Thursday, 31 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ નિવૃત્તિને આરે મેળવી શહાદત... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નિવૃત્તિને આરે મેળવી શહાદત!
યુદ્ધ કેસરી-પ્રફુલ શાહ

amdavadis4ever@yahoogroups.com

ઘણાં માટે ૨૦૧૮ની વિદાય અને ૨૦૧૯ના આગમનની ઉજવણી ચાલતી હતી. ને ગોવામાં હેંગઓવર ઉતારવાની મસ્તી-મજા ચાલતી હતી. દેવભૂમિ તરીકે ઓળખાતા ઉત્તરાખંડના એક પરિવાર માટે ૨૦૧૯ વિશેષ મહત્ત્વનું વર્ષ સાબિત થવાનું હતું. ભારતના સૌથી જૂના અર્ધ-લશ્કરી દળ આસામ રાઈફલ્સમાં ૨૯-૨૯ વર્ષથી જોખમી સેવા બજાવ્યા બાદ ગોપાલસિંહ માહરા નિવૃત્તિને આરે પહોંચી ગયા હતા. ન જાણે કેટલાં-કેટલાં જોખમ, મોત સાથે સંતાકૂકડી અને જીવસટોસટની બાજીમાં સામેલ થયા બાદ લગભગ ત્રણ દાયકા ટકી ગયાનો આનંદ, સંતોષ અને ગર્વ હતા. ઘરવાળાની લાંબા સમયની અધ્ધર શ્ર્વાસે થતી પ્રતીક્ષાનો સુખદ અંત આવવામાં બાકી હતા માત્ર થોડાક મહિના. પળ-પળના ફફડાટ બાદ લાંબા સમયે આવવાની હતી કાયમી નિરાંત અને રાહત. આ ઘડીની ક્યારની રાહ જોતો હતો માહરા પરિવાર.

માહરા પરિવારના મોભી ત્રિલોકસિંહ આસામ રાઈફલ્સમાં સેવારત રહ્યા બાદ પાંચેક વર્ષ પહેલા સ્વર્ગવાસી થયા હતા. તેમની બહાદૂરી બદલ વીરતા પુરસ્કાર મેળવનારા ત્રિલોકસિંહની પત્ની કૌશલ્યાદેવી સતત બીમાર રહેવા છતાં ઝાંખી નજરેય સતત દીકરાઓની રાહ જોતી બેસે. ચાર દીકરામાંનો સૌથી મોટો નિર્મલ આસામ રાઈફલ્સમાં સુબેદારના પદ પર ફરજ બજાવી રહ્યાં છે. એના પછી આવે આપણો હીરો ગોપાલસિંહ જેની આપણે વાત કરીએ છીએ. ત્રીજા નંબરનો પુત્ર ઠાકુર દિનેશસિંહ ભારતીય લશ્કરમાં છે અને હાલ જમ્મુ-કાશ્મીરમાંના પૂંછમાં આતંકવાદીઓ, ત્રાસવાદીઓ, દેશદ્રોહીઓ અને કાતિલ હવામાન સામે ઝઝુમી રહ્યો છે. ચોથો દીકરો નજર સામે છે. હા, રિપસુદન માહરા દશાઈથલમાં પોતાની દુકાન ચલાવે છે.

આપણા હીરો ગોપાલસિંહ માહરાની રાહ જોનારાઓમાં માતા કૌશલ્યાદેવી ખરા જ. ઉપરાંત પત્ની બસંતીદેવી કાયમી હાશકારા સાથે જીવવા માગતા હતા. ૧૭ વર્ષના પુત્ર સૌરભ ભલે પોલિટેક્નિક કૉલેજમાં ભણતો હતો, પણ એને પિતાનો સાથ, હૂંફ, માર્ગદર્શન અને હાજરીની ખેવના રહેતી હતી, જે હવે સાકાર થવામાં હતી. દીકરી હિમાની સરસ્વતી શિશુમંદિરમાં નવમા ધોરણમાં ભણે છે, પણ એના માટે પપ્પાનું બહુ મહત્ત્વ. એ ખૂબ ખુશ કે હવે પપ્પા કાયમ સાથે રહેશે, એમના વેકેશનની રાહ નહિ જોવી પડે અને એ રજાઓ ઝડપભેર પૂરી થઈ ગયાનો રજ નહિ રહે. આખો પરિવાર સુખભર્યાં દિવસોની આતુરતાપૂર્વક રાહ જોતો હતો. ૨૯ વર્ષ નીકળી ગયા તો હવે થોડા મહિના તો ચપટી વગાડતામાં વીતી જશે.

૨૦૧૯માં ગોપાલસિંહ માહરા નિવૃત્ત થવાના હતા. જોકે, ઉત્તરાખંડના પિથૌરાગઢના ગંગોલીહાટ દશાઈથલ જજૌલીના રહેવાસી આ પરિવાર ક્યાં જાણતો હતો કે અપેક્ષાથી તદ્દન વિપરીત એમની સાથે શું થવાનું હતું?

આસામ રાઈફલ્સના જવાન ગોપાલસિંહ માહરા પણ પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં ફરજ બજાવતી વખતે પરિવાર સાથે કાયમ માટે રહેવાના સપનાં જોતાં હતાં. બુધવાર તારીખ ત્રીજી જાન્યુઆરી, ૨૦૧૯ની વહેલી સવારે જાણે એક આંખમાં દેશ માટેની ફરજ, જાગરૂકતા, ચપળતા અને ફરજ હતા, તો બીજી આંખમાં પત્ની, પુત્ર, પુત્રી, વતન અને ઘર હતા. ફરજ, અધિકાર અને સપનાં સમાંતર અંતરે હતા, ત્યાં જ... સવારના ચાર વાગ્યે આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ ગઈ. આ દેશના દુશ્મનોએ છોડેલી એક ગોળી ગોપાલસિંહને નિવૃત્ત થવાના સુખ કરતા શહીદ બન્યાના પરમ સુખ સુધી પહોંચાડી ગઈ.

આવી હોય છે લશ્કરની કામગીરી... આટલું આકરું હોય છે સૈનિકનું જીવન. એક જ પળમાં બધાં સપનાં, બધાના રોળાઈ ગયા; કાયમ માટે. વિધિની ક્રૂરતા જુઓ કે ગોપાલસિંહ માહરા શહીદ થયાની પરિવારજનોને જાણકારી આપવાની કાળી-કઠણ કામગીરી આવી એમના સગાભાઈને માથે જ. મોટા ભાઈ નિર્મલ માહરાએ સૂર્યોદય સમયે આ સમાચાર પહોંચાડતા ઘર જ નહિ, સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું.

ઉત્તરાખંડના એક વધુ લાલે માભોમ માટે શહાદત વહોરી લીધી. ૧૯૮૭માં ૨૪મી આસામ રાઈફલ્સમાં જોડાયેલા આ જવાને દુશ્મનની ગોળી સામી છાતીએ ઝીલીને દેશપ્રેમની અનોખી મિશાલ કાયમ કરી, પણ પરિવાર પર તો આભ તૂટી પડ્યું. તેમની આંખોમાં જાણે બારે મેઘ ખાંગા થયા. તિરંગામાં લપેટાઈને આવેલા દીકરાનો પાર્થિવદેહ જોઈને વૃદ્ધ માઁ તો બેહોશ થઈ ગઈ.

ગોપાલસિંહનો પરિવાર પાંચ વર્ષથી જ્યાં રહેવા આવ્યો છે એ દિનેશપુરના ઉદયનગર ગામ સ્થિત દુર્ગા સ્ટેટ કોલોનીના ઘર પર તો જાણે વીજળી તૂટી પડી હતી. કોઈ હોશહવાસમાં નહોતા. એકબીજાને સધિયારો આપે કે આશ્ર્વાસનના બે શબ્દો કહી શકે. બધાના બારેય વહાણ ડૂબી ગયા હતા.

ગુરુવાર તારીખ ચાર જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ રામેશ્ર્વર ઘાટ પર શહીદ ગોપાલસિંહ માહરાની ચિતાની આગ ભડભડ બળતી હતી ત્યારે ગામના એક-એકની આંખમાં સતત અશ્રુધારા વહેતી હતી, પણ એ આંસુમાં ક્યાં ચિતાને ઠારવાની તાકાત હતી?

દેશની, મારી, તમારી અને આપણા સૌની સલામતી માટે પરિવાર, શાંતિ, ઊંઘ અને નિરાંતને ભુલાવી દેનારાઓ માટે આપણે ક્યારે, કેટલું વિચારીએ છીએ?

સેલ્યુટ ઍન્ડ ગ્રેટિટ્યૂડ ગોપાલસિંહ માહરાજી. જય હિન્દ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuSeAzSq7TNe8vi2B-8bf%3DSVkWfxQeJhuN_VVaBQ5%2B4Og%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment