Thursday 31 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ યે મા-બાપ 'સેહત કે લિયે હાનિકારક હૈ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યે મા-બાપ 'સેહત કે લિયે હાનિકારક હૈ!
કાજલ ઓઝા વૈધ

 

 


– જન્મ આપવાથી મા-બાપ નથી થવાતું. જે માતા-પિતા સગવડ, સંપત્તિ, સ્વાર્થ આપે છે એમણે સંતાન પાસે સમજણ કે સ્નેહની અપેક્ષા રાખવાનો અધિકાર છે ખરો?


મારી ભૂલ થઈ ગઈ.' એક પિતા ધ્રૂસકે ધ્રૂસકે રડતા કહી રહ્યા છે. એમની આંખોમાંથી પશ્ચાત્તાપનાં આંસુ વહે છે, 'બહેન! ગમે તેમ કરીને મારી દીકરીને ગોતી આપો. મારી જ ભૂલને કારણે કોણ જાણે ક્યાં ભટકતી હશે?' કહી રહેલા પિતા અત્યારે ગમે તેટલા નરમ અને પીડાયેલા, ડઘાયેલા દેખાતા હોય, પરંતુ આ જ પિતાનો મિજાજ દસ દિવસ પહેલાં જુદો હતો. એ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતા. એમની પત્નીએ વારંવાર દીકરીની પસંદનો છોકરો એક વાર જોવાની વિનવણીઓ અને મથામણો કરી હતી, પરંતુ ત્યારે પિતા માટે એમના અહંકારથી, પ્રતિષ્ઠાથી આગળ બીજું કંઈ નહતું. એમણે દીકરીની સગાઇ કરી નાખી.


દીકરી પાસે કોઈ રસ્તો જ ન રહ્યો. એ ઘર છોડીને ભાગી ગઈ...


હવે પસ્તાવો, પીડા, કાળજી અને કકળાટ રહ્યાં છે. પિતા જો સમજ્યા હોત કે દીકરીની લાગણીને ઓળખવાનો, સમજવાનો પ્રયાસ કર્યો હોત તો આ રીતે રડવાનો વારો આવ્યો ન હોત. માતા-પિતા બનવું એ બાયોલોજિકલ એક્સિડન્ટ નથી. એમાં સમજદારી અને ધીરજ કેળવવાં પડે છે. ખાસ કરીને સંતાનો યુવાન થઈ રહ્યાં હોય ત્યારે ભીતર અને બહાર બંને બદલાવ સાથે કામ પાડવું એમને અઘરું પડે છે. શરીર બદલાઈ રહ્યું હોય, કુતૂહલ જાગી રહ્યાં હોય, વિજાતીય વ્યક્તિ પરત્વેનું આકર્ષણ દબાવવું અઘરું હોય ત્યારે મા-બાપ ન સમજે તો એમની સ્થિતિ ગંભીર બની જાય છે.


ઘણાં માતા-પિતા 'દોસ્ત' હોવાનો દાવો કરે છે, પરંતુ સાચા મિત્રની જવાબદારી એ છે કે એ પોતાના મિત્રના જીવનમાં કશું ખોટું થઈ રહ્યું હોય તો તેને સંભાળે, સમજાવે અને સુધારે. ઘણાં માતા-પિતા માને છે કે આજના છોકરાઓને વ્યસનથી દૂર રાખી શકાય એમ નથી. આ માન્યતા એટલેે ઊભી થઈ છે કે માતા-પિતા પોતે જ વ્યસનથી દૂર રહી શકે એમ નથી! વ્યસન માત્ર શરાબ, સિગારેટ, ડ્રગ્સનું હોય એવું નથી. લફરાંબાજી, જુઠ્ઠાણું, ગુસ્સો કે કંટાળો પણ હવે તો વ્યસન બનતા જાય છે. 50 વર્ષનો પિતા પોતે મોબાઇલથી દૂર ન રહી શકતો હોય તો પોતાના સંતાનને કયા મોઢે કહે કે મોબાઇલ 'વ્યસન' છે.


જે માતા-પિતા પોતાના સંતાનને સ્નેહ અને સન્માનની સાથે સમજણ અને સ્વમાન આપે છે એ માતા-પિતા સંપત્તિ આપે કે નહીં ફરક નથી પડતો, પરંતુ જે માતા-પિતા માત્ર સગવડ, સંપત્તિ, સ્વાર્થ આપે છે એમણે સંતાન પાસે સમજણ કે સ્નેહની અપેક્ષા રાખવાનો અધિકાર છે ખરો?


કેટલાય સમયથી આપણે 'નવી જનરેશન' કે 'વંઠી ગયેલી પેઢી' વિશે સાંભળીએ છીએ. આ છોકરાઓ કોઈનું માનતા નથી, પૈસા ઉડાડે છે કે સેક્સ અને સ્વાર્થને પ્રાધાન્ય આપે છે, એવી ફરિયાદો અનેક વાર સાંભળી છે, પરંતુ ફરિયાદના પાયામાં કોણ છે એવો સવાલ કોઈએ ક્યારેય પૂછ્યો નથી. માતા-પિતા પોતે જે પ્રકારની જિંદગી જીવે છે એમાં મોટા થઈ રહેલાં એમનાં સંતાનો પાસે કોઈ જુદા વર્તનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?


નાસ્તાના ડબ્બામાં ભોજન મૂકતી મા દીકરાને કહે છે, 'ઉદાર થઈને બધાને ખવડાવી ન દઈશ. તારું ‌ફેવરિટ લંચ મૂક્યું છે. તું ખાજે... સમજ્યો.' અથવા પાંચ વર્ષની દીકરીને લિપસ્ટિક, આઈશેડો કરી અને હિરોઇન જેવાં કપડાં પહેરાવતી મા એ બાળકીને શરીર અને શૃંગાર વિશે જાગૃત કરેે છે ત્યારે એમને સમજાતું નથી કે જાગૃત કરવામાં આવેલી આ માનસિકતા આગળ જતાં બાળકોને કેટલું નુકસાન કરી શકશે. આવાં માતા-પિતા ગર્વથી ચર્ચા કરે છે કે, 'આપણને તો કંઈ ખબર નહોતી. આજના છોકરા તો બધું સમજે છે.' ગર્વની વાત નથી, દુ:ખની વાત છે. જે ઉંમર મજા કરવાની, તોફાનો કરવાની અને લિંગભેદ વગર મિત્રતા કરવાની છે એ ઉંમરે જો એમને 'બધું' સમજાવા લાગ્યું હોય તો એ બાળક પોતાનું બાળપણ ખોઈ બેઠું છે. સત્ય તો એ છે કે બાળપણ ખોઈ બેસવા જેટલી દુ:ખદ ઘટના બીજી કોઈ નથી. વિસ્મય, કુતૂહલ, નિર્દોષતા, ભોળપણ અને સ્વપ્ન જોવાની ઉંમર ધીમે ધીમે પસાર થવાને બદલે એક કૂદકામાં ઠેકી જવી પડે તો એ સજા છે. જે માતા-પિતા પોતાનાં સંતાનોને આવી સજા કરીને સમય કરતાં વહેલાં મોટાં કરી નાખે છે એ પછીથી સંતાનોની અનેક સમસ્યાઓના શિકાર બને છે. 13 વર્ષની ઉંમરે પ્રેમમાં પડેલી છોકરી, 14ની ઉંમરે પિતાના ખિસ્સામાંથી પૈસા ચોરીને ડ્રગ્સ લેતો થઈ ગયેલો દીકરો. 16-17ની ઉંમરે પરણેલા પુરુષના પ્રેમમાં પડેલી દીકરી કે 18-20ની ઉંમરે શિક્ષિકા કે પડોશની મોટી ઉંમરની સ્ત્રી સાથે શારીરિક સંબંધોમાં સપડાયેલો દીકરો. આ બધા સવાલો ત્યારે આવીને ઊભા રહે છે જ્યારે માતા-પિતા સંતાનોના ગેરવર્તન બદલ બાળપણમાં ગર્વ લેતાં હોય.


કોઈ વ્યક્તિ, વસ્તુ કે વ્યવહાર અચાનક બગડતાં નથી. પહેલો સડો પેસે ત્યારે જ એ વિશે જાગૃત થઈને માતા-પિતાએ આવી પરિસ્થિતિને અટકાવવી જોઈએ. રડતા બાળકને અટકાવવા કે બીવડાવવા મા 'બાવો આવશે' કે 'પોલીસને બોલાવું?' અથવા 'ડૉક્ટર પાસે ઇન્જી અપાવી દઈશ' કહીને રસ્તા શોધે છે. આમાંથી ઊભી થયેલી સાઇકોલોજી મોટી ઉંમરે બાવા, સાધુઓ પરત્વે ભયમાંથી જન્મેલી કુતૂહલવૃત્તિ ને એમાંથી જન્મેલ પાવરનું આકર્ષણ ઊભું કરે છે. પોલીસથી ડરી ગયેલું બાળક પોતાની રીતે રસ્તા શોધવામાં ક્યારેક એવું સપડાય છે કે ગુનેગાર ન હોવા છતાં સજા ભોગવવાની સ્થિતિમાં મુકાય છે.


આ સડો, વિચાર કે વર્તણૂક એક રાતમાં બદલાતાં નથી. આ શરૂ થાય ત્યાં જ જો સજાગ થઈને એના વિશે કોઈ ગંભીર પગલાં લેવામાં આવે તો બાળકની જિંદગી અને માતા-પિતાનું ઘડપણ બંને સુધરે છે. ફિલ્મ 'રાજમા ચાવલ'માં ઋષિ કપૂર એના દીકરા સાથે વાત કરવા માટે ફેસબુક ઉપર ખોટું, ફેક એકાઉન્ટ બનાવે છે. એનો દીકરો પિતાની રિક્વેસ્ટ રિજેક્ટ કરીને આ નવી અને અજાણી છોકરીની ફેસબુક ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ સ્વીકારે છે.


નિયતિ અને નિશ્ચિત ડિઝાઇન પ્રમાણે આ છોકરો ખોટા ફેસબુક એકાઉન્ટવાળી એ છોકરીને મળે છે. આ ફિલ્મમાં અંતે દીકરાનો ગુસ્સો એ નથી કે એના પિતાએ આવું કેમ કર્યું, ગુસ્સો એ છે કે એના પિતાએ એને સત્યથી દૂર રાખ્યો. એને સાચું ન કહ્યું. આપણે આ ભૂલ કરીએ જ છીએ. આપણાં સંતાનનો અહોભાવ, પ્રેમ કે આપણા ઉપર આધારિત રહેવાની જરૂરિયાતને ટકાવવા મનોમન આવાં કેટલાંય ફેક એકાઉન્ટ્સ ઊભાં કરીએ છીએ, જેનો હિસાબ આપણી પાસે જ રહેતો નથી. રસપ્રદ વાત એ છે કે જુઠ્ઠાણું પકડાયા વગર રહેતું નથી, છતાં આપણને જે જોઈએ છે તે મેળવવા માટે આપણે જુઠ્ઠું બોલી શકીએ ને આપણું સંતાન જુઠ્ઠું બોલે ત્યારે એને જુઠ્ઠું, સ્વાર્થી કહેતા અચકાતા નથી.


આપણને જે જોઈએ તે મેળવવા માટે સામ, દામ, દંડ, ભેદ વાપરીએ છીએ, પરંતુ આમાંનું કોઈ પણ હથિયાર જ્યારે સંતાન આપણી સામે ઉગામે ત્યારે નવી પેઢીને 'ગાળો ભાંડીએ' છીએ. ભાગી ગયેલી દીકરીનું આકર્ષણ કદાચ મજબૂત નહીં હોય, પરંતુ પિતાની સખ્તાઈએ એ આકર્ષણને વધુ પુખ્ત અને પાકું કરી નાખ્યું. એ પિતાએ જો દીકરીની પસંદગીના છોકરાને એક વાર મળવા જેટલી ઓપનનેસ બતાવી હોત ને પછી દીકરી સાથે ખુલ્લા મને ચર્ચા કરવાની સમજદારી એમનામાં હોત તો કદાચ અત્યારે એમને આવી રીતે રડવાની જરૂર ન પડી હોત.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otka4mT3Kn%2B237mTGguMA%3Dqtr6b7roDd9FuQ_HR7D1_jQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment