હાડકામાં ક્રૅક આવે, હાડકું એની જગ્યા પરથી ખસી જાય, પગ મચકોડાઈ જાય કે પગમાં કોઈ ઘા થાય તો સામાન્ય વ્યક્તિને કોઈ ને કોઈ ચિહ્ન દ્વારા સમજાય કે તેને પગમાં તકલીફ છે, પરંતુ એક ડાયાબિટીઝના દર્દીને કોઈ ચિહ્ન દેખાતાં નથી, દુખાવો થતો નથી.
65 વર્ષના એક વડીલ બહારગામ એક આશ્રમ પર ગયા હતા જ્યાં ખભા પર સામાનની સાથે પગથિયાં ઊતરતાં તેમનાથી પગથિયું ચૂકી જવાયું. એ દિવસે તો તેમને કંઈ ખાસ દુખાવો ન થયો અને ખબર પણ ન પડી. તેમને થયું થોડું સ્નાયુઓ પર વજન આવી ગયું હશે તો એ ટ્રાવેલ કરીને પહોંચી ગયા પછી ઘરે હળદરનો લેપ કરીને ચલાવ્યું. આમ ત્રણ દિવસ તો જતા રહ્યા. ત્રીજા દિવસની રાત્રે તેમને સખત દુખાવો ઊપડ્યો. તેમને લાગ્યું કે આ તો કંઈ ગરબડ છે એટલે બીજા દિવસે સવારે ડૉક્ટરને બતાવવા ગયા ત્યારે ખબર પડી કે તેમની આંગળીનું એક હાડકું એની જગ્યાએથી ખસી ગયું હતું. હાડકું ખસી જવાની તકલીફ નૉર્મલ તકલીફ છે. મોટા ભાગે વ્યક્તિ પડી જાય અને સાંધા પર માર પડે ત્યારે હાડકું ખસી જતું હોય છે. આ તકલીફમાં તાત્કાલિક ડૉક્ટર પાસે જાઓ તો તે મોટા ભાગે હાથેથી જ ખેંચીને એને જગ્યા પર લાવી દેતા હોય છે, પરંતુ વ્યક્તિનું તાત્કાલિક ડૉક્ટર પાસે જવાનું ત્યારે શક્ય છે જ્યારે તેને કોઈ ચિહ્ન દેખાય. જે જગ્યાએ હાડકું એની જગ્યાએથી ખસી જાય ત્યારે એ જગ્યા કે એ અંગનો આકાર બદલાય જાય છે. બીજું એ કે એ જગ્યાએ ખૂબ જ પેઇન થાય, સોજો આવી જાય, એ અંગનું હલનચલન બંધ થઈ જાય. ક્યારેક એવું બને કે હાડકું ડિસલોકેટ થાય ત્યારે એની આજુબાજુની નસોને અસર પહોંચાડતું જાય એટલે તમને વાગતાંની સાથે જ તમ્મર આવી જાય જેને કારણે આંખે અંધારા જેવું લાગે, ચક્કર આવે, પરંતુ આવું એક પણ ચિહ્ન આ વડીલમાં આવ્યું જ નહોતું. એને કારણે તે મોડા પડ્યા અને ૨૧ દિવસનું પ્લાસ્ટર આવ્યું તેમને. આ ચિહ્નો નહીં દેખાવાનું કારણ હતું ડાયાબિટીઝ. તેમને છેલ્લાં ૧૫ વર્ષથી ડાયાબિટીઝ છે જેને કારણે કોઈ જ ચિહ્ન શરૂઆતમાં દેખાયાં નહીં. સારી વાત એ છે કે બીજાં કોઈ કૉમ્પ્લીકેશન્સ મોડું થવાને કારણે આવ્યાં નહોતાં.
ડિસલોકેશન થયું હોય ત્યારે તાત્કાલિક સારવાર અત્યંત જરૂરી જ્યારે હાડકું ડિસલોકેટ થઈ જાય ત્યારે તત્કાલિક સારવાર મળવી ખૂબ જ જરૂરી છે. જો તરત જ સારવાર મળે તો ડૉક્ટર એ હાડકાને જગ્યા પર બેસાડી દરદીને પાટો બાંધી આપે છે જેથી એ હાડકું ખસતું નથી અને શરીર પોતાની મેળે ત્રણ અઠવાડિયાંની અંદર એ જૉઇન્ટને વ્યવસ્થિત કરી દે છે. આ સમય દરમ્યાન એનું ખાસ ધ્યાન રાખવું પડે છે નહીંતર હાડકું ફરીથી ડિસલોકેટ થવાની શક્યતા રહે છે. આ બાબતે વધુ સમજાવતાં ઑર્થોપેડિક સર્જ્યન ડૉ. પિનાકિન શાહ કહે છે, 'ક્યારેક ડિસલોકેશન થાય એ દરમ્યાન હાડકાની આજુબાજુની નસો પર અસર થાય છે જેને કારણે એવું બની શકે કે એ ભાગમાં લોહી પહોંચવાનું જ બંધ થઈ જાય. લોહી બંધ થાય તો એ અંગ ખોટું પડી શકે છે જે બીજા કૉમ્પ્લીકેશન્સને નોતરે છે. ઘણી વખત હિપ જૉઇન્ટ ડિસલોકેટ થાય અને તાત્કાલિક સારવાર ન મળે તો આખું હિપ જૉઇન્ટ રિપ્લેસ કરવું પડે છે જે મોટી સર્જરી ગણાય છે. આમ તાત્કાલિક સારવાર ખૂબ જ જરૂરી છે. જો તમને ડાયાબિટીઝ હોય અને થોડુંક પણ વાગ્યું હોય કે કોઈ બનાવ બન્યો હોય, ભલે તમને ચિહ્ન ન દેખાય પરંતુ તાત્કાલિક એક મુલાકાત ડૉક્ટરની લેવી જરૂરી જ છે.'
ડાયાબિટીઝની પગ પર અસર આપણા શરીરમાં જે રક્તવાહિનીઓ રહેલી છે એ જુદી-જુદી પહોળાઈ ધરાવે છે જેને ત્રણ પ્રકારે વહેંચી શકાય- (૧) એકદમ સાંકળી, (૨) મધ્યમ પહોળી અને (૩) પહોળી. દરેક અંગની જરૂરિયાત અનુસાર આ રક્તવાહિનીઓની પહોળાઈ બનેલી છે. પગ અને હાથની રક્તવાહિનીઓ સૌથી વધુ પહોળી છે. હવે જયારે ડાયાબિટીઝને કારણે હાથ કે પગની રક્તવાહિનીઓ અસરગ્રસ્ત થાય ત્યારે એને પેરિફેરલ વૅસ્ક્યુલર ડિસીઝ કહેવાય છે. આ અસરને કારણે શું થાય છે એ સમજાવતાં જનરલ સજ્ર્યન અને ફ્લેબોલૉજિસ્ટ ડૉ. માધુરી ગોરે કહે છે, 'રક્તવાહિનીઓ એ રક્તને દરેક અંગ સુધી પહોંચાડે છે અને જ્યારે એ ડૅમેજ થાય છે ત્યારે એ અંગને રક્ત પૂરતી માત્રામાં મળતું નથી. માટે એ અંગના જ્ઞાનતંતુઓ પર અસર થાય છે અને પગનું સેન્સેશન ધીમે-ધીમે ઓછું થતું જાય છે. આ કારણસર જ્યારે ડાયાબિટીઝના દરદીને કંઈ વાગે કે પગના ઘસાવાને કારણે એ છોલાઈ જાય ત્યારે તરત ખબર પડવી જોઈએ એ પડતી જ નથી. એટલે કે સંવેદના અનુભવાતી નથી અને એને કારણે જે ઘા થયો છે એમાં દુખાવો નથી થતો. દુખે નહીં એટલે મોટા ભાગે ધ્યાન જ જતું નથી કે ત્યાં એક ઘા છે. આ ઘા ભરાતાં વાર લાગે છે અને એને કારણે એ ઘા નાસૂર બની જાય છે. ઇન્ફેક્શન વધી જાય છે અને આ સંજોગોમાં એને કન્ટ્રોલ કરવું અઘરું પડે છે. એવું નથી કે ફક્ત ઘા, હાડકાને કોઈ તકલીફ થઈ હોય, સ્નાયુ ફાટી ગયો હોય કે સાંધા પર માર લાગ્યો હોય આવી કોઈ પણ પરિસ્થિતિમાં તાત્કાલિક ખબર પડવી અઘરી છે. માટે જ આ દરદીઓએ રાહ ન જોવી કે દુખશે તો જઈશું ડૉક્ટર પાસે. તેમણે તરત જ જવું.
ડાયાબિટીઝના દર્દીઓએ પગનું ધ્યાન કઈ રીતે રાખવું એ જાણીએ ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ પાસેથી
ડાયાબિટીઝના દર્દીઓએ પોતાનું શુગર-લેવલ કન્ટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે.
આ ઉપરાંત તમારા પગને સતત કાળજી આપો. પગની ઉપર, આંગળીઓની વચ્ચે અને તળિયાંને દરરોજ તપાસતા રહો. કંઈ પણ થશે તો તમને દુખાવો મહેસૂસ નહીં થાય. આમ જો ઘા ન દુખતો હોય તો પણ ડૉક્ટરને બતાવો.
ઘરમાં કે બહાર ઉઘાડા પગે ન ફરો. સતત ચંપલ પહેરી રાખો. શૂઝ પહેરો તો એમાં કાંકરા ભરાયા ન હોય એનું ખાસ ધ્યાન રાખો.
ડાયાબિટીઝના દર્દીને પગ પર સોજા આવતા હોય છે એટલે તેમણે હંમેશાં શૂઝ સાંજે ખરીદવા જોઈએ. દિવસે ખરીદે તો અડધો ઇંચ આગળ અને અડધો ઇંચ પાછળ એમ જગ્યા રાખીને થોડાં મોટાં શૂઝ જ લેવાં.તેમણે ક્યારેય ટાઇટ શૂઝ પહેરવાં નહીં.
પગમાં ખૂબ ઠંડા કે ગરમ પાણીનો શેક ન લેવો.
એની સાથે સાથે રેગ્યુલર કસરત અને હેલ્ધી ડાયટ અપનાવવી. કસરત કરવાથી તેમના લોહીના પરિભ્રમણમાં ચોક્કસ ફેર પડશે. પગ હંમેશાં સૂકા રાખો. ભીના પગમાં ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ રહે છે.
ક્યારેય પલાંઠી વાળીને ન બેસો. એનાથી નસો દબાય છે જે લોહીના પરિભ્રમણને અસર કરે છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsUi1J8QozHbMk%2BedOxA6og9xeCEEZMurY%3DvjWYU_GYDg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment