Wednesday, 30 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’: સુપર્બ થ્રિલર જેવી ટ્રુ સ્ટોરી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર': સુપર્બ થ્રિલર જેવી ટ્રુ સ્ટોરી!
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

 

 

 

અધ્ધર શ્ર્વાસે પહેલી ફ્રેમથી ધ એન્ડ સુધી જોવી પડે એવી ફિલ્મો ભારતમાં જ નહીં, હૉલિવૂડમાં પણ બહુ ઓછી બને છે. પત્રકાર સંજય બારુના બહુચર્ચિત પુસ્તક 'ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પરથી બનેલી ફિલ્મ એક શ્ર્વાસે જોવી પડે એવી બની છે.


ફ્રેન્કલી, આ ફિલ્મ તદ્દન ઘટિયા છે, કંટાળાજનક છે અને ફિલ્મમાં કોઈ દમ નથી એવા પ્રચાર હેઠળ મારું મન પણ આ ફિલ્મ નથી જોવી એવું કહ્યા કરતું હતું. આ ફિલ્મની અગેન્સ્ટમાં ચારેકોર એવો અપપ્રચાર, એ રિલીઝ થઈ તે પહેલાં અને રિલીઝ થયા પછી, પ્રસર્યો કે હું પણ ભરમાઈ ગયો હતો.


રાજીવ મસંદ અને અનુપમા ચોપડા જેવા અધરવાઈઝ મારા માટે આદરણીય એવા ફિલ્મ રિવ્યુઅરોએ પણ ફિલ્મ વન કે વન ઍન્ડ અ હાફ સ્ટાર આપીને વખોડી કાઢી છે. બીજા અનેક સેક્યુલર ભૂવાઓ તથા લેફ્ટિસ્ટ વિદુષકોએ ફિલ્મને ગાળાગાળ કરી છે, હાસ્યાસ્પદ ગણી છે. અપપ્રચાર એવો તો જોરદાર હતો કે મને લાગતું કે આ ફિલ્મ જોવા જઉં છું કે આ ફિલ્મ જોઈ છે એવું કહીશું તો આપણે મૂરખમાં ખપી જઈશું.


છેવટે જ્યારે ફિલ્મ જોવાનું નક્કી કર્યું ત્યારે મનમાં હતું કે સેક્યુલરબાજો જેમ અનેક નબળી, પરંતુ ભારતનું બૂરું દેખાડતી ફિલ્મોનો રિવ્યુ કરતી વખતે 'ગુણગ્રાહી' બની જાય છે અને ફિલ્મ વખોડવાલાયક હોવા છતાં તદ્દન મામૂલી બાબતોને આગળ કરીને ફિલ્મને માથે ચડાવે છે એમ આપણે પણ આ ઍન્ટી-કૉન્ગ્રેસ જણાતી ફિલ્મને 'ગુણગ્રાહી' બનીને જોઈશું અને ફિલ્મ ગમે એટલી કચરપટ્ટી હોવા છતાં એમાં જે બે-ચાર સારી કે ગમતી વાતો હશે એને બઢાવી ચઢાવીને વખાણીશું!


પણ મારા આશ્ર્ચર્ય (અને વધારે તો આનંદ) વચ્ચે ફિલ્મમાં એક સેક્ધડ માટે પણ કંટાળો આવે એમ નથી એટલું જ નહીં એના દરેકે દરેક સીનમાં જે સ્પષ્ટતાથી, પ્રામાણિકતાથી અને નિર્ભીકતાથી ઘટનાઓનું બયાન કરવામાં આવ્યું છે તે જોઈને તમને એક ભરપૂર થ્રિલર માણતા હો એવો રોમાંચ થાય છે.


હિંદી ફિલ્મજગત કેટલું ઍડવાન્સ થઈ રહ્યું છે એનો ઔર એક પુરાવો 'ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' છે. ફિલ્મમાં ન કોઈ હીરોઈન સાથેનો રોમાન્સ છે, ન ગીતો, ન કૉમેડી ટ્રેક. આમ જોવા જઈએ તો અત્યંત શુષ્ક અને રુક્ષ વિષય પરની ફિલ્મ છે. છતાં થ્રિલર જેવી ફીલ છે.


પત્રકાર સંજય બારુ વડા પ્રધાન મનમોહન સિંહના મીડિયા ઍડવાઈઝર હતા. પોતાના આ અનુભવ પરથી જે પુસ્તક એમણે લખ્યું તેના પરથી જ ફિલ્મ બની. દેશના પી.એમ. સાથે કામ કર્યા પછી પોતાના એ અનુભવો વિશે પુસ્તક લખવા માટે કેટલી કાળજી રાખવી પડે એની કલ્પના કરી શકો છો તમે. એવી જ કાળજી આ પુસ્તક પરથી ફિલ્મ બનાવવામાં લેવી પડે. અન્યથા ન સિર્ફ તમારી વિશ્ર્વસનીયતા પાણીમાં ડૂબી જાય, તમે દેશના સર્વોચ્ચ લોકતાંત્રિક હોદ્દાની (રાષ્ટ્રપતિને બાદ કરીને) ગરિમાને પણ હાનિ પહોંચાડી શકો એમ છો.


 સંજય બારુનું પુસ્તક ૨૦૧૪માં પ્રગટ થયું. હજુ સુધી કોઈએ આ પુસ્તક પર બદનક્ષીનો દાવો માંડ્યો નથી, પુસ્તક પર પ્રતિબંધ મુકાયો નથી. અર્થાત્ ફિલ્મમાં જે કંઈ છે તે સંપૂર્ણ સત્ય છે, આ કડવું સચ કોઈને ન પચે તો એમના પાચનતંત્રનો પ્રોબ્લેમ છે.


૨૦૦૪માં કૉન્ગ્રેસ અને એના સાથી પક્ષો (લાલુ, અમરસિંહ, સીતારામ યેચુરી વગેરેની તકવાદી પાર્ટીઓ) સાથે ચૂંટાઈ આવે છે અને સોનિયા ગાંધીનું વરસો જૂનું વડા પ્રધાન બનવાનું સપનું સાકાર થવાની તૈયારીમાં છે. પંડિત નહેરુના અવસાન પછી એમના પુત્રી વડાં પ્રધાન બને અને ઈન્દિરા ગાંધીની હત્યા પછી એમના પુત્ર વડા પ્રધાન બને એમ રાજીવ ગાંધીની હત્યા બાદ એમના વિધવા તરીકે પોતાને જ વડાં પ્રધાન બનવાનો હક્ક છે એવું માનનારાં ઈટાલિયન સન્નારીની તાજપોશી થાય તે પહેલાં દેશભરમાં એમના વિરુદ્ધ કેવો જુવાળ હતો તેના આપણે સૌ સાક્ષી છીએ.


૨૦૦૪ની એ ઘટનાથી ફિલ્મની શરૂઆત થાય છે. સોનિયા માતાએ 'વડાં પ્રધાનપદનો ત્યાગ' કર્યો અને કઠપૂતળી સરકાર રચવા નક્કી કર્યું. કાબેલ અને અનુભવી, પરંતુ સ્વતંત્ર મિજાજના પ્રણવકુમાર મુખર્જી વડા પ્રધાનપદ માટે રાઈટ કેન્ડિડેટ હતા. પણ એ જ એમની નબળાઈ હતી. સોનિયાને સ્વતંત્ર મિજાજવાળી કઠપૂતળી પોસાય એમ નહોતી. કળશ ડૉ. મનમોહન સિંહ પર ઢોળાયો. રિઝર્વ બૅંકના ગવર્નર તરીકે વડા પ્રધાનની ચોટલી પોતાના હાથમાં રાખવા માટે સોનિયાએ નૅશનલ ઍડવાઈઝરી કાઉન્સિલની રચના કરી અને પોતે એનાં સર્વેસર્વા બની બેઠાં.


ખેલ હવે શરૂ થાય છે. ઑલ સેઈડ એન્ડ ડન, મનમોેહન સિંહ પ્રામાણિક, દેશદાઝ ધરાવતા અને અંતરાત્માના અવાજનો આદર કરનારા નેતા છે. સોનિયા-અહમદ પટેલની મિલીભગત મનમોહન સિંહને ફ્રોમ ડે વનથી ક્ધટ્રોલમાં રાખવા માગતી હતી.


'ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'ની ખૂબી એ છે કે અહીં ભૂતપૂર્વ વડા પ્રધાનનું ગૌરવ સાચવીને, એમના પદની ગરિમાને સહેજ પણ ખરોચ ન પડે તે રીતે, સોનિયા-અહમદ પટેલના શકુનિવેડાઓને પ્રગટ કરે છે. મનમોહન સિંહ ઓરિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકને સ્પેશ્યલ પેકેજ આપવાની સ્પષ્ટ ના પાડે છે અને કહે છે કે પૈસા કંઈ ઝાડ પર નથી ઊગતા.


ન્યુક્લિયર ડીલ વખતે પ્રેસિડેન્ટ બુશની સાથે મળીને, દેશના હિતમાં જે કરાર થાય છે તે કરારની વિરુદ્ધ ડાબેરી ન્યુસન્સ મેકર્સ હોબાળો મચાવે છે ત્યારે મનમોહન સિંહ ટસના મસ થતા નથી. ફિલ્મમાં નામ દઈને કહેવામાં આવ્યું છે કે ચેન્નઈથી પ્રગટ થતા 'ધ હિન્દુ' નામના પ્રતિષ્ઠિત અંગ્રેજી દૈનિકના પ્રકાશક-તંત્રી એન. રામની ભારતના સામ્યવાદી નેતાઓ સાથે મિલીભગત છે. અત્યારના તેલંગણાના ચીફ મિનિસ્ટર કે. ચન્દ્રશેખર રાવ તે વખતે (જ્યારે હજુ આન્ધ્ર પ્રદેશના ભાગલા નહોતા પડ્યા ત્યારે) વડા પ્રધાન મનમોહન સિંહને પર્સનલી મળ્યા ત્યારે ચન્દ્રશેખરે મીડિયા આગળ શેખી મારતા કહ્યું હતું કે 'પી.એમ. સાથે તેલંગણાના મસલા વિશે પણ ચર્ચા થઈ.' પી.એમ.ના મીડિયા ઍડવાઈઝર તરીકે સંજય બારુએ તરત જ ર્ક્લેરિફિકેશન બહાર પાડ્યું કે આવી કોઈ ચર્ચા થઈ નથી.


ચન્દ્રશેખર રાવ જુઠ્ઠું બોલતાં પકડાઈ ગયા, એમનું નીચાજોણું થયું. ચાટ પડેલા આ તેલુગુ નેતાએ અહમદ પટેલને ફરિયાદ કરી અને અહમદ પટેલે સંજય બારુને સલાહ આપી કે તમે ચન્દ્રશેખરની માફી માગી લો, આફ્ટર ઑલ એ કૉન્ગ્રેસના સાથી પક્ષના નેતા છે અને પોલિટિક્સમાં થોડું ઘણું જતું કરવું પડે.


સંજય બારુ અહમદ પટેલને જવાબ આપે છે: હું પોલિટિશન નથી, પત્રકાર છું અને પત્રકારત્વમાં સમાધાન ન હોય, જીદ હોય, મક્કમતા હોય.


સોનિયાથી ત્રાસીને ઓછામાં ઓછી બે વાર મનમોહન સિંહે એમને રાજીનામું આપી દીધું હતું એની વિગતો પણ આ ફિલ્મમાં છે. બીજી વખત રાજીનામું ધર્યું ત્યારે કૉન્ગ્રેસ સરકાર કૌભાંડોથી ખદબદતી હતી. ટુ-જી અને કૉમનવેલ્થનાં કૌભાંડોથી તથા કોલ-ગેટથી પરેશાન હતી. આવા સંજોગોમાં મનમોહન સિંહ પાસેથી વડા પ્રધાનપદ છીનવીને રાહુલને સોંપી ન શકાય તે કારણોસર એમનું રાજીનામું મંજૂર થયું નહીં.


ફિલ્મમાં જે કંઈ છે તે તો હીમશિલાનો દસમો હિસ્સો છે. કૉન્ગ્રેસની કરપ્ટ અને દેશવિરોધી નીતિ-રીતિઓનો બાકીનો ૯૦ ટકા હિસ્સો તો પાણી હેઠળ છે, કોઈને દેખાયો નથી હજુ સુધી. આવા બીજા અનેક સંજય બારુઓ બહાર આવશે ત્યારે એ હકીકતો પુરાવા સાથે બહાર આવશે.


આ ફિલ્મ મોદીના સમર્થકોએ જોવાની જરૂર નથી. કૉન્ગ્રેસના સમર્થકોએ આ ફિલ્મ ખાસ જોવી જોઈએ. મને ખાતરી છે કે ફિલ્મ જોયા પછી તેઓ હરદ્વાર જઈને ગંગામાં ડૂબકી લગાવીને પોતાના પાપ ધોઈને પ્રાયશ્ર્ચિત જરૂર કરશે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OssGE-MCDS-7cn3m7VqeAsJXZhpf%3DZ%2B1_tgGzCuTTCYpg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment