Thursday, 31 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ યુવાનોને આતંકવાદ તરફ જતાં કેમ રોકી શકાય? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યુવાનોને આતંકવાદ તરફ જતાં કેમ રોકી શકાય?
શિલ્પા શાહ

amdavadis4ever@yahoogroups.com

આતંકવાદ સામે કાર્યવાહી તો થવી જ જોઈએ, પણ યુવાનો દેશના વિરોધમાં કેમ પડે છે, તેમના મનમાં શું છે, એનો અભ્યાસ થવો અત્યંત જરૂરી છે!

 

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ગયા મહિને ધડાકેબાજ ઘોષણા કરી હતી કે, ઈરાક અને સીરિયામાંથી અમેરિકાનું 2000 જવાનો ધરાવતું લશ્કર પાછું ખેંચી લેવાશે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે મહિનામાં જ લશ્કર પરત ખેંચી લેવાશે. ખરેખર તો ઈરાક અને સીરિયામાં અમેરિકન લશ્કરની સંખ્યા ઓછી હોવા છતાં એની ધાક હતી. હવે એ સમાપ્ત થઈ જશે. એને પગલે જમીનદોસ્ત થઈ ગયેલું આઈસિસ આતંકવાદી જૂથ પુન: ખડું થઈ શકે છે. વર્ષ 2014માં અમેરિકાના અગાઉના પ્રમુખ બરાક ઓબામાએ સીરિયામાંથી અમેરિકન લશ્કર ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. એ પછી જ આઈસિસનો ઉદય થયો હતો. હવે વળી ટ્રમ્પના નિર્ણયથી આઈસિસને બળ મળવાનું છે. ભારતમાં પણ એનો ઓછાયો ગાઢ થવા લાગ્યો છે.

ભારતમાં આજ સુધી આઈસિસ આતંકવાદી જૂથ આભાસી કે આડકતરો, વર્ચ્યુઅલ વ્યવહાર કરનારા જગતમાં હતું. આ જૂથ સોશિયલ મીડિયા દ્વારા પ્રસાર કરતું હતું. હવે જોકે, એનું ફિઝિકલ-પ્રત્યક્ષ અસ્તિત્વ વધ્ચું હોવાનું દેખાય છે. દેશનાં કેટલાંક સંગઠનો આઈસિસ સાથે સંલગ્ન છે. ઈરાક અને સીરિયા સામે લડવા માટે ભારતમાંથી કેટલાક યુવાનો આ આતંકવાદી જૂથનાં સંપર્કમાં રહેતા હોવાનું સમજી શકાયું છે. હવે આઈસિસને અહીં જ હિંસાચાર વકરાવવો છે. ભારતમાંથી કેટલાક સ્થાનિક દહેશતવાદી સંગઠનો ઈસ્લામિક સ્ટેટ અને અલ કાયદા સાથે સંકળાયેલા હોવાની વાતો ખુલ્લેઆમ બોલાય છે.

થોડા દિવસો અગાઉ જમ્મુ-કાશ્મીરમાં કરાયેલી એક કાર્યવાહીમાં એક આતંકવાદી જૂથના છ આતંકવાદી માર્યા ગયા હતા. આ જૂથ અલકાયદા સાથે સંકળાયેલું હતું. ઝાકિર મૂસા એનો નેતા હતો. છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત કેટલાક વિસ્તારોમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં આઈસિસના નવા મોડ્યૂલ (સ્વતંત્ર એકમ)ની જાણકારી હાથ આવી હતી. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં ફરી વાર આઈસિસના ઝંડા દેખાડવામાં આવ્યા હતા. આનું પ્રમાણ આમ તો ખાસ્સું ઓછું હોવા છતાં જમ્મુ-કાશ્મીરના યુવાનોનાં દિમાગને ધર્મને નામે ઉશ્કેરવામાં-ભડકાવવામાં આવે છે એ હકીકત જોખમી છે.

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ પર નિયંત્રણ લાવવામાં લશ્કરને સફળતા મળી છે. અનેક લશ્કરી અધિકારીઓએ આ વાત કહી છે. છેલ્લા દસ વર્ષમાં જેટલા આતંકવાદીઓ માર્યા નથી એટલા વર્ષ 2018માં માર્યા ગયા છે. માર્યા ગયેલાઓનો આ આંકડો 234નો છે છે. આ વધાવી લેવા જેવી બાબત હોવા છતાં કાશ્મીરી યુવાનોમાં કટ્ટરતાવાદનાં બીજની રોપણી અતિશય ઝડપથી થઈ રહી છે, એ ચિંતાજનક છે. ગયા મહિને એક લશ્કરી અધિકારીએ મહત્ત્વનું વક્તવ્ય કર્યું હતું. એ વક્તવ્ય અનુસાર, લશ્કરે કાશ્મીરમાં એક પ્રકારની સ્થિરતા જાળવી રાખી. ચર્ચા માટે પોષક વાતાવરણ ઊભું કર્યું. અનેક દહેશતવાદીઓને ક્યાં તો માર્યા, ક્યાં પકડ્યા. લશ્કર આથી આગળ જઈ શકે નહીં. એ કારણે હવે ચર્ચા શરૂ કરવી જોઈએ.

આ મામલે એક મુદ્દો વિચારવા જેવો ખરો કે ભારતમાંના આતંકવાદ-કટ્ટરતાવાદનો અભ્યાસ કે સંશોધન થયું નથી. આઈસિસ દ્વારા વિશ્ર્વભરમાં જે હુમલા કરવામાં આવે છે તે મુખ્યત્વે 'લોન વુલ્ફ અટેક' હોય છે. માથાફરેલ કોઈ વ્યક્તિ ઈન્ટરનેટમાં ફેસબુક, ટ્વિટર, જીમેલ જેવાં માધ્યમો દ્વારા આઈસિસના સંપર્કમાં આવે છે અને પછી તેને ભડકાવવામાં, ઉશ્કેરવામાં આવે છે. એમાંથી એ વ્યક્તિ આતંકવાદી કૃત્ય કરે છે. આ માથા ફરેલી વ્યક્તિ કોણ છે કે કોણ હોઈ શકે એનો કશોય અભ્યાસ થયો નથી. ઉત્તર પ્રદેશમાં એનઆઈએના દરોડામાં જે લોકોને પકડવામાં આવ્યા એ ખાધેપીધે સુખી મધ્યમવર્ગના યુવાનો છે. એમાં એન્જિનિયર, કાપડનો વેપારી, આટર્સ કોર્સ-કલાશાખાનો ડિગ્રીધારી, વેલ્ડરનો સમાવેશ છે. ટૂંકમાં આ લોકો ગરીબ કે અશિક્ષિત નથી. એમની પાસે આવકનું સાધન છે. એ લોકો સુશિક્ષિત છે. આવા ભણેલા લોકો જો આતંકવાદના પ્રસારનો શિકાર બનતા હોય તો એમાં કોઈ એવો કરન્ટ છે જે આમને ખેંચે છે, એ ઓળખતાં આવડવું જોઈએ. ઈઝરાયલે આવું સંશોધન-અભ્યાસ કર્યો છે. એ પ્રમાણે વિમુખતા (ઍલિયેનેશન)ની ભાવના ધરાવનારાઓ એટલે કે સમાજથી વિમુખ થયેલા કે સમાજથી દૂર થયેલા, માનસિક સમસ્યા ધરાવતા લોકો આવા પ્રચાર-પ્રસાર-પ્રોપેગેન્ડાનો ભોગ બને છે. આવા લોકોને ઓળખવા માટે સમાજશાસ્ત્રીઓ, માનસશાસ્ત્રીઓની મદદ લેવામાં આવે છે. સાઉદી અરબમાં આતંકવાદ-દહેશતવાદ કેમ વધી રહ્યો છે એનો અભ્યાસ કરવા માટે 10 સૂત્રી કાર્યક્રમ જ છે. એ કાર્યક્રમ મુજબ આવી અશાંત વ્યક્તિનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. એ પછી એના પર નજર રાખવામાં આવે છે. જે મદરેસામાં એ લોકો ભણે છે ત્યાં કાઉન્સેલિંગ કરવામાં આવે છે. પછીથી જોકે, ધર્મગુરુએ જ આવી બાબતો પ્રત્યે આંગળી ચીંધી બતાવી. આમ જુદા જુદા પ્રકારના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા. આવા જ કાર્યક્રમ સિંગાપુર અને જર્મનીમાં પણ થાય છે આવું શાસ્ત્રોક્ત સંશોધન કે અભ્યાસ કે આ પ્રકારના કાર્યક્રમ આપણે ત્યાં નથી. આપણે આજે પણ આ સમસ્યાને કાયદો અને વ્યવસ્થાની ફ્રેમમાં મૂકીને જ જોઈએ છીએ. એમાં લશ્કર, પોલીસ અને જાસૂસી એજન્સીઓનો સહભાગ હોય છે. આપણે આ મધ્યમો દ્વારા હિંસ્ત્ર યુવાનોને નિયંત્રિત કરીએ છીએ. એ માટે વૅબસાઈટો પર બંધી લાવીએ છીએ. કમ્પ્યુટરોની તપાસ-ચકાસણી કરીએ છીએ. જરૂર પડે તો ઈન્ટરનેટ પર સુધ્ધાં બંધી લાવીએ છીએ. જોકે, ફક્ત સલામતી એકમો દ્વારા આ બાબતોનું આયોજન કરવું, પ્રસાર માધ્યમો પર નિયંત્રણ રાખવું એ ઉપાય-ઉકેલ હોઈ શકે પણ એ પૂરતાં નથી. એનાથી સમસ્યા સુલઝવાની નથી.

સમસ્યાના નક્કર નિરાકરણ માટે સમાજસ્તરે કામ કરવું પડશે. વિવિધ કમ્યુનિટી અંગેજમેન્ટ પ્રોગ્રામ તૈયાર કરવા પડશે. આપણે ત્યાં દેશભરના યુવાનોને આતંકવાદ ભણી તણાતા-ખેંચાતા રોકવા માટેની યોજના દિલ્હીમાં બને છે. ખરી વાત એવી છે કે, જુદા જુદા વિસ્તારનો યુવાન, એની સમસ્યા અને કારણો ભિન્ન હોય છે. એને સ્થાનિક પરિમાણ હોય છે જ્યારે યોજના કેન્દ્રીય હોય છે. એ કારણે આવી યોજનાને સ્થાનિકતાનો સ્પર્શ હોવો જરૂરી છે. આજે સમાજમાં કટ્ટરવાદનું સ્લો પોઈઝનિંગ વધતું જાય છે. એના પર કડક કે કઠોર સલામતી શાસન દ્વારા નિયંત્રણ મેળવી શકાશે નહીં! એ માટે સમાજશાસ્ત્રીય દૃષ્ટિ હોવી જરૂરી છે. આવા ઉશ્કેરણી-ભંભેરણી કરાયેલા યુવાનોને વિશ્ર્વાસમાં લેવા પડશે. એવી જ રીતે આવી બાબતો કેમ વધે છે? આપણા દેશનો યુવાન અચાનક દેશના વિરોધમાં કેમ જાય છે? એ બાબતોનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો પડશે.

આજે આઈસિસ સોશિયલ મીડિયામાં અતિશય સક્રિય છે એટલે જગતભરમાંથી એ પોતાના માટે યોદ્ધાઓ એકત્ર કરી શકે છે. થોડા સમય અગાઉના કાળમાં થાણે, કલ્યાણ, હૈદરાબાદ ખાતેના કેટલાક યુવાનો સોશિયલ મીડિયાના માધ્યમથી આ સંગઠન સાથે જોડાયા હતા. આ જોખમી પ્રવાહ હજી ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચ્યો નથી, કારણ કે ગામડાઓમાં ટૅક્નોસૅવી યુવાનોની સંખ્યા વધારે નથી, પણ આ પ્રવાહ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચવામાં વાર લાગશે નહીં એટલે જ હાથમાં સમય રહેતાં આપણે કાળજી લેવી અત્યાવશ્યક છે. એ માટે જ શાસ્ત્રોક્ત રીતે સંશોધન-અભ્યાસ થવો જરૂરી છે અને એ કેમ કરી શકાય એ ઈઝરાયલ પાસે શીખી શકાય એમ છે.

ઈન્ફોર્મેશન ટૅક્નોલૉજી કાયદા અનુસાર તમામ કમ્પ્યુટરો પર નજર રાખવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. આનિર્ણય 'પ્રિડિક્ટીવ ઈન્ટેલિજન્સ ટૅક્નોલૉજી'ના સિધ્ધાંત પર આધારિત છે. આ વિચાર આપણે ઈઝરાયલ પાસેથી જ લીધો છે. ભારતમાં સોશિયલ મીડિયાનોવપરાશ કરનારાઓની સંખ્યા ઝડપથી વધતી જતી હોવા છતાં આ તમામ કંપનીઓનું સર્વર વિદેશમાં છે. એ કંપનીઓ સાથે કરાર કરવો પડશે. આ કરાર દ્વારા આતંકવાદીઓ દ્વારા પ્રસારિત કરાતી માહિતીની વિગતો મળી શકશે. બીજી વાત, આતંકવાદીઓ કે કટ્ટરવાદીઓના પુનર્વસનનો પણ વિચાર કરવો પડશે.

આખરે એક વાત જ પાકી છે કે, કેટલાક યુદ્ધો રણભૂમિમાં જીતી શકાતા નથી. એ સમાજની અંદર ભળી જઈને જીતવા પડે છે. આવો અભિગમ આજે અતિશય જરૂરનો છે. એટલા માટે જ જાસૂસી એજન્સીઓનો ફકત જાસૂસી માટે ઉપયોગ નહીં કરીને 'હ્યુમન ઈન્ટેલિજન્સ' વધારવાની તાતી આવશ્યક્તા છે અને સાથે સમાજશાસ્ત્રના નિષ્ણાતો-સંશોધકોની, અભ્યાસ કરનારાઓની મદદ લઈને સર્વગ્રાહી નીતિ આંકવી એટલી જ જરૂરી છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OthmkE5aV5_mgQB1V-CPdtAvaXR9gO3CXtgsj%3D0_e%3DaSA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment