવા આનંદરાય હિંમતરાય દવેને ૭ ફેબુ્રઆરી, ૧૯૦૦ના રોજ અને મામાના દીકરા સદુભાને લખે છે, "લખી લખીને થાકી ગયો, દુનિયાના ઘસારામાં હૃદયને પત્રોમાં મૂકવાની ટેવ ભુલાઈ ગઈ! અને જૂન મહિનાની ૯ તારીખે તો કલાપીએ આ ફાની દુનિયા છોડી દીધી!

કલાપી નામના એ યુગપુરુષે તેના વિવિધ સાહિત્ય પ્રકારોમાં જે રંગો ભર્યા છે, તે અણમોલ અને અદ્ભુત છે. તેમના સમગ્ર સાહિત્યને વાંચતાં જીવન પ્રત્યેની દૃષ્ટિમાં પરિવર્તન આવી જાય છે. આંતરમનમાં એ પુરુષની કલમ નવી સૃષ્ટિનું સર્જન કરતી હોવાની અનુભૂતિ થાય છે. પ્રથાથી 'પર' થઈ જવાય છે અને સર્વ 'વ્યથા'નું નિર્વાણ થઈ જાય છે. આ યુગપુરુષનું જીવન કાયમ અક્ષરદેહ પરત્વે વ્યકત રહ્યું છે એ મહાન આત્માના અવતરણ દિને શત્ શત્ વંદન.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtrWGprT3uVi5LbKoEDM5F-jEYO%3Dwsh9D%3D7FchsB%3DVaAA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment