Thursday 31 January 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જે પરિવારમાં પુત્રવધૂ પારકી, તે પરિવારમાં પીડા સદાય પોતીકી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જે પરિવારમાં પુત્રવધૂ પારકી, તે પરિવારમાં પીડા સદાય પોતીકી!
ગુણવંત શાહ

 

 

 

ગાંધીયુગના ઓછા જાણીતા સંત કેદારનાથજી અમારી જાણમાં ત્રણેક વખત રાંદેરની મુલાકાતે આવેલા. એ ‌વર્ષોમાં તેઓ વ્યવહારશુદ્ધિ આંદોલન ચલાવતા હતા. સ્વરાજ્ય પછીનો એ પહેલો દાયકો હતો. એક વાર લોકસેવક શ્રીકાંત આપટેજીને ત્યાં એમણે ભોજન લીધેલું. ભોજનમાં કારેલાંનાં ઢેબરાં હતાં. ગાંધીયુગના પ્રખર ચિંતક શ્રી કિશોરલાલ મશરૂવા‌ળાના ગુરુસ્થાને કેદારનાથજી હતા. તેઓ સ્વામી આનંદના મિત્ર હતા.


કેદારનાથજી પથારીમાં પડે પછી એક પ્રયોગ રોજ કરતા. તેઓ પોતાની જાતને કહેતા: 'હું હવે થોડીક ક્ષણોમાં મૃત્યુને શરણે જઈ રહ્યો છું.' આપણા જેવા સામાન્ય માણસો પણ રોજ રાતે પથારીમાં પડીએ ત્યારે આપણી જીવતા હોવાની સભાનતા ધીમે ધીમે અચેતનના મહાસાગરમાં વિલીન થાય તે પહેલાં એક પ્રશ્ન જાતને પૂછવા જેવો છે: 'આજે મેં કેટલા લોકોને છેતર્યા?' આ પ્રશ્ન ઉત્કૃષ્ટ જીવનનું ઉદ્ઘાટન બની રહે એવો પૂરો સંભવ છે. સાચા હૃદયથી આ પ્રશ્ન જાતને પૂછ્યા પછી જો હિંમત બચે, તો બીજો એક ખતરનાક પ્રશ્ન પણ પૂછી શકાય: કોઈને છેતરવાથી મને ખરેખર શું મળ્યું? આ બે પ્રશ્નોની પજવણી ઊર્ધ્વમૂલ છે. આવી પજવણી શરૂ થાય પછી મંદિર-મસ્જિદ-ચર્ચ-પેગોડા-દેરાસર-ગુરુદ્વારા જવાની ઝાઝી જરૂર નહીં પડે. એક ઝેન સાધુએ કહ્યું હતું: 'ચર્ચમાં જશો નહીં, પરંતુ જ્યાં જાવ ત્યાં સાથે જ ચર્ચ લેતા જાઓ.'


મને ખલનાયકનો બહુ ડર નથી લાગતો. જો માણસ ખલનાયકથી ચેતીને ચાલવાનું રાખે તો બચી જાય છે. સંત તુલસીદાસે કહ્યું હતું: અસંતથી દૂર ભાગો. વાતે વાતે જૂઠું બોલનારા, બેવડું બોલનારા, નિંદા-કૂથલી કરનારા, કાન ભંભેરણી કરનારા કે પછી નનામા પત્રો લખનારા મીની ખલનાયકો દુનિયાને પોતાના છૂટક અત્યાચારોથી ઓછી નથી પજવતા. બદમાશ માણસો ઘણુંખરું હોશિયાર હોય છે અને એમનો બુદ્ધિ અંક (IQ) ઊંચો હોય છે. લખી રાખજો કે કોઈ બદમાશ બુદ્ધિનો ગરીબ નથી હોતો. એ કોઈને લાગમાં લે ત્યારે સામા માણસને ખબર પણ નથી પડતી કે ખરેખર સપડાવનાર કોણ છે. જીવનમાં નાની ચાલાકી મોટામસ ઉપદ્રવો સર્જે છે. હવે માણસને મારવા માટે તલવાર, બંદૂક કે બૉમ્બની જગ્યાએ નર્વ ગેસનો ઉપયોગ થવાનો છે.


એક માઇક્રો ગ્રામ નર્વ ગેસ પણ માણસોને મારી નાખવા માટે પૂરતો છે. કહે છે કે માત્ર દસ માઇક્રો ગ્રામ નર્વ ગેસ આખા ગામને ખતમ કરી નાખે છે. બદમાશ માણસોની ચાલાકી માઇક્રો ગ્રામમાં પણ માપી ન શકાય એટલી સૂક્ષ્મ હોય છે.


સાસુ પોતાની વહુ સાથે દીકરાની હાજરીમાં વાત કરે તેમાં અને દીકરાની ગેરહાજરીમાં વાત કરે તેમાં જે બારીક તફાવત હોય છે તે વિકરાળ હોય છે. આવા તફાવતને કારણે કેટલાંય ઘરો ઉજ્જડ થયાં હશે તેનો અંદાજ માંડવો મુશ્કેલ છે. આપણે કોઈની સાથે અમથી બે વાત કરીએ પછી એ વાતનો અંશ મીઠું-મરચું ભભરાવીને વિકૃત સ્વરૂપે કોઈ મિત્ર કે બોસને પહોંચાડવામાં આવે ત્યારે ઘણા ઉપદ્રવો સર્જાય છે. કાનગંદા મિત્રોથી અને સ્વજનોથી બચવા જેવું છે. જગતમાં કેટલીયે મિત્રતાઓનો અંત એક ગેરસમજને કારણે આવી જતો હોય છે. સીધેસીધી વાતચીત દ્વારા નિખાલસતાપૂર્વક આપ-લે થાય ત્યારે ઘણા ઉપદ્રવો ટળી જાય છે. આવી સીધેસીધી વાતચીત અત્યંત પવિત્ર બાબત છે કારણ કે નિખાલસતા પણ સત્ય જેટલી જ પવિત્ર છે.


આપણી ઑફિસોમાં ખટપટલીલા ચાલતી રહે છે. ચાલાક વ્યક્તિ શરૂઆતમાં ભારે ગળચટી લાગે છે. પ્રત્યેક બોસ એક બાબત ધ્યાનમાં રાખે તો આખી ઑફિસ બચી જાય છે. પોતાની ચેમ્બરમાં કોઈ જુનિયર કર્મચારી અન્ય સહકર્મચારી અંગે કાન ભંભેરવાનું શરૂ કરે ત્યારે એક જ વાક્ય ધરી દેવું જોઈએ: 'આપણે એમને જ બોલાવીને સ્પષ્ટતા કરી લઈએ તો કેમ?' તરત જ વાત ફિક્કી પડી જશે.


જંગલનું કોઈ પણ શિયાળ ચાલાક નથી હોતું. શિયાળ તો કેવળ શિયાળ જ હોય છે. જગતનો કોઈ પણ બગલો દંભી નથી હોતો. બગલો તો કેવળ બગલો જ હોય છે. કોઈ પણ હરણ ભોળું નથી હોતું. હરણ તો કેવળ હરણ જ હોય છે. કોઈ સિંહ કદી પણ જંગલનો રાજા નથી હોતો. સિંહ તો કેવળ સિંહ જ હોય છે. આપણી બદમાશીનો પ્રક્ષેપ શિયાળ દ્વારા પ્રગટ થાય છે. આપણા દંભને કારણે બિચારો બગલો અમથો વગોવાઈ જાય છે. આપણી અધિકારવાદી મનોવૃત્તિ જંગલના સિંહને લાગમાં લેતી જણાય છે.


આપણા સમાજમાં કેટલીક ખાસ જ્ઞાતિઓ ચાલાકી માટે જાણીતી થઈ છે. ચાલાકીને લલિતકલામાં ફેરવી નાખવામાં આવે ત્યારે એક દુર્ઘટના બને છે. જ્યાં ચાલાકીની આણ હોય, ત્યાં મૈત્રી મૃગજળ બની જાય છે. પટુતા હોય ત્યાં પરિશુદ્ધ પ્રેમ ટકી નથી શકતો. ચાલાક ગણાતી જ્ઞાતિઓ પૈસાદાર હોય એવું પણ બને છે. વાતચીત બેવડી, વ્યવહાર બેવડો, પૈસો બે નંબરનો અને કદાચ જીવન પણ બે નંબરનું! જે માણસને એક પણ સાચ્ચો મૈત્રીસંબંધ ન હોય એવા ગરીબ ધનપતિની તો દયા જ ખાવી રહી. એ બાપડો અંદરથી સાવ ખાલીખમ હોય છે. બોલીને ફરી જવું એ તો એને માટે સાવ સહજ હોય છે. એની સહાનુભૂતિમાં ગરમાટો નથી હોતો. એનો શબ્દ પીળો પડી ગયેલો હોય છે. માનશો? એ ધનપતિ પોતાની પત્નીને પ્રાપ્ત કરે છે, પણ પામતો નથી. એને સગાં તો ઘણાં હોય છે પરંતુ પ્રિયજનો નથી હોતાં.


માણસની અધ્યાત્મયાત્રાની શરૂઆત માનવ સંબંધોના પવિત્રીકરણ વગર શક્ય નથી. કોઈને સાફ સાફ કડવું કહીને છૂટો થઈ જનારો માણસ અળખામણો લાગે તોયે લાંબે ગાળે મોંઘો નથી પડતો. બનાવટી મીઠાશથી ભરેલી વાણી લાંબે ગાળે ખૂબ જ મોંઘી પડે છે. માણસે આવી વાણી સાંભળવા બદલ ક્યારેક બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. લોકો કિંમત ચૂકવે છે તોય નિખાલસ બનવાની શરૂઆત કરતા નથી. નિખાલસ થયા વગર પણ ધાર્મિક બની શકાય એવો ભ્રમ ખૂબ જ લોકપ્રિય છે. પશ્ચિમના લોકો આપણા જેટલા ધાર્મિક નથી હોતા, પરંતુ નિખાલસતાની બાબતમાં તેઓ આપણાથી ઘણા આગળ હોય છે. આપણી પોલી ધાર્મિકતા મંદિરોની ભીડ વધારતી જ રહે છે.


ઠેર ઠેર ચાલાકીનો અને બદમાશીનો ખેલ જોવા મળે છે. જગતમાં અટવાતી ચાલાકીની વિડિયો કેસેટ સાક્ષીભાવે નીરખવી એ પણ એક મનોરંજક કાર્યક્રમ જ ગણાય. આવી ટેવ કેળવાય પછી ક્યારેક ઓચિંતી એવી ક્ષણ આવે છે, જ્યારે આપણે આપણી ભીતર પડેલી ચાલાકીને પણ વિડિયો ફિલ્મની માફક સાક્ષીભાવે નિહાળી શકીએ છીએ. આવું બને તો જાણવું કે આપણી ચાલાકીનું આવી જ બન્યું! પછી ગીતા, ઉપનિષદ, કુરાન કે બાઇબલ વાંચવાની મજા જ અનોખી હોય છે. જીવનમાં જે મંદિર કે ચર્ચ રચાય તે ખરેખરું પવિત્ર હોય છે. ચાલાક હોવું એ ભારે ખોટનો ધંધો ગણાય.


જ્યારે જીવનમાં નિખાસલતાનું મંદિર રચાય, ત્યારે તીર્થયાત્રા પણ બિનજરૂરી બની રહે છે અને ઘરને મંદિરનો દરજ્જો પ્રાપ્ત થાય છે. આવા ઘરમાં પિયરથી કાયમને માટે આવેલી પુત્રવધૂ કદી દુ:ખી નથી હોતી. જે ઘરમાં પુત્રવધૂ દુ:ખી ન હોય તે ઘરમાં સ્વર્ગનું સુખ સહજપણે અટવાતું રહે છે. પુત્રવધૂને દીકરીનો દરજ્જો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાસુ, સસરા, નણંદ કે માસીસાસુ અને ફોઇસાસુ નિરાંત ભોગવતાં નથી હોતાં. પરિવારની કેમિસ્ટ્રી સુખ નામનો પદારથ પામે તેનું આ રહસ્ય છે.

 


પાઘડીનો વળ છેડે

ફૂલ તો ફૂલ હૈં આંખો સે ઘિરે રહતે હૈં,
કાંટે બેકાર હિફાજત મેં લગે રહતે હૈં.
દેખના સાથ હી છૂટે ના બુઝૂર્ગો કા કહીં,
પત્તે પેડોં પે લગે હો તો હરે રહતે હૈં.

-ડૉ. વસીમ બરેલવી


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otrsz2NqNrQQW0%2BuT6vg5gN0egwzBf%2B%3D4L6PgiB-ERs-A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment