Tuesday, 29 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઓઢણી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઓઢણી!
મૈત્રી દવે

 

 


હરામખોર! તને તો આજે હું ચીરી નાખીશ. આજે મને રોકવા કોઈ આવતા નહીં. કહી દઉં છું પહેલેથી જ… રતને પોતાની બહેન સુમનના વાળ પકડીને મોટેથી ગર્જના કરી. અને ફળીયામાં ઘોર શાંતિ છવાઈ ગઈ… બાપુ ઘડીક રતનને તો ઘડીક સુમનને જોઈ રહ્યા હતા, અને મા તો સાડલાના છેડા પાછળ મોઢું ઢાકીને આંસુ વહાવી રહી હતી… કોઈ જાણતું નહોતું કે રતનને આખરે થયું છે શું?


સુમન અને માલતી શાળાના સમયથી જ સાથે ભણતાં ભણતાં ખાસ સહેલીઓ બની ગઈ હતી. શાળા પતાવીને કોલેજ પણ સાથે જ કરી. એમ કહી શકાય કે સુમનને માલતી વગર ન ચાલે અને માલતી સુમન વગર ન રહી શકે. બંને સહેલીઓ કોઇવાર બહારગામ જાય તો આવીને જાણે વર્ષોવરસ એકબીજાને મળી ન હોય તેમ વાતોએ વળગે. રોજે કોલેજથી છૂટીને ઘરનું કામ પતાવી માલતી સુમનના ઘરે તેને મળવા જાય, અને બંને સહેલીઓ અલક-મલકની વાતો કરે.


માલતી ઘણી વાર સુમનને પોતાના ઘરે આવવા આગ્રહ કરે, પણ સુમનનો ભાઈ રતન સ્વભાવે આકરો હોવાથી સુમનને કોલેજ પછી બહાર જવા માટે છૂટ નહોતી મળતી. આ તો સુમનના નસીબ સારા હતા કે તેના બાપુએ તેને કોલેજ કરવા દીધી, બાકી ભાઇ રતનનું ચાલ્યં હોત તો સુમન ક્યારની ઘરે રોટલા ટીપવામાં બાને મદદ કરાવવા લાગી ગઈ હોત.


વળી સુમન એ પણ જાણતી કે તેના ભાઇને માલતી ગમે છે. તેથી જ રતન છાને ખૂણે એમ પણ ઇચ્છતો કે માલતી પોતાને ઘેર આવે. અને સુમન પણ તે માટે માલતીના ઘરે જવાને બદલે તેને જ પોતાને ઘેર બોલાવી લેતી. સુમન પણ ઘણીવાર છાને ખૂણે માલતીને પોતાની ભાભી બનાવવાના સપનાં જોઈ લેતી, પણ પછી પોતાના મનને વાળી લેતી, કારણ કે તે જાણતી કે માલતીને રતન દીઠો પણ ગમતો નહોતો. ઘણી વાર માલતી અકળાઈ ઉઠતી અને સુમનને કહેતી કે તારા ભાઇ જેવો મારો ભાઇ હોય તો હું બરાબર તેને પાઠ ભણાવું. અને સુમન હસીને જવાબ આપતી, બકા પાઠ ભણાવવાની વાત તો એક તરફ રહી, પણ જો મારા ભાઈ સામે ઊંચા અવાજે પણ મારાથી બોલાઇ જાય તો મારે આ ધરતીમાં સમાઈ જવાનો વારો આવે. ગુસ્સામાં મારા ભાઈને કોઈ ન પહોંચે. પણ એય માલતુડી, મને લાગે છે કે તું એને પહોંચી શકે હો, કારણ કે રતનભાઇને તું બહુ ગમે છે…


અને માલતી છણકો કરીને ચાલી જતી. કોને ખબર હતી કે મીઠો છણકો કરીને જતી માલતી જ એક સમયે સુમનની ભાભી બનશે, અને સુમનના ઘેર લાજ કાઢીને રોટલા ટીપતી હશે. હા આ વાતને એક બે કરતાં હવે તો ત્રણ વર્ષ વીતી ગયાં, જ્યારે માલતી કંકુ પગલાં કરીને ઘરની લક્ષ્મી તરીકે સુમનના ભાઈને વરીને આવી હતી. એક સમયની પાક્કી સહેલીઓ હવે નણંદ-ભોજાઇ બની ગઈ હતી. ફરક માત્ર એટલો જ હતો કે કોલેજ શરૂ કરી તેના બીજા જ વર્ષે માલતી સુમનની ભાભી બની ગઈ. અને લગ્ન પછી રતનની ઇચ્છા ન હોવાને કારણે માલતીને ભણતર છોડવું પડયું, જ્યારે સુમને કોલેજના ત્રણ વર્ષ પૂરા કર્યા. હવે તો સુમન માટે પણ સારા વરની શોધ ચાલુ થઈ ગઈ હતી. પણ સુમનના બાપાને કે ભાઇને ગમે તેવો મુરતીયો હજી સુધી મળ્યો નહોતો.


સુમન આજે સવારથી જ ઘણી ખુશ હતી, સોમપુરમાં પુનમનો મેળો ખૂબ વખણાતો. આજે પણ પુનમનો મેળો સોમપુરમાં ભરાવાનો હતો. સુમને સવારે જ પોતાના બાપુને કહ્યું હતું કે બાપુ, આજે નદીની પેલે પાર પુનમનો મેળો છે. તેથી હું અને માલતીભાભી કામથી પરવારીને મેળામાં ફરવા જઇશું. રતને તો સુમનની વાત સાંભળતાં જ નકારમાં મોઢું ધૂણાવ્યું, પણ બાપુ કહે, ભલે વહુ અને સુમન મેળે ફરવા જઇ આવે. તું મેળામાં જવાની ના ન પાડીશ. રતન ગુસ્સામાં ત્યાંથી બહાર નીકળી ગયો અને સુમન રાજી થતી થતી માલતીને આ સમાચાર આપવા રસોડા ભણી ગઈ.


સાંજ પડે સુમન અને માલતી મેળે જવા નીકળ્યા. પુનમનો મેળો માણવા માનવમહેરામણ ઉમટી પડયું હતું. રંગબેરંગી કપડાં પહેરીને આવેલા ખિલખિલાટ ચહેરાઓ નજરે તરવરતા હતા. આ માનવ મહેરામણમાં સુમન અને માલતી પણ હિલોળે ચડી.


નણંદ-ભોજાઇએ પહેલાં તો ભોલેનાથના મંદિરે જઇને દર્શન કર્યા અને પછી ચકડોળમાં લહેરથી બેસવા નીકળી પડયાં, વારાફરતી બધાં ચકડોળમાં બેસીને થાક તો લાગ્યો જ હતો, સાથે સાથે ભૂખ પણ જોરદાર લાગી હતી. સુમન કહે ચાલને માલતુડી સામે પાણીપૂરીની લારી છે ત્યાં થોડી પાણીપૂરી ખાઈ લઈએ. સુમનની વાત સાંભળીને માલતીએ તેનો હાથ દબાવ્યો અને ફફડતાં પારેવડાની માફક બોલી, ના ના બેન રહેવા દે, તારા ભાઈ લારીએ ઊભેલા જોઈ લેશે તો આવી બનશે. સુમન કહે, અરે આજે ભાઈ કંઈ નહીં બોલે, તું ચિંતા છોડ અને ચલ મારી સાથે. બંને બહેનપણી પાણીપૂરી ખાવા ગઇ. એટલામાં માલતીની નજર સામેની દુકાન ઉપર પડી. ત્યાં રંગબેરંગી સુંદર ઓઢણી લટકતી હતી. તેણે તરત સુમનનો હાથ પકડીને કહ્યું, ચાલને સામે ઓઢણી લેવા જઇએ. કેટલી સુંદર ઓઢણી છે જોને. સુમનને પણ જોઇને ઓઢણી ગમી ગઈ હતી, તેથી તે કહે હા ઓઢણી તો ખરેખર લાજવાબ છે, ચાલ ત્યારે એક નજર ઓઢણી ઉપર કરી લઇએ.


બંને સખી પાણીપૂરી ખાઈને ઓઢણીની દુકાને પહોંચી. લાલ, લીલી, પીળી અને વાદળી કલરની જોતાં જ ગમી જાય તેવી સુંદર ઓઢણી આ દુકાને લટકતી હતી. સુમને દુકાને પહોંચીને દુકાનદારને કહ્યું ભાઈ, સામે લાલ કલરની ઓઢણી લટકાય છે, તે બતાવજો તો જરા.. જેવો દુકાનદાર સુમન તરફ ફર્યો કે સુમનના મોઢેથી આહ નીકળી ગઈ… અરે શામુ તું? દુકાનમાં સામે ગોરો, ઊંચો અને આકર્ષક યુવાન આ ઓઢણીઓ વેચતો હતો. આ એ જ દુકાનદાર શામુ હતો જે એક સમયે માલતી અને સુમન સાથે ભણતો હતો, કોલેજનો સૌથી દેખાવડો યુવાન… કોલેજની લગભગ છોકરીઓને શામુ છાને ખૂણે ગમતો હતો. શામુએ નીચું જોઇને સુમનને ઓઢણી આપી. સુમન કહે, શું શામુ મજામાં છે ને? મને તો ખબર જ નહોતી કે તું અહીં આમ અચાનક મળી જઇશ. શામુએ હકારમાં મોઢું ધૂણાવ્યં. સુમને આગળ પૂછયું, શામુ શું કરે છે આજકાલ? શામુ કહે, બસ કંઈ નહીં. શહેરમાં આગળ ભણું છું, પણ પુનમનો મેળો હતો એટલે ખાસ બાપુએ ઓઢણી વેચવા બોલાવ્યો હતો. શામુના બાપાની ગામમાં ઓઢણીની દુકાન હતી. સુમને શામુ તરફ એક નજર કરી અને પછી પોતાને ગમતી લાલ ઓઢણી માથે ઓઢી. શામુ કહે તને સારી લાગે છે, અને સુમને તે ઓઢણી લઈ લીધી. માલતીએ તરત સુમનનો હાથ દબાવ્યો અને કહે ચાલ હવે, ક્યાંક તારા ભાઈ આવી જશે તો ઘરમાં પગ નહીં મૂકવા દે.


અને બંને સહેલીઓ લાલ ઓઢણી લઇને ચાલતી ચાલતી ઘરે પાછી ફરી. સુમન રસ્તામાં કહે, માલતી તને યાદ આવે છે કોલેજના દિવસો? કેટલાં સુંદર દિવસો હતા, નહીં? માલતીએ સુમનના પ્રશ્નનો ઉત્તર ન વાળ્યો. એ ચૂપચાપ ચાલતી રહી. બંને ઘેર પહોંચ્યા. ઘેર પહોંચીને સુમને બાને, ભાઈ રતનને અને બાપુને લાલ ઓઢણી બતાવી. રતને મોઢું મચકોડયું અને બહાર ચાલ્યો ગયો. માલતી રસોડે રોટલા ઘડવા બેઠી. રોટલા ઘડીને બધાને જમવાનું પીરસ્યું અને માલતીની નજર દરવાજે અટકી. તેની નજર પારખીને સાસુ બોલ્યાં, આજે રતન ઘરે નથી આવવાનો, એટલે વહુ તું પણ જમી લેજે. માલતીએ મોઢું નીચું રાખીને જ હકારમાં મોઢું હલાવ્યું. ઘરનું કામ પતાવી, ઢાંકો-ઢૂંબો કરીને માલતી પોતાના રૂમમાં ગઈ. સુમન પણ તેના રૂમમાં સૂવા ચાલી ગઈ. રતન ઘરે આવવાનો નહોતો તેથી ડેલી સુમને જ બંધ કરી.


રાત્રે લગભગ ત્રણ વાગ્યા હશે, ગામ આખું ઘોર નિદ્રામાં હતું. બરાબર તે જ સમયે સુમનના ઘરના બારણે જોર જોરથી ટકોરા પડવા લાગ્યા… બારણાંની બહાર રતન મોટે મોટેથી ત્રાડ નાખતો હતો. બાપુ દરવાજો ખોલો, બાપુ દરવાજો ખોલો… બાપુ આંખો ચોળતાં ચોળતાં પોતાના ઓરડામાંથી નીકળ્યા અને દરવાજો ખોલીને રતન તરફ બરાડયા, શું છે રતન? કેમ અડધી રાતે ગામ સાંભળે તેમ બરાડા પાડે છે? શું થયં છે? પણ રતનનો ક્રોધ સાતમે આસમાને હતો. બાપુને ખબર પડી ગઈ કે રતન પાછો આજે દારૂ પીને આવ્યો લાગે છે. એટલે બાપુએ તેને કહ્યું, જા તારા ઓરડામાં જતો રહે. એટલામાં રતને બીજી બૂમ પાડી, ના મારા ઓરડામાં નથી જવું. ક્યાં છે એ નાલાયક? પેલા તેને બહાર બોલાવો, એટલીવારમાં બા પણ બહાર આવી ગઈ અને તેમણે માલતીને બૂમ પાડી. વહુ બહાર આવ, માલતી ગભરાતી ગભરાતી બહાર આવી, પણ એટલામાં રતને બીજી બૂમ પાડી, માલતી નહીં બા, આજે તમારી લાડલી સુમનડીને બોલાવો, ક્યાં છે એ હરામખોર… બાને નવાઇ લાગી. તેમણે પૂછયું કે સુમન? રતન કહે, બહાર તો બોલાવો એ કુલટાને એટલે કહું તમને બધું જ. બાએ સુમનનો ઓરડો ખખડાવ્યો અને તેને બહાર બોલાવી. જેવી સુમન બહાર આવી કે તરત રતને તેના વાળ પકડીને તેને મારવાનું શરૂ કયુંર્. સુમન હજી કંઇ સમજે વિચારે તે પહેલાં જ રતન તેને ગાંડાની જેમ મારવા લાગ્યો હતો. એ બોલતો રહ્યો, હરામખોર આ જ દિવસો જોવાના બાકી રહી ગયા હતા, તને બાપનું નામ બોળાવતા પહેલાં સહેજેય વિચાર ન આવ્યો? કોઇ કંઇ સમજી નહોતું શકતું કે રતન શું બોલી રહ્યો છે.


બાપુએ બૂમ પાડી, રતન વાત શું છે? શું થયું? ફરી આજે દારૂ પીને આવ્યો છે? કેમ સુમનને આમ કહે છે? કંઇક બોલ તો અમે પણ સમજી શકીએ કે થયું છે શું. રતને આગ ઝરતા સ્વરે કહ્યું, બાપુ બધું કહું છું, પણ આજે હું તમને કહી દઉં છું. આજે તમે કોઈ વચ્ચે ન આવતા. બહુ આ કુલટાને છૂટ આપી દીધી છે. આજે તો હું તેની શાન ઠેકાણે લાવીને જ જંપીશ. બાપુ કહે, તારે જે કરવું હોય તે કરજે, પણ પહેલાં એ તો કહે શું થયું?


રતન કહે, બાપુ આજે હું મારા દોસ્તાર સાથે પુનમનો મેળો પતાવીને તેના ખેતર તરફ જઇ રહ્યો હતો. તે જ સમયે તમારી આ કુંવરી તેના આશીક સાથે ખેતરે બેઠી હતી, સાંજે જે લાલ ઓઢણી લાવી હતી તે નવી લાલ ઓઢણી ઓઢીને તેના આશીકને મળવા ખેતરે પહોંચી હતી. સાંજે મેળે જવાની તમે હા પાડી હતીને ત્યારે આશીકને રાત્રે આવવાનું વચન આપીને આવી હશે. વળી એમ પણ જાણતી હતી કે ભાઇ ઘરે નથી આવવાનો, તેથી ઘરમાંથી સહેલાઇથી બહાર નીકળી શકાશે. એ તો ભલં થજો ભોળેનાથનું કે મારે બરાબર ત્યાંથી નીકળવાનું થયું તે હું જોઇ ગયો, નહીં તો કદાચ આ કુલટા પેલા મુઆ સાથે ભાગી પણ ગઈ હોત. સુમન હેબતાઈને રતન સામે જોઈ રહી હતી. રતન આગળ બોલ્યો, મારી નજર એકદમ આ કુલટા ઉપર પડી એટલે હું ભાગ્યો તે તરફ પણ એટલી વારમાં તો તે ત્યાંથી નાસવામાં સફળ થઈ ગઈ, પણ તેની લાલ ઓઢણી ત્યાં જ રહી ગઈ હતી. તે સમયે મારા હાથમાં આ કુલટા ન આવી, નહીં તો હું ત્યાં જ તેને મારી નાખત, પણ મેં તેના આશીકને તો બરાબરનો મારી મારીને અધમુઓ કરી નાખ્યો છે. આટલું સાંભળતાં ત્યાં ઊભેલી માલતીના મોઢામાંથી આહ નીકળી ગઈ… સુમને તે જોઈ લીધું…


રતનના શબ્દો સાંભળીને બા ડુસકા ભરવા લાગી. બાપુના મોઢેથી પણ હાયકારો નીકળી ગયો અને રતન ફરીથી સુમનને મારીને બોલવા લાગ્યો કે શું ખોટ રાખી હતી બાએ તને મોટી કરવામાં, તને સહેજેય વિચાર ન આવ્યો કે તારા ભાઈ અને બાપનું આ ગામમાં કેવડું મોટું નામ છે. સુમન મૂર્તિ બનીને ઊભી હતી. તે એકપણ શબ્દ ઉચ્ચારવા તૈયાર નહોતી. તે જાણતી જ હતી કે પોતે ખેતરે લાલ ઓઢણી ઓઢીને કોઈને મળવા નહોતી ગઈ…


સુમન ચૂપ રહી. સુમન એ દિવસે પણ ચૂપ રહેલી જ્યારે રતનના બાપા માલતીના ઘરે માલતીનો હાથ માંગવા ગયા હતા અને માલતી દોડતી સુમન પાસે આવી હતી. માલતી સુમન પાસે આવીને રીતસરની તેના પગમાં ઢળી પડી હતી. તેણે સુમનને આજીજી કરતાં કહ્યું હતું કે સુમન તું જાણે છે, હું શામુને કેટલો પ્રેમ કરું છું. મારા પર દયા કર. તું તારા બાપુને મનાવ કે તે આ લગ્ન ફોક કરે. જો હું મારા બાપુને ના પાડીશ તો તે મને ઘરની બહાર પણ નહીં નીકળવા દે, અને આ તરફ શામુ મારા વગર અડધો થઈ જશે, તે બીજા કોઈ સાથે નહીં પરણે. સુમન તું મને બચાવી લે. પણ સુમન આજની માફક જ તે દિવસે પણ ચૂપ રહી હતી અને માલતી ન ઇચ્છવા છતાંયે રતનની વહુ બનીને આ ઘરમાં આવી હતી.


સુમન આવી અનેક રાતે ચૂપ રહેતી જ્યારે રતન દારૂ પીને આવતો અને માલતીને કોઈ કારણ વગર મારતો. સુમન ત્યારે પણ નહોતી બોલતી તો આજે તો મિત્રની લાજ બચાવવાનો સમય હતો… બસ એટલે જ સુમન આજે પણ ચૂપ હતી… રતન તેને મારતો જતો હતો, પણ સુમને હરફ સુદ્ધાં ન ઉચ્ચાર્યો કે ખેતરે તે પોતે નહીં પણ માલતી હતી, જે પોતાના જૂના પ્રેમી શામુને મળવા ગઈ હતી. આટલો સમય માલતીએ શામુને નહોતો યાદ કર્યો, પણ આજે શામુને મેળામાં જોઇને કદાચ માલતી પોતાની જાતને નહોતી રોકી શકી અને કાયમની માફક પોતાની જૂની જગ્યાએ શામુને મળવા ચાલી ગઈ હતી….


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuetzThSPKCmqjH%2BcM588WoSY1SWrL5SqyEYdHOmCKi6w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment