Tuesday 29 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ‘વૃદ્ધ’ થતા જાપાનને ‘વિદેશી’ ટચ મળવા લાગ્યો છે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'વૃદ્ધ' થતા જાપાનને 'વિદેશી' ટચ મળવા લાગ્યો છે!
વિશેષ-યશ ચોટાઈ

amdavadis4ever@yahoogroups.com

એક સમય હતો જ્યારે જાપાનના ગ્રામ્ય વિસ્તારોમાં જાપાન સિવાયના રહેવાસીઓ ઓછા જોવા મળતા હતા. ટોક્યોમાં પણ સ્થાનિક લોકો લાંબા-ગોરા અમેરિકીને જોતાં જ ચોંકી ઉઠતા હતા.

જોકે થોડા મહિનાથી ત્યાં આવેલો બદલાવ જોઈને ચોંકી જવાય. હોટેલ, શૉપિંગ સેન્ટર અને કૅફે બધે જ બીજા દેશોના ટોક્યોમાં આવીને વસેલા લોકો કામ કરતા જોવા મળે છે. ટોક્યોની ઉત્તરમાં કૅન્ઝાવા શહેરમાં એક બાર-રેસ્ટોરાંમાં એક યુવા ગોરિયો શેફને મદદ કરી રહ્યો હતો.

બીજી રેસ્ટોરાંમાં એક બિન-જાપાની વેઇટર કસ્ટમરને ડિશ સર્વ કરી રહ્યો હતો અને અંગ્રેજીમાં વાત કરી રહ્યો હતો. ટૂંકમાં કહીએ તો જાપાનનું આંતરરાષ્ટ્રીયકરણ થઈ રહ્યું છે. આ પ્રક્રિયા વધુ વેગ પકડવાની છે.

કામ કરવાવાળાઓની જરૂર છે

આ પરિવર્તન પાછળ છે, જાપાનની ડેમોગ્રાફી, એટલે કે એનું વસતીશાસ્ત્ર. અહીંની આબાદી બહુ ઝડપથી વૃદ્ધ થઈ રહી છે અને વસતીનું પ્રમાણ ખૂબ ઘટી પણ રહ્યું છે. જાપાનમાં વધતું વિદેશી પર્યટન તેમ જ વર્ષ ૨૦૨૦માં ટોક્યોમાં યોજાનારી ઑલિમ્પિક્સની જબરદસ્ત તૈયારીઓ પણ આ પરિવર્તન માટે જવાબદાર કહી શકાય. જાપાનને કામ કરવાવાળા લોકો જોઈએ છે જે અન્ય દેશોમાંથી જ આવી શકે.

વધુ વૃદ્ધો અને વધુ વિદેશીઓ

જાપાનને પોતાની આબાદી ઘટી રહી છે તેમ જ મોટી સંખ્યામાં લોકો વૃદ્ધ થઈ રહ્યા છે એની એક દાયકાથી જાણ હતી, પણ સરકાર એ દિશામાં મોટાં પગલાં ન ઉઠાવી શકી જેને કારણે આજની સ્થિતિ નિર્માણ થઈ છે. વડા પ્રધાન શિન્જો આબે ઓછા પગારવાળા વધુ વિદેશી મજૂરોને લાવવા માગે છે. જાપાન પારંપારિક રીતે બીજા દેશોના રહેવાસીઓને પોતાને ત્યાં વસવાટ કરવા માટે પ્રોત્સાહન નથી આપતું, એટલે વર્ષ ૨૦૨૫ સુધીમાં લાખો બ્લૂ કૉલર નોકરીઓમાં વિદેશીઓની ભરતી કરવાના આબેના પ્રસ્તાવ પર વિવાદ પણ ઘણો ચાલે છે.

ડિસેમ્બર મહિનાના બીજા શનિવારે જાપાનની સંસદે આબેના અભૂતપૂર્વ પ્રસ્તાવને મંજૂર કરી લીધો હતો. એમાં આગામી પાંચ વર્ષમાં ત્રણ લાખ વિદેશી મજૂરોને લાવવાની યોજના છે. એના પર એપ્રિલ, ૨૦૧૯થી કામ શરૂ થઈ જશે.



ભૂપાલ શ્રેષ્ઠ છે યુનિવર્સિટીના લેક્ચરર

ભૂપાલ શ્રેષ્ઠ મૂળ નેપાળના છે અને યુનિવર્સિટીના લેક્ચરર છે. તેઓ ટોક્યોના સુગિનામી વૉર્ડમાં રહે છે. આ વિસ્તાર રહીશોનો છે, પરંતુ એ ટૂંકી ગલીઓ તેમ જ જૂના કપડાં તથા પ્રાચીન વસ્તુઓની દુકાનો માટે જાણીતો છે. ૧૫ વર્ષથી જાપાનમાં રહેતા ભૂપાલ માટે સ્થાયી નિવાસી વીઝા મેળવવાનું ક્યારેય આસાન નહોતું. તેમણે નાની-નાની પાયારૂપ જરૂરિયાતો જેમ કે રહેવા માટે રૂમો શોધવામાં, બૅન્ક ખાતું ખોલાવવામાં તેમ જ ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની બાબતમાં ભેદભાવનો અનુભવ કર્યો હતો.

વિદેશી કામગાર

કહેવાય છે કે જાપાનનો સમાજ અન્ય દેશોના પ્રવાસીઓ માટે હવે ખૂલી રહ્યો છે. જોકે, ઘણી જગ્યાએ લોકો હજી પણ રૂઢિચુસ્ત છે. આનું કારણ એ છે કે વિદેશથી આવીને વસવાટ કરતા લોકો સાથે સાંસ્કૃતિક ઘનિષ્ઠતા વધારવામાં ઓછો રસ બતાવવામાં આવે છે.

ભૂપાલ શ્રેષ્ઠ એક એવી વ્યક્તિ છે જેઓ જાપાનમાં કામ કરવાવાળા ૧૨.૮ લાખ વિદેશીઓમાંના એક છે. ૨૦૦૮ની સાલમાં જાપાનમાં માત્ર ૪.૮૦ લાખ વિદેશી કામગારો હતા. વિદેશીઓની સંખ્યા આટલી ઝડપથી વધવા છતાં જાપાનની આબાદીમાં તેમની સંખ્યા માત્ર એક ટકો છે. બ્રિટનમાં પાંચ ટકા અને અમેરિકામાં સત્તર ટકા વિદેશી કામગારો છે. જાપાનમાં કામ કરી રહેલા વિદેશીઓમાંથી અંદાજે ૩૦ ટકા લોકો ચીનના છે.

સાંસ્કૃતિક ઓળખ

વિયેટનામ, ફિલિપાઇન્સ અને બ્રાઝિલના લોકો પણ જાપાનમાં સારીએવી સંખ્યામાં છે. જાપાનમાં વિદેશીઓની સંખ્યા ઓછી હોવાનું એક કારણ એ પણ છે કે અહીં ઇમિગ્રેશન (વસાહતીઓ) ક્યારેય લોકપ્રિય નથી રહ્યા. એક સમયે આ દ્વીપરાષ્ટ્ર શેષ જગતથી સાવ અલગ રહેતું હતું. ૧૯મી સદીની મધ્યમાં અહીં ઘૂસી આવનારાઓ તેમ જ અહીંથી ભાગવાની કોશિશ કરનારાઓને મોતની સજા આપવામાં આવી હોવાના બનાવો પણ બન્યા હતા.

નવું જાપાન માને છે કે પોતાની એક અલગ જ ઓળખ છે. તે પોતાની સાંસ્કૃતિક ઓળખને સૌથી મજબૂત અને પાયારૂપી માને છે. ઐતિહાસિક દૃષ્ટિએ અહીં એવું માનવામાં આવે છે કે વિદેશીઓના આવવાથી સ્થાનિક લોકોના રોજગાર છીનવાઈ જશે, સાંસ્કૃતિક ઓળખ બદલાઈ જશે અને ગુનાઓ વધતા જશે. હવે સમસ્યા એ છે કે જાપાનીઓની જ સંખ્યા ઘટી રહી છે. વર્ષ ૨૦૧૦થી વર્ષ ૨૦૧૫ દરમિયાન જ જાપાનની આબાદી લગભગ ૧૦ લાખ જેટલી ઘટી ગઈ હતી. ગયા વર્ષે વસતીમાં ૨.૭૦ લાખનો ઘટાડો જોવા મળ્યો હતો.

જાપાનની સમસ્યાઓ

જાપાનમાં ૬૫ વર્ષથી વધુ ઉંમરવાળા નાગરિકોની સંખ્યા વિક્રમજનક ૨૭ ટકા સુધી પહોંચી ગઈ છે. વર્ષ ૨૦૫૦માં આ આંકડો ૪૦ ટકા સુધી પહોંચવાની સંભાવના છે. મે, ૨૦૧૮માં રોજગારની ઉપલબ્ધતાનો આંકડો ૪૪ વર્ષમાં સૌથી વધુ હતો. અહીં સરેરાશ ૧૦૦ કાગમારો સામે ૧૬૦ નોકરીઓ છે.

જાપાનમાં એવી નોકરીઓની ભરમાર છે જે મોટી ઉંમરના કે વૃદ્ધ જાપાનીઓ નથી કરી શક્તા અને સ્થાનિક લોકો એ કરવા નથી માગતા. અમેરિકાની થિન્ક-ટૅન્ક ગણાતી વૂડરો વિલ્સન સેન્ટરની સિનિયર એસોસિયેટ શિહોકો ગૉતો આ સ્થિતિને 'બેહદ ભયાનક' ગણાવે છે. તેમનું કહેવું છે કે વિદેશી વસાહતીઓને જાપાનની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટેનું માધ્યમ ક્યારેય નથી માનવામાં આવ્યું. કેટલાક કારભારીઓ અને નેતાઓ આબેની યોજનાને પુષ્ટિ આપી રહ્યા છે, પરંતુ અન્ય કેટલાક લોકો સવાલ કરે છે કે આ યોજના જાપાનના સમાજને બદલી નાખશે.

મજદૂરોની જરૂરિયાતો

ટોક્યોમાં વસાહતીઓના વિષયોને લગતા વકીલ મસાહિતો નકાઈ કહે છે, 'જાપાનના અમુક લોકોને જ વિદેશીઓની સાથે રહેવાનો તથા તેમની સાથે કામ કરવાનો અનુભવ છે. એમ છતાં લોકો એવું સમજવા લાગ્યા છે કે કોઈક ઉપાય કાઢવો જરૂરી છે. તેઓ હવે માનવા લાગ્યા છે કે વિદેશીઓની મદદ વગર દેશ ચાલી શકે એમ નથી.'

બાંધકામ ઉદ્યોગ, ખેતી અને જહાજ-નિર્માણ જેવા ક્ષેત્રોમાં મજૂરોની જરૂર તાત્કાલિક છે. પર્યટન તથા હોટેલ ઉદ્યોગ તેમ જ વેપાર ક્ષેત્રમાં અંગ્રેજી અને અન્ય ભાષાઓ બોલવાવાળાઓની જરૂરિયાતો વધી છે. નિવૃત્ત થઈ ચૂકેલા લોકોની સારસંભાળ માટેના નર્સિંગ સ્ટાફની પણ જાપાનમાં તાબડતોબ જરૂરિયાત છે.

કાર્યક્રમની ટીકા

નવેમ્બરના એક અહેવાલ મુજબ જો વડા પ્રધાન આબેના પ્રસ્તાવને લાગુ કરવામાં આવે તો આ બધા ક્ષેત્રોમાં ખાલી પડેલી નોકરીઓ ભરવા માટે જાપાનમાં ૩.૪૫ લાખ વિદેશી કામગારો આવવાની ધારણા છે.

જાપાન કામચલાઉ 'ટેક્નિકલ ઇન્ટર્ન ટ્રેઇનિંગ પ્રોગ્રામ' મારફત વિદેશી કર્મચારીઓને લાવે છે. એ હેઠળ યુવા મજદૂરો અથવા વિદ્યાર્થીઓને સ્વદેશ પાછા જતાં પહેલાં ત્રણથી પાંચ વર્ષ સુધીની ઓછા વેતનવાળી નોકરી કરવાની પરવાનગી આપવામાં આવે છે.

જોકે, મજૂરોના શોષણ તેમ જ ઓછા વેતન અને ખરાબ કાર્ય-સ્થિતિઓને કારણે આ યોજનાની ટીકા પણ થઈ છે. ગયા વર્ષે જાણવા મળ્યું હતું કે આ યોજના હેઠળ જાપાનમાં આવેલી ૨૪ વર્ષની વિયેટનામની એક વ્યક્તિને ફુકુશિમાના રેડિયોઍક્ટિવ (કિરણોત્સર્ગી) કચરાની સાફસફાઈનું કામ આપવામાં આવ્યું હતું.

નવી વીઝા યોજના

વડા પ્રધાન આબે હવે ઓછી કુશળતા ધરાવતા મજૂરોને જાપાનમાં પાંચ વર્ષ સુધી રહેવાની છૂટ આપવા માગે છે. કુશળ કારીગરોને તેમણે રિન્યૂ કરી શકાય એવા વીઝા આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આવા વીઝાધારકો પોતાના પરિવારજનોને પણ જાપાન લાવી શકે. આબે ઇચ્છે છે કે આ નવી વીઝા યોજના આગામી એપ્રિલમાં શરૂ થઈ જાય.

આબે આવા મજૂરોને વસાહતી કહેવાનું ટાળે છે. જોકે, વિવેચકોને એવું લાગી રહ્યું છે કે આનાથી વિદેશીઓને જાપાનમાં સ્થાયી નિવાસ બનાવવા માટેનો આસાન માર્ગ મળી જશે. ટીકાકારોને એવી ચિંતા પણ છે કે વિદેશી મજદૂરો જાપાનના શહેરોમાં ભીડ વધારી દેશે, પણ તેઓ ગ્રામ્ય ભાગો કે જ્યાં તેમની સૌથી વધુ જરૂરિયાત છે ત્યાં રહેવા નહીં જાય.

જાપાનનો સમાજ

બીજી તરફ, માનવ અધિકારોની વકીલાત કરનારાઓને લાગે છે કે જાપાન હજી સુધી એ નથી શીખી શક્યું કે વિદેશીઓ મજૂરોને શોષણથી કેવી રીતે બચાવી શકાય. કોલમ્બિયા યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય તથા જાહેર બાબતોને લગતા વિભાગના પ્રોફેસર તાકાતોશી ઇતોને લાગે છે કે વૈશ્ર્વિકરણ બાબતમાં જાગ્રત થઈ રહ્યું છે.

તેઓ કહે છે, 'મોટા ભાગના વિદેશી મજૂરો જાપાનની આર્થિક પ્રગતિમાં મદદ કરી રહ્યો છે. તેઓ એ કામ કરી રહ્યા છે જે જાપાનના લોકો કરવા નથી ઇચ્છતા હોતા.'

વસાહતીઓના વકીલ નકાઈનું કહેવું છે કે 'જાપાનની સંસ્કૃતિમાં ઓતપ્રોત થઈ જવું બહુ મુશ્કેલ કામ બની રહેશે.'

વિદેશી લોકો સાથે સંપર્ક

નકાઈના મતે ભાષા તથા સંસ્કૃતિની બાબતમાં જાપાનીઓ અને વિદેશીઓ વચ્ચે એવી ખાઈ છે જેને પાર કરવાનું વસાહતીઓ માટે મોટો પડકાર બની રહેશે. નકાઈ વધુમાં કહે છે, 'જો કરદાતા રાજી હોય તો સરકાર તેમના માટે જાપાની ભાષા શીખવવા મફત અથવા ઓછી ફીવાળા કોર્સ શરૂ કરી શકે એમ છે.' જોકે, અન્ય લોકોને લાગે છે કે સરકાર વિદેશી લોકો સાથે સંપર્ક નથી કરતી.

ભૂપાલ શ્રેષ્ઠ કહે છે, 'વસાહતીઓ અને જાપાનીઓ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો વધારવા માટેની તકો બહુ જ ઓછી છે. અહીં એક જ અપાર્ટમેન્ટમાં રહેતા આ લોકો વચ્ચે પણ વાતચીત નથી થતી હોતી. જ્યાં પાડોશીઓ વચ્ચે જ આપસની સમજદારી ન હોય તો બહુ-સાંસ્કૃતિક સમાજ બનવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?'

સાંસ્કૃતિક ટકરાવ

સેન્ટ લુઇસમાં મિસૌરી યુનિવર્સિટીની સમાજશાસ્ત્રી ચિકાકો ઉસૂઇનું કહેવું છે કે જાપાનમાં વસાહતીઓ સાથે ઓછા વ્યવહાર રાખવા પાછળ અનેક કારણો જવાબદાર છે. તેઓ કહે છે, 'એમાં અલગતાવૃત્તિવાળા ઇતિહાસથી માંડીને સમાનતા બાબતમાં એની પોતાની માન્યતાઓ જવાબદાર છે. જાપાનના સમાજનું માળખું જ અલિખિત નિયમો તથા માન્યતાઓથી બનેલું છે. આ માળખામાં સ્થાનિક સમાજ પણ ઘણા સ્તરોમાં વહેંચાયેલો છે. આ નિયમ બહારથી આવતા લોકો પ્રત્યેની તેમની થતી ઉપેક્ષાને વધારો આપે છે.

ચિકાકો ઉસૂઇ ટેલીપથીથી સામાજિક બારીકાઈઓને સમજી લેવાની સ્થાનિક લોકોની કાબેલિયત પર ભાર આપતા કહે છે કે એમાં તેમની ગજબની નિર્ધારશક્તિ છે અને જાપાનીઓને લાગે છે કે આ કળા વિદેશીઓ માટે અસંભવ છે અને હકીકત એ છે કે ખુદ તેઓ પણ (ચિકાકો પણ) આ કળાને હંમેશાં અજમાવી નથી શક્તા.

જાપાની હોવાનો મતલબ

વૂડરો વિલ્સન સેન્ટરની ગૉતોનું કહેવું છે કે જાપાની હોવાનો સાચો મતલબ એક મુશ્કેલ કામ છે. 'આ કંઈ ફક્ત નાગરિકતાની બાબતમાં નથી. એ વંશ (જાતિ) બાબતમાં, ભાષા સંબંધમાં તથા શરીરની ભાષાની બાબતમાં છે. આ સૂક્ષ્મ બાબતોને બિન-જાપાની નાગરિક ન સમજી શકે કે ન શીખી શકે.'

જોકે, હવે દૃષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. ગૉતોને લાગે છે કે જાપાનના લોકો પાસે આજે ૧૦ વર્ષ અગાઉની સરખામણીમાં પોતાનાથી અલગ હોય એવા લોકો સાથે રહેવાની વધુ તકો છે. જેમ-જેમ જાપાની સમાજ 'વૃદ્ધ' થઈ રહ્યો છે અને ઑલિમ્પિક્સ નજીક આવી રહી છે એમ-એમ જાપાન પર દબાણ વધતું જાય છે. આ દબાણ એ છે કે વધુ વિદેશી મજૂરો-નોકરિયાતોને પાતાના દેશમાં આકર્ષવા એ કયા ઉપાયો કરી રહ્યું છે? ભૂપાલ શ્રેષ્ઠનું કહેવું છે કે જે લોકો જાપાન જઈ રહ્યા છે તેમને ખબર હોવી જોઈએ કે તેઓ ક્યાં જઈ રહ્યા છે.

મજૂર-સમસ્યાનો અંત

ભૂપાલ શ્રેષ્ઠને જાપાનમાં રહેવું ગમે છે. અહીં તનતોડ મહેનત પૂજાય છે અને નિયમોના પાલન થતા હોય છે. જેઓ જાપાનમાં વસવા કે કામસર આવવાના હોય તેઓ જાપાનની સંસ્કૃતિ તથા દૈનિક જીવનના નિયમો વિશેની થોડી જાણકારી લઈને આવે તો સારું થાય.

નવા ૨૦૧૯ના વર્ષમાં જાપાને વિદેશી મજૂરો-નોકરિયાતોના વિશે એક માન્ય સમાધાન લાવવાનું રહેશે. જ્યાં સુધી એ સમાધાન નહીં નીકળે ત્યાં સુધી જાપાનમાં મજૂર-સમસ્યાનો અંત નથી આવવાનો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtzL%2BgGONui0Pe4KA19jmuw0ZBAKrG0O62OLcK1nAb5vg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment